વીક એન્ડ

ઑસ્ટ્રેલિયામાં ભારત હાર્યું, પણ અમદાવાદી બુમરાહનું નામ હજીયે ગૂંજે છે

નાનપણથી બૅટર્સની ઊંઘ ઉડાડનાર આ વર્લ્ડ નંબર-વન બોલર સફળતાની સીડી કેવી રીતે ચડતો ગયો એ એના સ્કૂલના કોચના જ શબ્દોમાં જાણો...

સ્પોર્ટ્સ મૅન – સાશા શર્મા

ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત 1-3થી હારી ગયું, પણ વર્લ્ડ નંબર-વન ટેસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આખી સિરીઝમાં છવાઈ ગયો, તેની જ બોલબાલા હતી અને છેવટે મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર પણ તેને જ આપવામાં આવ્યો. આ લેખમાં આપણે આ `ટૉક ઑફ ધ ટાઉન’ ફાસ્ટ બોલરના અંગત બૅકગ્રાઉન્ડની ચર્ચા કરીશું, પરંતુ એ પહેલાં ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં તેણે જે સિદ્ધિઓ મેળવી એના પર એક નજર કરીએ.

ભારત સિરીઝ હારી ગયું અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલની રેસની બહાર થઈ ગયું એમ છતાં બુમરાહની બોલબાલા છે. ક્રિકેટ-નિષ્ણાતો અને ક્રિકેટપ્રેમીઓ શ્રેણીમાં સૌથી વધુ 32 વિકેટ લેનાર બુમરાહની પ્રશંસા કરતા થાકતા નથી. એ તો ભારતીય ટીમનું દુર્ભાગ્ય હતું કે પાંચમી ટેસ્ટમાં તે માંડ 10 ઓવર બોલિંગ કરી શક્યો હતો. પીઠના દુખાવાને લીધે તે વધુ બોલિંગ નહોતો કરી શક્યો અને છેવટે ભારત હારી ગયું હતું. જોકે તેને આ ઈજા ન નડી હોત તો મૅચનું પરિણામ કદાચ જૂદું જ હોત.

બુમરાહની 32 વિકેટ ઑસ્ટ્રેલિયામાં રમી ચૂકેલા ભારતીય બોલર્સમાંથી એક સિરીઝમાં લીધેલી વિકેટોમાં હાઈએસ્ટ છે. તેણે બિશનસિંહ બેદીનો 46 વર્ષ જૂનો ભારતીય વિક્રમ તોડ્યો હતો. બેદીએ 1978ની સાલમાં ઑસ્ટ્રેલિયામાં એક શ્રેણીમાં 31 વિકેટ લીધી હતી. એટલું જ નહીં, બુમરાહે આ શ્રેણીમાં 200મી ટેસ્ટ-વિકેટ પણ લીધી હતી. તેણે 44મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી અને ભારતીય બોલર્સમાં તેની આગળ એકમાત્ર રવિચન્દ્રન અશ્વિન છે જેણે 37મી ટેસ્ટમાં 200મો શિકાર કર્યો હતો. બુમરાહની જેમ રવીન્દ્ર જાડેજાએ પણ 44મી ટેસ્ટમાં 200મી વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયાની તાજેતરની ટૂરમાં ભારત એક જ ટેસ્ટ જીત્યું અને એ વિજય બુમરાહની કૅપ્ટન્સીમાં મળ્યો હતો. એ જ ટેસ્ટમાં બુમરાહ બોલિંગમાં પણ છવાઈ ગયો હતો. પહેલા દાવમાં તેણે પાંચ અને બીજા દાવમાં ત્રણ વિકેટ લીધી હતી અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો. રોહિત શર્માએ બીજી ટેસ્ટથી કૅપ્ટન્સી સંભાળી લીધી હતી, પરંતુ સિડનીની અંતિમ ટેસ્ટમાં તે ન રમ્યો હોવાથી ફરી નેતૃત્વની જવાબદારી બુમરાહ પર આવી હતી. જો તેને પીઠની ઈજા ન થઈ હોત તો ભારતે સિરીઝ 2-2થી સમકક્ષ કરાવી લીધી હોત અને બોર્ડર-ગાવસકર ટ્રોફી જાળવી રાખી હોત.

ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણે બુમરાહ વિશે બહુ સારું કહ્યું છે. તેણે કૉમેન્ટરી દરમ્યાન કહ્યું, `બુમરાહેઑસ્ટ્રેલિયાસામેની સિરીઝમાં પોતાની સર્વશ્રેષ્ઠ ક્ષમતાથી પર્ફોર્મ કર્યું. તેના પ્રયાસોની પ્રશંસા ન થાય તો એ ઠીક નહીં કહેવાય.’

