વીક એન્ડ

યહ ભી મુમકિન નહીં કિ મર જાયેં, ઝિન્દગી આહ કિતની ઝાલિમ હૈ?

ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી

મૈં હંસતા હૂં દિનભર, મૈં રોતા હૂં રાતભર,
ખુદા જાને મુઝકો યહ ક્યા હો ગયા હૈ.
*
જો સચ પૂછો તો દુનિયામેં ફક્ત રોના હી રોના હૈ,
જિસે હમ ઝિન્દગી કહતે હૈં કાંટો કા બિછોના હૈ.
*
હમકો જિસકા ગમ હૈ, ઉસકો કુછ હમારા ગમ નહીં,
યહ મુસીબત ઉમ્રભર રોને કો ભી કુછ કમ નહીં.
*
મૌસમે-ગુલમેં સિતમ હાય ખિઝાં યાદ ન કર,
ચન્દ ઘડિયાં હૈ ખુશી કી ઈન્હેં બરબાદ ન કર.

  • અખ્તર અન્સારી
    “હું ખૂબ ઝડપથી જીવનનો રસ્તો કાપી રહ્યો છું. મારા મકાનથી માત્ર ૧૦૦ પગલાં દૂર મારી ટ્રેનિંગ કોલેજ છે. ત્યાં સુધી હું પહોંચી ગયો છું. ટ્રેનિંગ કોલેજથી નજીક જ કબ્રસ્તાન છે. દરેક માણસની હોય છે તેમ તે મારી છેલ્લી મંઝિલ હશે. મારી ઉંમર વૃદ્ધત્વ તરફ ધકેલાતી જાય છે. વાળ સફેદ થઈ ગયા છે. આંખોમાં ઝાંખપ આવી ગઈ છે અને ચહેરા પરથી ઘડપણ ટપકી રહ્યું છે. મારી જિંદગી ખૂબ જ જાલિમ સાબિત થઈ છે. નિરાશા, નિષ્ફળતા, તનાવ, ગડમથલ, દ્વિધા અને સંઘર્ષથી ઘેરાયેલા ઉર્દૂ શાયર અખ્તર અન્સારીએ તેમના એક જિગરી દોસ્તને પોતાની વ્યથા ઠાલવતા એક પત્રમાં ઉપર મુજબ લખ્યું હતું.

  • દુ:ખ, દર્દ, વ્યથા, પીડાથી સભર જીવન જીવી જનાર આ શાયરનો જન્મ ઉત્તર પ્રદેશના બદાયૂમાં ૧ ઑક્ટોબર, ૧૯૦૯ના રોજ થયેલો. તેમના પિતા દિલ્હીમાં સિવિલ સર્જન હતા. તેથી અખ્તરે દિલ્હીમાં જ શિક્ષણ મેળવ્યું. તેમણે ઈ. સ. ૧૯૩૦માં મિશન કોલેજમાંથી ઈતિહાસના વિષય સાથે બી.એ. (ઓનર્સ) કર્યું હતું. તેમના પિતાની ઈચ્છા અખ્તરને સિવિલ પરીક્ષા માટે લંડન મોકલવાની હતી. પણ પિતાનું અચાનક અવસાન થતાં પરિવારના ભરણપોષણનો ભાર અખ્તર પર આવી પડ્યો. કેટલાય અવરોધો વચ્ચે રસ્તો કાઢી ઉચ્ચ અભ્યાસ માટે તેમણે લંડન તરફ પ્રયાણ કર્યું, પરંતુ નસીબે તેમને સાથ ન આપ્યો. તેમની પાસે જે કાંઈ મૂડી હતી તે ગુમાવીને અખ્તરે ભારત પાછા ફરવું પડ્યું. આમતેમ રઝળપાટ કર્યા પછી તેમણે બી.ટી.ની ડિગ્રી મેળવીને મુસ્લિમ યુનિવર્સિટીની હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી મેળવી. તેમાં તેમને જરાય રસ નહોતો છતાં મજબૂરીને લીધે તેમણે આ નોકરીનો સ્વીકાર કરી લીધો.
    ઈ. સ. ૧૯૪૭માં તેમણે એમ. એ. કર્યું, નોકરી પણ મળી. પરંતુ કમનસીબીના કંટકો ત્યાં પણ પથરાયેલા હતા. તે વખતે હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા થતા તેમની પોસ્ટ રદ થતા તેમને ફરીથી શાળામાં શિક્ષક તરીકે જવાનો હુકમપત્ર મળ્યો. આ ઘટનાથી તેમના શાયર દિલને ખૂબ જ ઠેસ પહોંચી હતી. આથી આ શાયર એકાન્તપ્રિય અને અટૂલા થઈ ગયા. ‘અંદલીબ’ શાદાની નામના તેમના શાયર-દોસ્તે મહિનાના રૂ. ૪૮૦ મળે તેવી અધ્યાપકની નોકરી માટે અખ્તરને ઢાકા બોલાવ્યા હતા. છતાં તેઓ ત્યાં પણ ગયા નહીં. તેમણે કારણમાં એમ જણાવ્યું: “વર્ષોની શાંતિ મૂકીને પથ્થર સાથે માથું પછાડવા હું ત્યાં શા માટે આવું? આ પ્રકારની કશ્મકશ વચ્ચે છેવટે તેમને અલીગઢની ટ્રેનિંગ કોલેજમાં કાયમી ધોરણે વ્યાખ્યાતાની નોકરી મળી.

