જો ફ્રેન્કલિન રુઝવેલ્ટ બીમાર ન થયા હોત તો…!

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
તમે સોશિયલ મીડિયાથી માંડીને પાનના ગલ્લા ઉપર થતી ચર્ચાઓ સુધીની આખી રેન્જ ચકાસો, તો તમને ખ્યાલ આવશે કે ભારતમાં મુખ્યત્વે બે પ્રકારના લોકો છે. એક એવા છે, જે દરેક બાબતને પ્રધાનમંત્રી મોદીના કરિશ્મા સાથે સાંકળે છે. જ્યારે બીજા એવા છે, જેને દરેક બાબતમાં મોદીની જ ભૂલ દેખાય છે. સત્ય સ્વાભાવિકપણે દર વખતે એક જ પક્ષે નથી હોતું. મોદીની રાજકીય નીતિઓનાં વખાણ કે નિંદા થઇ જ શકે, પણ કેટલીક બાબતો એવી છે, જેમાં પ્રધાનમંત્રી મોદી ખરા અર્થમાં ટ્રેન્ડ સેટર છે અને આ બાબતો દર વખતે મોદીજીની ફેવરમાં જાય છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જવાહરલાલ નહેરુ અને નરેન્દ્ર મોદી, બે એવા વડા પ્રધાનો છે, જે હંમેશાં નીટ એન્ડ ટાઈડી – એકદમ સુઘડ અને સુવ્યસ્થિત દેખાય છે. તમે સાદગી વિશે ગમે એટલા ફીફા ખાંડો, પણ જ્યારે દેશના રિપ્રેઝન્ટેટીવ તરીકે કામ કરતા હોવ, ત્યારે સાદગીને નામે ઢીલાઢફ ઝભ્ભા, સદરા કે ખમીસ-પાટલૂન પહેરીને ફરી શકાતું નથી. ખાસ કરીને આજે આખી દુનિયામાં દરેક દેશ પોતાનાં વ્યાપારી હિતો બાબતે વધુને વધુ કટ્ટર બની રહ્યો હોય, ત્યારે દેશના વડાએ એક જાયન્ટ કોર્પોરેટના સીઈઓની માફક સુઘડ, સુવ્યવસ્થિત રહેવું જ પડે છે.
બીજી મહત્ત્વની બાબત ફિટનેસ વિશેની છે. એક જમાનામાં લાકડીના ટેકે ડગુમગુ ચાલનારા નેતાઓ પણ ચાલી જતા હતા, પણ સાંપ્રત સમયમાં દેશના વડાની ફિટનેસ અંગત નહિ પણ ‘જીઓપોલિટિકલ’ બાબત ગણાય છે. તમે જો વૈશ્ર્વિક પ્રવાહો પર નજર રાખતા હોવ તો ખબર હશે, કે દુનિયાની મહાસત્તાઓમાં ગણના પામતા અમેરિકા, રશિયા અને ચીનના નેતાઓ હાલમાં પોતાની બીમારીઓ છુપાવી રહ્યા છે. જીન પિંગ, પુતિન અને વૃદ્ધાવસ્થાએ પહોંચેલા બાઈડેનના સ્વાસ્થ્ય વિશે સમયાંતરે ચર્ચાઓ થતી રહે છે. નરેન્દ્ર મોદી કદાચ એટલા માટે જ કેમેરા સામે ચુસ્ત દેખાવાની એક્કેય તક છોડતા નથી. જો નેતા માંદલો, ઢીલો દેખાય, તો આખા દેશની ઈમેજ પર એની અસર પડે છે. સારા કે ખરાબ સ્વાસ્થ્યની સૌથી મોટી અસર નેતાઓની નિર્ણયક્ષમતા ઉપર પડતી હોય છે.
