વીક એન્ડ

ચૂંટણીમાં અપાતા અટપટા વચનોસબ કો એક-એક ટટ્ટુ મિલેગા!

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

હાલમાં દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે. રવિવાર, ૩ ડિસેમ્બરે તો ચૂંટણીના પરિણામો પણ જાહેર થઇ જશે. આ દરમિયાન પ્રજાએ કયા પક્ષ કે નેતાઓના ચુનાવી વાયદાઓને ગંભીરતાથી લીધા છે, એ જોવા-જાણવા-સમજવાનું રસપ્રદ થઇ રહેશે. આમ જુઓ તો ચૂંટણીઓમાં કરાતા વાયદાઓ મોટા ભાગે નીરસ હોય છે. પણ ઇતિહાસમાં એવા ય દાખલા નોંધાયા છે, જેમાં ચૂંટણીમાં ઉભેલા કોઈ પ્રસિદ્ધ ઉમેદવારે સાવ ભેજાગેપ લાગે એવા વાયદાઓ કર્યા હોય!

રોનાલ્ડ રેગનનું અનોખું જાગતે રહો પ્રોમિસ!

હજી ગત શનિવારે જ આપણે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખોના કથળેલા સ્વાસ્થ્ય વિષે વાત કરેલી. એ પછી વીતેલા અઠવાડિયા દરમિયાન હાલના અમેરિકી પ્રેસિડેન્ટ એવા જૈફ વયના બાઈડેન દાદા માટે કોઈકે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું કે મિ. બાઈડેનનું કથળતું જતું સ્વાસ્થ્ય એમને આગામી ચૂંટણીઓમાં પ્રમુખ નહિ બનવા દે! રોનાલ્ડ રેગન ૧૯૮૧ થી ૧૯૮૯ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રહ્યા અને અમેરિકાના સૌથી લોકપ્રિય પ્રમુખોમાં એમની ગણના થાય છે. જયારે ૧૯૮૦માં અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે ૬૯ વર્ષની આયુએ પહોંચેલા રેગનના સ્વાસ્થ્ય અંગે ચર્ચાઓ ચાલી નીકળી. વિપક્ષોનું કહેવું હતું કે આ ઉંમરે રોનાલ્ડ રેગન પોતાના કામમાં સ્ફૂર્તિ નહિ જાળવી શકે, હેલ્થ ઇશ્યુઝ એમને યોગ્ય રીતે કામ નહિ કરવા દે. (એ સમયગાળામાં ભારતના તત્કાલીન શીર્ષસ્થ નેતાઓની સરેરાશ આયુ કેટલી હતી, એ તુલનાત્મક અભ્યાસનો વિષય બની શકે.) અમેરિકામાં પ્રમુખપદના ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં જાહેર ડિબેટ કરાવવાનો રિવાજ છે. આ ડિબેટમાં જયારે રેગનના સ્વાસ્થ્ય અંગે ચાલતી ચર્ચાઓ વિષે એમની પાસે જવાબ માંગવામાં આવ્યો, ત્યારે રેગને વચન આપતા કહ્યું કે હું ડ્યુટી સમયે હંમેશાં જાગતો રહીશ, ઊંઘી નહિ જાઉં. અર્થાત, મારી (રેગનની) વધતી ઉંમર અને સ્વાસ્થ્યની કોઈ વિપરીત અસર મારા પ્રમુખ તરીકેના વ્યવહારો પર જોવા નહિ મળે. રેગન માત્ર આટલું વચન આપીને અટક્યા નહિ, બલકે પ્રમાણમાં યુવાન એવા વિરોધપક્ષના નેતાને ટોણો મારતા કહ્યું, “…અને હું એ પણ વચન આપું છું કે, કે વિપક્ષી નેતાની ઓછી વય અને અનુભવના અભાવનો પોલિટિકલ ફાયદો ઉઠાવવાની કોશિશ નહિ કરું!” રોનાલ્ડ રેગનના આ સોલિડ કટાક્ષ સાથે જ સભાગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. બહુ ચાલાકીપૂર્વક રીગને પોતાના સ્વાસ્થ્ય અંગે લોકોને આશ્વસ્ત કર્યા, એટલું જ નહિ પણ વિપક્ષી ઉમેદવાર તદ્દન બિનઅનુભવી છે, એ વાત પણ લોકોના મગજમાં ઉતારી દીધી. એ ચૂંટણી જ નહિ, પણ એના પછીની ચૂંટણી પણ તેઓ લેન્ડસ્લાઈડ વિક્ટરી સાથે જીત્યા!

