વીક એન્ડ

જેસન પેજેટ ‘ઈચ્છવાયોગ્ય આપત્તિ’નું અવનવું ઉદાહરણ

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

કેટલીક આપત્તિને ઇષ્ટ આપત્તિ’ એટલે કે ઈચ્છવા યોગ્ય આપત્તિ ગણવામાં આવે છે.
સમજાયું?

નહીંને ? અંગ્રેજીમાં સમજવું હોય તો એક ઉક્તિ યાદ કરો. : blessing in disguise’ અર્થાત આશીર્વાદરૂપ બનેલી આપત્તિ!
ખાસ કરીને કોઈ લાંબા ગાળાની, ગંભીર શારીરિક સમસ્યા આવી પડે ત્યારે માણસ બઘવાઇ જાય છે, પણ આપણા શરીરનું બાયોકેમિકલ બંધારણ એવું છે કે કેટલીક
વાર અમુક પ્રકારની શારીરિક સમસ્યાને પ્રતાપે કોઈ ભળતી જ પરિસ્થિતિ ઊભી થઇ જાય, જે સરવાળે પેશન્ટ માટે ‘લાભકારક’ સાબિત થાય. આજે આવી જ એક ઘટના વિશે વાત-ચર્ચા કરવી છે.

અમેરિકાના અલાસ્કાના રહેવાસી જેસન પેજેટનું જીવન નોર્મલ હતું. કોઈ પણ દેશના વિદ્યાર્થીઓનો સર્વે કરો તો એક વિશાળ વર્ગ એવો જડી આવશે, જેને ગણિતના વિષય સાથે ખાસ કોઈ લગાવ ન હોય. જેસન પેજેટ આવો જ એક યુવાન હતો, પરંતુ એક દિવસ કશુંક એવું બની ગયું, જેને કારણે જીવનમાં ડ્રામેટિક-નાટ્યત્મક ટ્વિસ્ટ- વળાંક આવ્યો.

જેસનને ગણિતમાં કોઈ ટપ્પો પડતો નહોતો, ટપ્પો પાડવામાં એને કોઈ રસ પણ નહોતો. બાદ અકસ્માત થયા પછી ‘અચાનક’ એવો ‘ચમત્કાર’ થયો કે જેની સાથે બાપે માર્યા વેર હતા એવા ગણિતના વિષયમાં જેસનભાઈ ‘ધૂરંધર’ તરીકે ખ્યાતિ પામ્યા!
જીવનમાં બનતી અમુક ઘટના સામાન્ય માનવીની સમજ બહારની હોય છે. જેસનના જીવનમાં આવું જ કશુંક બન્યું હતું. આમ તો જેસનને બિઝનેસમાં રસ હતો અને એમાં જ એનું જીવન બરાબર પસાર થઇ રહ્યું હતું ત્યાં પણ ૨૦૦૧માં એક ઘટના બની.

૧૨ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ જેસન એક પાર્ટીમાં જવા માટે ઘરેથી નીકળ્યો. અમેરિકન જુવાનીઆ પાર્ટી કરે એટલે એમાં થોડો ઘણો નશો તો કર્યો જ હોય. એ પાર્ટીમાં બીજાની જેમ એણે પણ પેગ માર્યા હશે. બની શકે કે પાર્ટીમાંથી ઘેર પરત થઈ રહેલા જેસનભાઈ પણ ‘રાજાપાઠ’માં હોય. ચોક્કસ કારણ કોઈને ખબર નથી, પણ માર્ગમાં કેટલાક મવાલીઓ સાથે જેસનને બબાલ થઇ ગઈ. વાત વધીને મારામારી સુધી પહોંચી ગઈ. મવાલીઓએ ભેગા થઈને જેસનને ફટકાર્યો. એના માથામાં ગંભીર ઈજા થઈ એટલે તાબડતોબ હોસ્પિટલમાં દોડવું પડ્યું.