વસીમ જાફરના મતે આ સિરીઝમાં છેલ્લા દિવસ સુધી ભારતે જીતવાની જે પ્રતિબદ્ધતા બતાવી એનો સંપૂર્ણ શ્રેય જસપ્રીત બુમરાહને જ આપ્યો છે. તેમણે એક્સ' પર લખ્યું,આ સિરીઝમાં બુમરાહ જ્યારે જ્યારે સર્વોત્તમ ફૉર્મમાં રહ્યો ત્યારે ત્યારે ઑસ્ટ્રેલિયાના બૅટર્સે શ્વાસ રોકી લીધો તેના પ્રત્યેક બૉલને સુરક્ષિત રીતે રમ્યા પછી જ રાહતનો દમ લીધો હતો. કોઈ ખેલાડીને ઑસ્ટ્રેલિયાના પ્લેયર્સ પર આટલો બધો હાવી થતો ભાગ્યે જ જોવા મળ્યો છે.’

1993ની છઠ્ઠી ડિસેમ્બરે અમદાવાદમાં વસતા શીખ પરિવારમાં જન્મેલો બુમરાહ જ્યારે સાત વર્ષનો હતો ત્યારે તેના પિતા જસબીર સિંહનું દેહાંત થયું હતું. ત્યાર બાદ તેના મમ્મી દલજીત પર ઘર સંભાળવાની તેમ જ બન્ને સંતાનો (જસપ્રીત અને તેની બહેન જુહિકા)ને ઉછેરવાની જવાબદારી આવી પડી હતી.

અમદાવાદના વસ્ત્રાપુર નામના વ્યસ્ત વિસ્તારના એક શાંત સ્થળે નિર્માણ હાઇસ્કૂલ આવેલી છે. આ સ્કૂલનું પ્લે-ગ્રાઉન્ડ બુમરાહ નામના શરમાળ છોકરાથી માંડીને ચૅમ્પિયન બોલર બનવા સુધીની સફરની સાક્ષી છે. આ સ્કૂલના બે કોચ કિશોર ત્રિવેદી તથા કેતુલ પુરોહિતે બુમરાહની ક્ષમતાને બહુ પહેલાથી ઓળખી લીધી હતી. બુમરાહના મમ્મી આ હાઈસ્કૂલના પ્રી-પ્રાઇમરી સેક્શનનાં વાઇસ-પ્રિન્સીપાલ હતાં. એક દિવસ તેમણે કિશોર ત્રિવેદીને તેમની ઍકેડેમીમાં પુત્ર બુમરાહને પ્રવેશ આપવા વિશેની વિનંતી કરી હતી. એ દિવસને યાદ કરતા સ્કૂલ-કોચ ત્રિવેદી એક મુલાકાતમાં કહે છે, `મેં જ્યારે તેને પહેલી વાર નેટમાં જોયો તો તેનો પર્ફોર્મન્સ જોઈને હું ચોંકી ગયો હતો. મેં જોયું કે ટૂંકા રન-અપ પરથી દોડી આવીને અનોખી બોલિંગ સ્ટાઇલથી ફાસ્ટ બૉલ ફેંકીને બૅટર્સને તે પરેશાન કરી રહ્યો હતો. મેં તેને લગભગ 10 મિનિટ સુધી બોલિંગ કરતો જોયો ત્યારે મને ખાતરી થઈ ગઈ કે અમે આ બોલરને જો યોગ્ય માર્ગદર્શન આપીશું તો તે બહુ આગળ જઈ શકે એટલી કાબેલિયત છે.’

થોડા દિવસ સુધી બન્ને કોચ ત્રિવેદી-પુરોહિતે બુમરાહના દેખાવ પર બારીકાઈથી નજર રાખી હતી કે જેથી તેનો પર્ફોર્મન્સ જરાય ઓસરી ન જાય અને તેની બોલિંગ-ઍક્શન પણ ન બદલાય. ત્રિવેદી જૂની યાદ તાજી કરતા કહે છે, `મેં એક સ્થાનિક ટૂર્નામેન્ટની ચારેય મૅચમાં બુમરાહને રમાડ્યો હતો અને ચારેયમાં તેણે સચોટ લાઇન અને લેન્થમાં બોલિંગ કરી હતી. તેની બોલિંગની બીજી ખાસિયત એ હતી કે તે સતતપણે કલાકે 140 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકતો હતો. તેના આ પર્ફોર્મન્સથી સ્થાનિક ક્રિકેટમાં સનસનાટી મચી ગઈ હતી. નિર્માણ હાઈસ્કૂલની મૅચ જ્યારે પણ રમાતી ત્યારે હરીફ ટીમના બૅટર્સની ઊંઘ ઉડી જતી હતી.

