વીક એન્ડ

રેન્કિંગની યાદીમાં ભારત

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવતી પર્યાવરણ પ્રદર્શન સૂચકાંકની યાદીમાં ડેનમાર્ક પહેલા સ્થાને તો ભારત સૌથી નીચલા ક્રમે એટલે કે ૧૮૦મા સ્થાને રહ્યું છે

સાંપ્રત -નયન તારા

એ સાચી વાત છે કે કોઈ પણ રૅન્કિંગ સો ટકા વાસ્તવિક સ્તર નથી દર્શાવતું, પરંતુ એ પણ સાચું છે કે રૅન્કિંગની યાદી કોઈ પણ દેશની સ્થિતિનો આંશિક ચિતાર આપે છે. વિવિધ ક્ષેત્રમાં રૅન્કિંગને મામલે વર્ષ ૨૦૨૩ ભારતની સ્થિતિ એટલું પ્રોત્સાહક વર્ષ નથી રહ્યું. અમુક મામલે આપણે જરૂર વિશ્ર્વના અન્ય દેશો કરતા આપણી સ્થિતિ વધુ સારી કરી છે. જોકે મોટાભાગની બાબતોમાં ભારત પહેલાની સ્થિતિ કરતાં થોડું નીચે જ રહ્યું છે કે પછી અગાઉના સ્થાને જ રહ્યું છે. એક વાત જરૂર છે કે જો પર્યાવરણ અને પ્રદૂષણ જેવા મુદ્દાઓને છોડી દેવામાં આવે તો ભારત કોઈ પણ ક્ષેત્રમાં વિશ્ર્વમાં સૌથી નીચલા ક્રમે નથી. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવતી પર્યાવરણ પ્રદર્શન સૂચકાંકની યાદીમાં ડેનમાર્ક પહેલા સ્થાને તો ભારત સૌથી નીચલા ક્રમે એટલે કે ૧૮૦મા સ્થાને રહ્યું છે. જોકે વર્ષ ૨૦૨૦માં આ યાદીમાં ભારત ૧૬૮મા સ્થાને હતું જેનો મતલબ છેલ્લાં બે વર્ષ દરમિયાન પર્યાવરણને મામલે ભારતની સ્થિતિ વધુ કથળી છે.

જે રીતે આ વર્ષના નવેમ્બરથી લઈને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી દેશના મોટાભાગના શહેરની હવાની ગુણવત્તા અતિ જોખમી બની ગઈ છે એ જોતાં લાગે છે કે ભારત હજુ ઘણા દિવસ સૌથી નીચલા સ્થાને રહેશે.

જે ક્ષેત્રમાં ભારત વૈશ્ર્વિક સ્તરે વિશ્ર્વના પહેલા ૧૦ દેશમાં છે એવા માત્ર ચાર ક્ષેત્ર છે. લોવી ઈન્સ્ટિટ્યૂટ સિડની દ્વારા બહાર પાડવામાં આવેલા એશિયા પાવર ઈન્ડેક્સ અને ગ્લોબલ ફાયર પાવર દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ ફાયર ઈન્ડેક્સમાં ભારત ચોથા સ્થાને છે અને વર્ષ ૨૦૨૨માં પણ ભારત આ જ સ્થાન પર હતું. આ બંને સૂચકાંકો મારફતે કોઈ પણ દેશની તાકાતનું અલગ અલગ સંદર્ભમાં આકલન કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે સૈન્ય શક્તિ, આર્થિક શક્તિ, રોકાણ આકર્ષવાની શક્તિ અને ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રમાં સંભાવનાઓની સ્થિતિ જેવી બાબતોનો સમાવેશ થાય છે. અન્ય જે બે સૂચકાંકોમાં ભારત પહેલા ૧૦માં સ્થાન ધરાવે છે તેમાં વૈશ્ર્વિક રોકાણ રિપોર્ટ ૨૦૨૩ અને જર્મન સંસ્થા બહાર પાડવામાં આવનારા જળવાયુ પરિવર્તન પ્રવેશ સૂચકાંકનો સમાવેશ થાય છે. આ બંને સૂચકાંકમાં ભારત આઠમા સ્થાને છે. જ્યાં સુધી વૈશ્ર્વિક રોકાણ રિપોર્ટ સૂચકાંકનો સવાલ છે તો તેમાં અમેરિકા ટોચના સ્થાને છે જેનો મતલબ વિશ્ર્વભરના રોકાણકારો માટે રોકાણ કરવા અમેરિકા પહેલી પસંદગીનો દેશ છે. વૈશ્ર્વિક રોકાણને મામલે સૌથી નીચેના સ્થાને ભારતનો પડોશી દેશ ભુતાન છે તો જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંકની યાદીમાં ઈરાન સૌથી નીચેના સ્થાને છે. વૈશ્ર્વિક રોકાણને મામલે ભારત આ વરસે વધુ એક સ્થાન નીચે ગબડ્યું છે તો જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંકની યાદીમાં બે સ્થાન ઉપર ગયું છે.

