પૈડાં પરનાં ઘર

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
જીવનમાં “ઘર એ ઘટિત થતી અનેરી ઘટના છે. ઘર એ ઘરમાલિકના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. અહીં તેની ક્ષમતા, તેના સપના, તેનું સ્થાન, તેનાં મૂલ્યો, તેની પસંદગી – આ બધું જ જાણે એક યા બીજા સ્વરૂપે વ્યક્ત થતું હોય છે. આ માટે ઘર પાસે અપેક્ષાઓ પણ ઘણી હોય છે. આ બધી અપેક્ષાઓ પાછી માનવીની સતત બદલાતી અપેક્ષાઓને અનુરૂપ હોવી જોઈએ. ઘર પાસેથી આવી વિવિધ પ્રકારની અને વિસ્તૃત અપેક્ષાઓને કારણે જ ઘરની રચનામાં અપાર વિવિધતા જોવા મળે છે.
ઘર મૂળમાં સ્થિર અને સ્થાયી મિલકત છે. ઘરનો સમાવેશ સ્થાવર મિલકતમાં થાય છે. પણ હવે એક નવો અભિગમ અસ્તિત્વમાં આવતો જાય છે જેમાં ઘરને સ્થાવર નહીં પણ જંગમ – હરતું ફરતું અસ્તિત્વ ગણી તે પ્રમાણેની રચના કરવામાં આવે છે. અહીં ગાડીની અંદર બનાવાયેલ ઘરની વાત નથી થતી, પરંતુ કોઈ વાહન પાછળ જોડીને એક યા બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેવા ટ્રેલર પ્રકારના ઘરની વાત છે.
ઘર મુખ્યત્વે ચોક્કસ વ્યક્તિગત તેમ જ કૌટુંબી ક્રિયાઓ માટે સવલત ઊભી થાય તે માટે બનાવાય છે. આ સવલતના ભાગરૂપે જ જે તે વસ્તુઓનો સંગ્રહ અહીં કરવો પડે છે. આમ ઘર એ એક રીતે કાર્યસ્થાન છે અને એક રીતે સંગ્રહસ્થાન. ઘરને સંગ્રહસ્થાન તરીકે લેવાની ચેષ્ટા ઘણા પ્રશ્ર્નો ઊભા કરે છે અને ક્યારેક જેનો ઉપયોગ જરૂરી હોય એ વસ્તુ હાથમાં જ ન આવે. ઘરમાં ઘણી વાર ભરાવાની માત્રા એટલી હદે વધી જતી હોય છે કે એનું જરૂરિયાત પ્રમાણેનું વર્ગીકરણ અને તે પ્રમાણેની ગોઠવણ અતિ જટિલ બની જાય – એક સમયની સગવડતા માટે લાંબા સમયની અગવડતા સહન કરવી પડે. આના કરતા તો જરૂરિયાત પ્રમાણે જે તે બાબત મેળવી લેવી વધારે સલાહ ભરેલી હોઈ શકે. સંગ્રહ કરવામાં જ્યાં સુધી અગવડતાની માત્રા ઓછી રહે ત્યાં સુધી બરાબર છે, પણ આજના સમયે જ્યાં કુટુંબ વિભાજિત થતું જાય છે અને નાના મોટા પ્રસંગો માટે વ્યાપારી ધોરણે સવલતો મળી રહેતી હોય છે, ત્યાં ઘરને એવા કારણોસર વિસ્તૃત કરવું જરૂરી નથી જણાતું.
