ભારત, ચીન અને પાકિસ્તાન: આખિર નામમેં ક્યા રખ્ખા હૈ?
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
નામ અને રૂપિયા, આ બંને ચીજ એવી છે, કે જેની પાસે હોય, એ વ્યક્તિ આ બંને ચીજ પરત્વે પોતાની અનાસક્તિ જાહેર કરતો રહે છે! પણ ખાનગીમાં આખી પરિસ્થિતિ સાવ વિપરીત હોય છે. કોઈ જાહેર જીવનમાં પ્રવૃત્ત વ્યક્તિ ભલે એમ કહે કે ‘મને પ્રસિદ્ધિની કંઈ પડી નથી’, પણ હકીકતે એ મોટા ભાગની સેવા પ્રસિદ્ધિ મેળવવા માટે જ કરતો હોય એમ બને. બાકી સામાન્ય માણસને તો રેલવેની ટિકિટ વિન્ડોથી લઈને બૅંકની લાઈન સુધી પોતાનાં નામ સરનામા સહિતનું ઓળખપત્ર લઈને જ ઊભા રહેવું પડે છે. એટલે ‘નામ’ બાબતે એ ક્યારેય ઊંચી ઊંચી ફિલોસોફી નથી ઝાડતો. હા, દેશની વાત આવે તો વાત જુદી છે.
થોડા સમય પહેલા દેશનું નામ ‘ઇન્ડિયા’ રાખવું કે ‘ભારત’ એની ચર્ચા જોરશોરથી ચાલી નીકળી હતી. આ મુદ્દે અમુક લોકો તો એટલા ઉગ્ર થઇ ગયેલા કે જો ઇઝરાયલ-હમાસ વચ્ચે મોટી બબાલ ન થઇ ગઈ હોત, તો કદાચ આપણા દેશમાં મોટી બબાલ થઇ જાત! એક રીતે જુઓ તો આ વાતમાં કંઈ માલ નથી, પણ બીજી રીતે જુઓ તો આખી બાબત બહુ ગહન-આપણી સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલી હોવાનું સમજાશે. સર્વકાલીન મહાન નાટ્યકારોમાં ગણના પામતા શેક્સપિયરે જુલિયેટના મોઢે કહેવડાવ્યું છે કે વ્હોટ ઇઝ ધેર ઇન અ નેઈમ! પણ ‘રોમિયો એન્ડ જુલિયેટ’ નાટકના કથાસારને જાણનારાને ખબર છે કે શેક્સપિયરના એ નાટકમાં પણ બધી બબાલ નામની જ તો હતી! વળી અત્યંત પ્રસિદ્ધિ પામેલ જુલિયેટનાં આ ક્વોટને પણ શેક્સપિયરનાં નામ સાથે જ ટાંકવું પડે છે.
ખેર, દેશનાં નામની ચર્ચા પર પાછા ફરીએ. દુનિયાના અનેક દેશોના નામ સમયાંતરે બદલાતા જ રહ્યા છે. આપણા દુષ્ટ પડોશીઓ ચીન અને પાકિસ્તાન પણ એમાંથી બાકાત
નથી.
‘ચીન’ નામ મૂળે શાસક વંશ ઉપરથી આવ્યું છે. ભારતની ઉત્તર-પૂર્વે, હિમાલયની પેલી તરફ આવેલા વિશાળ પ્રદેશ ઉપર લાંબા સમય સુધી શાસન કરનાર Qin વંશ ઉપરથી પડ્યું. Qin નો ઉચ્ચાર ચીન તરીકે કરવામાં આવે છે. આ વંશના શાસન હેઠળ રહેલો પ્રદેશ ‘ચીન’ દેશ તરીકે પ્રખ્યાત થયો. ચીન વંશના પ્રથમ શાસકનું નામ Qin Shi Huangdi હતું, જેના નામ પરથી વંશ અને દેશ બંને ઓળખ પામ્યા, પરંતુ ઇતિહાસ પ્રસિદ્ધ પ્રવાસી માર્કો પોલો આ પ્રદેશને ‘Cathay’ તરીકે ઓળખાવે છે! વળી પાછું આ કેથે નામ ઉત્તર તરફના ભાગ માટે જ વપરાતું હતું. માર્કોએ દક્ષિણી ચીનનો ઉલ્લેખ ‘Mangi’ તરીકે કર્યો છે. આજે પણ હોંગકોંગની એરલાઈન્સનું નામ ‘કેથે પેસિફિક’( Cathay Pacific) છે. આ એરલાઈન્સ સાથે સંલગ્ન ક્લબ માર્કો પોલોના નામ ઉપરથી ‘માર્કો પોલો ક્લબ’ તરીકે ઓળખાય છે. ચીનનું હજી એક ઓર નામ પણ છે. જીભના લોચા વળી જાય એવું આ નામ એટલે Zhongguo’.. આ નામ પણ પ્રમાણમાં સારું એવું જાણીતું હતું. નામ ભલે વિચિત્ર લાગે, પણ એની પાછળ તર્ક છે. ચાઈનીઝ ભાષામાં ‘Zhong’નો અર્થ થાય કેન્દ્ર, અને ‘Guo’નો અર્થ થાય ‘દેશ’. આમ ‘Zhongguo એટલે કેન્દ્રમાં આવેલો પ્રદેશ, અથવા વચમાં આવેલો દેશ. આવું વિચિત્ર નામ કેમ? ચીનાઓ સદીઓથી એવું માનતા આવ્યા છે કે પૃથ્વી પર સ્વર્ગસમી પવિત્ર (ડિવાઈન) ગણાય એવી ભૂમિના કેન્દ્રમાં ચીન દેશ આવેલો છે. ચીનની સરહદો વટાવીને આ ભૂમિથી દૂર જતા જાવ, તેમ તેમ વધુને વધુ જંગલી પ્રજાતિઓના વિસ્તારો જાય! આજ કારણોસર આપણે જેમ આપણી માતૃભૂમિને ‘સ્વર્ગદાપી ગરિયસી’ ગણીએ છીએ, એમ ચીનાઓ પણ પોતાની ભૂમિને સ્વર્ગીય પ્રદેશ માનીને હરખાય છે. જો કે ચીનાઓની આ માન્યતા સાવ હસી કાઢવા જેવી ય નથી.
સદીઓ પૂર્વે ચીનની દીવાલની બહારની તરફ, મૂળ ચીની પ્રદેશની બહાર જંગલી મોંગોલિયન્સ સહિતની ધાડપાડુ પ્રજાતિઓ વસવાટ કરતી હતી. બીજી એક માન્યતા મુજબ ધિ પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈનાને ટૂંકમાં Zhongguoતરીકે ઓળખવામાં આવે છે. ગમે તે હોય, જો ચીનાઓ પોતાની ભૂમિને પવિત્ર માનતા હોય, અને બહારની પ્રજાને જંગલી ગણતા હોય, તો ભારત, જાપાન, તાઈવાન સહિતના તમામ પડોશીઓની જમીનો પચાવી પાડવા માટે શા માટે વલખા મારી રહ્યા છે? રહોને ભાઈ તમતમારે તમારા સ્વર્ગમાં! ખરું ને?!
દેશ અને ઈતિહાસની વાત હોય, તો આપણે ભારતીયો આપણા ‘પ્રાણપ્યારા’ પડોશી પાપીસ્તાન… સોરી, પાકિસ્તાનને શી રીતે ભૂલીએ? ‘પાક’નો અર્થ થાય પવિત્ર. અને ‘સ્તાન’ શબ્દનાં મૂળ પાછા પર્શિયન ભાષામાં રહેલા છે. પર્શિયનમાં સ્તાન શબ્દ જમીન માટે વપરાય છે. પાકિસ્તાનનો અર્થ થાય પવિત્ર ભૂમિ. (લો બોલો!) જો કે આ તો જાણીતો અર્થ છે, પણ એ સિવાય બીજો પણ એક રસપ્રદ ઇતિહાસ છે, જે જાણવો જોઈએ. ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭નાં દિવસે ભારતના ભાગલા થયા અને પાકિસ્તાનનો જન્મ થયો, પણ પાકિસ્તાન શબ્દ તો એના ઘણા વર્ષો પહેલાથી જ પ્રચલિત થઇ ગયેલો! હિન્દુસ્તાનથી અલગ થઈને મુસ્લિમો માટેના અલગ અને સ્વતંત્ર દેશની માગણી કરી રહેલા ચૌધરી રહેમતઅલી ખાન નામના કટ્ટરવાદી ઇસ્લામિક નેતાએ ઠેઠ ૨૮ જાન્યુઆરી, ૧૯૩૩ના દિવસે જ ગજ્ઞૂ જ્ઞિ ગયદયિ નામક પેમ્ફલેટ પબ્લિશ કરેલું. આ પેમ્ફલેટમાં ભારતમાં વસતા ત્રણ કરોડ મુસલમાનોને ‘આઝાદી’ આપવા અંગે તત્કાલીન બ્રિટિશ હકૂમતને અપીલ કરવામાં આવી હતી! એમને માત્ર બ્રિટિશ સરકાર પાસેથી જ નહિ, બલકે ભારતથી પણ આઝાદી જોઈતી
હતી!
હવે ચૌધરી રહેમતઅલી ખાન તત્કાલીન ભારતમાં વસતા જે ત્રણ કરોડ મુસ્લિમોની વાત કરતા હતા, એ બધા કંઈ એક જ રાજ્યમાં નહોતા વસતા, કે એ રાજ્ય ભારતીય સંઘમાંથી છૂટું કરી દેવાય! આ મુસલમાનો જે-જે રાજ્યોમાં વસતા હતા, એના નામો આ મુજબ છે : પંજાબ Punjab), અફઘાન પ્રોવિન્સ (Afghan province), કાશ્મીર (Kashmir), સિંધ Sindh) અને બલૂચિસ્તાન (baluchisTAN). હવે આ તમામ રાજ્યોના અંગ્રેજી નામના (જે કૌંસમાં લખ્યા છે) કેપિટલમાં લખેલા લેટર્સને ભેગા કરો, તો કયો શબ્દ બને? યસ, એ શબ્દ છે ’PAKSTAN’. ૧૯૩૩માં જ જે અલગ દેશની માગણી થયેલી, એનું નામ ‘પાકસ્તાન’ (એટલે કે પાક-પવિત્ર ભૂમિ) રાખવાની વાત હતી. તમને જણાશે કે ભારતના જે ભાગલા પડ્યા, એમાં પાકિસ્તાનની સાથે પૂર્વ પાકિસ્તાન પણ સાવ અતાર્કિક રીતે જોડાયેલું હતું, જે ૧૯૭૧ના યુદ્ધ પછી પાકિસ્તાનથી કપાઈને છૂટું પડ્યું. આ જોડાણ ‘અતાર્કિક’ એટલા માટે હતું, કારણકે જમીન કે જળ સરહદે પશ્ર્ચિમ પાકિસ્તાન સાથે એનું જોડાણ હતું જ નહિ, ઉલટાનું પાકિસ્તાનના પૂર્વ અને પશ્ર્ચિમ ભાગ વચ્ચે મસમોટી ભારતીય ભૂમિ હતી! જો કે રહેમતઅલીએ ૧૯૩૩માં જે પ્રસ્તાવ મૂકેલો, એમાં માત્ર ઉત્તર-પશ્ર્ચિમી પ્રદેશોને ભારતમાંથી છૂટા પાડીને જ નવું પાકસ્તાન બનાવવાની વાત હતી. દેશનાં બીજાં રાજ્યોમાં વસતા મુસલમાનો માટે રહેમત અલીએ જુદો જ (અને ક્યારેય સ્વીકારી ન શકાય એવો) પ્લાન બનાવેલો.
રહેમત ખાનની ઈચ્છા હતી કે બંગાળમાં વસતા મુસલમાનો માટે પણ અલગ દેશ બનાવવામાં આવે, જેને માટે એણે ‘બાંગ્લાસ્તાન’ (Banglastan) નામ વિચારેલું. પાછળથી એનો આ તર્ક જુદી રીતે સાચો પડ્યો અને બાંગ્લાદેશનું સર્જન થયું. આ ઉપરાંત હૈદરાબાદનાં મુસ્લિમો માટે પણ અલગ દેશ બનાવવાની રહેમતની ઈચ્છા હતી! (અરે બસ કર પગલે, રુલાયેગા કયા!) રહેમત ખાને દક્ષિણ પ્રાંતમાંથી અલગ મુસ્લિમ દેશ તરીકે છૂટા પાડનાર વિસ્તાર માટે ‘ઓસ્માનિસ્તાન’ (Osmanistan) નામ પણ વિચારી કાઢેલું, બોલો! જો કે રહેમત ચાચાનો ‘ફઈબા’ બનીને નામ પાડવાનો આ શોખ અધૂરો જ રહ્યો! થેંક ગોડ!
જો કે દોઢેક દાયકા બાદ ભારતના ખરેખર ભાગલા પડ્યા, ત્યારે પાકિસ્તાન જ નહિ, પણ બીજા અનેક સ્ટેટ્સ ભારતમાંથી છૂટા પાડવા તલપાપડ હતા. કદાચ બાંગ્લાસ્તાન અને ઓસ્માનિસ્તાન પણ બની ગયા હોત, પણ કટ્ટરવાદી ફોઈબાઓની સામે એક ‘બાપ’ અડીખમ ઊભો હતો, નામ થા ‘સરદાર વલ્લભભાઈ પટેલ’! ખેર, આ તો થઇ દેશનાં નામોના ઇતિહાસની વાત, પણ આમાં શીખ એ છે કે દરેક દેશ અને એની પ્રજા પોતાની સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવા ઈચ્છે છે. કોઈ પણ દેશ હોય, એની પ્રજા માટે જન્મભૂમિનું બહુ મહત્ત્વ હોય છે. અને એટલે જ ‘ભારત’ નામનું આગવું મહત્ત્વ છે જ!