“હું તમને બોર નહિ થવા દઉં: એલન કરુબા
તમને ખબર છે, આજના સમયની એક ગંભીર સમસ્યા ‘બોરડમ’ની છે. આજે માહિતી અને મનોરંજનના એટલા બધા સોર્સિસ આપણા રોજિંદા જીવનમાં ઠલવાઈ રહ્યા છે, કે આપણે એકના એક બીબાઢાળ જોક્સ, પ્રોગ્રામ્સ, ટેલિવિઝન શોઝ કે બીજા પ્રોગ્રામ્સ જોઈ જોઈને જલદી બોર થઇ જઈએ છીએ. એલન કરુબા નામના એક અમેરિકન ઇલેક્શન કેન્ડીડેટને પણ કંઈક આવી જ ફીલીંગ થઇ આવી. એટલે એમણે પોતાના ઇલેક્શન કેમ્પેઈન દરમિયાન વચન આપ્યું કે “હું તમને બોર નહિ થવા દઉં! પ્રજાને જીવનમાં બીજું શું જોઈએ ભલા! નોકરી, ધંધા, સલામતી, રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ તો ઠીક મારા ભાઈ, આપણને રોજિંદુ મનોરંજન મળી રહે તો ભયો ભયો, ખરું ને!

કરુબાની ઇલેક્શન રેલીઓ પણ મનોરંજનથી ભરપૂર રહેતી. લોકોના જાહેર જીવનને રસપ્રદ બનાવવા માટે કરુબાએ અનેક ‘ઇનોવેટીવ આઈડિયાઝ’ આપેલા. જેમકે નોકરી-ધંધાના સ્થળે રોજ થોડી મિનિટ્સ માટે ડાન્સ કરવાનું ફરજિયાત બનાવવામાં આવશે! એ ઉપરાંત દરેક શહેરમાં સરકારી ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક્સ બનાવવામાં આવશે! (કોના બાપની દિવાળી!) આમ જુઓ તો કરુબાએ લોકોની નાડ પારખીને બોરડમનો મુદ્દો ઉપાડેલો, પણ બોર થવા સિવાય પ્રજાને બીજી, વધુ મહત્ત્વની ચિંતાઓ પણ હોય છે. જો કે એલન કરુબા માટે બોરડમ કંઈ ઇલેક્શન માટેનો મુદ્દો જ નહોતો. એણે ખરેખર બોરડમ સામે લડવા માટે મોરચો ખોલેલો અને એક સેન્ટર પણ સ્થાપેલું. જેનું વાતો ફરી ક્યારેક.

“રસ્તાઓ પર ઘાસ બિછાવી દઈશ: હન્ટર થોમ્પસન
આમ તો હન્ટરભાઈ જાણીતા પત્રકાર-લેખક હતા. પણ ફોર અ ચેન્જ, એમણે રાજકારણમાં પણ ઝંપલાવેલું અને ૭૦ના દાયકામાં કોલોરાડોના એસ્પેન શહેરના શેરિફની ચૂંટણી લડેલા. એમણે એવું વચન આપ્યું કે એસ્પેન શહેરના રસ્તાઓ પર ડામરને બદલે ખાસ પ્રકારનું ટૂંકું ઘાસ (જજ્ઞમ) બિછાવી દેવામાં આવશે! એટલું જ નહિ પણ શહેરનું નામ બદલી “ફેટ સિટી કરી નાખવાની પણ એમની ઈચ્છા હતી. આવું કરવા પાછળનું કારણ શું? પહેલી નજરે સાવ ભેજાગેપ જેવા લાગતા એમના ઇલેક્શન પ્રોમિસ પાછળનો હેતુ વિચારપ્રેરક તો હતો જ. થોમ્પસન સરનું માનવું હતું કે આવા ‘ઉપાયો’ કરવાથી ડેવલપર્સ આ શહેરમાં વધુ રોકાણ-ડેવલપમેન્ટ કરતા અચકાશે, જેને પરિણામે એસ્પેન એક શાંત-પીસફુલ સ્થળ બની રહેશે! મુંબઈ જેવા ટ્રાફિક-ગીચ વસ્તી અને પ્રદૂષણથી ઉભરાતા શહેરથી કંટાળીને તમને ય ક્યારેક આવો વિચાર આવી શકે ખરો? વિચારજો. હન્ટર થોમ્પસન ઇલેક્શનમાં તો હારી ગયા, પણ એણે પોતાના કેમ્પેઈન દ્વારા એક ચર્ચા જરૂર જગાવી.
“દિવાલ બાંધાવીશ, નહિતર…: ડોનાલ્ડ ટ્રમ્પ
રાજકારણની ચર્ચાસ્પદ અને વિચિત્ર બાબતો વિષે ચર્ચા થતી હોય તો અમેરિકાના ભૂતપૂર્વ (અને ભવિષ્યમાં ફરી થવા માંગતા) રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ કઈ રીતે ભુલાય! ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કેમ્પેઈન દરમિયાન જાહેર કરેલું કે હું રાષ્ટ્રપતિ બનીશ તો અમેરિકા અને મેક્સિકોની સરહદે દીવાલ બંધાવીશ. એટલું જ નહિ પણ દીવાલ બાંધવાનો સમગ્ર ખર્ચો મેક્સિકો પાસેથી વસૂલવામાં આવશે! ટ્રમ્પની ઘણી બાબતો આપણને વિચિત્ર લાગે છે. પણ અમેરિક્ધસના મોટા વર્ગને આ બધી બાબતો સ્પર્શતી હોય છે. મેક્સિકો સરહદેથી અમેરિકામાં ભયંકર ઘૂસણખોરી થાય છે. રીઢા ગુનેગારો અને ડ્રગ પેડલર્સ માટે પણ મેક્સિકો બોર્ડર ‘અમેરિકાનું પ્રવેશદ્વાર’ છે. આ ઉપરાંત ટ્રમ્પે બીજી પણ એક પ્રતિજ્ઞા લીધેલી, કે જ્યાં સુધી કૂકીઝ બનાવતી અમેરિકન કંપની ગફબશતભજ્ઞ જ્યાં સુધી પોતાનો મેક્સિકો ખાતેનો પ્લાન્ટ અમેરિકામાં શિફ્ટ નહિ કરે, ત્યાં સુધી પોતે (એટલે કે ટ્રમ્પ ખુદ) ગફબશતભજ્ઞની લોકપ્રિય પ્રોડક્ટ એવી ઓરિયો બિસ્કીટ્સ મોઢામાં નહિ મૂકે!

“સબકો એક-એક-એક ટટ્ટુ મિલેગા!: વર્મીન સુપ્રીમ
વર્મીનભાઈ નામના એક સજ્જ તત્કાલીન પ્રેસિડેન્ટ બરાક ઓબામાને હરાવીને પોતે પ્રેસિડેન્ટ બનવા માંગતા હતા. વ્યવસાયે પરફોર્મિંગ આર્ટિસ્ટ રહી ચૂકેલા આ ભાઈએ ઇલેક્શન કેમ્પેઈન્સ દરમિયાન પણ જબરા પરફોર્મન્સ દેખાડ્યા! એ હંમેશાં પોતાના માથે એક મોટી સાઈઝનો-ઘૂંટણ સુધી આવે એવો બૂટ પહેરી રાખતા! આવું કરવા ખાતરનું એક માત્ર કારણ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવાનું અને પોતાનો એક ‘અલગ દેખાવ’ ઊભો કરવાનું રહેતું. વર્મીનકુમારે અમેરિકન પ્રજાને વચન આપેલું કે જો બંદા જીતી જશે અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનશે, તો દરેક અમેરિકન ભાઈઓ-બહેનોને સરકારશ્રી તરફથી એક-એક ટટ્ટુ ભેટ આપવામાં આવશે. એ ય સાવ મફત! બોલો, આજના કળિયુગમાં આવી ‘કિંમતી જણસ’ કઈ સરકાર પોતાની પ્રજાને આપવા તૈયાર થાય! પણ અમેરિકી પ્રજા નગુણી નીવડી અને ઇલેક્શન્સમાં વર્મીનભાઈને હરાવી દીધા. બાકી આજે આખું અમેરિકા ટટ્ટુ પર સવારી કરતું હોત અને ટ્રાફિકજામ તેમજ પેટ્રોલિયમ પેદાશોના વપરાશ પર મોટો અંકુશ આવી ગયો હોત!

જોક્સ અપાર્ટ, વર્મીન સુપ્રીમનો મૂળ હેતુ ઇલેક્શન લડવાનો હતો જ નહિ. બલકે એ પોતાના દેખાવ અને વાહિયાત વચનોની લહાણી દ્વારા બીજા પોલિટિશીયન્સ પર કટાક્ષ કરી રહ્યો હતો. આપણે ત્યાં પણ ઇલેક્શન કમિશને દરેક ચૂંટણી વખતે આવા પરફોર્મિંગ આર્ટિસ્ટ માટે અમુક બેઠકો અનામત રાખવી જોઈએ, શું કહો છો?! એની વે, આશા રાખીએ કે આવતીકાલે પાંચ રાજ્યોમાં ચૂંટાનારી સરકારો પોતે આપેલા વચનો પૈકી થોડાઘણા ય પૂરા કરે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…