વીક એન્ડ

હમે દેખો ‘મગર’ પ્યાર સે

એક મગર ક્ધયાનો મુલાયમ અનુરોધ

ઊડતી વાત – ભરત વૈષ્ણવ

‘સાહેબ બોલાવે છે.’

પાનના ગલ્લે આવીને ‘બખડજંતર’ ચેનલના માલિક બાબુલાલ બહુચકના ચીફ પટાવાળા પ્રવીણે સંદેશો આપ્યો.

મેં અને રાજુ રદીએ ચા પીધી ન પીધી કરી. મસાલો જેમ તેમ મસળીને મોઢામાં ઓર્યો.મસાલો ચાવીને દીવાલ પર રંગોળી કરી. બ્રિસ્ટોલ સળગાવી. બે ત્રણ ઊંડા કશ મારી હોઠ પાસે ચપટી વગાડતાં સિગારેટનો ધુમાડો આકાશમાં છોડ્યો .એલચી મોઢામાં નાંખી. એલચી ચાવવાથી સિગારેટની બદબુ ઓછી થાય.

‘મે આઇ કમ ઇન , સર?’ બાબુલાલની ચેમ્બરમાં પ્રવેશતા પૃચ્છા કરી. બાબુલાલને કોઇ ‘સર’ કહી બોલાવે તો ગોળનું ગાડું મળ્યાની ગળી ફિલિંગ આવે છે.

‘નો ફોર્માલિટી. ગિરધરલાલ. મહીં વયા આવો.’ બાબુલાલે કાઠિયાવાડી લહેકામાં અમને આવકાર આપ્યો .બાબુલાલની ચેમ્બર કહેવા પૂરતી છે. ટીપોઈ સાઇઝનું ટેબલ છે. બેસવા માટે બાબુલાલની ખુરશી છે. અમારે ઊભા રહેવા માટે ટેબલ આગળ બસમાં ઊભા રહેવા માટે હેન્ડલ લગાડ્યા હોય તેમ સ્ટીલનો સળિયો છે. જે પકડીને અમારે ઊભા રહેવાની લકઝરી માણવાની. બાબુલાલ ચા પીવે. અમને ઓફર કરે નહીં.

‘બોલો, કેમ યાદ કર્યો ?’ મેં પૂછયું .

ગિરધરલાલ લાંબી પ્રસ્તાવના નહીં ફાવે . તમારે અને રાજુ રદીએ ન્યુયોર્ક જવાનું છે.એકાઉન્ટ સેકશનમાંથી ટિકિટો મળી જશે. ડેઇલી એકસપેન્સ માટે રોજના પચીસ ડૉલર મળશે. એમાં તમારો રહેવા,જમવા, ટેકસીના ખર્ચનો સમાવેશ થશે. પારકો દેશ છે.તમે લોકો સંભાળીને કામ કરજો. નાઇટ ક્લબ કે કેસિનોમાં પેન્સ વેડફશો નહીં.કેમ કે પેન્સ કે ડૉલર ક્રિસમસ ટ્રી પર ઊગતા નથી.બી કેરફૂલ એન્ડ કોશિયસ.લાઇવ ઇન્ટરવ્યુ પતાવીને વળતી ફલાઇટે પરત આવી જજો.’ બાબુલાલે લાંબીલચક સૂચનાનો નાયગ્રા ધોધ વહેડાવ્યો.

અમે ન્યુયોર્ક જઇ ‘બખડજંતર’ ચેનલ માટે લાઇવ એકસકલુઝીવ ઇન્ટરવ્યુ કર્યો અમે સ્પોટ જોઇને ડઘાઇ ગયા.વાવાઝોડાંએ વિનાશ વેર્યો હોય તેમ મકાનનો આરસીસી સ્લેબ તૂટેલો હતો. હનુમાનજીએ પ્રભુ રામ પરત્વેની અનન્ય ભક્તિ દર્શાવવા છાતી ચીરીને રામની છબી દર્શાવી હતી. અહીં તૂટેલા ફલોરમાં રામ નહીં, પણ મગર મહાશય દ્રશ્યમાન . મગરને પંચશીલ અને શાંતિમય સહાસ્તિત્વના સિદ્ધાંતમાં લગીરે વિશ્ર્વાસ નહીં. બે મગર શાસક-વિપક્ષના કાર્યકરોની જેમ ભીષણતમ લડાઇ કરી રહ્યા હતા.મગરના જડબા સાંકળથી બાંધેલા હતા. પ્રસ્તુત છે લાઇવ ઇન્ટરવ્યુ વીથ ક્રોકોડાઇલ ઉર્ફે મગર.

‘નમસ્કાર મિસ્ટર ક્રોકોડાઇલ,હું ગિરધરલાલ ગરબડિયા, બખડજંતર ચેનલનો ચીફ રિપોર્ટર . મારી સાથે છે રાજુ રદી કેમેરામેન કમ સિકયોરીટી ગાર્ડ. અમારી કંપનીમાં બધા મલ્ટિ ટાસ્કર એમપ્લોઇઝ છે.’

અમે મગરરાયને દૂરથી ફલાઇંગ કિસ કરી.જો કે, ફલાઇંગ કિસ વિવાદાસ્પદ છે.

‘પ્લીઝ ટોક ઇન ઇંગ્લિશ. આઇ ડોન્ટ નો યોર લેંગવેજ. આઇ એમ નોટ મેલ ક્રોકોડાઇલ આઈ એમ ફિમેલ!’ મગરને જકડાયેલ મોઢાના લીધે બોલવાનાં તકલીફ પડતી હતી. મગરને બોલતો જુવો એટલે શરદ ભાઉ પવાર અનાયાસ યાદ આવી જાય.

‘સોરી મિસ ક્રોકોડાઇલ. એકસટ્રીમલી સોરી.’ અમે મિચ્છામિ દુકકડમ કર્યું.

‘ઓકે ડયુડ. બી કેર ફૂલ ઇન ફયુચર’ મગરીએ મને માફ કર્યો . મને તેણીએ ફલાઇંગ હગ કર્યું!!

‘પાણીમાં રહેવું અને મગર સાથે વેર કરવું’ એ કહેવત સાંભળી હતી. પરંતુ, આરસીસી ફલોરમાં રહેવું અને મગર સાથે વેર કરવું એ પહેલીવાર જાણ્યું!

અમે ઓર્ડિનરી નથી, અમે એકસ્ટ્રા ઓર્ડિનરી છીએ.’મિસ મગરી બોલી.

‘બેન, તમે આરસીસી ફલોરમા શું કામ પેઠા. પાકિસ્તાન સરહદેથી ઘૂસતાં આતંકવાદીની જેમ ગમે ત્યા ઘૂસવાની ફાવટ છે?’ અમે મૂળ સવાલ પર ફોકસ કર્યું.

‘અમે,આતંકવાદી નથી. અમે લવવાદી છીએ. તમારા ડાન્સિંગ હીરો ઋત્વિક રોશનની ફિલ્મ કોઇ મિલ ગયા’ની માફક ફાંકડો હટોકટો યુવા મગર મળી ગયેલો. તેની સાથે અંખિયા મિલાવી. અમે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. મારો પાર્ટનર મારા ચારિત્ર પર શંકા કરે છે!.એટલે મેરિડ મેન-વિમેનની માફક રોજ રોજ મહાભારત સર્જાય છે!.એનું પણ કોઇની સાથે ચક્કર ચાલે છે.’મગરબાળાએ ફૂંક મારી અંગારા પરથી રાખ ઉડાડી!

‘તમારા આંસુને લોકો કેમ વગોવે છે? અમે બાઉન્સર નાંખ્યો.’

અમારા આંસુ ઓરિજનલી સમજવામાં અને પચવામાં બહુ જ અઘરા હોય છે. અમારે રડવા માટે તમારી ફિલ્મોના હીરો-હિરોઇન કે નેતાજીની જેમ ગ્લિસરીનનો ઉપયોગ કરવો પડતો નથી! મગરકુમારીએ મગરૂબીથી જવાબ આપ્યો.

પંચતંત્રની એક બાળ વાર્તામાં તમને કમઅક્કલ બતાવ્યા છે. વાંદરો કહે કે તેનું કાળજું ઝાડ પર છે અને તમે માની પણ લીધું?તમારામાં સા.બુ .એટલે સામાન્ય બુદ્ધિ છે કે નહીં? કાળજું તો ઇનબિલ્ટ હોય. કાળજું થોડું ડિટ્ચેબલ હોય?’અમે પંચતાંત્રિક પ્રશ્ર પૂછ્યો.

તમે ,લોકો ઇર્ષાળું છો. તમે જે લોકોને બૌદ્ધિક રીતે પહોંચી શકતા નથી તેને ઉતારી પાડવા વાર્તા, જોકસ, ટુચકા બનાવો છો. બાર વાગે સરદારજીની બુદ્ધિ જતી રહે તેમાં તમારો સરદારજી તરફનો દુર્ભાવ છે…તમને પ્રતિભાવાન લોકોનું ચારિત્રહનન કરવામાં આસુરી આનંદ આવે છે . મગરગૌરીએ વાંદરાની જેમ સામી ફૂંક મારી દીધી.

‘અમારા એક ગોડે ખોડિયાર માતા છે. મગર એમનું વાહન છે. કોઇ કોમેન્ટ?’ અમે ધાર્મિક સવાલ પૂછ્યો. જય ખોડિયાર મા.મા તને ઘણી ખમ્મા. માતાજીને કહો મેગ્નમ હેકટર કારનો વાહન તરીકે ઉપયોગ કરે અને હવે અમને ગૌરવભેર નિવૃત્ત કરે અને જૂની પેન્શન યોજના મુજબ પેન્શન મંજૂર કરે.’ મગરીએ મહેચ્છા વ્યક્ત કરી.

‘તમારા પર આક્ષેપ છે કે તમે હાથીનો પગ તમારા જડબામાં જકડી હાથીનું રામનામ સત્ય કરવા ઇચ્છતા હતા. ખુદ વિષ્ણુ ભગવાને મારતા ગરુડે શંખ, ચક્ર, ગદા, પદ્મ લઇ ગજેન્દ્ર મોક્ષ કરાવવો પડેલો.’ અમે આપ કી અદાલતના રજત શર્મા જેવો આરોપ લગાવ્યો.

‘એ અમારા પૂર્વજોની બ્લંડર હતી. અમે અંત: કરણથી બિનશરતી માફી માગીએ છીએ.’ મગરીએ અસલી આંસુ વહાવી માફીનામા રજૂ કર્યું!!

‘મગર અને ઘડિયાળ એક ગણાય ?’ અમે હંસ અને બતકના તફાવત જેવો તફાવત પૂછ્યો.
બંને વચ્ચે તફાવત છે! પરંતુ બંનેની શારીરિક રચનામાં થોડો ફરક છે. ઘડિયાળની સંખ્યા થોડી છે. તે સિંધુ, ગંગા, બ્રહ્મપુત્રા અને મહી નદીમાં જ મળી આવે છે. કદાવર ઘડિયાળના જડબાને માથે એક દડા આકારની રચના હોય છે. જે ઘડિયાળ જેવો લાગતો હોવાથી તેનું નામ ઘડિયાળ પાડવામાં આવ્યું છે.’ મગરીબેને માહિતી આપી.

બધા મગર કાળામેંશ હોય છે?’ અમે ફેર એન્ડ લવલી ક્રિમ જેવો શુભ્ર, શ્વેત સવાલ પૂછ્યો.
નાજી,અમારામા એક દુર્લભ જાત છે જેનો રંગ સફેદ હોય છે.તે ભૂવનેશ્ર્વરમાં મળી આવે છે. તેનું નામ ગેરી રાખવામાં આવ્યું છે. તેનો જન્મ થયો ત્યારે વૈજ્ઞાનિકો ખૂબ ખુશ હતા.’ મગરીએ મગરૂરીપૂર્વક દુર્લભ માહિતી શેર કરી .

‘લોકોને કોઇ સંદેશ આપવા ઇચ્છો છો?’ અમે મગરીને આખરી સવાલ પૂછ્યો.

યેસ. ઓફ કોર્સ. વ્હાય નોટ? હમસે જો ટકરાયેગા પાનીમેં ડૂબ જાયેંગા અમારી હસ્તિ ડાયનાસોરના અસ્તિત્વકાળથી છે. પૃથ્વીના પટલ પરથી ડાયનોસોરની હસ્તિ મટી ગઇ. અમને ઉની કે ટાઢી આંચ આવી નથી. હમારી હસ્તિ મિટાનેસે ભી મિટેંગી નહીં!! હમ સે પંગા ન લો. ચુટકી ભર સિંદૂર નહીં પર તુમ્હારી આંખો મે પ્યાર કા ઊમડતા સાગર ચાહિયે. હમ કો મિટા શકે વો જમાને મેે દમ નહીં .હમ સે હૈ જમાના, જમાને સે હમ નહીં!. અંત મે ઇતના અર્જ કરના ચાહતી હૂં કે હમે દેખો મગર પ્યાર સે. નો અગરમગર ડગરબગર.’ એમ કહી મગરીએ મગર ટંકાર કરી ઇન્ટરવ્યુનું સમાપન કર્યું.

Show More

Related Articles

Back to top button
ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને