
- અજય મોતીવાલા
જીવનમાં ક્યારેક એવું બનતું હોય છે કે અમુક ચોક્કસ સમયે ખાસ ધરા આપણને અણધારી સફળતા અપાવી જાય છે. આ સક્સેસ નસીબમાં ક્યારે લખાઈ હોય છે એની તો જાણ નથી હોતી, પરંતુ આપણી સંસ્કૃતિમાં ભૂમિનું ખૂબ મહત્ત્વ તો છે જ. ભારતે ટેસ્ટ-ક્રિકેટ રમવાની શરૂઆત ઇંગ્લૅન્ડમાં કરી હતી. ત્યારે ભારતમાં બ્રિટિશરોનું રાજ હતું અને 1932માં ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડસમાં આપણે કર્નલ સી. કે. નાયુડુના સુકાનમાં પહેલી ટેસ્ટ રમ્યા હતા. જોકે ઇંગ્લૅન્ડની ધરતી પર આપણને પહેલો ટેસ્ટ-વિજય છેક ઑગસ્ટ 1971માં (39 વર્ષ બાદ) મળ્યો હતો અને ભૂમિની વાત કરીએ તો એ જીતનો શ્રેય લંડનના કેન્સિંગ્ટન ઓવલ મેદાનને ફાળે જાય છે. આ વખતે પણ ટીમ ઇન્ડિયાને એ સ્થાન સફળતા અપાવી શકે, પણ એ પહેલાં કેટલાક ચમત્કારો થવા જરૂરી છે, કારણકે હાલમાં આપણી ટીમ 1-2થી પાછળ છે.
ઓવલનું આ એ જ મેદાન છે જ્યાં 54 વર્ષ પહેલાં અજિત વાડેકરના નેતૃત્વમાં ભારતે રે ઇલિંગવર્થની ટીમને ચાર વિકેટે પરાજિત કરીને સિરીઝ (1-0થી) પણ જીતી લીધી હતી. ત્યારની આપણી ટીમના ખેલાડીઓના નામ (ઘણાને યાદ હશે જ) વાંચશો તો રોમાંચિત થઈ જશો એમાં બેમત ન હોઈ શકે. અજિત વાડેકરના સુકાનમાં બ્રિટિશરોને તેમની જ ધરતી પર પરાજિત કરનાર ટીમ ઇન્ડિયામાં સુનીલ ગાવસકર, અશોક માંકડ, દિલીપ સરદેસાઈ, ગુંડપ્પા વિશ્વનાથ, એકનાથ સોલકર, ફરોખ એન્જિનિયર, સૈયદ આબિદ અલી, શ્રીનિવાસ વેન્કટરાઘવન, બિશનસિંહ બેદી અને ભાગવત ચંદ્રશેખરનો સમાવેશ હતો. એ 1971ની સાલ હતી અને બ્રિટિશરોએ આપણી સામે 71 રનની સરસાઈ લીધી હતી. ત્યાર બાદ બ્રિટિશ ટીમ બીજા દાવમાં મોટો સ્કોર કરીને ભારતને પ્રેશરમાં લાવીને હરાવી શકે એમ હતું, પરંતુ પ્રથમ દાવમાં મહાન વિકેટકીપર ઍલન નૉટનો તેમના 90 રનના સ્કોર પર પોતાના જ બૉલમાં કૅચ ઝીલનાર સોલકરે બીજા દાવમાં પણ ઍલન નૉટને નહોતા છોડ્યા.

આ પણ વાંચો: સ્પોર્ટ્સમૅન: લૉર્ડ્સમાં ભારતે બ્રિટિશરોને 1932થી લડત આપી છે
ઍલન નૉટ હજી તો ત્રણ બૉલમાં માંડ એક રન બનાવીને ક્રીઝમાં ઠરીઠામ થયા હતા ત્યાં તો ચોથા બૉલમાં તેમણે પૅવિલિયનમાં પાછા જવું પડ્યું હતું. તેઓ ત્યારે એકનાથ સોલકરના અદ્ભુત કૅચનો શિકાર થઈ ગયા હતા. એસ. વેન્કટરાઘવનના એક બૉલને ઍલન નૉટે ભૂલથી શૉર્ટ લેગ તરફ ધકેલી દીધો હતો જ્યાં ઊભેલા એકનાથ સોલકરે અફલાતૂન ડાઇવિંગ કૅચ પકડ્યો હતો. સોલકરે કૅચ ઝીલ્યા પછી જાણે સાષ્ટાંગ દંડવત કર્યા હતા. ભારતીય ટીમ માટે એ ચમત્કાર જ હતો. ઍલન નૉટની વિકેટ પડ્યા પછી બ્રિટિશ ટીમ ક્યારેય ફરી બેઠી નહોતી થઈ શકી. ભાગવત ચંદ્રશેખરની છ, વેન્કટરાઘવનની બે તથા બેદીની એક વિકેટના પ્રતાપે ભારતે બ્રિટિશરોને 101 રનના સ્કોર પર ઑલઆઉટ કરી દીધા હતા. ભારતને 173 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો અને વાડેકર (45 રન), સરદેસાઈ (40 રન), વિશ્વનાથ (33 રન) તથા એન્જિનિયર (28 અણનમ)ના યોગદાનોની મદદથી છ વિકેટે 174 રન બનાવીને ભારતે ઇંગ્લૅન્ડની ધરતી પર નવો ઇતિહાસ સરજ્યો હતો. ત્યાર બાદ છેક 50 વર્ષે (2021માં) ઓવલમાં વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં ભારતે જૉ રૂટની ટીમ સામે 157 રનથી વિજય મેળવ્યો હતો.
બસ, આ બે જીત સિવાય ઓવલમાં ઇંગ્લૅન્ડ સામે ભારતના પાંચ ટેસ્ટમાં પરાજય થયા છે અને સાત ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે.
વર્તમાન શ્રેણીમાં બ્રિટિશરો 2-1થી આગળ છે અને બાકીની બેમાંથી એક મૅચ જીતશે તો પહેલી વાર ઍન્ડરસન-તેન્ડુલકરના નામે રમાતી ટ્રોફી પર પોતાનું નામ અંકિત કરાવી શકશે. જોકે તેમને એવું કરતા રોકવા સૌથી પહેલાં તો આપણે બુધવાર, 23મી જુલાઈથી મૅન્ચેસ્ટરના ઑલ્ડ ટે્રફર્ડમાં રમાનારી ચોથી ટેસ્ટ જીતવાની છે અને પછી 31મી જુલાઈએ શરૂ થનારી ઓવલની ટેસ્ટ જીતવા પર બધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. 1971માં આપણે ઇંગ્લૅન્ડમાં પહેલી ટેસ્ટ ઓવલમાં જીત્યા હતા અને ઇંગ્લૅન્ડ સામે છેલ્લે આ જ સ્થળે 2021ની ટેસ્ટમાં પણ ભારતને વિજય પ્રાપ્ત થયો હતો એટલે એ બે મોટી સફળતાને લક્ષમાં રાખીને (સકારાત્મક અભિગમથી) શુભમન ગિલ ઍન્ડ કંપનીએ આ ઐતિહાસિક મેદાન પર રમવું પડશે. એ પહેલાં, મૅન્ચેસ્ટરની ટેસ્ટ જીતીને સિરીઝને 2-2ની બરાબરીમાં લાવવી જરૂરી છે. મૅન્ચેસ્ટરમાં ભારતીયો ક્યારેય ટેસ્ટ નથી જીત્યા એ ઇતિહાસ પણ આપણી વર્તમાન ટીમને નિરાશ કરી દેનારો છે, પરંતુ બદલાવ લાવવાની ક્યારેક તો શરૂઆત કરવી જ પડતી હોય છે અને કોણ જાણે એ ચેન્જ આ વખતે આવી પણ જાય. ચમત્કાર પ્લાનિંગથી નથી થતો. એ ઓચિંતો થઈ જતો હોય છે. જાન હૈ તો જહાન હૈ. મૅન્ચેસ્ટરમાં પહેલી વાર આપણે ટેસ્ટ જીતીને નવો ઇતિહાસ રચવાનો છે અને એ જવાબદારી શુભમન ગિલ અને તેના સાથીઓના શિરે છે.
વર્તમાન સિરીઝની લીડ્સની પ્રથમ અને લૉર્ડ્સની ત્રીજી ટેસ્ટમાં કરેલી ભૂલ ફરી ન કરવાની પ્રતિજ્ઞા લઈશું અને એજબૅસ્ટનની બીજી ટેસ્ટની જેમ ફરી સુપર પર્ફોર્મન્સીસ આપીશું તો શ્રેણીની બાકીની બેઉ ટેસ્ટ જીતવી શક્ય છે. અત્યારે આપણે 1-2થી પાછળ છીએ. 3-2થી વિજય મેળવવા માટેનો માર્ગ વિકટ જરૂર છે, પણ સફળતા સંભવ છે.