છૂટા ન આપ્યા એટલે નોકરીમાંથી છૂટ્ટા?!
શાકવાળી કે દૂધવાળા પાસે છૂટા લેવાની રકઝક કરીએ છીએ. પરચૂરણના બદલે પિપરમેન્ટ કે ચોકલેટ સ્વીકારતા નથી. છૂટા ન હોય તો ક્ધડકટર પાસે ટિકિટ પાછળ રકમ લખાવી લઇએ છીએ.
વ્યંગ – ભરત વૈષ્ણવ
દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેણે એકથી વધુવાર છૂટા લેવાની કે આપવાની તકલીફ ભોગવી ન હોય. આપ મુઆ વિના સ્વર્ગ કે ઇવન નર્ક પણ જઇ શકાતું નથી. ગરીબી, બેકારી, ભૂખમરો, ફુગાવો, મંદી જેવી વિકરાળ સમસ્યા વચ્ચે પણ છૂટા એટલે કે ચિલ્લર કે પરચૂરણની પળોજણ મૂંઝવી જાય છે.
કોઇ મંદિરની બહાર કોઇ ભિખારી ગરીબડું મોં કરી ભીખ માગતો હોય. મામૂલી રૂપિયામાંય તમને સપરિવાર સુખી થવાના ઢગલબંધ ભીખાર્શીવાદ દેતો હોય અને ધારી લો કે એ ન ફળે તો કરારભંગ બદલ વળતર મેળવવા કોર્ટમાં દાવો કરી શકાય કે નહીં? આ બાબતે કરારનો કાયદો મૌન છે!
ભિખારી ભીખ માંગે ત્યારે આપણે ખિસ્સું ચકાસીએ છીએ. અરે, ભિખારીનું ખિસ્સું નહીં. આપણે ભીખ આપવાની છે. આપણો દેખાવ જોઇને ભિખારીએ આપણને ભીખ આપવાનો નથી. ભિખારીને પૈસા આપવા પાકીટ ચેક કરો તો ખાલી ચણો વાગે ઘણોની માફક પરચૂરણ પણ ખખડતું ન હોય. તમારી ભીખ આપવાની ઇચ્છા અનિચ્છામાં પલટાઈ જાય તો તમે ભિખારી કરતાં બમણું ગરીબડું મોં કરી ‘છૂટા નથી’ એમ સંકોચથી કહો છો. ભિખારી એમ નથી કહેતો કે બોસ, અમારી પંગતમાં જગ્યા ખાલી છે. શણિયું પાથરીને અમારી લાઇનમાં આવી જાવ!
બીજી તરફ, મંદિરમાં એટલું પરચૂરણ આવતું હોય છે કે બેંકો પણ પરચૂરણ સ્વીકારવાનો ઇન્કાર કરતી હોય છે. આપણા સમર્થ હાસ્યકાર જયોતિન્દ્ર દવેએ ખોટી આની ચલાવવા માટે સરસ હાસ્યલેખ લખેલ હતો.
છૂટા હાથની મારામારી થઇ એવા સમાચાર છાપામાં આવે છે. અલબત, હાથ શરીરથી અલગ કરી કંઇ રીતે મારી શકાય તે સમજી શકાતું નથી. લગ્ન વિચ્છેદને છૂટાછેડા કહેવાનાં આવે છે. જો કે તેમાં યુગલને ઊલટા ફેરા લેવડાવવામાં આવતા નથી કે કોઇ છેડાની મડાગાંઠ છોડવામાં આવતી નથી.
આપણને ગ્રાહક તરીકે છૂટા લેવામાં જે મજા આવે છે તેની મજા છૂટા આપતી વખતે આવતી નથી ખિસ્સામાં ચિલ્લર ખખડાવતા ખખડાવતા ‘છૂટા નથી હોં ’ કે એવું સાવ સફેદ જૂઠ બોલીએ છીએ. કેટલાક ધંધામાં પરચૂરણ આપવું જ પડે.‘પાનના ગલે’, દૂધની ડેરીના માલિકો કમિશન આપીને છૂટા એટલે કે પરચૂરણ લાવે છે. જેથી છૂટા ન હોવાના લીધે ગ્રાહકો જતા ન રહે. કોઇને છૂટા આપતાં આપણો જીવ કળીએ કળીએ કપાઇ જાય છે.
