માનવ ને પ્રાણીઓના આંતર સંબંધો…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
ધોરણ સાતના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આજે પણ એક પાઠ આવે છે સિંહની દોસ્તી. ગુજરાતમાં અને કાઠિયાવાડની ધરતી પર ઊછરેલા ન હોય એવા લોકોને ગળે આ વાર્તા ઊતરતી નથી અને તેની હાંસી ઉડાવે છે, પરંતુ આ વાર્તા અનેક વાર્તાઓમાંની એક છે, જેમાં માનવ અને પ્રાણી વચ્ચે કોઈ અજબ કારણોસર એક અનોખો નાતો બંધાઈ જતો હોય છે. સિંહની દોસ્તી વાર્તા જેમણે નથી વાંચી અથવા નથી સાંભળી તેમના લાભાર્થે ટૂંકમાં જણાવું તો કાઠિયાવાડના સાસણ ગીર નજીક આવેલા મોણપરી ગામના એક ક્ષત્રિય નામે માતરા વાળાએ નદી કાંઠે આવેલા પોતાના ખેતરમાંથી એક અચરજભરી ઘટના જોઈ. એક સિંહ અને સિંહણ પાણી પીવા નદીના પટમાં આવ્યા અને પાણી પીતા હતાં ત્યારે એક મગરે હુમલો કરીને સિંહણનો શિકાર કરી નાખ્યો. મગર સિંહણને પાણીમાં ખેંચી જઈને ખાઈ ગયો. સિંહ લાચાર હતો પણ નદી કાંઠે બેસી રહ્યો અને જ્યારે મગર પાણીની બહાર આવ્યો ત્યારે તેની સાથે લડાઈ કરીને મગરને મારી નાખ્યો. આ યુદ્ધમાં સિંહ પણ મરણતોલ ઘાયલ થયેલો. માતરા વાળાએ આ ઘાયલ સિંહની સારવાર અને સેવા સુશ્રૂષા કરી બચાવી લીધો. ત્યાર બાદ માતરા વાળાના મૃત્યુ સુધી આ સિંહ તેમની સાથે રહ્યો. એકવાર તો ચોરોએ હુમલો કર્યો ત્યારે સિંહે બે ચોરને મારી નાખીને માતરા વાળાની રક્ષા પણ કરેલી.
મને આ વાર્તા અચાનક યાદ આવી ગઈ અને પછી એવી જિજ્ઞાસા થઈ કે વિશ્ર્વમાં અન્ય જગ્યા પર આવી કે આના જેવી માનવ અને પ્રાણીના આંતર સંબંધ ધરાવતી કોઈ ઘટના બની હશે કે નહીં… એકાએક મારા ધ્યાન પર આવી જ, પરંતુ થોડી અલગ પ્રકારની એક વાત ધ્યાન પર આવી. ન્યૂઝિલેન્ડના વેલિંગ્ટન અને નેલ્સન વચ્ચે આવતી પેલોરસ નામની દરિયાની પટ્ટી છે. આ પટ્ટી બહુ વિચિત્ર છે. નાની હોય કે મોટી બોટ્સ, આ પેલોરસના દરિયામાંથી નીકળવું સૌ માટે જોખમી છે અને અનેક વહાણો તેમાં ડૂબી ગયાના દાખલા છે. આ જોખમી દરિયામાં પસાર થતી બોટ્સ પર અકસ્માતનું જોખમ કાયમ ઊભું જ હોય છે.
સન ૧૮૮૮માં એક બોટ દરિયાઈ માર્ગે વેલિંગ્ટનથી નેલ્સન જતાં વચ્ચે આવતી પેલોરસ સાઉન્ડ નામની જગ્યાથી ફ્રેન્ચ પાસ તરફ જતી હતી ત્યારે, એક રિસો જાતિની ડોલ્ફિન આ જહાજની આગળ આગળ તરતી તરતી આઠેક કિલોમીટર દૂરના સુરક્ષિત દરિયા સુધી છોડી ગઈ. જાણકાર સૌને અચરજ એટલા માટે થયું કે ન્યૂઝિલેન્ડના દરિયામાં રિસો જાતિની ડોલ્ફિન જોવા મળતી નથી અથવા બહુ જૂજ કિસ્સામાં જ જોવા મળે છે. ત્યારે સૌને એવું લાગ્યું કે આ વન ટાઈમ ઇન્સિડન્ટ છે, પરંતુ ત્યાર બાદ લગભગ સતત ચોવીસ વર્ષ સુધી આ ડોલ્ફિન જહાજો માટેના અઘરા દરિયાઈ માર્ગમાં આવતા જતાં વહાણોને અકસ્માત ન થાય એ રીતે માર્ગદર્શક બનીને ગાઈડ કરતી રહી. થોડા સમયમાં જ આ ડોલ્ફિન પર જહાજના કેપ્ટન્સ વિશ્ર્વાસ કરવા લાગ્યા અને પોતાના જહાજ આ ડોલ્ફિનની પાછળ હંકારીને મુખ્ય સમુદ્ર સુધી પહોંચવા લાગ્યા. સમય જતાં લોકોએ તે ડોલ્ફિનનું નામ પેલોરસ જેક પાડી દીધું.
રાજાની કુંવરી જેમ દિવસે નો વધે એટલી રાત્રે વધે અને રાત્રે નો વધે એટલી દિવસે વધે એ જ રીતે પેલોરસ જેકની સિદ્ધિ દિવસો દિવસ વધવા લાગી. સમય જતાં પેલોરસ જેક ડોલ્ફિન વેલિંગ્ટનનું પ્રવાસી આકર્ષણ બની ગઈ. પેલોરસ જેકને જોવા બોટ રાઈડ્સ થવા લાગી, ન્યૂઝિલેન્ડના પ્રવાસે આવતા હજારો પ્રવાસીઓ સ્પેશિયલ પેલોરસ જેકને જોવા છેક વેલિંગ્ટન લાંબા થવા લાગ્યા. જેકના નામ પર છોકળેટો પણ બહાર પડેલી, પરંતુ જેકની પ્રસિદ્ધિને કોઈની નજર લાગી ગઈ અને સન ૧૯૦૪ના એક કાળા દિવસે એસ. એસ. પેંગ્વિન નામની પેસેન્જર સ્ટીમર પરથી કોઈ ઇરખાળું મુસાફરે પેલોરસ જેકને ગોળી મારી દીધી ! પરંતુ સાથી મુસાફરો અને જહાજના કર્મચારીઓએ તેની સાથે બથ્થમથ્થા કરીને તેની ગન છીનવી લીધી. જેક ઘાયલ જરૂર થયો પરંતુ તે બચી ગયો. હવે થયું એવું કે પેલોરસ સાઉન્ડથી ફ્રેન્ચ પાસ સુધી જતી તમામ સ્ટીમરોને જેક ગાઈડ કરતો, પરંતુ એસ. એસ. પેંગ્વિનને ગાઈડ કરવાનું તેણે બંધ કરી દીધું! છે ને અચરજની વાત ? આપણે કહીએ છીએ કે કૂતરાને હઈડ કરો એટલે જતું રહે અને તુતુતુ કરો એટલે પૂંછડી પટપટાવતું આવે… પણ દોસ્ત વાસ્તવિક જીવનમાં જે કૂતરાને લાત મારી હોય તે જ કૂતરાને ભાવતું ભોજન દેખાડશો તો પણ દૂર જ રહેશે. આપણો જેક પોતાને થયેલા આ ખરાબ અનુભવને ગાંઠે બાંધીને બેઠેલો અને પેંગ્વિન સ્ટીમર આવે તો એને ગાઈડ ન કરતો. જેક બાબતે ઘણી માન્યતાઓ હતી કે જેક જે સ્ટીમરને ગાઈડ કરવાનું છોડી દે તે સ્ટીમરને આજે નહીં તો કાલે અકસ્માત થવાનો જ. સ્ટીમર્સ માટે જેક એન્જલ છે એવું લોકો માનતા. અને કુદરતનું કરવું અને પેંગ્વિન સાથે પણ એવું જ થયું. જેકને ગોળી માર્યાના થોડા જ સમય બાદ એસ. એસ. પેંગ્વિન એ જ જોખમી દરિયામાં અકસ્માતનો ભોગ બનીને ડૂબી ગઈ !
ઉંમર વધતાં જેકની તરવાની સ્પીડ જેમ ઘટતી ગઈ તેમ તેમ ત્યાંથી પસાર થતી સ્ટીમરના કપ્તાનોએ પોતાની સ્પીડ ઘટાડીને જેકને માન આપેલું. જેકને ગોળી મારવાની ઘટના બાદ સ્થાનિક લોકો અને સ્ટીમરોના કેપ્ટનોએ ન્યૂઝિલેન્ડ સરકાર પાસે જેકને આરક્ષિત જાહેર કરવા માગણી કરેલી, અને જેકની પ્રખ્યાતિ જોતાં ન્યૂઝિલેન્ડ સરકારે જેકની સુરક્ષા માટે જેકને કોઈ પણ રીતે હાનિ પહોંચાડનારને સજા અને દંડ કરવાની જોગવાઈ ૧૯૦૪માં જ કરેલી. વિશ્ર્વમાં આ પ્રથમ બનાવ હતો કે જેમાં કોઈ પણ એક જીવને માટે સરકારે ખાસ જોગવાઈ કરી હોય. આવી જ એક બીજી અચરજભરી વાત છે કે જેકને જોવા માટે વિશ્ર્વભરના મોટા સાહિત્યકારો સ્પેશિયલ ન્યૂઝિલેન્ડ આવતા. આવા સાહિત્યકારોમાં બે નામ સૌથી જાણીતા છે. અમેરિકન લેખક ‘માર્ક ટવેન’ અને બ્રિટિશ મહાન લેખક ‘ફ્રેન્ક ટી. બુલેન’ સ્પેશિયલ જેકને જોવા છેક વેલિંગ્ટન આવેલા.
જેકના માનવ સાથેના આ અનોખા આંતર સંબંધો લગભગ ચોવીસ વર્ષ ચાલ્યા અને સન ૧૯૧૨માં છેલ્લે જેક દેખાયો ત્યાર બાદ જેક દેખાયો નથી. તેના મૃત્યુ બાબતે પણ અનેક થિયરીઓ છે… કોઈ કહે છે કે જેક વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ પામ્યો તો કોઈ કહે છે કે જેકને કોઈ શિકારી જહાજે મારી નાખ્યો, પરંતુ જોખમી સમુદ્રમાં સ્ટીમર્સને આઠ કિલોમીટર સલામત ગાઈડ કરવાનું સ્વેચ્છાએ સ્વીકારનાર આ ડોલ્ફિન અને માનવ વચ્ચેના સંબંધ જીવનની અજાયબી છે.