  • અખ્તર સાહેબની ગઝલો, નઝમો, ગીતો, શે’ર અને કત્આતનાં ૪ પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં ‘આબગીને’, ‘ખન્દએ-સહર’, ‘રૂહે-અસર’ અને ‘ખૂનાબ’નો સમાવેશ થાય છે. તેઓ શાયર હોવા ઉપરાંત વાર્તાકાર અને વિવેચક હતા. તેમની વાર્તાઓનાં ૩ અને વિવેચનનાં ૩ પુસ્તકો પ્રગટ થયેલ છે. ૫ ઑક્ટોબર, ૧૯૮૮ના રોજ દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું.
    આ શાયરના શાયરાના હૃદયની વ્યથા કેવી રીતે શાયરીમાં ઠલવાય છે તેનું આચમન કરીએ:
    ઉ યે શાયરી નહીં હૈ, તમન્ના કી કબ્ર પર,
    તામીર એક તાજમહલ કર રહા હૂં મૈં.
    આ કાંઈ (મારી) શે’ર-શાયરી નથી. હું (મારી) તમન્નાની કબર પર એક તાજમહેલનું નિર્માણ કરી રહ્યો છું.
    ઉ જહાં કે ગુલકદે સે ઐ કઝા મુઝે લે ચલ,
    મેરા વજૂદ યહાં ખાર-સા ખટકતા હૈ.
    એ મૃત્યુ! વિશ્ર્વના બગીચામાંથી તું મને ક્યાંય દૂર લઈ જા. અહીં મારી ઉપસ્થિતિ (સૌને) કંટકની માફક ખૂંચ્યા કરે છે.
    ઉ કદમ ઉઠાઓ કે પૈદા કરે નઈ રાહેં,
    કહાં તલાશ કરેં હમ નિશાં મિટાયે હુએ.
    ભૂંસી નાખેલા પગલાંની છાપને હવે ક્યાં શોધશું! હવે તો (આપણાં) ચરણોને ઉપાડો, જેથી નવા રસ્તાઓનું સર્જન થઈ જાય!
    ઉ સિતમ સહે નહીં જાતે ભરી જવાની કે,
    મૈં ઈબ્તિદાએ-જવાની મેં મર ગયા હોતા.
    આ ભર જવાનીમાં મારાથી કષ્ટો સહન થતાં નથી. આના કરતા તો હું જવાનીના આરંભમાં જ મરી પરવાર્યો હોત તો કેવું સારું થાત!
    ઉ મૈંને ભી ઈક બનાઈ હૈ દુનિયા યહાં સે દૂર,
    ઐસા ભી ઈક જહાન હૈ, જિસકા ખુદા હૂં મૈં.
    મેં પણ અહીંથી દૂર એક (નવા) વિશ્ર્વની રચના કરી છે. મેં એવી દુનિયા ઊભી કરી છે જેનો હું અધિપતિ છું.
    ઉ મેરે ધડકતે હુએ દિલ પે હાથ રખ દે કોઈ,
    કિ આજ થોડી સી તસ્કીન ચાહતા હૂં મૈં.
    મારા ધબકતા હૃદય પર કોઈ હાથ રાખે તો કેવું સારું! કેમ કે આજે મને થોડાક સાંત્વનની જરૂર છે.
    ઉ હસીન યાદોં કી શમ્એં મુઝે જલાને દો,
    મઝાર હૈ મેરે સીને મેં આરઝૂઓં કે.
    સુંદર સ્મરણોના દીપકો મને પેટાવવા દો. મારી છાતીમાં આશાઓની કબર છે. (જેથી ત્યાં ઉજાસ ફેલાય)
    ઉ ક્યા યાદ કર કે ઈશરતે-રફતા કો રોઈયે,
    ઈક લહેરથી કિ નાચતી-ગાતી નિકલ ગઈ.
    ભૂતકાળના આનંદને વાગોળીને ક્યાં સુધી રડવા બેસીએ? તે એક મોજું હતું જે નાચતું-ગાતું (આપણી વચ્ચેથી) પસાર થઈને ચાલ્યું ગયું.
    ઉ ‘અખ્તર’ યહ ગમ કે દિન ભી ગુઝર જાયેંગે યૂં હી,
    જૈસે વો રાહતોં કે ઝમાને ગુઝર ગયે.
    જેવી રીતે પેલા રાહતના દિવસો પસાર થઈ ગયા તેવી રીતે આ દુ:ખના દિવસો પણ વ્યતીત થઈ જશે તેવી મને શ્રદ્ધા છે.
