વીક એન્ડ

હમ સે જો ટકરાયેગા હૉસ્પિટલમેં જાયેગા: નેશનલ હાઇવેના ખાડાઓનો હુંકાર !!!

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

જબ તક સૂરજ ચાંદ રહેગા હમારા ( ખાડાકા ) નામ રહેગા! આવાજ દો હમ ખાડા એક હૈ!

હમ સે જો ટકરાયેગા હૉસ્પિટલમેં જાયેગા.-નેશનલ હાઇવેના ખાડાઓનો હુંકાર !!!

“અલ્યા ભૈ, તમે શિસ્ત રાખો. તમે માણસ નથી. માણસ દુનિયાના અધિષ્ઠાતા તરીકે તુંડમિજાજી રીતે વર્તી શકે. તમે તમારા પદ, પ્રતિષ્ઠાનો ખ્યાલ રાખો. તમે રેંજીપેંજી કે એરા ગેરા નથ્થુ ગેરા નથી. તમારા પર સૌની નજરો ખોડાઇ હોય છે. તમને મને કમને આખી દુનિયા વોચ કરે છે!! એક નેતા જેવા ખાડાએ બીજા ખાડાને ખાંડાથી ખખડાવ્યા. ખાડા પૂંછડે પકડો તો ખાંડા અને શિંગડે પકડો તો બાંડા જેવા!.

ખાડા બરાબરના ગભરાયા હતા. ચોમાસામાં માંડ માંડ ફૂલેફાલે. હજુ તો એક બે ઇંચની શીશુ ખાડાવસ્થાથી વિકસીને બેત્રણ ફૂટ થાય!! એ સમયે પુષ્પ પર હીમ પડવા જેવી અફવા સળવળસળવળ થાય.એટલે ખાડા ડરના મના હૈ હોવા છતાં, ડરના જરૂરી સમજી ડરવા માંડેલા!! કેટલા ખાડાની માટી અને ઇંટો ખસી ગયેલ!! બધાના મોતિયા મરી ગયેલ!!ધોતિયા ઢીલા થઇ ગયા!!!

ખાડા એટલે ખાડા નહીં. ખાડાનું પણ વૈવિધ્ય. સાદા ખાડા. વીઆઇપી ખાડા, માર્ગદર્શક ખાડાઓ, પાટલી બદલું ખાડાઓ, ચૂંટણીવાંચ્છુ ખાડાઓ, લબડી ગયેલ ખાડાઓ, લફરાબાજ ખાડાઓ, સતી સીતા જેવા સતિયા ખાડાઓ, નગરવધૂ આમ્રપાલી જેવા ખાડાઓ, વેપારી ખાડાઓ, કસાઇ ખાડાઓ, મરઘા ખાડાઓ.એક માળના ખાડાઓ, મલ્ટિસ્ટોરી ખાડાઓ, ઝૂંપડા ખાડાઓ, કુપોષિત ખાડાઓ, અતિપોષિત ખાડાઓ!!કૌભાંડી ખાડાઓ, ઇડી ખાડાઓ, ઇન્કમટેકસ ખાડાઓ, સીબીઆઇ ખાડાઓ, ઘમંડિયા ખાડાઓ, જલેબી જેવા સીધા ખાડાઓ!!! ફેંકું ખાડાઓ સિવાય ખાડાઓનું લિસ્ટ અધૂરું લાગે!!

ખાડા ભૌમિતિક સંજ્ઞા છે. લંબગોળ ખાડા. ચોરસ ખાડા. લંબચોરસ ખાડા. પ્રણય ત્રિકોણ જેવા ખાડા. ષડરિપુ જેવા ષટ્કોણ ખાડા. કાટકોણ ખાડા. લઘુકોણ ખાડા. ગુરુકોણ ખાડા. છીછરા ખાડા. છોકરીના દિલ જેવા ગહેરા અને ગેબી ખાડાઓ.,એબ્સર્ડ ખાડા!! ખાડાના બૃહદ કદને ભૂવા કહે છે!!દરેક ખાડાને ભૂવા સ્વરૂપ થવાની ભ્રમેચ્છા હોય છે. ખુદ ભગવાને અહમ ખાડાસ્મિ એમ ભગવદ ગીતામાં કહ્યું છે તેમ રાજુ રદી કહે છે!!

એક જગ્યાએ. રસ્તા વચ્ચે ખાડા ?? ક્ધિતુ, ખાડા વચ્ચે રસ્તાના ભ્રમ જેવી જગ્યાએ ખાડાઓ ભેગા થયા. બધાના મોઢા લજામણીની જેમ લજવાઈ ગયેલ. તેમનું ભાવિ અંધકારમય ભાસે!! ક્યાંયથી આશાનું કિરણ તો સમજ્યા પણ કિરણડું દેખાય નહીં. ખાડા સંસ્કૃતિ નાભિ શ્ર્વાસ પર !! થીગડાંના વેન્ટીલેટર પર !!! ખાડા ખત્મ થઇ જાય તો રોડની કિંમત શું રહે ??ખાડાની ખોપરીમાં ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાય. હેપીનેસ કે હંગર ઇન્ડેકસની જેમ ખાડાનો ઇન્ડેકસ બહાર પાડવાનાં આવે તો આપણો દેશ પ્રથમ નંબર આવે એવી ખાડાસમૃદ્ધિ આપણે ધરાવીએ છીએ!!ખાડા ડાયનોસોરની જેમ લુપ્ત થઇ જશે કે શું??

ધુમાડો હોય ત્યાં આગ હોય એવું આપણે ત્યાં કહેવામાં આવે છે. આકાશમાં વીજળી થાય તો પ્રથમ વીજળીનો ચમકારો દેખાય છે, ત્યારબાદ ગગડાટ સંભળાય છે. રોડ અને રસ્તાનો સંબધ ચોલીદામન જેવો છે. પતિ વિના પત્ની કે પત્ની વિના પતિ સંભવી શકે નહીં તેમ ખાડા વગરના રોડની કલ્પના પણ મુંગેરીલાલના હસીન સ્વપ્ન જેવી છે. કોઇ રૂપરૂપના અંબાર જેવી છોકરીના ગાલપ્રદેશ પર ખીલની ખેતી ન થઇ હોય ત્યાં સુધી મારકણું સૌંદર્ય અધૂરું કહેવાય છે !!! ખાડાઓ રોડને પૂર્ણત્વયુક્ત આધ્યાત્મિક અને અલૌકિક અનુભૂતિનો સાક્ષાત્કાર કરાવે છે!! એટલે જ ખાડા વિનાના રસ્તામાં ધૂળને ઢેફા પડ્યા તેમ કહેવાય છે!!

રસ્તો બનાવવા જેટલો ખર્ચ કરવામાં આવે તેના કરતાં અનેકગણો ખર્ચ ખાડા પૂરવામાં કરવો પડે છે. લગભગ બાર હાથનું ચીભડું ને તોંતેર હાથનું બીજ!! ઘાટ કરતાં ઘડામણ મોંઘું. આપણું કર્ણાવતી (અરે,યાર ફરગેટ કર્ણાવતી ફર્ણાવતી!! આપણું ડિયર અને નિયર નગર એટલે અમદાવાદ!!) ખાડાનગર છે. જૂનું નામ કર્ણાવતી નહીં પણ ખાડાવતી હોવું જોઇએ. અમદાવાદ મુન્નીની જેમ ખાડા માટે બદનામ થયેલ છે!! મિલે ખાડા તુમ્હારા તો બડા ખાડા બને હમારા એમ પંડિત ભીમસેન કહે છે!! જહાં ચાર ખાડા મિલ જાયે વહીં રીજ કી હડિયા તૂટે હમારી જેવી હાલત છે!! અમદાવાદ શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર રોડ તૂટી ગયા છે અને ખાડા પડ્યા છે. દરેક વિસ્તાર અને વોર્ડમાં એવો રોડ નહીં જોવા મળે કે જ્યાં ખાડા ન પડ્યા હોય. મુખ્ય રોડ ઉપર પણ ખાડા જોવા મળે છે.શહેરમાં માત્ર નગણ્ય એવા કેવળ માત્ર ૨૫૦૦૦ જેટલા જ ખાડા પડ્યા છે. રોડ પર નાના અડધા ફૂટના ખાડા અને મોટા ૫ ફૂટના ખાડા ગણીને આટલા ખાડા પડ્યા છે!! શહેરમાં વરસાદી પાણી ભરાવાના કારણે જેટલા પણ જૂના રોડ છે તેમાં ખાડા પડ્યા હતા. પાણી ભરાવાના કારણે અને તેના પરથી વાહનો પસાર થતાં ખાડા પડ્યા હતા !! જી.ડી હાઈસ્કૂલ રોડ પર ૭ ફૂટ પહોળો અને ૪ ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો!!

આ ખાડા પૂરવા કોલ્ડ મિકસ, હોટ મિકસ, રોડ પેચ, વેટ મિકસ, જેટ પેયર, ઇન્ફ્રા રેડ પદ્ધતિએ ખાડાના ગાબડાં પર થીંગડાકરણ કે થાગડથીગડકરણ કરવામાં આવે છે!! અત્યારસુધી પડેલા ખાડા પૂરવા માટે મ્યુનિ.એ ૨૦ હજાર મેટ્રીક ટન હોટ મિક્સનો ઉપયોગ કર્યો હતો.જેના માટે ત્રીસ કરોડ રૂપિયા ફૂંકી મારવામાં આવેલ ન હતા પણ આટલા રૂપિયા રોડના ખાડામાં ધરબી દેવામાં આવેલ હતા!!કેટલાક વિસ્તારમાં તો ખાડા પૂરવામાં અખાડા કરી બખેડા કરવામાં આવે છે. ખાડા પૂરવાનાં લેવલિંગ જળવાતું ન હોઈ રસ્તાઓ ગુલબાઇના ટેકરાને બદલે ભૂલબાઇના ટેકરા બની જવાથી વાહનચાલકો ભયભીત બનેલ છે!!

બધા બધા ખાડાઓમાં હાઇવેના ખાડાપતિ ગણાય છે!! બીજા ખાડા તો બાપડી રાંક રૈયત કહેવાય!! આ ખાડાઓ ભયભીત થયેલા. ભયભીત કેમ ન થાય?? નેશનલ હાઇવે ખાડા મંત્રી નિવેદનબાજી માટે મશહૂર છે!!

આ મંત્રી સાહેબે ભારતના રસ્તાને અમેરિકાના રસ્તા જેવા બનાવવાની બડાશ અને ડંફાશ મારી હતી!! કમસેકમ રસ્તા પર કાર સડસડાટ નહીં પણ બળદગાડું આંચકા ખાધા વગર ચાલે તેટલું કરો તો પણ ગનીમત છે. અમે તમારું નીચું નિશાન અને નિશાનચૂક ઝખ
મારીને માફ કરીશું! તમને લાલુ પ્રસાદ યાદ હશે??લાલુએ બિહારના રસ્તા હેમામાલિનીના ગાલ જેવા કરવાની ફિલ્મી ઘોષણા કરી હતી!! લાલુજી હેમા તો સિતેર પ્લસ છે. હવે તેના ગાલ પણ ચંદ્રની સપાટી જેવા ખરબચડા થયા હશે.

જેમાં બે બે કિલોનો મેઇકઅપ માલસામાનનું ફિલિંગ કરવાથી એટલીસ્ટ જોવા જેવા થાય છે!! તમે સો કિલોમીટરના રોડ ચોવીસ કલાકમાં એલએલપીધોરણે (એલએલપી એટલે શું?? આટલું પણ આવડતું નથી?? એલએલપી એટલે લોટ પાણી અને લાકડા!!) બનાવ્યા હશે. જેને ગિનેશબુકમાં સ્થાન મળ્યું., પરંતુ, તેની મજબૂતી કેટલી?? બુંદેલખંડ એકસપ્રેસ વેના ઉદ્ઘાટન પછી ચાર દિવસમાં ડામર ઊખડી ગયેલ. અમદાવાદના નવાનકોર રોડમાં પેન ખોંસતા પેન તૂટવાના બદલે રોડ ક્રેક થઇ ગયો. નવા રોડનો ડામર ચોવીસ કલાકમાં પીગળીને ચંપલ ચોંટાડી દે છે એ વાત અલગ છે!!
ભારતના રોડ અમેરિકા જેવા રોડ કરવાની ડંફાશ મારનાર મંત્રી સાહેબ નેશનલ હાઇવેના ખાડા રિપેર કરવાની વાત કરવા લાગ્યા છે. વાર્યા ન રહે પણ હાર્યા રહે એવું આપણે ત્યાં કહેવાય છે!! અલબત, હાઇવે પર કેટલા ખાડા છે કે ખાડા વચ્ચે હાઇવે છે એની સ્પષ્ટતા કરી નથી!! ખાડા પૂરવા દેશની તિજોરીમાં કેટલો ખાડો પડનાર છે એની પણ વિગતો રજૂ કરાઇ નથી. દેર આયે દુરસ્ત આયે!!

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુંજો કચ્છડો બારેમાસ! એવું કહેવાય છે!! રોડ પર બમ્પ કે સ્પીડબ્રેકર ભલો પણ મુંજો ખાડો બારેમાસ.ભયભીત ખાડાઓને ખખડધજ એંસી વરસના ખાડાએ આશ્ર્વાસન આપ્યું કે બ્રિટિશરોના જમાનામાં શિશુ ખાડા તરીકે જન્મેલો. કિશોર થયો,યુવાન થયો, પ્રૌઢ થયો હવે અંતિમ શ્ર્વાસ લઇ રહ્યો છું. મને હટાવવા કેટકેટલા પ્રયાસો થયા!!આવા કંઈક મંત્રીની હસ્તી મિટ ગઇ . કેટલાય પ્રધાનમંત્રી ભૂતપૂર્વ થઇ અભૂતપૂર્વ ભૂતાત્મા થઇ ગયા. ક્ધિતુ ખાડાનો વાળ વાંકો કરી શક્યા નહીં!!હમ કો મિટા શકે વો જમાનેમેં દમ નહીં હમસે હૈ રોડ, રોડસે હમ નહીં!! તમે ખાડાઓ કપચી, રેતી, રોડાંનો અલ્પાહાર કરો. કોઇ તમારો વાળ તો શું સાઇઝ વાંકી કરી શકશે નહીં!! જબ તક સૂરજ ચાંદ રહેગા હમ ખાડાકા નામ રહેગા! આવાજ દો હમ ખાડા એક હૈ! હમ સે જો ટકરાયેગા હૉસ્પિટલમેં જાયેંગા!!

ભરત વૈષ્ણવ
૨૨.૧૦.૨૦૨૩.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button