જે સૂચકાંકોની યાદીમાં ભારત પ્રથમ ૧૦ કે ૨૦ દેશોમાં સામેલ છે તેમાં વૈશ્ર્વિક આતંકવાદ સૂચકાંક ૨૦૨૩નો સમાવેશ થાય છે. આ સૂચકાંકની યાદીમાં ભારત એક વર્ષ અગાઉ જ બારમા સ્થાને હતું તો આજે તેરમા સ્થાને છે. અફઘાનિસ્તાન આ યાદીમાં ટોચના તો ઈરાન સૌથી નીચલા સ્થાને છે. આ યાદીમાં ભારતનું સ્થાન અગાઉના વર્ષની સરખામણીએ એક સ્થાન નીચે ગયું એ સુધારાનું સૂચક છે નહીં કે ગબડવાનું. આ યાદીમાં ટોચના સ્થાને હોવાનો મતલબ છે આતંકવાદીથી વિશ્ર્વનો સૌથી વધુ પ્રભાવિત દેશ જે અફઘાનિસ્તાન છે. એ જ પ્રમાણે આ યાદીમાં છેલ્લા સ્થાન પર હોવાનો મતલબ છે આતંકવાદનું નામોનિશાન ન ધરાવતો દેશ જેમ કે ઈરાન. જે સૂચકાંકની યાદીમાં ભારત ૨૦થી ૩૦મા સ્થાનની વચ્ચે છે તેમાં ગ્લોબલ સ્ટાર્ટઅપ ઈકોનોમિક ઈન્ડેક્સનો સમાવેશ થાય છે.
બ્લિંક નામની સ્ટાર્ટઅપ સંસ્થા આ સૂચકાંક જાહેર કરે છે. આ યાદીમાં અમેરિકા ટોચના તો ભારત ૨૧મા સ્થાને છે. જોકે ૨૦૨૨માં ભારત આ યાદીમાં ૧૯મા સ્થાને હતું, પરંતુ આ વરસે બે સ્થાન નીચે ગબડી ગયું છે. આ યાદીમાં પણ ઈરાન છેલ્લે સ્થાને છે મતલબ ઈરાનમાં સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ માટે કોઈ જગા નથી. ૩૦ અને ૪૦ વચ્ચેના સૂચકાંકની જે યાદીમાં ભારત સામેલ છે તેમાં લૉજિસ્ટિક પ્રદર્શન સૂચકાંકનો સમાવેશ થાય છે જે વિશ્ર્વ બૅંક દ્વારા જાહેર કરવામાં આવે છે.

આ વરસે ભારત આ સૂચકાંકની યાદીમાં ૩૮મા સ્થાને છે. વર્ષ ૨૦૧૮માં ભારત આ યાદીમાં ૪૪મા સ્થાને હતું જેનો મતલબ ભારતે છ ક્રમાંકનો સુધારો નોંધાવ્યો છે. આ યાદીમાં પણ ઈરાન સૌથી નીચલા સ્થાને છે. આઈએમડી દ્વારા બહાર પાડવામાં આવતી ૪૦ અને ૫૦ વચ્ચેના સૂચકાંકોની યાદી જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે તેમાં ભારત ૪૦મા સ્થાને છે. વર્ષ ૨૦૨૨માં ભારત આ યાદીમાં ૩૭મા સ્થાને હતું. આ યાદીમાં ઈરાન છેલ્લા સ્થાને અને ડૅન્માર્ક ટોચના સ્થાને છે. વર્ષ ૨૦૨૨માં પણ ભારત આ જ સ્થાન પર હતું. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ ૨૦૨૩ સૂંચકાંકની યાદીમાં પણ ભારત ૪૦મા સ્થાને છે તો સ્વિટ્ઝરલૅન્ડ ટોચના સ્થાને છે. ૪૦ અને ૫૦ વચ્ચેના સૂચકાંકની આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સૂચકાંકની યાદીમાં ભારત ૪૨મા, ગ્લોબલ પેન્શન ઈન્ડેક સૂચકાંકની યાદીમાં ભારત ૪૫મા અને ગ્લોબલ એવિયેશન સેફ્ટી ઈન્ડેક્સ ૨૦૨૨માં ભારત ૪૮મા સ્થાન પર હતું. આ ત્રણે સૂચકાંકોમાંથી ભારતે ગ્લોબલ એવિયેશન અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદાને મામલે પોતાની સ્થિતિ સુધારી છે કેમ કે ગ્લોબલ એવિયેશન સેફ્ટી રૅન્િંકગને મામલે વર્ષ ૨૦૨૧માં ભારત પંચાવનમા સ્થાને અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદાને મામલે ભારત ૪૩મા સ્થાને હતું. એ જોતાં આ વરસે ભારતે એક સ્થાનનો સુધારો નોંધાવ્યો છે. આ બંને યાદીમાં વૅનેઝૂએલા સૌથી નીચેના સ્થાને છે. ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સની યાદીમાં વર્ષ ૨૦૨૨માં ભારત ૪૧મા સ્થાને હતું, પરંતુ હવે ભારત ૪૫મા સ્થાને છે. જેનો મતલબ ભારત ચાર ક્રમાંક નીચે ગયું છે. આ યાદીમાં નૅધરલૅન્ડ્સ ટોચના અને અફઘાનિસ્તાન સૌથી નીચેના સ્થાને છે.

આ સૂચકાંકો સિવાયના અન્ય સૂચકાંકોમાં ભારત બાવનથી લઈને ૧૮૦ સુધીના સ્થાને છે. ચોક્કસપણે આ કોઈ સારી સ્થિતિ નથી આમ છતાં આ યાદીમાં પણ ભારતે કોઈ જગ્યાએ સુધારો નોંધાવ્યો છે તો કોઈ જગ્યાએ નીચે ગબડ્યું છે. જે સૂચકાંકની યાદીમાં ભારતે સુધારો નોંધાવ્યો છે તે વધુ છે તો જેમાં નીચે ગબડ્યું છે તે સુધારાના પ્રમાણમાં ઓછું છે જેમ કે વૈશ્ર્વિક ઊર્જા સંક્રમણ સૂચકાંક ૨૦૨૩ની યાદીમાં વર્ષ ૨૦૨ના ૮૭ની સરખામણીએ ૬૭મા સ્થાને આવી ગયું હતું.

આ યાદીમાં સ્વિડન ટોચના અને યમન સૌથી નીચેના સ્થાને છે. એ જ પ્રમાણે વિશ્ર્વ ખાદ્ય સુરક્ષા સૂચકાંકની યાદીમાં ભારત વર્ષ ૨૦૨૧માં ૭૧મા અને વર્ષ ૨૦૨૨માં ૬૮મા સ્થાને રહ્યું હતું. રૂલ ઑફ લૉ ઈન્ડેક્સની યાદીમાં ભારતની સ્થિતિમાં વર્ષ ૨૦૨૧ની સરખામણીએ વર્ષ ૨૦૨૨માં બે સ્થાનને સુધારો જોવા મળ્યો હતો તો વૈશ્ર્વિક સતત વિકાસ રિપોર્ટમાં નવ સ્થાનનો સુધારો જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે વૈશ્ર્વિક સૂચકાંકની યાદીમાં પણ ભારતે પોતાની સ્થિતિ નવ સ્થાન સુધારી છે. ખુશહાલી સૂચકાંકની યાદીમાં ભારતે વર્ષ ૨૦૨૨ની સરખામણીએ ૧દ સ્થાનની છલાંગ લગાવી છે. આ યાદીમાં ફિનલૅન્ડ ટોચના અને અફઘાનિસ્તાન સૌથી નીચેના સ્થાને છે. ગ્લોબલ જૅન્ડર ગૅપ ઈન્ડેક્સમાં પણ ભારતે આઠ સ્થાનનો સુધારો કર્યો છે. વર્ષ ૨૦૨૨માં ભારત આ યાદીમાં ૧૩૫મા સ્થાને હતું તો વર્ષ ૨૦૨૩માં ૧૨૭મા સ્થાને છે.

જે ક્ષેત્રમાં ભારતની સ્થિતિ પહેલા કરતાં બગડી છે કે પહેલાં જેવી જ રહી છે તેમાં પર્યાવરણ પ્રદર્શન સૂચકાંકનો સમાવેશ થાય છે. પર્યાવરણ પ્રદર્શન સૂચકાંકની યાદીમાં ભારત સૌથી નીચેના સ્થાને છે. વિશ્ર્વ પ્રેસ સ્વતંત્રતાના સૂચકાંકની યાદીમાં ભારત ૧૧ સ્થાન
ગબડીને વર્ષ ૨૦૨૩માં ૧૬૧મા સ્થાને રહ્યું છે. આ યાદીમાં ઉત્તર કોરિયા સૌથી નીચેના સ્થાને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker