ઈસ અદા સે વો જફા કરતે હૈં,કોઈ જાને કે વફા કરતે હૈં
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
ઈધર શર્મ હાઈલ, ઉધર ખૌફ માનેઅ,
ન વોહ દેખતે હૈં, ન હમ દેખતે હૈં.
અલ્લાહ કા ઘર કાબે કો કહતે હૈં વો લેકિન,
દેતા હૈ પતા ઔર, વોહ મિલતા હૈ કહીં ઔર.
ઉડાયે હૈં મલિકુલ્લમૌત ને ભી તેરે ઢંગ,
હજાર બાર બુલાયા તો એક બાર આયા.
ક્યા ગજબ હૈ નહીં ઈન્સાન કો ઈન્સાનક કી કદ્ર,
હર ફરિશ્તે કો યહ હસરત હૈ કિ ઈન્સાં હોતા.
-“દાગ
દાગના પૂર્વજોએ ઉઝબેકિસ્તાનના સમરકંદથી દિલ્હી સ્થળાંતર કર્યું હતું. દિલ્હીના ચાંદની ચોક પાસેના બિલ્લીમારાન મોહલ્લામાં ૨૫ મે ૧૮૩૧ના રોજ દાગનો જન્મ થયો હતો. બાળક ‘દાગ’ દિલ્હીના લાલ કિલ્લામાં સ્થાયી થયા પછી અન્ય રાજકુમારોની જેમ દાગનો ઉછેર થયો હતો. ફારસી ભાષાના અભ્યાસની સાથે સાથે ઘોડેસવારી, તલવારબાજી અને તીરબાજીની તાલીમ દાગે મેળવી હતી. માત્ર ૧૨ વર્ષની કાચી ઉંમરમાં શે’ર-શાયરી લખવાનો આરંભ કરનાર દાગને ઉસ્તાદ ઝૌકના સૌથી નાની ઉંમરના શાગિર્દ તરીકે વિશિષ્ટ સ્થાન મળ્યું હતું.
રામપુરના નવાબ કલ્બે અલીખાનના ઈજનથી દાગ લગભગ ર૪ વર્ષ સુધી રામપુરમાં રહ્યાં હતાં. ત્યાં તેમને આકર્ષક વેતનની સાથે સારો આદર પણ મળ્યો હતો. તેને લીધે દાગ રામપુરને આરામપુર પણ કહેતા હતા.
દાગની શાયરી રંગીની, મધુરતા, સહૃદયતા તેમજ ભાવ અને ભાષાની સ્વચ્છતા અને મીઠાશથી ઓપે છે. તેમણે તેમની રચનાઓમાં લખનૌ અને દિલ્હીની સંસ્કૃતિ અને માહોલના મિશ્રણથી નવી શૈલી ઊભી કરી હતી. તેમણે તેમની ગઝલોમાં ભાષાની સરળતા અને શુદ્ધતાને પૂરેપૂરો ન્યાય આપ્યો હતો.
દાગના ચાર ગઝલસંગ્રહો ગુલઝારે-દાગ, માહતાબે-દાગ, આફતાબે-દાગ અને યાદગારે-દાગ પ્રકાશિત થયા છે. જ્યારે ફરિયાદે-દાગ નામની મસનવી અને ઈન્શા-એ-દાગ નામના પત્રોનું પુસ્તક તેમના ખાતે જમા બોલે છે. દાગના મહત્ત્વના શિષ્યોમાં મહાકવિ ઈકબાલ, સીમાબ અકબરાબાદી, સયાલ, નાતિક, અહસન મારહરવી, બેખુદ દહેલવી, નૂહ નારવી, નસીમ ભરતપુરી અને જોશ મલ્સિયાનીનો સમાવેશ થાય છે.
નિ:સંતાન દાગસાહેબે તેમના જીવનના છેલ્લા ૧૮ વર્ષ હૈદરાબાદમાં ગાળ્યા હતા. દાગ પર પક્ષાઘાતનો હુમલો થયો હતો. જિન્દગીની કટુતા અને મધુરતાનો આસ્વાદ કરનાર આ શાયરનું ૧૭ ફેબ્રુઆરી ૧૯૦૫ના રોજ મૃત્યુ થયું હતું. હૈદરાબાદના શરીફ સાહેબ નામક કબ્રસ્તાનમાં તેમના પત્નીની કબરની બાજુમાં તેમને દફન કરાયા હતા.