લાંબી સારવાર પછી ડોક્ટરોએ એનો જીવ બચાવી લીધો. તેના ઘા રૂઝાઈ ગયા હતા , પરંતુ માથામાં પહોંચેલી ગંભીર ઈજાને પરિણામે એના વર્તનમાં કેટલાક ફેરફાર થયા હતા. જેસનને સાજા થવાની સાથે એને ‘ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર’ (OCD) ની સમસ્યા ઊભી થઇ. આ એક એવી માનસિક અવસ્થા છે, જેમાં વ્યક્તિ અનિચ્છાએ પણ અમુક પ્રકારનું વર્તન વારંવાર કરતી જ રહે. કોઈકને સ્વચ્છતાને લઈને OCD હોય તો એ પોતાના વસ્ત્રો, રૂમ, ફર્નિચર વગેરે સતત સાફ કરતા રહેશે. OCD નો ભોગ બનેલા જેસનને એવી સમસ્યા હતી કે કોઈ વ્યક્તિ એની વધુ નજીક આવે તો જેસન હાથ ધોવાનું શરૂ કરી દેતો! આટલું ઓછું ન હોય એમ થોડા સમયમાં એક નવી ‘સમસ્યા’ ઊભી થઇ. જેસનના કહેવા પ્રમાણે સાજા થયાના થોડા સમય બાદ એને આસપાસની બધી જ વસ્તુઓ એને ભૂમિતિના આકારમાં દેખાવા માંડી! નાનાં બાળકો જેમ આકાશનાં વાદળોમાં ચહેરા દેખાતા હોવાની કલ્પના કરે, એ રીતે જેસન વિવિધ વસ્તુઓમાં વર્તુળ, ત્રિકોણ અને રેખાઓ જેવાં અનેક ભૌમિતિક આકારો જોતો થઇ ગયો…!

એ સતત ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિશે જ વિચારો કરવા માંડ્યો! OCD ની સમસ્યાને કારણે જેસન વધારે સમય એકાંતમાં જ રહેવાનું પસંદ કરતો, એમાં વળી નવા વિષયોમાં રસ જાગ્યો. અને સોનામાં સુગંધ ભળે એમ ઈન્ટરનેટનો સાથ મળ્યો.

બસ, ફિર કયા?

જેસન પેજેટ ભાઈ તો બરાબર મચી પડ્યા અને ઈન્ટરનેટના માધ્યમથી ગણિત અને ભૌતિકશાસ્ત્રનો ઓનલાઈન અભ્યાસ શરૂ કર્યો. ગણિત પ્રત્યેના શોખને કારણે તેણે કોમ્યુનિટી કોલેજમાં એડમિશન પણ લીધું.

લેકિન યે સબ હુઆ કૈસે?!

જેસન પેજેટને પોતાને પણ આ પ્રશ્ર્ન મૂંઝવી રહ્યો હતો. જીવનમાં એક જબરદસ્ત બદલાવ આવી ગયો હતો. અત્યાર સુધી અછૂતા રહેલા વિષયોમાં અચાનક રસ પડ્યો, અને ગણિત પોતે ય જાણે એની રાહ જોઈને જ બેઠું હોય એ તરત જેસનના મગજ પર સવાર થઇ ગયું. ભૌતિકશાસ્ત્ર પણ સામેથી આવીને ભાઈબંધી કરી ગયું!

જેસન પણ ખુદ મનોમન બબડ્યો હશે:
‘કુછ તો ગરબડ હૈ, દયા! ’ પોતાનામાં આવા અચાનક બદલાવને સમજવા માટે એણે ડોકટર્સનાં પગથિયા ઘસવાનું શરૂ કર્યું. આખરે એની મુલાકાત થઇ ન્યુરોસાયન્ટિસ્ટ બેરીટ બ્રોગાર્ડ સાથે. ડો બેરીટે જેસનની વાત ધ્યાનથી સાંભળી. કેસ પેપર્સ અને અકસ્માત બાદ જેસનમાં આવેલા બદલાવનો તલસ્પર્શી અભ્યાસ કર્યા બાદ ડો બેરીટ બ્રોગાર્ડને જેસનના જીવનમાં ઘટેલી blessing in disguise વાળી આખી ઘટના બરાબર સમજાઈ ગઈ!

હકીકતે જેસન પેજેટ પોતાના મસ્તિષ્કમાં થયેલી ગંભીર ઈજાને પરિણામે ‘સિનેસ્થેસિયા’ (Synesthesia)નો શિકાર થયો હતો.

આ સિનેસ્થેસિયા એ કોઈ રોગ અથવા માનસિક વિકાર નથી, પરંતુ એક દુર્લભ અને અત્યંત જટિલ ગણાતી ન્યુરોલોજીકલ સ્થિતિ છે, જેમાં વ્યક્તિની એક કરતાં વધુ ઇન્દ્રિયો એકસાથે કામ કરવાનું શરૂ કરે છે. આવી વ્યક્તિની એક ઇન્દ્રિય જ્યારે કાર્યાન્વિત અથવા ઉત્તેજિત થાય ત્યારે અન્ય ઇન્દ્રિય પર પણ એની અસર થાય છે. પરિણામે સિનેસ્થેસિયાનો ભોગ બનેલી વ્યક્તિ પોતાની આસપાસના વાતાવરણને નોર્મલ માણસો કરતાં અલગ રીતે જુએ છે. જો સિનેસ્થેસિયાથી પીડિત વ્યક્તિ સાથે તમે કોઈ ગીત-સંગીતના જલસામાં જાઓ, તો શું થશે ખબર છે? તમને સંગીત સારું કે ખરાબ લાગશે, જ્યારે તમારા પેલા મિત્રને ચોરસ અથવા ત્રિકોણ લાગશે! (આ ઉદાહરણ માત્ર સાદી સમજ પૂરતું છે.)
કેટલાક વળી સંગીત સાંભળતી વખતે એને ચોક્કસ રંગ તરીકે જોવાનું શરૂ કરે છે અથવા ખોરાકના સ્વાદને વિવિધ આકાર સાથે સાંકળે છે. જેસન પેજેટને આ જ કારણોસર ઠેર ઠેર ભૌમિતિક આકારો દેખાવા માંડેલા! સંશોધકો હજુ સુધી સ્પષ્ટપણે જાણતા નથી કે સિનેસ્થેસિયા કેટલું સામાન્ય છે.

આમાં રાહતની વાત એ છે કે સિનેસ્થેસિયાથી કોઈ ખાસ નુકસાન થતું નથી. પણ હા, સંગીતના જલસામાંથી છૂટા પડતી વખતે તમે મિત્રો વચ્ચે જાહેરાત કરો કે મને તો પેલા ચોરસ ગીત કરતાં ત્રિકોણ આકારનું ગીત વધુ ગમ્યું..! તો મિત્રો તમને નશેડી માની લે એવી સંભાવના રોકડી!

… અને જેસને પછી શું કર્યું?
જેસન પેજેટે પોતાનું નવું જીવન સહર્ષ સ્વીકારી લીધું છે.

પહેલા જે આર્ટવર્કસ
બનાવવાનો એનો બિઝનેસ હતો એ એણે ચાલુ રાખ્યો છે. ઉલટાનું હવે એના આર્ટને ચાર ચાંદ લાગી ગયા છે, કેમ કે સિનેસ્થેસિયાને કારણે જેસનને જે શેપ્સ પોતાની આસપાસ દેખાય છે એને પણ એણે પોતાની કલાકૃતિઓમાં ઉતારવાનું શરૂ કર્યું છે. લોકોને પણ આ કૃતિઓ ગમે છે. અકસ્માત અને એ પછીના ઘટનાક્રમ વિષે જેસને એક પુસ્તક પણ લખ્યું છે અને જાણીતા ટોક શો ઝઊઉડ માં પણ પોતાના બદલાયેલા જીવન વિષે પ્રવચન આપી આવ્યો છે.

ટૂંકમાં, મારામારીની પેલી ઘટનાને પ્રતાપે બદલાઈ ગયેલા પોતાના જીવનથી જેસન ખૂબ ખુશ છે. પોતાના પર હુમલો કરનાર મવાલીને એ ઓળખી ગયો હોવા છતાં પોલીસ આગળ એણે ઓળખ છતી નથી કરી. વેરભાવ રાખવાને બદલે એણે મવાલીઓને માફ કરી દીધા છે. એ પછી જેસનને માથામાં ફટકો મારનારા પેલા મવાલીનું પણ હૃદય પરિવર્તન થયું, અને એણે જેસનની માફી માંગતી ચિઠ્ઠી લખી…! આમ કેટલીક દુર્ઘટના ખરા અર્થમાં બહયતતશક્ષલ શક્ષ મશતલીશતય બની જતી હોય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત