ઇન્ટરલેસ એપાર્ટમેન્ટ – સિંગાપુર
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
સ્થપતિ ઓલે સ્ચિરેન તથા ઓએમએ દ્વારા સન ૨૦૧૩માં નિર્ધારિત કરાયેલ આ રચના થકી સિંગાપોરના સ્થાપત્ય આવાસની રચનામાં નવો દ્રષ્ટિકોણ ઉમેરાયો છે. ઇન્ટરલેસ અર્થાત્ એકબીજા સાથે ગૂંથાયેલી આ રચના છે. અહીં છ માળના ૩૧ રહેણાકીય બ્લોક – ચોસલાઓ પરસ્પર ષટ્કોણ આકારમાં ગોઠવાયા છે. અહીંના આવાસનું ક્ષેત્રફળ આશરે ૮૦ ચોરસ મીટરથી શરૂ કરીને ૬૦૦ ચોરસ મીટરના કુલ ૧૦૪૦ આવાસ અહીં છે. અર્થાત્ અહીં માત્ર એક સ્તરની આવક ધરાવતા લોકો નથી રહેતા. એ રીતે જોતા પણ જણાશે કે આ એક પરસ્પર ગૂંથાયેલા સમાજની રચના છે. અહીં આ સમાજની બધી જ મનોરંજન અને પ્રાથમિક સવલતોને લગતી જરૂરિયતો લગભગ પૂરી કરવામાં આવે છે.
આ સમગ્ર બ્લોક આઠ જેટલા કોર્ટયાર્ડની આજુબાજુ ગોઠવાયા છે અને આ દરેક કોર્ટયાર્ડને એક વિશેષ શૈલીમાં – વિશેષતો સાથે બનાવાયું છે. એક રીતે જોતા અહીંના બધા જ બ્લોક દેખાવમાં એક સમાન છે, પરંતુ કોર્ટયાર્ડમાં રહેલી વિવિધતાને કારણે અને આ બધા બ્લોકની વિશેષ ગોઠવણને કારણે, સામાન્ય રીતે એપાર્ટમેન્ટમાં જોવા મળે છે તેવી, ચીલાચાલુ રચના અહીં ઊભી નથી થતી. દ્રશ્ય અનુભૂતિની સમૃદ્ધિ માટે અહીં પૂરતી વિવિધતા હાજર છે.
આ પ્રકારની રચનામાં માળખાગત પડકાર વધુ રહેવાના. સાથે સાથે સંરચનાગત વ્યવસ્થા પણ જટિલ બનવાની. દરેક બ્લોકની દિશા ભિન્ન ભિન્ન રહેતી હોવાથી વાતાવરણના વિપરીત પરિબળોની અસર પણ અલગ અલગ રહેવાની. આ બધાનું તક્નિકી નિવારણ જરૂરી છે, અને અહીં તે અસરકારક રીતે કરવામાં આવ્યું છે. વળી, અહીં વચ્ચેના ક્ષેત્રમાં છ માળના આ બ્લોકને ચાર સ્તરે એકબીજા પર ગોઠવાયા છે જેનાથી અહીં ચોવીસ માળની ઊંચાઈ મળે છે. કેન્દ્રથી દૂર જતા આ ઊંચાઈ ઘટતી જાય છે જેને કારણે લગભગ દરેક આવાસમાંથી દૂર સુધીનું દ્રશ્ય માણી શકાય.
સ્થાપત્યના ક્ષેત્રમાં આ વખણાયેલી રચના છે. સન ૨૦૧૫માં તેને વર્ષના શ્રેષ્ઠ મકાનનો પુરસ્કાર મળ્યો હતો. સાંપ્રત સમયના અન્ય મકાનોમાં થતું આવ્યું છે તેમ, અહીં પણ આબોહવા, પર્યાવરણ અને ઊર્જાની વાતોનો સમાવેશ થયો છે એમ કહેવાય છે. એ પણ સમજવું જરૂરી છે કે એક દ્રષ્ટિકોણ પ્રમાણે આ મકાન સિંગાપુરની પરંપરાગત શૈલીથી કંઈક અલગ રસ્તે જાય છે. જ્યાં સુધી નવીનતાથી સારા પરિણામ મળતા હોય ત્યાં સુધી નવીનતા માન્ય હોવી જોઈએ. પરંપરાગત શૈલી સાંપ્રત સમયના બધા જ પ્રશ્ર્નોનું સમાધાન ન કરી શકે.
આધુનિક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને કરાયેલ આ રચના નવી જ આશા જન્મ આવે છે. એપાર્ટમેન્ટની રચનામાં ચીલાચાલુ ઊભા ટાવર બનાવી દેવાય છે. તેની સામે અહીં ક્લસ્ટર પ્લાનિંગ – સમૂહ આયોજન પર ભાર અપાયો છે. એપાર્ટમેન્ટની બહારની સામાજિક જિંદગીને અહીં ન્યાય મળે છે એમ કહેવાય. અહીં ૬૦ અંશના ખૂણે એકબીજા સાથે ગોઠવાયેલા બ્લોકને કારણે તેનાથી નિર્ધારિત થતી ખુલ્લી જગ્યાની અનુભૂતિમાં એક પ્રકારનું નિયંત્રણ આવે છે. આ ખુલ્લી જગ્યા બહારની તરફ એકદમ જોડાઈ નથી જતી, પરંતુ પોતાની આંતરિકતા જાળવી રાખે છે. આને કારણે ત્યાં થતી સામાજિક પ્રવૃત્તિમાં ઈચ્છનીય માત્રામાં ‘પોતાપણું’ ટકી રહેવાની સંભાવના જાગે છે. આનાથી સમૂહની ભાવના દ્રઢ થઈ શકે.
અહીં ૭૦.૫ x ૨૨ x ૧૬.૫ માપના પ્રત્યેક બ્લોકમાં જે આવાસ નિર્ધારિત થયા છે તેની રચનામાં ખાસ કંઈ વિશેષતા નથી. અહીં દરેક બ્લોકને બે ભાગમાં વિભાજિત કરી દેવાયા છે અને બંને ભાગમાં અલગ અલગ લિફ્ટ, દાદર તથા અન્ય સવલતો છે. બ્લોકના વચ્ચેના ભાગમાં સર્વિસીસ રખાઈ છે જેનાથી બહારની તરફ વધુ મહત્ત્વની જગ્યાઓ ગોઠવાઈ શકે. એપાર્ટમેન્ટ રચનાનો આ સામાન્ય નિયમ છે. અહીં જે મજા છે તે આવાસની અંદરના વિસ્તારમાં નહીં પણ આ બધા બ્લોકની ગોઠવણીમાં અને તેનાથી નિર્ધારિત થતી ખુલ્લી તેમજ વચ્ચેની જગ્યાના અસરકારક ઉપયોગમાં છે.
આ એક શાંત છતાં રસપ્રદ રચના છે. અહીં કોઈ આડંબર નથી. ચીલાચાલુ એપાર્ટમેન્ટને શણગારવા માટે જે કારીગરી કરવી પડે છે તેની અહીં જરૂર નથી. આ રચનાના મૂળ સિદ્ધાંતમાં એક પ્રકારની સાદગી છે અને સાથે સાથે તેમાં ઘણી સંભાવનાઓ પણ રહેલી છે. આ સંભાવનાને કારણે ઇચ્છનીય માત્રામાં વિવિધતા લાવી શકાઈ છે. પ્રાથમિક કહી શકાય તેવા સામાન્ય ચોસલા જેવા આકારની ગોઠવણીથી જ અહીં રસપ્રદ પરિસ્થિતિનું સર્જન કરાયું છે. સિંગાપુર જેવા સ્થાને જ્યાં જમીનની કિંમત બહુ ઊંચી હોય ત્યાં પરિસ્થિતિ અનુસાર યોગ્ય વળતર મળી રહે તેવી આ રચના છે.
જેમ માનવી સામાજિક પ્રાણી છે તેમ તેનું આવાસ એ સામાજિક વ્યવસ્થાના ભાગ સમાન છે. જો વ્યક્તિગત આવાસનો સામાજિક આવાસ સમૂહ સાથેનો સંબંધ અર્થપૂર્ણ અને દ્રઢ હોય તો જીવનની ગુણવત્તા વધુ સુધરી શકે. આવાસની રચનામાં આંતરિક સ્થાનોનું જેટલું મહત્ત્વ છે તેટલું જ કે કદાચ તેનાથી વધારે મહત્ત્વ બહારના સામાજિક સ્થાનોનું છે. અંગત જીવનની ગુણવત્તા આવાસની રચના થકી નિર્ધારિત થાય તો સામાજિક જીવનની ગુણવત્તા આવાસની બહારની જગ્યાઓના નિર્ધારણથી થાય.
સાંપ્રત સમયમાં આવાસ એ ઉપયોગીતા માટેનું માધ્યમ વધુ બની રહે છે અને તેવા સંજોગોમાં બહારની જગ્યાનું મહત્ત્વ વધી જાય. તેમાં પણ જ્યારે આપણે બાળકો કે વૃદ્ધોની વાત કરીએ ત્યારે આવાસની અંદરના માહોલ કરતા બહારનો માહોલ તેમના જીવનમાં વધારે મહત્ત્વનો બની રહે. આ એક એ પ્રકારની રચના છે જેમાં બહારના માહોલને વધુ પ્રાધાન્ય અપાયું હોય તેમ જણાય છે. બહારના માહોલના અભાવમાં અહીંનું આવાસ એક સગવડતા માટેની ઘટના માત્ર બની રહે છે.