વિવિધ રંગ, રૂપ, મિજાજ અને વિશેષતા ધરાવતા તેમના કેટલાક શે’રનું હવે આચમન કરીશું.
ઉન સે નિગાહ મિલતે હી દિલ પર લગી વો ચોટ,
બિજલી-સી અપની આંખોં કે નીચે ચમક ગઈ.
એમની સાથે નજર મળતાં જ હૃદય પર એવી તો ચોટ લાગી કે મારી આંખોની નીચે વીજળી જેવું કશુંક ઝળહળી ગયું.
ઐ ‘દાગ’! ક્યા બતાયેં મોહબ્બત મેં ક્યા હુવા?
બૈઠે બિઠાયે જાન કો આઝાર હો ગયા.
ઓ ‘દાગ’! હું તમને કેવી રીતે કહું કે પ્રેમમાં શું થયું-મળ્યું? અરે, એમાં જોતજોતામાં તો હૃદયને બીમારી લાગું પડી ગઈ.
અર્ઝે-એહવાલ કો ગિલા સમઝે,
ક્યા કહા મૈંને, આપ ક્યા સમઝે.
મેં માત્ર મારો અહેવાલ રજૂ કર્યો છે. પણ તેને તો તમે ફરિયાદ સમજી બેઠાં. મેં તમને શું કહ્યું હતું અને તેને તમે શું સમજી બેઠાં!
આગે આતી થી યાદ ભી તેરી,
અબ કભી ભૂલ કર નહીં આતી.
પહેલાં તો તારી યાદ પણ (મને) આવતી હતી. હવે તો ભૂલથી પણ તારું સ્મરણ થતું નથી.
ગમ્ઝેં ભી હો ખુંરેજ, નિગાહેં ભી હો સફ્ફાક,
તલવાર કે બાંધે સે તો કાતિલ નહીં હોતા.
રક્ત ટપકતાં હાવભાવ હોવા જોઈએ અને નજરમાં નિષ્ઠુરતા પણ હોવી જોઈએ. તલવાર લટકાવીને ફરવાથી કાંઈ કાતિલ બની જવાતું નથી.
ખુદા કરીમ હૈ યૂં તો મગર હૈ ઈતના રશ્ક,
કે મેરે ઈશ્ક સે પેહલે તુઝે જમાલ દિયા.
આમ તો ખુદા દયાવાન છે. પણ મને વાંધો એ છે કે હું પ્રેમ કરું તે પૂર્વે જ (ખુદાએ) તમને સૌંદર્ય આપી દીધું.
કોઈ નામો-નિશાં પૂછે તો ઐ કાસિદ બતા દેના,
તખલ્લુસ ‘દાગ’ હૈ ઔર આશિકોં કે દિલ મેં રહતે હૈં.
અરે ઓ સંદેશવાહક (ટપાલી)! તને કોઈ મારું ઠામ-ઠેકાણું પૂછે તો કહી દેજે કે તેનું ઉપનામ ‘દાગ’ છે અને તે આશિકોના હૃદયમાં વાસ કરે છે.
કહાં સૈયાદ? કૈસા બાગબાં? કિસ પર ગિરી બીજલી?
ચમન મેં આતિશે-ગુલ ને હમારા આશિયાં ફૂંકા.
ક્યાંનો શિકારી? કેવો માળી? વળી વીજળી પણ કોના પર પડી? (આ તો બધી વાતો છે.) ખરેખર તો બગીચામાં ફૂલોના અગ્નિએ જ મારો માળો બાળી નાખ્યો છે.
અબ્રે-રેહમત હી બરસતા નઝર આયા ઝાહિદ,
ખાક ઉડતી કભી દેખી ન ખરાબાતોં મેં.
ઓ ઝાહિદ! સુરાલયોમાં તો કદી પણ ધૂળ ઉડાડવાનો ધંધો જોવા મળ્યો નથી. જ્યારે તારી કૃપાનાં વાદળો તો હંમેશાં વરસતાં જોયાં.
ઝાહિદ! શરાબ પીને દે મસ્જિદ મેં બૈઠ કર,
યા વો જગહ બતા દે જહા પે ખુદા ન હો.
અરે ઓ વિરકત! તું મને મસ્જિદમાં બેસીને સુરાપાન કરવા દે. અથવા તો પછી તું મને એવું સ્થળ બતાવી દે જ્યાં ખુદાનું અસ્તિત્વ ન હોય. ખુદા તો કણ કણમાં વ્યાપેલો છે તેનો સ્વીકાર દાગ દ્વારા ખૂબીપૂર્વક કરાયો છે.
