માણસ ડાહ્યો ન હોય કિસ્મત જ ડાહી હોય!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ
મોટાભાગે આપણને કર્મો કરતા હોય છતાં પણ સફળતા નથી મળતી હોતી. ત્યારે આપણે સફળતાને ભાગ્ય પર જ છોડી દેતા હોઈએ છીએં. કચ્છી ચોવક પણ એવું જ કંઈક કહે છે: “માડૂ ડાઓ નાંય કિસ્મત ડાઈ આય અહીં ‘માડૂ’ એટલે
માણસ. ‘ડાઓ’ એટલે ડાહ્યો. ‘નાંય’ શબ્દ છે જેનો અર્થ થાય છે: નથી (હોતો) કિસ્મત એટલે ભાગ્ય. ‘ડાઈ’ એ ‘ડાઓ’
શબ્દનો સ્ત્રી લિંગ શબ્દ છે, ‘ડાઈ’ એટલે ડાહી અને ‘આય’ એટલે (હોય) છે! ચોવક કહે છે કે, માણસ ડાહ્યો નથી હોતો પરંતુ કિસ્મત ડાહી હોય છે. ભાવાર્થ એવો થાય છે કે, સફળતા ભાગ્યને આધારિત
હોય છે.
ગુજરાતીની આ કહેવત બહુ પ્રચલિત છે કે, ‘હલકું નામ હવાલદારનું’. કચ્છીમાં હવાલદારને ‘હવાલધાર’ કહે છે. ચોવક એ હવાલધાર શબ્દના પ્રયોગ સાથે કહે છે કે, “હલકો લૂઈ હવાલધારજો ‘હલકો’ એટલે અહીં હલકું (નામ) લૂઈ એટલે લોહી. શબ્દાર્થ થાય છે: હલકું લોહી હવાલદારનું. જ્યારે ભાવાર્થ થાય છે: નામ જ બદનામ હોવું.
એક બહુ પ્રચલિત ચોવક છે: “વાંણ, વરસાદ ને વીંયાં આયા ભલા ‘વાંણ’ એટલે વ્હાણ. ‘વીંયાં’નો અર્થ થાય છે: લગ્ન. ‘આયા’નો અર્થ છે: આવ્યા અને ‘ભલા’નો અહીં અર્થ થાય છે: ખરું કે ખરા. વહાણ, વરસાદ અને આદરેલાં લગ્ન, આવે ત્યારે ખરું! ખેપ કરવા ગયેલું વહાણ. ઋતુમાં પડનારો વરસાદ અને આદરેલાં લગ્ન આરે આવે ત્યારે ખરાં! એ ત્રણેય જ્યારે આવે ત્યારે જ, આવ્યાં કહેવાય!
સમાજમાં આપણે ઘણીવાર બોલતાં હોઈએ છીએં કે, ‘મગજમાં રાઈ ભરાણી છે’.. મતલબ કે અહંકારી હોવું. ચોવક ત્રણ શબ્દમાં જ કહે છે કે: “વા ભરાણૂં આય ‘વા’નો અર્થ થાય છે: હવા. ‘ભરાણૂં’ એટલે ભરાઈ અને ‘આય’નો અર્થ થાય છે: છે. શબ્દાર્થ સરળ છે: હવા ભરાઈ છે, અને ભાવાર્થ છે: અહંકાર આવી જવો!
હમણાં જ અખાત્રીજ જેવો સપરમો દિવસ ગયો. અખાત્રીજને વણી લઈને એક સુંદર મજાની ચોવક રચાઈ છે. “વડો પિરભ ડીયારી ત ઓછી અખાત્રીજ પ નાંય ‘વડો’ એટલે મોટો અને ‘પિરભ’ એટલે પર્વ કે તહેવાર. ‘ડીયારી’નો અર્થ થાય છે દિવાળી. ‘ત’ એટલે તો. છેલ્લા બે શબ્દો છે: ‘પ નાંય’ જેનો અર્થ થાય છે, ‘પણ નથી.’ ચોવક સરળ રીતે એ બન્ને દિવસોને પર્વ તરીકે ગણાવતાં કહે છે કે, જો દિવાળી મોટો તહેવાર હોય તો ઓછું મહત્ત્વ અખાત્રીજનું પણ નથી! એ બે પર્વને એક સરખા ગણાવીને ચોવક સમાજમાંના ગુણિયલ લોકોની વાત કહે છે. જો એ ગુણિયલ હોય તો પેલી વ્યક્તિ પણ તેનાંથી ઓછી ગુણિયલ નથી! બન્ને સરખા જ ગુણિયલ છે.
સંસ્કૃતમાં કહેવાય છે કે, ‘મુંડે મુંડે મતિર્ભીન:’ એવાજ અર્થ સાથે એક ચોવક પણ રચાઈ છે કે: “વણ વણજી કાઠી નોખી કોઈ એક બાબત માટે દરેક વ્યક્તિનો મત અલગ હોવો. અહીં ‘વણ વણજી’ એ બે શબ્દોનો અર્થ થાય છે: જણ જણની. ‘કાઠી’ શબ્દ આમતો લાકડાં માટે વપરાતો હોય છે, પણ કચ્છીમાં એ ઘણા અર્થો પોતાનામાં સમાવીને વપરાતો શબ્દ છે. વળી ‘કાઠી’ શબ્દ એક જાત માટે પણ વપરાય છે, પણ અહીં ‘કાઠી’ એટલે મત કે અભિપ્રાય. ‘નોખી’ શબ્દનો અર્થ થાય છે: જુદો અથવા ભિન્ન. ચોવકને કહેવું એટલું જ છે કે, માણસ માત્રનો મત જુદો જુદો હોય છે.
ગરીબીમાં પણ સંતોષ મનાવતી એક ચોવક છે: “વા ગરીભી નેં વા મજા વાહ ગરીબી અને વાહ તારી મજા! મતલબ કે, ઈશ્ર્વર જે સ્થિતિમાં આપણને રાખે તેમાં જ સંતોષ માનવો!