હમ તો એક બાર ઉસ કે હો જાયેં, વો હમારા હુઆ, હુઆ, ન હુઆ
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
દિલ્હી, આગ્રા, લખનૌ, પંજાબ, અલ્લાહાબાદ, ઔરંગાબાદ અને અમદાવાદ જેવાં ઐતિહાસિક શહેરોમાં ઉર્દૂ શાયરીનો ઉત્તરોત્તર વિકાસ થયો એ જ રીતે હૈદરાબાદ અને ગોલકોન્ડામાં પણ ઉર્દૂ શાયરીનાં મઘમઘતા ગુલાબો ખિલ્યાં હતા અને ઉમદા શાયરો ભેટ આપ્યા હતા. મિરઝા ‘દાગ’ (ઇ. સ. ૧૮૩૧-૧૯૦૫) જેવા પ્રતિષ્ઠિત શાયર જિંદગીનાં પાછલાં વર્ષોમાં હૈદરાબાદમાં ગઝલનું સિંહાસન શોભવતા હતા. તે ગાળામાં હિન્દુસ્તાનના ખૂણેખૂણામાં તેમના આશરે બે હજાર શિષ્યો હયાતી ધરાવતા હતા. તે સમયમાં હૈદરાબાદની ગલીઓ અને મોહલ્લાઓ ઉર્દૂ શાયરીથી રંગાઇ ગયા હતા. આથી ‘સરશાર’, ‘તુર્કી’, ‘ગિરામી’ અને ‘ઝહીર’ જેવા શાયરો પણ હૈદરાબાદમાં વસી ગયા હતા. આજે હૈદરાબાદના જ એક નોંધપાત્ર શાયર વિશે વાત કરીશું.
હઝરત ‘અમજદ’ હૈદરાબાદીનો જન્મ ઇ. સ. ૧૮૮૪માં હૈદરાબાદમાં થયો હતો. અમજદની ઉંમર માત્ર ૪૦ દિવસની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આથી અમજદના ભરણપોષણની જવાબદારી તેમના વિધવા અને અસહાય માતા પર આવી પડી હતી. તેમની માતાએ મહેનત-મજૂરી કરીને અમજદનો ઉછેર કર્યો હતો. તેમણે પુત્રને ફારસી ભાષાનું ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું.
અમજદના શિક્ષક તેમના ઘરથી ૧૪ માઇલ દૂર રહેતા હતા. છતાં અમજદ તેમની પાસે દરરોજ ફારસી ભાષા શીખવા નિયમિત જતા હતા. સખત પરિશ્રમ અને લગનને લીધે અમજદને ફારસી ભાષાની ઉચ્ચ ઉપાધિ મળી હતી.
હૈદરાબાદના કાવ્યમય માહૌલથી અમજદ કેવી રીતે અળગા રહી શકે? શાયરી લખવા માટે તેઓ બેબસ હતા તેવામાં લખનવી શાયર શેખ ઇમામબખ્શ ‘નાસિખ’ (ઇ. સ. ૧૭૫૭-૧૮૩૮)નો ગઝલસંગ્રહ તેમને મળી ગયો. તેઓ તેમને વાગોળતા, માણતા રહ્યા, પચાવતા રહ્યા. ‘નાસિખ’ની બહિષ્કૃત અને નાસ્તિક શાયરીનો અમજદ પર ઊંડો પ્રભાવ પડયો. આમ હૈદરાબાદમાં એક નવા-આશાસ્પદ શાયરનો ઉદય થયો.
આજીવિકા માટે આ શાયર એક શાળામાં ભાષાના શિક્ષક તરીકે જોડાઇ ગયા. ટૂંકા પગારમાંય સંતોષથી જીવતા આ શાયરના જીવનમાં એકાએક પાનખર બેઠી. અમજદના માતા, પત્ની અને પુત્રીનું દરિયામાં ડૂબી જતાં અકસ્માતો અવસાન થયું. તેમના જીવનની આ મોટામાં મોટી કરુણ દુર્ઘઠના હતી. આ જખ્મો પર તેમને કયારેય રૂઝ આવી શકી નહીં. તેઓ સ્વમાની, વિનમ્ર અને સરળ સ્વભાવ ધરાવતા શાયર હતા. સૂફી વિચારધારામાં ડૂબેલા આ શાયરનો પ્રેમ ઇશ્ર્વરીય છે અને તેમની શાયરીનું ભાવવિશ્ર્વ દાર્શનિક છે. આ શાયરે ગઝલો ઉપરાંત નઝમો અને રૂબાઇઓનું સર્જન કર્યું હતુ. સૌ પ્રથમ તેમન કેટલાક શે’ર અને ત્યારબાદ તેમની રૂબાઇયાતનું રસદર્શન કરીશું.
ઢૂંઢતા હૂં મૈં હર નફસ ઉસ કો,
એક નફસ મુઝ સે જો જુદા ન હુવા.
જે મારા શ્ર્વાસથી એક પળ માટે પણ વિખૂટાં ન થયાં તેમને હું આજે મારા શ્ર્વાસોચ્છવાસમાં શોધી રહ્યો છું. ઝુરાપાની એક એક ક્ષણ એક સદી જેવી લાગતી હોય છે. તે વાત અહીં ખૂબીપૂર્વક કહેવામાં આવી છે.
હુસ્ને સૂરત કો નહીં કેહતે હૈ હુસ્ન,
હુસ્ન તો હુસ્ને-અમલ કા નામ હૈ.
ચહેરાના સૌૈંદર્યને કાંઇ (ખરી) સુંદરતા કહેવાય નહીં, સુંદરતાનું ખરું નામ તો ચરિત્રનું સૌંદર્ય છે.
દુનિયા કે હર એક ઝર્રે સે ઘબરાતા હૂં,
ગમ સામને આતા હૈ, જિધર જાતા હૂં.
વિશ્ર્વના સૂક્ષ્મ કણકણથી હું ગભરાઇ જાઉં છું. કેમ કે હું જયાં પણ જાઉં છું ત્યાં દુ:ખ-દર્દ મારી સામે આવીને ઊભું રહી જતું હોય છે. વિશ્ર્વમાં દુ:ખદર્દ વગરનું એક પણ સ્થળ નથી તે હકીકતનો અહીં સ્વીકાર કરાયો છે.
હમ તો એક બાર ઉસ કે હો જાયેં,
વો હમારા હુઆ, હુઆ ન હુઆ.
અમે તો એક વખત એમના જ થઇને રહેશું. અરે! એમને અમારા થવું હોય તો થાય અને ન થવું હોય તો ન થાય! (તેનાથી અમને કોઇ ફરક પડતો નથી).
કયા મિલા વહદતે -વજૂહી સે?
બન્દા, બન્દા રહા, ખુદા ન હુવા.
એકેશ્ર્વાવાસ (ઇશ્ર્વર માત્ર એક જ છે એવી આસ્થા)માં શ્રદ્ધા રાખવાથી અંતે શું મળ્યું? હું ભકત તો હતો જ અને ભક્ત જ રહ્યો છું. આવી માન્યતાથી કાંઇ ખુદા બની શકયો નહીં.
કામયાબી કે નહીં હમ જિમ્મેદાર,
કામ કી હદ તક હમારા કામ હૈ.
સફળતા માટે અમે (એકલા જ) જવાબદાર નથી. અમારું કામ તો કાર્ય પૂરું કરવાની હદ સુધીનું જ હોય છે.
રેહ સકે કિસ તરહ ‘અમજદ’ મુતમઇન!
ઝિન્દગી ખૌરે-ખુદા કા નામ હૈ.
જીવનનો (બીજો) અર્થ જ ઇશ્ર્વરનો ભય છે. (આવી સ્થિતિમાં) હું કેવી રીતે સંતુષ્ટ રહી શકું?
નૂરે-ઝમીનોં-આસમાં, દીદયે-દિલ મેં આયે કયૂં?
મેરે સિયાહ ખાને મેં કોઇ દિયા જલાયે કયૂં?
દિલની નજરમાં ધરા અને આકાશનો પ્રકાશ શા માટે ફેલાય? મારી અંધાર સભર કાળકોટડીમાં કોઇ શા માટે દીપક પ્રગટાવે?
નહીં ગમ ગરચે દુશ્મન હો ગયા હૈ, આસમાં અપના, મગર યા રબ! ન હો ના હો હરબાં વો મેહરબાં અપના.
ઉપરવાળો (ભગવાન-ખુદા) મારો શત્રુ થઇ ગયો છે તેનો મને કશો રંજ નથી, પરંતુ મારા પર જે આજે મહેરબાન (કૃપાળુ) છે તેને તું નારાજ થવા દેતો નહીં.
વો રૂએ લતીફ ઔર યે નાપાક નઝર, ‘અમજદ’ કયૂં દેખતા હૈ, અન્ધા હો જા.
એક તરફ કોમળ, સુંદર, સુશીલ અને અપવિત્ર નજર! ‘અમજદ’! તું આ બધું કેમ જોઇ રહ્યો છે તેનાં કરતાં તો તું અંધ થઇ જા.
હર ચીઝ કા ખોના ભી બડી દૌલત હૈ, બેફિકરી સે સોના ભી બડી દૌલત હૈ, ઇફલાસ ને સખ્ત મૌત ભી આસાં કર દી, દૌલત કા ન હોના ભી બડી દૌલત હૈ.
ધનસંપત્તિ ભૌતિક વસ્તુ છે, તેને જોવાનો દૃષ્ટિકોણ બદલાય તો જીવન જીવવાનો આનંદ મળતો હોય છે. ચીજવસ્તુને ગુમાવી દઇને ચિંતા વગર આરામથી સૂઇ જવું એ પણ એક પ્રકારની સંપત્તિ છે. જીવનમાં નિર્ધનતાએ મૃત્યુને સરળ બનાવી દીધું. પાસે દૌલત ન હોય પણ એક પ્રકારની દૌલત છે. આ રૂબાઇમાં શાયરે જીવનના તત્ત્વજ્ઞાનને સરસ રીતે સમજાવી દીધું છે.
હાસિલ ન કિયા મહર સે ઝર્રા તુમને,
દરિયા સે પિયા ન એક કતરા તુમને,
‘અમજદ’ સાહબ! ખુદા કો કયા સમઝોગે? અબ તક ખુદ હી કો જબ ન સમઝા તુમને.
સૂર્ય પાસેથી એક કણ (અણુ) પણ તમે મેળવ્યું નહીં. તેમ નદી પાસેથી તમે એક ટીપું પણ પીધુ નહીં. ખુદાએ તારા પર આટલા બધા ઉપકાર કર્યાં છે. તું જયાં પોતાની જાતને સમજી શકયો નથી તો પછી ખુદાને તું કેવી રીતે સમજી શકીશ?
તુ કાન કા કચ્ચા હૈ તૌ બહરા હો જા, બદલીં હૈ અગર આંખ તો અન્ધા હો જા, ગલી-ગૈબત દરોગગોઇ કબ તક? ‘અમજદ’ કયોં બોલતા હૈ, ગૂંગા હો જા.
જો તું કાચા કાનનો છે તો બહેરો થઇ જા. જો તારી નજર ખરાબ હોય તો તું આંધળો થઇ જા. કોઇને ગાળ આપવાનું અને કોઇની પીઠ પાછળ ખરાબ વાતો-બુરાઇ કરવાનું ખરાબ કામ તું કયાં કરીશ! તું આવું બધું કરે છે તેના કરતા તો તું મૂંગો થઇ જા તો વધુ સારું!
ગુલઝાર ભી સહરા નઝર આતા હૈ મુઝે, અપના ભી પરાયા નઝર આતા હૈ મુઝે, દરિયા-એ-વજૂદ મેં હૈ તૂફાને-અદમ, હર કતરે મેં ખતરા નઝર આતા હૈ મુઝે.
આ બાગ બગીચા મને વેરાન જંગલ જેવા દેખાય છે. (એવી જ રીતે) જે મારા પોતાના છે તે પણ પારકા હોય તેવું મને લાગી રહ્યું છે. આ અસ્તિત્વના દરિયામાં મૃત્યુનું તુફાન ઊભું થઇ રહ્યું છે. મને તો તેની આ દરેક બુંદ (ટીપામાં) જોખમ દેખાઇ રહ્યું છે.
દિલશાદ અગર નહીં તો નાશાદ સહી, લબ પર નગ્મા નહીં તો ફરિયાદ સહી, હમ સે દામન છુડા કે જાનેવાલે, જા જા ગર તૂ નહીં તો તેરી યાદ સહી.
કોઇ પ્રસન્ન વ્યક્તિ જો ના મળે તો કોઇ નાખુશ-નારાજ વ્યક્તિ મળી જાય તો પણ ચાલે. જીભ પર ગીત ન હોય તો ફરિયાદ પણ ચાલે. અમારાથી નારાજ થઇને ચાલ્યા જનાર (એ દોસ્ત), જો તું નહીં હોય તો તારી યાદોના સહારે પણ અમે જીવી લેશું.