સ્પોર્ટ્સમૅન: ભારત-ઇંગ્લૅન્ડ સિરીઝ ડ્રૉ, પણ ટેસ્ટ ક્રિકેટનો વિજય

- અજય મોતીવાલા
સ્લેજિંગની પરાકાષ્ઠા વચ્ચે હરીફ ખેલાડીઓ વચ્ચે થઈ ગરમાગરમી… કુલ 1,861 ઓવરમાં 7,187 રન બન્યા અને 41 કૅચ ડ્રૉપ થયા છતાં નિસ્તેજ ટેસ્ટ ફૉર્મેટને નવજીવન મળ્યું
આકાશ દીપ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ સિરીઝની બે ટેસ્ટમાં બુમરાહની ખોટ ન વર્તાવા દીધી.
જાડેજાએ યાદગાર સદીથી ટેસ્ટ ડ્રૉ કરાવ્યા બાદ મૅન્ચેસ્ટરની ભૂમિને નમન કર્યા હતા.
ભારત સામેની કોઈ પણ સિરીઝ પહેલાં ઇંગ્લૅન્ડના કે ઑસ્ટે્રલિયાના ભૂતપૂર્વ ખેલાડીઓ પોતાના દેશની ટીમ બાબતમાં વધુ પડતા ઉત્સાહી અને આશાવાદી હોય છે. હજી તો ભારતની ટીમ તેમની ધરતી પર આવી પણ ન હોય ત્યાં તેઓ હવાનાં મહેલ બાંધવાના શરૂ કરી દેતા હોય છે. ટીમ ઇન્ડિયા સામે સિરીઝ જીતવાની વાત તો દૂર રહી, ભારતનો વાઇટ-વૉશ કરી નાખવામાં આવશે એવી શેખી કરતા હોય છે. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ઓઇન મૉર્ગને મે મહિનામાં કંઈક આવું જ કર્યું હતું. તેણે કહ્યું હતું કે `મને લાગે છે કે ભારત સામેની ટેસ્ટ શ્રેણી જીતવા માટે ઇંગ્લૅન્ડ ફેવરિટ તો છે જ, બેન સ્ટૉક્સની ટીમ ભારતનો 5-0થી રકાસ કરશે.’
ઑસ્ટે્રલિયાનું પણ એવું જ છે. ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ ટેસ્ટ શ્રેણીનો સમય નજીક આવે એટલે 5-0 કે 0-5ની ડંફાસ મારવાની શરૂઆત થઈ જાય છે. જુઓને, ગ્લેન મૅકગ્રાએ ગઈ કાલે જ કહ્યું કે `અમારે ત્યાં નવેમ્બરમાં ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી પાંચ મૅચની ઍશિઝ ટેસ્ટ શ્રેણીમાં ઑસ્ટે્રલિયાનો 5-0થી શાનદાર વિજય થશે.’
ફરી ભારત-ઇંગ્લૅન્ડની વાત પર આવીએ તો સિરીઝ પહેલાંની ભલભલા ક્રિકેટરોની અને વિવેચકોની ધારણા ખોટી પડી છે. ન તો બ્રિટિશ ટીમ આ સિરીઝ જીતી શકી અને ન તો ભારતીય ટીમને વિજય મેળવવામાં સફળતા મળી. શ્રેણી 2-2થી ડ્રૉ જરૂર થઈ, પરંતુ આને ટેસ્ટ ક્રિકેટનો વિજય જરૂર ગણી શકાય. માત્ર વિજય જ નહીં, ટી-20ના આજના જમાનામાં ટેસ્ટ ક્રિકેટને નવી ઊંચાઈ મળી છે.
ટેસ્ટ-ફૉર્મેટને ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીએ નવજીવન બક્ષ્યું છે એમ કહીએ તો પણ ખોટું નથી. ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં ટેસ્ટ ક્રિકેટ સર્વશ્રેષ્ઠ ગણાય છે. આ લાંબું ફૉર્મેટ જ ક્રિકેટરનું ખરા અર્થમાં ઘડતર કરે છે. ટી-20 ફટાફટ ક્રિકેટ છે અને વન-ડે એક રીતે મર્યાદિત પ્રકારની છે, પરંતુ ટેસ્ટ-ક્રિકેટમાં બૅટ્સમૅન પોતાની ટેક્નિકને નવો ઓપ આપી શકે છે, ધૈર્યથી રમવાની આદત કેળવી શકે છે, વ્યૂહરચનાને સારી રીતે અમલમાં મૂકી શકે છે તેમ જ બોલર લાઇન અને લેન્ગ્થ જાળવવા ઉપરાંત બોલિંગમાં વિવિધતા બતાવી શકે છે અને એ રીતે હરીફ ટીમના બૅટ્સમૅનને જાળમાં ફસાવવામાં સફળતા મેળવી શકે છે.
આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅનઃ ઑલરાઉન્ડર માટે ઑલ ઇઝ વેલ
આ બધા પરિબળોથી સૌ કોઈ ક્રિકેટપ્રેમી પરિચિત છે જ, પરંતુ અહીં મુદ્દાની વાત એ છે કે ભારત-ઇંગ્લૅન્ડની સિરીઝે અનેક રીતે ટેસ્ટ ક્રિકેટમાં પ્રાણ પૂર્યા છે. એક તો શુભમન ગિલ માટે કૅપ્ટન તરીકે આ પહેલી જ ટેસ્ટ શ્રેણી હતી એટલે તેણે પહેલાં તો એમાં સક્સેસ થવાનું હતું. જોકે નેતૃત્વ ખૂબ સારી રીતે સંભાળવાની સાથે તેણે ઢગલો રન પણ કર્યા. તેણે અને બીજા ખેલાડીઓએ નવા વિક્રમો રચ્યા. આ બાબતો ટેસ્ટ ક્રિકેટ તરફ ક્રિકેટ લવર્સને વધુ આકર્ષિત કરનારી હતી. બીજું, બન્ને ટીમ વચ્ચે ગરમાગરમીના ઘણા બનાવ બન્યા જેને કારણે પણ સિરીઝ વધુ રોમાંચક બની હતી.
સૌથી પહેલાં તો ડ્યૂક્સ બૉલની રામાયણ થઈ. ભારતીય ઉત્પાદક દ્વારા પૂરા પાડવામાં આવતા ડ્યૂક્સ બૉલથી જ ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ સિરીઝો રમાય છે. જોકે ડ્યૂક્સ બૉલ બહુ જલદી નરમ થઈ જતો હોવાની ભારતીય ખેલાડીઓએ અમ્પાયરોને વારંવાર ફરિયાદ કરી હોવા છતાં બૉલ નહોતો બદલી આપવામાં આવતો. ખુદ બ્રિટિશ કૅપ્ટન બેન સ્ટૉક્સ અને તેના સાથીઓ પણ ડ્યૂક્સ બૉલના બહુ જલદી બદલાઈ જતા આકારને કારણે પરેશાન હતા એમ છતાં આખી સિરીઝ આ વિવાદાસ્પદ બ્રૅન્ડના બૉલથી જ રમાઈ. ઇંગ્લૅન્ડના ઓપનર ઝૅક ક્રૉવ્લીએ લૉર્ડ્સની ટેસ્ટમાં એક દિવસે સાંજે રમતની અંતિમ પળોમાં ઓછું રમવું પડે એ માટે જાણી જોઈને સમય બગાડ્યો હતો અને જસપ્રીત બુમરાહને પરેશાન કર્યો હતો.
મૅન્ચેસ્ટરની ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે રવીન્દ્ર જાડેજા (અણનમ 107) અને વૉશિંગ્ટન સુંદર (અણનમ 101) સેન્ચુરીની નજીક હતા ત્યારે ટેસ્ટ વહેલી ડ્રૉ કરવાની (બદદાનત સાથે) દરખાસ્ત લઈને આવેલા બેન સ્ટૉક્સને જાડેજા-વૉશિંગ્ટને ના પાડી એટલે સ્ટૉક્સ રિસાઈ ગયો હતો. જોકે હકીકતમાં ભારતીય બૅટ્સમેનોએ તેને તેની જ મેડિસિન આપી તો તેનું મોં કડવું થઈ ગયું. ઓવલની નિર્ણાયક ટેસ્ટમાં શાંત પ્રકૃતિવાળા બે હરીફ ખેલાડીઓ સામસામે આવી ગયા એને લીધે પણ ટેસ્ટ ક્રિકેટ થોડી ચકચારમય થઈ હતી. જૉ રૂટ ક્યારેય કોઈ વિવાદમાં પડતો નથી, પરંતુ પ્રસિદ્ધ ક્રિષ્નાએ તેને તેના ફિટનેસ અને ફૉર્મના વખાણ કર્યા તો એને તે ટકોર સમજી બેઠો અને ક્રિષ્નાને ગાળ આપી હતી. જોકે અમ્પાયરે છોડાવ્યા એટલે વાત ત્યાં જ ખતમ થઈ ગઈ હતી.