જોકે તેના મમ્મીને આનાથી પણ સંતોષ નહોતો. તેમણે એક દિવસ સ્કૂલના કોચને પોતાની કૅબિનમાં બોલાવ્યા અને પૂછ્યું કે શું ખરેખર ક્રિકેટમાં બુમરાહનું ભવિષ્ય છે ખરું?’ કોચ ત્રિવેદીએ તેમને કહ્યું, `જસપ્રીતમાં બહુ સારી ટૅલન્ટ છે અને તે પ્રતિભાશાળી ક્રિકેટર બની શકે એમ છે એમાં કોઈ શંકા નથી. તે જો નિયમિત રીતે મારા કૅમ્પમાં આવે તો હું તેને ઓછામાં ઓછા રાજ્ય-સ્તરિય ક્રિકેટ માટે તૈયાર કરવાની કોશિશ જરૂર કરી શકું.’

પુરોહિતે પણ એ જ વિચાર વ્યક્ત કર્યો હતો અને પછી દલજીતે પુત્ર બુમરાહને ક્રિકેટમાં વધુ આગળ વધવા બે વર્ષનો સમય આપ્યો અને એ બે વર્ષે બુમરાહની જિંદગી બદલી નાખી.

19 વર્ષની ઉંમરે બુમરાહને આઇપીએલમાં એન્ટ્રી કરવાનો મોકો મળ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)એ તેને પસંદ કર્યો હતો. એ વખતે એમઆઈ માટે જૉન રાઇટ સારા બોલર્સને શોધી રહ્યા હતા અને તેમને બુમરાહમાં બહુ સારી ટૅલન્ટ દેખાઈ હતી. જોકે એ પહેલાં બુમરાહે જિલ્લા અન્ડર-19 ટીમમાં પ્રવેશ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની બોલિંગ-ઍક્શન અપરંપરાગત હોવાથી તેને રિઝર્વમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે તેણે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના વર્તમાન સેક્રેટરી અનિલ પટેલનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. પટેલ યાદ તાજી કરતા કહે છે, `શરૂઆતની ત્રણ-ચાર મૅચ બુમરાહને ઇલેવનની બહાર રાખવામાં આવ્યો હતો, પણ જ્યારે તેને પહેલી વાર રમવાનો મોકો મળ્યો ત્યારે તેણે પહેલી જ મૅચમાં સાત વિકેટ લીધી હતી.’

બુમરાહ જ્યારે ગુજરાતની વાઇટ-બૉલ ટીમમાં સામેલ કરાયો ત્યારે પહેલી વાર દેશના ક્રિકેટ-નિષ્ણાતોનું તેના પર ધ્યાન ગયું હતું અને પ્રભાવિત થયા હતા. બુમરાહે 2013માં બેન્ગલૂરુ સામેની મૅચથી આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. બુમરાહે એ મૅચમાં ત્રણ વિકેટ લીધી હતી. આઇપીએલમાં એમઆઇનો મુખ્ય હિસ્સો બનવાની શરૂઆત કર્યા બાદ બુમરાહ રણજી ટ્રોફીમાં રમ્યો હતો. ત્યારે તે ફક્ત ઇન-સ્વિંગર બૉલ ફેંકતો હતો. જોકે તે જે પણ ટીમ વતી રમતો એનો મુખ્ય વિકેટ-ટેકિંગ બોલર બન્યો હતો.

2015માં વિજય હઝારે ટ્રોફીમાં એક અમ્પાયરે તેની બોલિંગ-ઍક્શન બાબતમાં વાંધો ઉઠાવ્યો હતો. જોકે ગુજરાત ટીમ મૅનેજમેન્ટના સમર્થન સાથે મામલો ઉકેલાઈ ગયો હતો. મહિના પછી બુમરાહને ઑસ્ટ્રેલિયા જવા મળ્યું અને 2016ની 23મી જાન્યુઆરીએ તેણે ભારત વતી ડેબ્યૂ કર્યું હતું. નવ વર્ષમાં તે ઈજાઓ પર કાબૂ મેળવીને તેમ જ પ્રશિક્ષકોને પ્રભાવિત કરીને આજે ટેસ્ટ જગતના બોલર્સમાં અવ્વલ સ્થાને પહોંચ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button