ઈન્કારે-મયકશી ને મુઝે ક્યા મઝા દિયા,
સીને પે ચઢ કે ઉસને ખુમે-મય પિલા દિયા.
સુરા પીવાની મેં ના પાડી તો મને ઘણી મજા પડી. તેણે (પેલા સાકીએ) છાતી પર ચઢીને મને શરાબનું આખું મટકું-માટલું પીવડાવી દીધું.
એક તો નશ્શએ-મય, ઉસ પે નશીલી આંખેં,
હોશ ઉડતે હૈં જિધર કો વો નઝર કરતે હૈં.
એક તો સુરાનો કેફ અને તેમાં વળી એમની મસ્ત આંખોનો નશો! એમની નજર જેના પર પડે છે તેના હોશકોશ ઉડી જાય છે.
ઉન્હોં ને વાદા કિયા આજ કી શબ આને કા,
ખુશી તો જબ હૈ ખુદા ખૈર સે ગુઝારે દિન.
એમણે આજે રાતે મળવાનું વચન આપ્યું છે તે મારા માટે ખુશીની વાત છે. પરંતુ આજનો દિવસ ખુદા હેમખેમ પસાર કરી દે તો મને વધુ આનંદ થશે.
અભી સિન ક્યા હૈ જો બેબાકિયાં હોં,
ઉન્હેં આયેંગી શોખિયાં આતે આતે.
નખરાં કરવાની હજી એમની ઉંમર જ ક્યાં થઈ છે? તેમનામાં નટખટપણું આવતાં આવતાં તો હજુ સમય થઈ જશે.
અપને બિસ્મિલ કા સર હૈ ઝાનૂ પર,
કિસ મોહબ્બત સે જાન લેતે હૈ.
જેની કતલ કરવાની છે તેનું માથું તેઓ તેમનાં ખોળામાં લઈને બેઠાં છે. તેઓ પ્રાણ લે છે તે પણ કેવી રીતે લે છે તે તો જુઓ.
અઝલ કો દોષ દે, તકદીર કો રોયેં, મુઝે કોસેં,
મેરે કાતિલ કા ચર્ચા ક્યોં હૈ મેરે સોગવારોં મેં.
મૃત્યુને દોષ આપે, ભાગ્યને રડે અને મને ઠપકો આપે. પરંતુ મારી પાછળ શોક મનાવનારાઓએ મારા કાતિલ વિશે શા માટે ચર્ચા કરવી જોઈએ?
ઈસ અદા સે વો જફા કરતે હૈં,
કોઈ જાને કે વફા કરતે હૈં.
તે અત્યાચાર પણ એવા ઢંગથી કરે છે કે કોઈને (જોનારને) તો એમ જ લાગે છે કે તેઓ વફાદારી બતાવી રહ્યા છે.
ખુદા કરે કિ ન વોહ આયેં ફાતેહા પઢને,
તડપ તડપ કે નિકલ આયેંગે મઝાર સે હમ.
ખુદા કરે કે મારા મરણ પછી તેઓ મારી કબર પર ફાતેહા (મૃતાત્મા પાછળ કરાતી એક પ્રકારની વિધિ) પઢવા ન આવે. એમને જોઈને હું કબરમાંથી તડપી તડપીને બહાર નીકળી આવીશ.
કીજિયે ઈશ્કે-બુતાં મેં ભી ખુદા કો શામિલ,
ક્યા રહા ખૌફ જબ અલ્લાહ મદદગાર રહા.
સુંદરીઓના પ્રેમમાં ખુદાને પણ સામેલ કરી દો. જો ખુદા પોતે જ મદદગાર હોય તો પછી ભય શાનો રહે?
કરતા હૈ સજદે હૂર કી હસરત મેં શૈખ તૂ,
અલ્લાહ કી નહીં તૂઝે ઐ બેખબર તલાશ.
અરે ઓ શેખ! તું તો હૂર (અપ્સરા)ને મેળવવાની લાલસામાં સજદો કરી રહ્યો છે. તું તો ભાન વગરનો છે. તને ખુદાની શોધની કાંઈ ફિકર (પડી) લાગતી નથી.
આશિકી સે મિલેગા ઐ ઝાહિદ,
બન્દગી સે ખુદા નહીં મિલતા.
એ વિરકત! ખુદા તો પ્યાર-મોહબ્બતથી મળે છે. તે કાંઈ (માત્ર) ઈબાદતથી નથી મળતો.