આવા બીજા કેટલાક નાના-મોટા બનાવો સિરીઝ દરમ્યાન બન્યા જેને લીધે ટેસ્ટ ક્રિકેટ વધુ ચર્ચાસ્પદ થઈ. અધૂરામાં પૂરું, રિષભ પંતે હાથની આંગળીની ઈજા અવગણ્યા બાદ પગમાં ફ્રૅક્ચર હોવા છતાં બૅટિંગ કરી ત્યારે અનેક ક્રિકેટચાહકો ભાવુક થઈ ગયા હતા. છેલ્લે ક્રિસ વૉક્સે ખભો ઊતરી જવા છતાં પાટો બંધાવીને (સ્લિંગર સાથે) બૅટિંગ કરીને ટેસ્ટ ક્રિકેટનું માહાત્મ્ય વધારી દીધું હતું.
આ પણ વાંચો…સ્પોર્ટ્સમૅન : માર્ગ વિકટ ખરો, પણ વિક્ટરી શક્ય છે
શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ લગભગ બે મહિના ઇંગ્લૅન્ડમાં રહી, પણ એમાં પાંચ ટેસ્ટના કુલ પચીસ દિવસ ગણીએ તો એમાં કુલ 7,187 રન થયા હતા. 1993ની ઍશિઝ સિરીઝના કુલ રનનો 7,221 રનનો વિશ્વવિક્રમ માત્ર 35 રન માટે તૂટતા રહી ગયો હતો. ભારત અને ઇંગ્લૅન્ડના બૅટ્સમેનો વચ્ચે કુલ 19 સેન્ચુરી પાર્ટનરશિપ થઈ, ગિલની ડબલ સેન્ચુરી સહિત કુલ 21 સેન્ચુરી નોંધાઈ જેમાં ભારતીયોએ એક સિરીઝમાં 12 સેન્ચુરી ફટકારવાનો પોતાનો નવો વિક્રમ રચ્યો, શ્રેણીમાં કુલ મળીને 1,861 ઓવર બોલિંગ કરવામાં આવી અને કુલ મળીને 41 કૅચ ડ્રૉપ થયા. કૅચ પડતાં મુકાતાં જે તે મૅચમાં ટર્ન આવ્યા હતા અને આ લૉન્ગેસ્ટ ફૉર્મેટ વધુ એક્સાઇટિંગ થઈ ગઈ હતી.
ઢગલો રન થયા, વિવાદો પણ થયા અને અસંખ્ય કૅચ પણ છૂટ્યા એમ છતાં સિરીઝનું સ્પષ્ટ રિઝલ્ટ ન આવ્યું. જોકે શ્રેણી 2-2થી ડ્રૉમાં ગઈ એ પણ એક રીતે ટેસ્ટ ક્રિકેટની જીત સમાન છે. હવે પછી બન્ને દેશની પોતપોતાની નવી ટેસ્ટ-શ્રેણી ક્યારે રમાશે એની ક્રિકેટપ્રેમીઓ કાગડોળે રાહ જરૂર જોશે. ઑસ્ટે્રલિયન ક્રિકેટ બોર્ડ તરફથી તો નિવેદન આવી જ ગયું છે કે ભારત-ઇંગ્લૅન્ડની સિરીઝમાં જે હળવા વાદવિવાદો થયા અને યુવા ખેલાડીઓએ જે ધમાકેદાર પર્ફોર્મ કર્યું એની આડકતરી સકારાત્મક અસર ઑસ્ટે્રલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચેની આ વર્ષની ઍશિઝ સિરીઝ પર જોવા મળશે. ટૂંકમાં, ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીએ ઍશિઝને અત્યારથી જાનદાર બનાવી છે. આઇસીસી વર્ષોથી ટેસ્ટ ક્રિકેટને રોમાંચક બનાવવા પ્રયત્નશીલ છે ત્યારે ભારત-ઇંગ્લૅન્ડની એક જ શ્રેણીએ આ ફૉર્મેટને સજીવન કર્યું છે.
આ પણ વાંચો…કુંબલે ને પંત જેવા કમબૅક કોઈના નહીં…