ઈસ ૧૯૦૯ની ૪ માર્ચે વિલિયમ હાવર્ડ ટેટ અમેરિકાના ૨૭મા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. વિલિયમ ભાઈનું ઊડીને ‘આંખે વળગે’ એવું કદ લોકોનું ધ્યાન ખેંચવા લાગ્યું. ૫ ફીટ ૧૧ ઇંચની હાઈટ ધરાવતા અમેરિકન પ્રેસિડેન્ટનું વજન હતું ૧૫૨ કિલોગ્રામ! મીડિયાને તો આવા મસમોટ્ટા પ્રમુખ સાહેબ પર કાર્ટૂન બનાવવાની અને દરેક બાબતને એમની સ્થૂળતા સાથે જોડીને ખિલ્લી ઉડાવવાની મોજ પડી ગઈ, પણ વિલિયમ ટેટને પોતાના રાષ્ટ્રપ્રમુખ તરીકેના દૈનિક રૂટિનમાં ભારે અડચણ પડતી. જાહેરમાં કે કેમેરા સામે કંઈ પણ બોલતા કે ઊઠતા-બેસતા પહેલા એમણે મનોમંથન કરવું પડતું અને એમાં મૂળ મુદ્દો ચુકાઈ જતો. એક વાર તો પ્રમુખશ્રી પોતાની સ્થૂળકાયાને પ્રતાપે વ્હાઈટ હાઉસના બાથ ટબમાં ફસાઈ પડેલા! આખરે આ બધાથી કંટાળીને એમણે પોતાના ડૉક્ટર્સની સલાહ મુજબ ડાયેટિંગ કરવાનું નક્કી કર્યું. આ એ જમાનાની વાત છે જ્યારે ડાયેટિંગ અને ન્યુટ્રીશન્સ વિશે આજના કરતા હજારમાં ભાગની ય જાગરુકતા નહોતી. ફિઝીશીયન્સને પણ ખોરાક અને ઉપવાસની સર્વગ્રાહી અસરો વિષે આજની સાપેક્ષે ઓછી જ માહિતી હતી. કદાચ એટલે જ પ્રમુખશ્રીના પાતળા થવાના પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે બકરું કાઢવાના ચક્કરમાં ઊંટ પેસી ગયું.
વિલિયમ ટેટનું વજન ઘટીને ૧૧૩ કિલોગ્રામ સુધી પહોંચ્યું, પણ જેવી ખોરાકની શિસ્ત પાળવાનું બંધ થયું કે તરત મૂળ વજન પાછું આવી ગયું! એટલું જ નહિ પણ હૃદયરોગ, સ્ટ્રોક, ડાયાબિટીઝ અને કેટલાક કૅન્સર સામેની શરીરની પ્રતિરોધક ક્ષમતા ઓછી થઇ ગઈ. આટલું ઓછું હોય એમ એમને સ્લીપ એપનિયા નામની બીમારી લાગુ પડી. આ એવી બીમારી છે, જેમાં રાત્રે સૂતી વખતે તમારા શ્ર્વાસોચ્છવાસ ગમે ત્યારે બંધ થઈને થોડી વારમાં પાછા ચાલુ થતા હોય છે. આ એક અતિગંભીર બીમારી ગણાય. આ ઉપરાંત અનિંદ્રાને કારણે રાત્રે ઉજાગરો વેઠતા વિલિયમ ટેટ વધુ પડતી કોફી ગટગટાવી જતા. અપૂરતી ઊંઘને કારણે વળી દિવસ દરમિયાન મહત્ત્વની મીટિંગ્સ વખતે ટેટ સાહેબ ઝોકા ખાતા દેખાતા. આપણા એક ભૂતપૂર્વ વડા પ્રધાનને પણ આવી રીતે જાહેરમાં ઝોકું મારી લેવાની ટેવ હતી. (એન્ડ ફોર ધેટ મેટર, મોદી ક્યારેય જાહેરમાં બગાસું સુધ્ધાં નથી ખાતા.)
આ બધાની કલેકટીવ ઇફેક્ટ એવી આવી કે વિલિયમ હાવર્ડ ટેટ એક નબળા, અનિર્ણાયક અને બિનકાર્યક્ષમ પ્રમુખ પુરવાર થયા, અને પ્રમુખ તરીકેની બીજી ટર્મ માટે રિજેક્ટ થયા!
એવું નથી કે તબિયત માત્ર નબળા પ્રમુખોને જ નડે છે. માત્ર અમેરિકન પ્રેસિડેન્ટ્સની જ વાત કરીએ, તો ઘણા સબળ અને અત્યંત લોકપ્રિય-રોલ મોડેલ ગણાતા પ્રેસિડેન્ટ્સ પણ શારીરિક પીડાઓથી પરેશાન થયા હોવાના, તેમજ એમની શારીરિક અવસ્થાઓની અસર આખા દેશે ભોગવવી પડી હોવાના મોજૂદ દાખલા છે. આમાં સૌથી જાણીતો દાખલો ‘ફ્રેન્કલિન ડી’ રુઝવેલ્ટનો ગણી શકાય.
એફડીઆરનાં ટૂંકાક્ષરી નામે જાણીતા ફ્રેન્કલિન ડેલાનો રુઝવેલ્ટ અમેરિકાનાં બત્રીસમા રાષ્ટ્રપ્રમુખ હતા. ૧૯૩૩થી ૧૯૪૫ દરમિયાન એ રાષ્ટ્રપ્રમુખ રહ્યા. ‘ગ્રેટ ડિપ્રેશન’ તરીકે ઓળખાતી ઐતિહાસિક મહામંદી વખતે રુઝવેલ્ટે અમેરિકાને ટકાવી રાખવાનું કામ કર્યું. એમનાં પુરુષાર્થ કે રાજકીય સૂઝ અંગે કોઈ બેમત ન હોઈ શકે. અમેરિકા જેવા દેશના સર્વકાલીન મહાન પ્રમુખોના લિસ્ટમાં રુઝવેલ્ટનું નામ ટોચ પર મૂકવું પડે. પણ રુઝવેલ્ટ ૧૯૨૦માં પોલિયોનો શિકાર થયા! એ સમયે રુઝવેલ્ટ રાજકારણમાં ખાસ્સા આગળ નીકળી ગયેલા, પણ પોલિયોને કારણે એમની રાજકીય કારકિર્દી પર થોડો સમય પૂરતી-નાની એવી બ્રેક લાગી ગઈ. જો આ બ્રેક ન લાગી હોત, તો રુઝવેલ્ટ એ વખતે અમેરિકી પ્રમુખપદની રેસમાં આવી ગયા હોત! રુઝવેલ્ટ ઉપરThe Man He Became નામનું પુસ્તક લખનાર જેમ્સ ટોબિન નોંધે છે કે પોલિયોએ તે સમયે રૂઝવેલ્ટની રાજકીય મહત્ત્વાકાંક્ષાને પણ મારી નાખેલી. ક્ધિતુ રુઝવેલ્ટ ફરી એક વાર બેઠા થયા. પોલિયોને કારણે જે થોડી શારીરિક મર્યાદાઓ આવેલી, એને નિવારવા માટે એમણે વિશિષ્ટ રીતે, કોઈકનો હાથ પકડીને ચાલવાની સ્ટાઈલ વિકસાવી લીધી. ઇસ ૧૯૩૩માં તેઓ ફરી એક વાર પ્રમુખપદની રેસમાં આવી ગયા અને પ્રમુખ તરીકે ચૂંટાયા પણ ખરા. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી! પણ… પાછલાં વર્ષોમાં શારીરિક સમસ્યાઓએ રુઝવેલ્ટને પાંગળા બનાવી મૂકેલા, એ ય હકીકત છે, જેનો ભારોભાર ફાયદો તત્કાલીન રશિયન સરમુખત્યાર સ્ટાલીને ઉઠાવ્યો!
બીજા વિશ્ર્વયુદ્ધ બાદ, ઇસ ૧૯૪૪નું વર્ષ આવતા સુધીમાં અઢી દાયકા સુધી પોલિયોની બીમારી અને શારીરિક મર્યાદાઓ વેઠી ચૂકેલા ફ્રેન્કલિન રુઝવેલ્ટ ઠીક ઠીક માંદલા થઇ ગયેલા. તેમ છતાં ચોથી ટર્મ માટે તેઓ રાષ્ટ્રપ્રમુખ બન્યા. ૧૯૪૫ના ફેબ્રુઆરીમાં યાલ્ટા ખાતે એક મહત્ત્વની અને ઐતિહાસિક કોન્ફરન્સ યોજાવાની હતી. યાલ્ટા કોન્ફરન્સમાં યુકે, યુએસ અને યુએસએસઆર (એ સમયનું સંયુક્ત રશિયા) જેવા વિશ્ર્વયુદ્ધ વિજેતા દેશો વચ્ચે ભાગબટાઈ થવાની હતી. એવું કહેવાય છે કે આવી મહત્ત્વની કોન્ફરન્સ સમયે રુઝવેલ્ટ ઘણી વાર ચેતના ગુમાવી બેસતા (lapses of consciousness) હતા! ઇસ ૨૦૧૦માં પબ્લિશ થયેલા FDR’s Deadly Secret નામના પુસ્તકમાં દાવો કરાયો છે કે યાલ્ટા કોન્ફરન્સ વખતે રૂઝવેલ્ટને બ્રેઈન હેમરેજ પણ થયું હોવાની શક્યતા છે!
આ બધાનું પરિણામ એ આવ્યું કે યાલ્ટા કોન્ફરન્સ વખતે તત્કાલીન રશિયન સરમુખત્યાર સ્ટાલીનની નીતિઓ અને એની દુરગામી અસરોને સમજવામાં બીમાર-થાકેલા રુઝવેલ્ટ થાપ ખાઈ ગયા. એમાંને એમાં મંચુરિયા અને ઉત્તર કોરીયાના પેનિનસ્યુલા હંમેશ માટે પ્રદેશો સામ્યવાદી શક્તિઓના અંકુશ હેઠળ સરકી ગયા!
સો મોરલ ઓફ ધી સ્ટોરી ઇઝ, કોઈ પણ રાષ્ટ્રના વડાએ ‘પહેલું સુખ તે જાતે મર્યા’નું સૂત્ર સામી દીવાલે કોતરાવી રાખવું જોઈએ. કેમકે રાષ્ટ્રના વડાની ખુરસી પર બેઠેલી વ્યક્તિને ન્યુમોનિયા થાય તો સમગ્ર રાષ્ટ્રની આર્થિક, લશ્કરી, સામાજિક નીતિઓ છીંક ખાતી થઇ જાય છે!