શું કોટા બની રહ્યું છે વિદ્યાર્થીઓનું કોન્સન્ટ્રેશન કેમ્પ
સ્ટુડન્ટની ફેક્ટરી એવા આ શહેરમાં સતત થતાં વિદ્યાર્થીઓના આપઘાત જેટલા ચોંકાવનારા છે એટલા જ વ્યથિત કરે એવા પણ છે
કવર સ્ટોરી -અભિમન્યુ મોદી
યુદ્ધમાં ક્યારેય ભાગ લીધો છે? યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે શ્ર્વાસ લેવાનું પણ ભુલાઈ જતું હોય છે. જ્યાં નજર કરો ત્યાં ખતરો, ચારે દિશામાં જોખમ આગામી ક્ષણ વીતેલી ક્ષણ કરતાંય વધુ ખતરનાક નીવડે. ગળું સુકાઈ જાય અને થૂંક ગળે ન ઊતરે. કોઈ પણ રીતે જીવતા બચી રહેવું એ જ માત્ર વિકલ્પ હોય.. કારગિલ જેવી યુદ્ધ સરહદે હોય એવી જ કંઈક સ્થિતિ ભારતમાં પરીક્ષા કેન્દ્રોમાં સર્જાતી હોય છે. એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરતો દરેક વિદ્યાર્થી ખરા અર્થમાં યોદ્ધો બની જતો હોય છે.
ઘણા ફરિયાદ કરતા હોય છે કે આપણે ત્યાં ઇઝરાયલની જેમ ફરજિયાત લશ્કરી તાલીમ કેમ નથી આપતા? એનો જવાબ છે- જેઈઈ અને ઓલિમ્પિયાડ જેવી એક્ઝામ્સની તૈયારીઓ અહીં થાય છે એ પૂરતું નથી?
આ બધા વચ્ચે કોટા….!
આઈઆઈટીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે કોટા એટલે મક્કા-મદીના અને જેરુસલેમ…. ઇન્ડિયાનું કોચિંગ હબ. રાજસ્થાનનું એ માત્ર સીટી નથી. એ છે એક વિરાટ હોસ્ટેલ, જ્યાં બધા વિદ્યાર્થીઓ જ રહે છે. અહીં ઘર નથી-પેઈંગ ગેસ્ટ હાઉસ છે. અહીં રેસ્ટોરન્ટો નથી, મેસ છે ને કેન્ટીન છે. આ એ કોટા છે જ્યાં ઓછા મેમરી પાવરવાળાને તો શહેરમાં ઘૂસવા પણ નથી દેતા. જ્યાં વેકેશન નામની પ્રથા જ નથી… એ છે કોટા. ચારેબાજુ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી સિવાય પાંચમો વિષય જ નથી હોતો વાત કરવા માટે. સિક્યોરિટી ગાર્ડ હોય કે રિક્ષાવાળો બધા આઈઆઈટીની તૈયારી કરતા હોય છે કે કરી ચુક્યા હોય છે. આખું શહેર પરીક્ષામાં ઝળકેલા તેજસ્વી ‘તારલા’ના હોર્ડિંગથી છલકાઈ ગયું હોય છે. અહીં સમોસા મળે છે તો એ પસ્તીમાં નહિ, ઓર્ગેનીક કેમેસ્ટ્રિની ટેક્સ્ટબુકના પાનામાં. અહીંના લોકોને નેવું થી ૧૦૦ સુધીના દસ આંકડાઓમાં જ રસ છે. એકથી નેવું વચ્ચે લાવતા કોઈ જીવાત્માનું અહીં માન નથી.
તાજેતરમાં એક ૧૮ વર્ષની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (JEE)ની એક ઉમેદવારે આ અઠવાડિયે રાજસ્થાનના કોટામાં પોતાના ઘેર ફાંસી ખાઈને આત્માહત્યા કરી લીધી. એ તરુણીએ એક સુસાઈડ નોટ લખી, જે અખબારો -ટીવી અને સોશ્યલ મીડિયામાંય બહુ વાઈરલ થઇ. એમાં એ તરુણીએ જે JEE ક્રેક ન કરી શકવા બદલ પોતાનાં માતા-પિતાની માફી માંગી: મમ્મી-પપ્પા, હું JEE નહિ કરી શકું…તેથી હું આત્મહત્યા કરી રહી છું …’
અંગ્રેજીમાં લખેલી એની રૂમમાંથી મળેલી સુસાઈડ નોટમાં એણે ઉમેર્યું હતું કે હું હારી ગઈ છું. હું સૌથી ખરાબ દીકરી છું. મમ્મી-પપ્પા… પ્લીઝ, મને માફ કરજો…. આ જ છેલ્લો વિકલ્પ છે મારી પાસે..’
આપઘાતની આવી ચબરખી વાંચીને કોઈ પણી દ્રવી ઊઠે, આ પહેલી હૃદયદ્રાવક ઘટના નથી. આવા અનેક કિસ્સાઓ છેલ્લાં થોડાં વર્ષોથી કોટામાં દર વર્ષે સમાંતરે બનતા રહે છે. ગત વર્ષ-૨૦૨૩ માં આ કોટા શહેરમાં ૨૩થી વધુ વિદ્યાર્થીઓએ દુ:ખદ રીતે પોતાનો જીવ ટૂંકાવી દીધો હતો.
કોટા એવું શહેર છે જે તેની કોચિંગ સંસ્થાઓ માટે પ્રખ્યાત છે. કોટામાં ભણવા માટે આખા દેશમાંથી વિદ્યાર્થીઓ આવે છે. મમ્મી-પપ્પા બીજા રાજ્યમાં રહેતા હોય અને એનું બાળક રાજસ્થાનના કોટામાં આપઘાત કરી લે એવા સમાચાર જયારે એ જન્મદાતા પાસે પહોંચે ત્યારે માથે કેવું આભ તૂટતું હશે તેની કલ્પના સુધ્ધાં કેવી કપરી હોય છે…
કોટા સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને મેડિકલ પરીક્ષાઓની તૈયારી માટે આકર્ષે છે. તીવ્ર સ્પર્ધા અને સફળ થવાના દબાણને કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં આત્મહત્યા કરી રહ્યા છે. આ વાત સરકારથી પણ અજાણ નથી. જે વાલીઓ એના બાળકને અહીં ભણવા મોકલે છે એમને પણ આ હકીકત ખબર છે. ગયા વર્ષના મે અને જૂન વચ્ચે, ૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. પછી જુલાઈમાં,IIT પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા ૧૭ વર્ષીય વિદ્યાર્થી એની હોસ્ટેલમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ૨૦૨૨ દરમિયાન કોટામાં ૧૬ ઉમેદવારોએ જીવ ગુમાવ્યો.
અહીં જે રીતે ક-મોત થઈ રહ્યા હતા એ જોઈને રાજસ્થાન સરકારે અહીં અભ્યાસ કરનારાઓનું ટેન્શન હળવું કરવા ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને નિયંત્રિત કરવાની યોજના બનાવી હતી, પરંતુ એના બિલમાં વિલંબ થયો છે.
કોટામાં ઉચ્ચ અપેક્ષાઓ સાથે સ્પર્ધાત્મક વાતાવરણ પણ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં બેઠક મેળવવાનું દબાણ એમને માનસિક કટોકટી તરફ દોરી જાય છે. આર્થિક રીતે નબળી પૃષ્ઠભૂમિમાંથી આવતા વિદ્યાર્થીઓને વધારાના તાણનો સામનો કરવો પડે છે અને કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ભણતરની ખોટને કારણે દબાણ વધ્યું છે. અહીં સતત ભણતરના દબાણ હેઠળ વિદ્યાર્થી માનસિક રીતે કચડાઈ જાય છે.
IIT પ્રવેશ પરીક્ષાને વૈશ્વિક સ્તરે સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે, જેનો સ્વીકૃતિ દર ખૂબ જ ઓછો છે. IIT-JEEજેવી પરીક્ષાઓમાં સફળ થવા માટે તીવ્ર સ્પર્ધા અને દબાણ વિદ્યાર્થીઓ માટે પડકારજનક વાતાવરણ બની જાય છે (અથવા તો કોચિંગ ક્લાસ બનાવે છે). પ્રતિષ્ઠિત કોલેજોમાં પ્રવેશ મેળવવાનું સ્વપ્ન એકમાત્ર ધ્યાન બની જાય છે,
જેમાં વિકલ્પ ઓછા હોય છે.