તમે જોયું હશે કે શાકવાળી કે દૂધવાળા પાસે છૂટા લેવાની રકઝક કરીએ છીએ. પરચૂરણના બદલે પિપરમેન્ટ કે ચોકલેટ સ્વીકારતા નથી. કોઇ દુકાનદાર છૂટા માટે કૂપન બનાવીને આપે છે. બસમાં મુસાફરી કરીએ તો બસમાંથી ઉતરતી વખતે કંડકચરને છૂટા આપવા કહીએ છીએ. છૂટા ન હોય તો ક્ધડકટર પાસે ટિકિટ પાછળ રકમ લખાવી લઇએ છીએ. ત્રણ રૂપિયાના છૂટા લેવા માટે બસ સ્ટેશને જઇ વીસ રૂપિયા રીક્ષાભાડાના ચૂકવીએ છીએ.છૂટા માટે કોઇને છોડતા નથી! પરંતુ, પ્લેનની ટિકિટ લેતી વખતે છૂટા લેવાનું તો બાજુ પર રહ્યું , પરંતુ છૂટાની માંગણી કરતા પણ હિણપત અનુભવીએ છીએ. દારૂની ખરીદી વખતે છૂટા માટે મગજમારી કોઈ કરતું નથી ઐસા કયું? એવું વિચાર્યું છે!
માનો કે કોઇ વ્યક્તિ છૂટા ન આપે તો એણે નોકરીથી હાથ ધોવા પડે તેવું ક્યારેય સાંભળ્યું છે? નથી સાંભળ્યું તો લો, સાંભળો રાજેશ્વર વર્મા નામનો ટિકિટિંગ ક્લાર્ક મુંબઈ-કુર્લા ટર્મિનસ જંકશન પર ફરજ બજાવતો હતો. એની સેવા વિરુદ્ધ રેલવે તંત્રને ફરિયાદ પણ મળેલી હતી. આથી પોલીસે વર્મા પાસે ડમી ગ્રાહક મોકલ્યો.
ડમી ગ્રાહકે વર્માને પાંચસો રૂપિયા આપી રેલવેની ટિકિટ લીધી. ભાડાની રકમના રૂપિયા ર૧૪ હોવાથી વર્માએ રૂપિયા ૨૮૬ પરત આપવાના હતા. વર્માએ માત્ર ૬ રૂપિયા ગુપચાવીને ૨૮૦ રૂપિયા પરત આપ્યા. છ રૂપિયા પરત ન આપવાના કારણે વર્માને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો.જો કે ૬ રૂપિયાથી વર્માનો બંગલો બની જવાનો ન હતો કે રેલવેએ મોકલેલ ડમી ગ્રાહકનો બંગલો જમીનદોસ્ત થવાનો ન હતો. ધારી લઈએ કે વર્મા ખરેખર છૂટા આપવાનો ઇરાદો ધરાવતો હશે. અલબત, એ વખતે છૂટાની મહામારી હોવાના લીધે છૂટા આપી શકયો નહીં હોય.
પાંત્રીસ વરસ પહેલા કદાચ છ રૂપિયાની ખરીદશક્તિ છસો રૂપિયા હશે, પરંતુ આજના જમાનામાં વર્માએ બેઇમાની કરી એમ કહેવું વધારે પડતું કહેવાય. આ હુકમ સામે વર્માએ કોર્ટમાં અપીલ ફાઇલ કરેલી. કોર્ટે અસાધારણ સ્ફૂર્તિ અને ચુસ્તી દાખવી છવીસ વરસે વર્માની અપીલ ડિસમિસ કરી આને ન્યાયની ઝડપ કહેવાય!