    ઉ મેરે દિલે-માયૂસ મેં ક્યૂં કર ન હો ઉમ્મીદ,
    મુરઝાયે હુવે ફૂલ મેં ક્યા બૂ નહીં હોતી?
    મારા નિરાશ હૃદયમાં શા માટે આશા ન હોય? કરમાઈ ગયેલાં ફૂલમાં શું ગંધ નથી હોતી?
    ઉ નૌજવાની થી ઝિંદગી દરઅસ્લ,
    યૂં મૈં જીને કો સારી ઉમ્ર જિયા.
    જીવવા ખાતર ભલે હું આખું જીવન જીવ્યો. પણ સાચું પૂછો તો યુવાનીનો સમય જ ખરી જિંદગી હતી.
    ઉ જો ઝિંદગી થી અસ્લ મેં ‘અખ્તર’ વોહ કટ ગઈ,
    જીને કી શર્મ રખને કો અબ જી રહા હૂં મૈં.
    જે સાચું જીવન હતું તે તો ક્યારનું પૂરું થઈ ગયું. હવે તો જીવવાની લાજ રાખવા માટે હું જીવી રહ્યો છું.
    ઉ ઝિંદગી ભર કી અઝીયત હૈ યહ જીના યા રબ!
    એક-દો દિન કી મુસીબત હો તો કોઈ સેહ લે.
    એ ખુદા, એકાદ-બે દિવસની તકલીફ હોય તો તેને સહન કરી લઈએ. આ જીવવું એ તો જીવનભરનું દુ:ખ-દર્દ છે.
    ઉ જિસ કી વીરાનિયાં હૈં રશ્કે-બહાર,
    મૈં વો ઉજડા હુવા ગુલિસ્તાં હૂં.
    જેનું નિર્જનપણું – વેરાની પણ વસંતની ઈર્ષ્યાનું કારણ બને છે એવો હું વેરાન બગીચો છું.
    ઉ અગર અશ્કોં સે ભી કોઈ ન સમઝે મુદ્દઆ ઈન કા,
    તો ઈસ સે આગે હૈં મજબૂર મેરી બેઝબાં આંખેં.
    આંસુઓને જોઈને પણ જો તેનો અર્થ કોઈ ન સમજી શકે તો પછી (આ બધું સમજાવવા) મારી મૂંગી આંખો લાચાર છે.
    ઉ અલ્લાહ યે શગુફતગી-એ-હુસ્ન કી બહાર,
    ગોયા ચમન મેં ફૂલ ખિલા હૈ ગુલાબ કા.
    આ મોહક સૌંદર્યની વસંત તરફ નજર કરો. બગીચામાં જાણે ગુલાબ ખીલ્યું હોય તેવું લાગી રહ્યું છે!
    ઉ ગમ કે સદમે ઉઠાયે હૈં બરસોં,
    તબ મસર્રત કી કદ્ર જાની હૈ.
    અમોએ તો દુ:ખના આઘાતો કેટલાયે વરસો સુધી સહન કર્યે રાખ્યા. ત્યારે હવે અમને આનંદનું મૂલ્ય સમજાવા માંડ્યું છે.
    ઉ મુબ્તિલાયે-દર્દ હોને કી યે લજ્જત દેખિયે,
    કિસ્સયે-ગમ હો કિસી કા, દિલ મેરા ધક ધક કરે.
    વેદનામાં સંડોવાઈ જવાની મજા તો જુઓ. દુ:ખ દર્દના કિસ્સા ભલે કોઈ બીજાના હોય પણ તે સાંભળતા હૃદયના ધબકારા તો મારા વધી જાય છે.
    ઉ કામયાબી મુહાલ હૈ ‘અખ્તર’!
    ઝૌક ઈતના બુલંદ રખતા હૂં.
    હું (મારી) રુચિ જ એવી ઉચ્ચ કક્ષાની રાખું છું કે મારા માટે સફળતા તો અસંભવ જ છે.
    ઉ કામયાબી કે દેખતા હૂં ખ્વાબ,
    મેરે માલિક! મુઝે હુઆ ક્યા હૈ?
    હું (જીવનની) સફળતાના સ્વપ્ના જોઈ રહ્યો છું. ઓ પ્રભુ, મને આ શું થઈ રહ્યું છે એ જ સમજાતું નથી.
    ઉ જિસને ગમોં કી ગોદ મેં પાઈ હો પરવરિશ,
    વહ ગમફરોઝ શેર ન લિકખે તો ક્યા કરે?
    જેનો વેદના-દુ:ખના ખોળામાં ઉછેર થયો હોય તે (શાયર) વ્યથાસભર શે’ર ન લખે તો બીજું શું કરે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button