IIT-JEE જેવી પરીક્ષાઓને ક્રેક કરવા માટે સતત સખત મહેનતની જરરૂ પડે છે, પરંતુ દબાણ ડિપ્રેશન અને નિષ્ફળતાની લાગણી તરફ દોરી શકે છે. પરીક્ષાની તૈયારી માટે મહત્ત્વનાં હોવા છતાં કોચિંગ સંસ્થાઓ માત્ર વ્યાવસાયિક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
કોટામાં કેવું વાતાવરણ હોય છે એ ઘરબેઠા જોવું હોય તો કોટા ફેક્ટરી’ નામની એક બહુ અસરકારક વેબ- સિરીઝ છે તે જરૂર જોવા જેવી છે.
જાણીતા શિક્ષણશાસ્ત્રીઓ- અભ્યાસુ પણ કહે છે કે વિદ્યાર્થીઓની સુખાકારીને ધ્યાનમાં લીધા વિના સફળતા પર ભાર મૂકે તેવો માહોલ બનાવવાનો ભાર અને તે વાંક સિસ્ટમ, માતાપિતા અને સમાજ ત્રણેય પર છે. કોચિંગ ક્લાસ અને તીવ્ર સ્પર્ધા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પુન:મૂલ્યાંકનની જરૂર છે. શિક્ષણ પ્રણાલી અને સમાજે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ અને દબાણ ઘટાડવાના વિકલ્પો પૂરા પાડવા જોઈએ. વધતા જતા આપઘાતના કિસ્સાઓ યુવાધનની નૈતિક હિંમતને તોડી પાડે છે. એનું ક્યારેય ન પૂરી શકાય એવું નુકસાન થઇ રહ્યું છે.
જિંદગીમાં આશા મહત્ત્વની છે, પણ જ્યારે વિદ્યાર્થીઓ આશા ગુમાવે છે ત્યારે કોટા જેવી દુ:ખદ ઘટનાઓ બનતી રહે છે
ભારત સરકારે કોચિંગ સેન્ટરો માટે નવા નિયમો રજૂ કર્યા છે, ખાસ કરીને કોટા માટે… આ નિયમોમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓની નોંધણી પર પ્રતિબંધ અને કોચિંગ સેન્ટરોને રેન્ક અથવા સારા માર્ક્સ વિશે ગેરમાર્ગે દોરતાં વચનો આપવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
મુખ્ય નિયમો શું છે?
ઙ કોચિંગ સેન્ટરો ૧૬ વર્ષથી નીચેના વિદ્યાર્થીઓની નોંધણી કરી શકતા નથી.
ઙ રેન્ક અથવા સારા માર્ક્સ અંગે ગેરમાર્ગે દોરનારાં વચનો અથવા બાંયધરીઓની મંજૂરી નથી.
ઙ કોચિંગ સેન્ટરોમાં ટ્યૂટર ઓછામાં ઓછી સ્નાતક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
ઙ વિદ્યાર્થીઓના તણાવ અથવા ગેરવર્તણૂક માટે વધુ પડતી ફી વસૂલવા બદલ ૧ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
ઙ માર્ગદર્શિકા લાગુ થયાના ત્રણ મહિનાની અંદર કોચિંગ સેન્ટરોએ નોંધણી કરાવવી પડશે.
ઙ જો શિક્ષકો નૈતિક ક્ષતિ સાથે સંકળાયેલા કોઈપણ ગુનામાં દોષિત ઠર્યા હોય તો એમને નોકરી પર રાખી શકાતા નથી.
ઙ કોચિંગ સેન્ટરોમાં કાઉન્સેલિંગ સિસ્ટમ હોવી જોઈએ અને પ્રશિક્ષિત કાઉન્સેલરની નિમણૂક થઈ શકે છે.
ઙ ટ્યૂશન ફી વાજબી હોવી જોઈએ અને જો કોઈ વિદ્યાર્થી અકાળે કોર્સ છોડી દે તો રિફંડ આપવું જોઈએ.
ઙ દિશાનિર્દેશોનું પાલન સુનિશ્ર્ચિત કરવા માટે રાજ્ય સરકારો કોચિંગ સેન્ટરો પર નજર રાખશે.
શું આ નિયમો આત્મહત્યા અટકાવવામાં મદદ કરશે?
વેલ, નવા નિયમોનો હેતુ વિદ્યાર્થીઓની માનસિક સુખાકારી અને કોચિંગ સેન્ટરોમાં થતી ગેરરીતિઓને રોકવાનો છે. જો કે, કેટલાક દલીલ કરે છે કે આ નિયમોનું નિરીક્ષણ કરવું અને તેનો અમલ કરવો પડકારજનક છે…