છૂત-અછૂતની વિચારધારા ધરાવતા દેશમાં ‘ફૂડ ડિલિવરી’ ક્ષેત્રે કેવી રીતે આવી ક્રાંતિ?
વિશેષ – શૈલેન્દ્ર સિંહ
એક એવા દેશની કલ્પના કરો જ્યાં થોડા દાયકાઓ પહેલા મોટા પ્રમાણમાં લોકો નીચી જાતિના લોકોના હાથનું ખાવાનું તો દૂરની વાત, પરંતુ પાણી પણ પીતા નહોતા. કેટલાક લોકો તો પોતાના બરાબરની જાતિવાળા લોકો દ્વારા એક જગ્યાથી બીજી જગ્યાએ લઇ જવામાં આવેલું અનાજ પણ ખાતા નહોતા, પરંતુ રાંધેલું ખાવાનું ખાઇ લેતા હતા. આજે તે જ દેશનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ દિવસ કહો કે રાતે, ડિલિવરી બોય ફૂડ ડિલિવરી કરતા જોવા મળે છે. આશ્ર્ચર્યની વાત છે કે ૨૦૨૪માં ઓનલાઇન ફૂડ ડિલિવરીની માર્કેટ ૪૩.૭૮ અબજ અમેરિકી ડૉલર સુધી પહોંચવાની છે. સીએનજીઆરના રિપોર્ટ પ્રમાણે ૨૦૨૯માં ભારતમાં ઓનલાઇન ફૂડ ડિલિવરીની માર્કેટ દર વર્ષે ૧૫.૯૮ ટકાના વધારા સાથે ૨૦૨૯માં ૯૧.૮૮ અબજ અમેરિકી ડૉલર સુધી પહોંચી જશે. આગામી વર્ષે કરિયાણાની ડિલિવરી માર્કેટમાં પણ ૩૧ ટકાની વૃદ્ધિ થવાની છે.
ફૂડ ડિલિવરી બિઝનેસમાં આવેલી ક્રાંતિને કારણે દેશના ૨૮ લાખ યુવાનોને ડિલિવરી બોયની નોકરી મળી છે, જ્યારે અપ્રત્યક્ષ રીતે અંદાજે પાંચ કરોડ લોકોની રોજીરોટી આ કારોબારને કારણે ટકેલી છે. ભારતમાં ફૂડ ડિલિવરીનો વ્યવસાય અન્ય દેશોની સરખામણીમાં ચમત્કારી રીતે બહુ આગળ વધ્યો છે. ૨૦૦૦ સુધી જ્યારે મોબાઇલનું ચલણ નહોતું ત્યાં સુધી ફૂડ ડિલિવરીનો બિઝનેસ વિકસ્યો નહોતો. તેનાં ઘણાં કારણ છે. ૯૯ ટકાથી વધુ રૅસ્ટોરાં ત્યારે ઘરબેઠા ડિલિવરી કરતા નહોતા અને જે કરતા હતા તેમની ડિલિવરીનો ટાઇમ પણ એવો નહોતો કે જ્યારે ભૂખ લાગી હોય અને ખાવાનું સમયસર હાજર થઇ જાય, પણ એવું પણ નહોતું કે ડિવિલરી બહુ મોડી થતી હતી. ત્યારે ફૂડ ડિલિવરી માટે ઓછોમાં ઓછો ૪૫ મિનિટ સુધીનો સમય લાગતો હતો જે હાલમાં ઘટીને ૨૦-૨૫ મિનિટ થઇ ગયો છે.
મોબાઇલ ફોન ચલણમાં આવ્યા બાદ દેશનાં મોટાં શહેરમાં એકલા રહેતા યુવાનોની ખાણીપીણીની ચિંતા દૂર થઇ ગઇ છે. આ આજ ક્રાંતિની અસર છે. એક જમાનામાં પોતાના ઘરથી દૂર કમાવવા માટે જતા યુવાનો માટે ભોજન સૌથી મોટી સમસ્યા રહેતી હતી, પરંતુ હવે આ સમસ્યા દૂર થઇ ગઇ છે. હાલમાં દેશની યુવા પેઢી ફોન કરીને ફૂડ ઓર્ડર કરી દે અને સમયસર તે મળી જતા ગરમાગરમ તેનો લુપ્ત ઠરાવતા જોવા મળે છે. આ તેમની લાઇફસ્ટાઇલનો એક હિસ્સો બની ગયો છે. તેમ છતાં એકથી દોઢ દાયકા પહેલા એ સંભવ નહોતું. ૨૦૧૦ના દાયકામાં ફૂડ ડિલિવરીનો ટ્રેન્ડ આવ્યો અને તેમાં ઝડપથી વૃદ્ધિ થઇ. ફૂડ ડિલિવરીના ટ્રેન્ડમાં વૃદ્ધિ થવા માટે કોરોના મહામારીનો લોકડાઉન પણ જવાબદાર છે. તે સમયે દેશના અંદાજે બે કરોડ યુવાનો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હતા અને દિવસભર ઘરે રહેવાને કારણે તેઓ દિવસમાં બેથી ત્રણ વખત બહારથી ખાવાનું મગાવીને ખાતા હતા. કોવિડ લોકડાઉનમાં ફૂડ ડિલિવરીના બિઝનેસમાં ૧૦, ૨૦, ૩૦ કે ૫૦-૬૦ ટકા નહીં, પણ ૨૦૦થી ૩૦૦ ટકાનો વધારો થયો હતો. એવા કટોકટીના સમયમાં પણ લાખો યુવાનોને ફૂડ ડિલિવરી દ્વારા રોજગાર મળ્યો હતો.
દેશમાં મોબાઇલ લાઇફસ્ટાઇલ આવ્યા બાદ અર્થવ્યવસ્થામાં ખાસ કરીને પરચેસિંગ ગતિવિધિઓમાં જોરદાર વધારો થયો છે. એવું કહીએ કે ભારતના આર્થિક વિકાસમાં મોટું શ્રેય મોબાઇલ ફોનને જાય છે તો પણ તે ખોટું નથી. મોબાઇલનો વિશ્ર્વમાં ભલે જેટલો મોટો કારોબાર હોય, પરંતુ તેને કારણે અર્થવ્યવસ્થાનાં અન્ય ક્ષેત્રોને જન્મ આપ્યો છે. દેશમાં ૨૦૧૦ બાદ
ઝડપથી થયેલા શહેરીકરણ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીએ પણ ફૂડ ડિલિવરીના બિઝનેસને નવી રાહ પૂરી પાડી છે.
સ્વિગી અને ઝોમેટો જેવી કંપનીઓમાં ૨૦૦૮માં ઝોમેટો ‘ફૂડ બે’ના નામથી હયાત હતી, પરંતુ તેનો વિકાસ તો ત્યારે થયો જ્યારે યુવાન નોકરિયાતો મોબાઇલમાં રૅસ્ટોરાંના મેન્યૂ શોધવા લાગ્યા અને ઘરબેઠા મનપસંદ વાનગીઓ મગાવવા લાગ્યા. ૨૦૧૪માં સ્વિગીએ કરિયાણું અને પેકેજ્ડ ડિવિલરીની સેવાઓ શરૂ કરી હતી અને આજે એમેઝોન અને ગૂગલ પણ ઓનલાઇન ફૂડ ડિલિવરીમાં રોજનો કરોડોનો વ્યવસાય કરી રહ્યા છે.
આ ક્ષેત્રે ક્રાંતિ આવવા માટેનો મોટો ફાળો મોબાઇલ ફોનનો છે. મોબાઇલ ફોનને કારણે હાથેહાથે પહોંચ્યો મોબાઇલ ફોન અને દરેક કામ માટે ઉપલબ્ધ થયેલા સેંકડો એપ અને યંગ ડિવિલરી બોય એ આ કારોબારને ચાર ચાંદ લગાવી દીધા. આજે ભારતમાં રાંધેલુ ભોજન પીરસવાના વ્યવસાયમાં દરેક કંપની ઝંપલાવવા માટે તત્પર છે, કારણ કે ભારતમાં જેટલી ઝડપે આ વ્યવસાય આગળ વધ્યો છે ત્યારે અન્ય કોઇ દેશમાં આવી વૃદ્ધિ જોવા નથી મળી.