વીક એન્ડ

જલ્સા કરવાં કાજે મને બ્રિજ બાંધવા, બંધાવવાનાં કોડ

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

(૧)
‘ગુજરાતમાં આ સાતમો પુલ ધરાશાઇ થયો.’

‘હા તો?’

‘હજુ તો બનતો હતો. તપાસ હાથ ધરવામાં આવે કે બન્યા પહેલા જ કેમ તૂટ્યો.’

‘પોઈન્ટ તો છે પણ તો શું?’

‘બે ઘરનાં ચૂલા ઠરી ગયા.’

તમારો આ જ વાંધો છે. એટલા બધા નેગેટિવ થઈ ગયા છો કે એક પણ સકારાત્મક પાસુ તમને દેખાતું નથી.બે જણાના ચૂલા બંધ થયા તો સામે એ વિચારો કે પુલ બનાવવાના વિચાર આવવા માત્રથી પડ્યા સુધીની યાત્રામાં કેટલા ઘરના ચૂલા સળગ્યા. કોન્ટ્રાકટરથી લઇને નેતા સુધી આનંદની લહેરો પ્રસરી ગઈ હતી.

મુકો લપ અત્યારે દિવાળી આવી રહી છે અને જરૂરિયાત કેમ પૂરી થાય તે બાબતે આપણે ભેગાં થયાં છીએ. આવી અગત્યની ચર્ચામાં તમે નાના મોટા નુકસાનને અગત્યતા આપી મિટિંગમાં ધ્યાન ભંગ કરાવો તે વ્યાજબી નહીં.

આ બધી બાબતો ગૌણ છે અગત્યની ચર્ચા એ છે કે કોની કેટલી જરૂરિયાત છે.

જે વાચકોને સમજાતું ન હોય તેમને જણાવી દઉં કે દિવાળી આવી રહી છે. અને તે પછી લગ્નગાળો પણ પુરજોશમાં છે. તેવા સંજોગોમાં ગરીબ અમલદારો અને ગરીબ નેતાઓ પોતાના બે છેડા કંઈ રીતે ભેગા કરી શકે? આવી ગંભીર બાબતોની ચર્ચા ચાલુ છે.

પટાવાળો આવી અને રાઉન્ડ ટેબલમાં બેઠેલા તમામ લાભાર્થીઓની સામે કાજુ બદામ પિસ્તાના બાઉલ ભરી અને મૂકી ગયો ઉપસ્થિત લાભાર્થીઓએ એક જેમ બે નો રેશિયો શરૂ કર્યો. એટલે કે એક મોઢામાં અને બે ખિસ્સામાં. અમુક કે પોતાના બાઉલ સંતાડી બીજાના બાઉલમાં હાથ નાખવાનો શરૂ કર્યો. સૂકા મેવાનું ભર પેટ ભોજન કર્યા બાદ સૂચના અપાઈ ગઈ કે હવે જમાશે નહીં બધાના ટિફિન ગાડીમાં મુકાવી દે.

અચાનક દેકારો થઈ ગયો કે મંત્રીશ્રી આવી રહ્યા છે. ભર બપોરે પણ ડોલતા ડોલતા મંત્રી બે જણના ટેકા સાથે ખુરશી પર બિરાજમાન થયા અને સીધા મુદ્દા પર આવ્યા. શા માટે ભેગા થયા છીએ તે ખબર છે, બોલી જાઓ કોની જરૂરિયાત કેટલી?

તરત જ વાત આવી કે આ વખતે તહેવારો વધારે છે વળી લગ્નગાળો પણ પુરજોશમાં છે લગભગ નાનાં બાળકો મોટાં થઈ ગયાં છે એટલે ઘરે પ્રસંગ છે તો વાજતે ગાજતે ઉજવાય એટલી રકમ તો જોઈએ ને?

લગભગ અમારા આંકડા એવું કહે છે કે જો એકાદ હજાર કરોડનો પ્રોજેક્ટ પડે તો બધાની માગણી પૂરી થઈ જાય તો સર્વ પ્રથમ હજાર કરોડ વાપરવા માટેના પ્રોજેક્ટનું સૂચન કરો હજી તો વાક્ય પૂરું થાય ત્યાં સૂચનો આવવા લાગ્યા મોટું તળાવ બનાવીએ. તરત જ તેનો વિરોધ થયો કે કોના ગામમાં બનાવવું? દરેક લોકો પોતાના ભાગ માટે થઈ અને ડિમાન્ડ મુકશે. વળી આપણે બે ત્રણ જગ્યાએ તળાવનું બ્યુટીફિકેશન કર્યું છે, પરંતુ ચાર પાંચ વર્ષ થયા આપણે તેમાં પાણી ભરી શક્યા નથી. વિરોધ પક્ષ જો આ મુદ્દો ઉછાળે તો? તળાવ કેન્સલ. બીજો કહે નાના ડામરના રસ્તાઓનો પ્રોજેક્ટ મૂકો. ત્યાં તો ત્રણ ચાર જણા થોડીવાર પહેલા જ ઉલાળેલા કાજુ બદામને કારણે ઠેકડો મારી અને ટેબલ પર આવી ગયા. શું રોડ રસ્તા? એમાં એટલા બધા રૂપિયાની જરૂર પડે? તાજેતરમાં જ થીગડા માર્યા છે. અને રસ્તા બનાવીએ છીએ એટલે નેતાઓની શેરી ગલીમાં હાઇવે કે ગામનો ડામર વપરાઈ જાય છે. એટલે એ પણ રહેવા જ દ્યો.

તો શું કરવું તરત જ જૂની ધાધર જેવા નેતા ખંધુ હસી અને એટલું જ બોલ્યા,જૂનું એ સોનું. કોઈ રસ્તો શોધો જેની પર પુલ બાંધી શકાય.

તાળીઓના ગડગડાટ સાથે આ વાત કરવાનું મતે પ્રસંગોને ધ્યાનમાં લઇ અને સ્વીકારી લેવામાં આવી. ક્યાં થશે તે તો પછી નક્કી કરીશું, પરંતુ ૧૦૦૦ કરોડનો પુલ બનશે તે નક્કી છે. તો કોન્ટ્રાક્ટ કોને આપવો તે નક્કી કરીએ. ખૂણામાં બેઠેલા ફાલતુ ક્ધસ્ટ્રક્શનના માલિકે પોતાની આંગળી ઊંચી કરી. આંગળીમાં જાડો સોનાનો વીટો દરેક લોકોએ જોયો અને તાળીઓના ગડગડાટ થયા નેતાએ કહ્યું કે એક મિનિટ, ફાલતુ ક્ધસ્ટ્રક્શન અગાઉ બ્લેક લિસ્ટેડ થયેલ છે. તરત જ કોન્ટ્રાક્ટરે કહ્યું કે સાહેબ આ પ્રોજેક્ટમાં ‘ડબલ બ્લેક લિસ્ટેડ’ કરજો, પરંતુ તમારા બધાનું કામ સરસ રીતે પાર પાડી શકે તેવી બીજી કોઈ કંપની નહીં મળે. મારા કંપનીના માર્કેટિંગ મેનેજર જ દરેક ચેકમાંથી સરખા ભાગ પાડી અને ટાઈમ ટુ ટાઈમ દરેકને ભાગ પહોંચાડી દે છે. આવી સર્વિસ બીજી કોઈ કંપની આપે છે? આ બધું અમે અમારા ૬૦% માંથી કાર્ય પૂરું કરી પુલ બાંધીએ છીએ અને ૪૦ ટકા તમને લોકોને આપી દઈએ છીએ. આશા રાખું છું કે પ્રમાણિકતાથી આ પુલના કાર્યમાં પણ આ રેશિયો જળવાઈ રહેશે. નેતાએ તરત જ ઊભા થઈને કહ્યું કે નહીં ચાલે, તમારી કંપનીને કામ ન આપી શકાય. મારે જનતાને જવાબ દેવાનો હોય છે. કોન્ટ્રાક્ટરે નેતાના કાનમાં ગુસપુસ કરવા ગરદન ઝુકાવી.સાંભળવા નેતાએ ગરદન જુકાવી. વચેટિયાએ દસ તોલાનો ચેન ગરદન ટુ ગરદન નેતાર્પણ કર્યો. ઊંડો શ્ર્વાસ લઈ નેતાએ પ્રશ્ર્નનું નિરાકરણ શોધ્યું. તમારી ક્ધસ્ટ્રક્શન કંપનીનું નામ બદલવું પડશે. આ વખતે ફાલતું ક્ધસ્ટ્રકશન નહીં, પરંતુ પાલતુ ક્ધસ્ટ્રકશનને કોન્ટ્રાક્ટ મળશે. અને ૬૦-૪૦નો રેશિયો પણ એમનો એમ રહેશે. માત્ર ટકાવારી જેને જે મળતી હતી તે ઊંધી થઈ જશે. ૪૦ ટકામાં કામ કરવું હોય તો આંગળી ઊંચી કરો નહીં તો મૂંડી નીચી કરો અને ચાલતી પકડો.

કોન્ટ્રાક્ટરએ તરત જ મૂંડી નીચી કરી અને આંગળી ઊંચી કરી. આંગળી નીચી નક્કી કરે તે પહેલા જ નેતાના પર્સનલ સેક્રેટરીએ આંગળીની વીંટી કાઢી લીધી અને તેને સાઇનિંગ એમાઉન્ટ ગણી કોન્ટ્રાક્ટર પાલતુ કંપનીને મળે છે તેવી જાહેરાત પણ કરી દીધી. આગળ જોઈશું કે ૫૦૦કરોડના પ્રોજેકટને એક હજાર કરોડ સુધી કઈ રીતે પહોંચાડવો. (ક્રમશ:)

વિચારવાયુ
ગુજરાતીમાં ‘પુલ’નો અર્થ ‘બ્રિજ’ થાય છે. અંગ્રેજીમાં ‘પુલ’નો અર્થ ‘ખેંચવું’ એવો થાય છે. અમુક નેતાઓ, અમલદારો રૂપિયા ખેંચવામાં જ પડ્યા છે ને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button