આવાં લોકો ગરબા ન રમે તો એ સમાજસેવા જ ગણાય
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
આ વર્ષની નવરાત્રી મને થોડી ચિંતાજનક લાગે છે.કારણ કે કોરોના કાળ પછી છેલ્લા છ , આઠ મહિનાથી અચાનક હૃદય બંધ પડી જવાની ઘટના વધી પડી છે. “સ્વસ્થ ખેલૈયા,મસ્ત ખેલૈયા આ મુહીમ મુંબઈ સમાચારે શરૂ કરી અને મહારાષ્ટ્ર તથા ગુજરાત બંને રાજ્યોએ આયોજકોને ખેલૈયાઓની હેલ્થ માટે યોગ્ય સગવડ કરવાની સૂચનાઓ આપી દીધી. માતાજી નિર્વિઘ્ને નવરાત્રી પૂર્ણ કરે. શાંતિથી માતાજીની આરાધના કરો અને ધીમે ધીમે ગરબા રમો તો કશો વાંધો નથી, પરંતુ શાક માર્કેટમાં હરાયા ઢોરની જેમ ઘૂસી જઈને અફડા તફડી મચાવી દો એમ ન રમાય. દેખાવમાં થોડીક સારી છોકરી ખેલૈયા સામે થોડુંક હસે ત્યાં તો પગમાં જમ્પર ફિટ કર્યા હોય એમ ઠેકડા મારવા માંડે. આ વખતે જો ખોટા ઠેકડા માર્યા તો એન્જિન ચોક થતા વાર નહીં લાગે.
અમુક અતિ ઉત્સાહી ખેલૈયા દિવસ આખો સૂનમૂન રહે છે,અને રાત્રે મેદાનમાં હરખપદુડા થઈ કોઈને દેખાડી દેવા જમીનથી બે બે ફૂટ ઠેકીને બીજાં સારું રમતા ખેલૈયાઓને ઠેબે ચડાવે. મેદાન આખું માથે લે.પછી ગામની ગાળો ખાઈ અને નિરાંતે બેસે પણ ઉજમ ઓછો ન થાય. રાત્રે ઊંઘમાં પણ પગ પછાડી પછાડી અને ગરબા રમે છે.મારી ઘરવાળીએ છેલ્લા પચાસ વર્ષથી એન્ટીક પીસ તરીકે રાખેલો દાદાજીનો ઢોલિયો પાટા મારી મારી અને આ પંદર દિવસમાં તોડી નાખ્યો છે. છેલ્લા બે દિવસથી પગ બાંધી અને સુવડાવું છું.’
આ હાલત અત્યારે ગુજરાતીઓના ઘરે ઘરે છે. નવરાત્રી રમી ન શકતા કેટલાક લોકો વર્ચ્યુઅલ આનંદ લે છે. કોલર ટ્યુનમાં ૧૨૦ કિલોનો દાગીનો પણ પરી હુ મે… ગીત મૂકે છે.એ બહાને સામેવાળો બે સ્ટેપ લે.હું ગયા વર્ષની નવરાત્રીનાં સંસ્મરણોમાં ખોવાઈ ગયો.અમારા ચોકમાં થતી ગરબી આમ તો નાની બાળાઓને માટે જ કરતાં પરંતુ મોટી બાળાઓને શોખ પૂરો કરવા એક રાઉન્ડ આયોજકો રમાડતા. આ છેલ્લા રાઉન્ડની લાયમાં અને લાયમાં પોતાનાં જ બાળકોને દોડાવી દોડાવી દસ મિનિટનો ગરબો સાત મિનિટમાં પૂરો કરાવી નાખતા. બચીબેન અમારી સોસાયટીનું અનેરું આકર્ષણ હતાં કારણ વજન ૧૩૦ કિલો ઉપર છતાં રમવાનો હરખ બહુ.તેના પાર્ટનર માં કોઈ રમવા તૈયાર ન થાય કારણ તેની સ્પીડ એટલે ટ્રાફિક સિગ્નલ માં છેલ્લે ઊભેલું વાહન ઉતાવળ કરે, પરંતુ સ્પીડ ના પકડી શકે તેવી હાલત. અંદરથી સોળ વરસની ઉંમર, પરંતુ બાકીના ૨૪વર્ષ ક્યાં બાદ કરવા? પાછું એક વખત એન્જિન ગરમ થઈ જાય પછી બ્રેકના પટ્ટા ઘસાઈ ગયેલા હોય અને બ્રેક ન વાગે એવું થાય. ગરબો શરૂ થાય ત્યારે વાંધો ના આવે પરંતુ જેવી થોડી સ્પીડ પકડે ત્યારે તે તો ધીમી ગતિના સમાચાર ની જેમ ચાલે. ચલતી વખતે થોડી સ્પીડ પકડે અને છેલ્લે ગરબો પતી જાય ત્યારે તેની ફૂલ સ્પીડ હોય એટલે મેદાન સાફ કરવા માટે જાણે બચીબેન ઉતર્યાં હોય કેવું લાગે.
દર વર્ષે આયોજન કરતાં આયોજકો ખરેખર ઉત્તમ જ કરતા હોય છે, પરંતુ ક્યારેક ભૂલ કરે. ગયા વર્ષે છેલ્લા રાઉન્ડમાં મિક્સ રાઉન્ડ રમાડવાનું નક્કી કર્યું ટીટોડો, ભાંગડા અને છેલ્લે ફેર ફૂદરડી.બધું જ બરાબર ચાલતું હતું, પરંતુ ફેરફૂદરડીનો રાઉન્ડ આવ્યો ત્યારે બચીબેન મૂંઝાણાં કારણ આ હેવી મહાકાય રોડ રોલર સાથે કોણ ફેર ફુદરડી ફરે? તેમ છતાં બચીબેનએ આજુબાજુ નજર દોડાવી સાવ ખૂણામાં ઊભેલા અઢી હાડકાના માલિક તેમના ખુદના પતિદેવ પર નજર સ્થિર કરી અને આંગળી નો ઈશારો કર્યો. ઘાસના પૂળા પાછળ બકરી દોડતી દોડતી આવે તેમ પતિદેવ બચીબેન સમક્ષ પ્રગટ થયા. શરમાતા શરમાતા બચીબેનએ કહ્યું ’ચાલો ફેરફુદરડી ફરીએ. કોઈ દુર્ઘટના ઘટે અને આપણા હાથમાં કશું જ ન હોય કશું જ કરવા માટે અશક્તિમાન હોઈએ ત્યારે લોકો કેવા અવાચક થઈ જાય? આવી જ હાલત તેના પતિની થઈ એક જ ક્ષણમાં ચિત્રપટની જેમ પોતે ફેર ફરફુદરડી ફરતા હોય અને જે કંઈ ઘટના ઘટે તે નજર સમક્ષ આવી ગયું. શરૂઆતમાં ધીમા સ્વરે હા ના હા ના થયું, પરંતુ જ્યારે પતિદેવે હિંમત ન દેખાડી ત્યારે બચીબેનનો અવાજ ઊંચો થયો ઢોલ વાગતા બંધ થયા, લોકોના પગ થંભી ગયા એક સાથે સંખ્યા નજરો આ ઘટના તરફ મંડાઈ આ ક્ષણનો લાભ લઇ અને બચીબેને વિવેકથી વિનયથી પતિ સમક્ષ ડોળા કાઢી ફેર ફુદરડી માટે મનાવી લીધા. ફરી ઢોલ વાગવા શરૂ થયા, પરંતુ આ વખતે કોઈ રમવા માટે મેદાનમાં ન આવ્યા અને બચીબેન એકમાત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યા.ધીમે-ધીમે પતિ નો હાથ પકડી અને ફરવાનું શરૂ થયું ત્યાં સુધી પતિદેવ પણ સાથે સાથે ફર્યા , પરંતુ જેવું એન્જિન ગરમ થયું એટલે બચીબેને તાઉતે વાવાઝોડાની માફક ફરવાનું શરૂ કર્યું. અને પતિદેવ જમીનથી બે ફૂટ અધ્ધર ચકરડીની જેમ ફરવા લાગ્યા. અમને ચિંતા એ વાતની થઈ કે જો પછી બેનના હાથમાં થી રોજ વેલણ છૂટે છે તેમ પતિદેવનો હાથ છૂટ્યો તો આ કોના ઉપર જઈ અને પડશે સ્કાયલેબ પડવાની હતી ત્યારે લોકો બહુ ચિંતામાં હતા ત્યાં જ્યાં પડશે ત્યાં બહુ મોટું નુકસાન થશે.સોસાયટીના તમામ લોકોએ પોતાનાં બાળકોને બાથમાં લઈ અને સંતાડી દીધાં. નવરાત્રી આવ્યાના આનંદ કરતા લોકોના મોઢા પર અફસોસ હવે સાફ દેખાતો હતો. મેં ઢોલી તરફ જોયું કે જો હવે આ વગાડવાનું બંધ કરે તો જ આ પતિદેવ બચે. પરંતુ આઠ દિવસ થયા ઢોલીને પૈસા આપ્યા ન હતા એટલે દાઝનો માર્યો તે વગાડતો હતો અને છેલ્લે એવું નક્કી થયું કે જો આઠ દિવસ ના પૈસા આપી દો તો હું ઢોલ વગાડવાનું બંધ કરું. મેં ખીસામાં પૈસા
મુક્યા તો એક જ ધડાકે તેણે ઢોલ વગાડવાનું બંધ કર્યું અને બીજા ધડાકે પતિદેવ ક્યાંક પછડાયા. બચીબેન હજુ પણ મેદાનમાં એકલા ફરતાં હતાં. મેદાનમાંથી બચી બેનનું બાવડું પકડી અને બેસાડે તેવો જવામર્દ કોઈ પાક્યો ન હતો અને આવા સંજોગોમાં તેના પતિ ને પહેલા શોધવો પડે એટલો દૂર પડ્યો હતો તો પછી તેને ભલામણ કરવી યોગ્ય ન લાગ્યું.
માંડ કરી અને બચીબેનને સોસાયટીના આઠ-દસ બહેનોએ અટકાવ્યાં એક ઓટલા ઉપર બેસાડ્યાં. પાણી પીવડાવી અને વખાણ કર્યા કે તેઓ ખૂબ સરસ ફેરફુદરડી ફર્યાં. અમે પુરુષવર્ગ તેના પતિ દેવનો કબજો સંભાળ્યો અને સાંત્વના આપી કે હશે જે થવાનું હતું તે થઈ ગયું તમે સ્વસ્થ થઈ જાઓ ચા પાણી પાયા અને આયોજક મિત્રો એ નક્કી કર્યું કે છેલ્લો રાઉન્ડ ત્રણ તાલીનો જ રહેશે, ઢોલીને રોજેરોજના પૈસા આપી દેવાના રહેશે, ચલતી રમવાની સદંતર મનાઈ છે.અને બચીબેનનો એકલાનો સર્કલની અંદર રમવાનો અબાધિત અધિકાર રહેશે. રમવાવાળા શરીર ભારેખમ હોય ત્યારે આજુબાજુવાળા ખેલૈયાઓનો પગનો પંજો એક નંબર મોટો થઈ જતાં મેં જોયો છે.
વિચારવાયુ
નવરાત્રિમાં ભાડે મળતા ડ્રેસ ચોથી રાત્રી એ એનેસ્થેસિયા જેવું કામ આપે છે. ઓપરેશન પૂરું થાય પછી દર્દી ચાર કલાકે ભાનમાં આવ્યાંના દાખલા છે.