આજે માનવી જુદા પ્રકારનો છે. તેની સામાજિક પ્રવૃત્તિઓ ઓછી થતી જાય છે અને તે વ્યક્તિગતતા પર વધુ ધ્યાન આપે છે – એમ જણાય છે કે માનવી સામાજિક પ્રાણીઓ ઓછા અને ‘વ્યક્તિગત અસ્તિત્વ’ વધુ છે. સમાજમાં રહેવાની તેની જરૂરિયાત હવે માત્ર વ્યાપારી કે સવલતો-સુરક્ષાનાં કારણો પૂરતી સીમિત થઈ ગઈ છે. તે મનોરંજન પણ હવે પોતાની રીતે લે છે, સામાજિક સંબંધોમાં પણ વ્યાપારી નફો-નુકસાન જુએ છે; સામાજિક સંબંધોના મૂળમાં પણ ફાયદાની ગણતરી રાખે છે, અને તેનું વિશ્ર્વ જાણે એક કે બે વ્યક્તિમાં સીમિત થઈ જાય છે. આવા સંજોગોમાં તે નવા જ પ્રકારના ઘરની અપેક્ષા રાખે, એવું ઘર કે જે બંધનકર્તા ઓછું અને સંભાવનાઓમાં વધુ હોય. આ માટે પરદેશમાં તો અહીં-અહીં લઈ જઈ શકાય તેવું પૈડાંવાળું ઘર રાખવાનો અભિગમ વધતો જાય છે.
આમ પણ સમાજમાં બે વર્ગો વચ્ચેનું અંતર અનિચ્છનીય માત્રામાં વધતું ગયું છે. જેની પાસે વધુ પૈસા છે તે એક જ જગ્યાએ મોટાભાગનાં સ્વપ્ન પૂરાં થાય એ પ્રકારનું ઘર બનાવી શકે છે. આ પ્રકારના લોકો પોતાના આવાસની અંદર જ બગીચો પણ બનાવી શકે છે, તરલ કુંડ પણ બનાવી શકે છે, સૂર્ય-સ્નાન માટેની વ્યવસ્થા પણ કરી શકે છે અને કેટલીક જગ્યાએ જંગલની પ્રતીતિ થાય તેવી રચના પણ કરી શકે છે. આવા આવાસમાં એક જ સમયે દરેક ઋતુ અને દરેક કુદરતી પરિસ્થિતિ હાજર કરવા એ લોકો સમર્થ હોય છે. જ્યાં આમ શક્ય ના હોય ત્યાં વર્ચ્યુઅલ પરિસ્થિતિ ઊભી કરીને પણ એ લોકો જીવનને માણી શકે છે. તેની સામે ઓછા સંપન્ન લોકો ઘરને એ પ્રકારે બનાવવાનો આગ્રહ રાખે છે કે જે વિવિધ પ્રકારના સ્થાનોએ જઈને ગોઠવી શકાય અને તે બધાં જ સ્થાનોનો લાભ લઈ શકાય – આ બધી જગ્યાના સૌંદર્યને માણી શકાય.
પૈડાં પરનાં ઘર, સ્વભાવિક છે કે પ્રમાણમાં નાનાં હોય, ઓછાં વજન ના હોય, ન્યૂનતમ કુટુંબ માટેનાં હોય, ન્યૂનતમ સામગ્રીના સમાવેશ માટે હોય અને તેમાં જેના વગર ચાલે જ નહીં તેવી ક્રિયાઓ માટે જ સ્થાન-નિર્ધારણ થયું હોય. તેની રચનામાં એ પણ ધ્યાન રાખવું પડે કે આવન-જાવન વખતે તેની મજબૂતાઈમાં પ્રશ્ર્નો ન સર્જાય અને કોઈપણ વસ્તુ વિસ્થાપિત ન થાય. આવા ઘર વિવિધ પ્રકારની આબોહવાવાળી સ્થિતિમાં લઈ જવાતાં હોવાથી તેની રચના પણ એવી હોવી જોઈએ કે જે તે પ્રકારની આબોહવામાં ઘરની આંતરિક સ્થિતિ અગવડતાજનક બની જાય. વરસાદમાં તે પાણીથી સુરક્ષિત હોય, ઠંડીમાં તે ગરમ રહેતું હોય અને ગરમીમાં અંદરનું વાતાવરણ ઈચ્છિત ઠંડક જાળવી રાખતું હોય. હવે જે બાંધકામની નવી સામગ્રી મળે છે તેનાથી આ બધું શક્ય છે.
પ્રશ્ર્ન વિદ્યુત તથા પાણી પુરવઠાનો અને ગંદકીના નિકાલનો હોય છે. વીજ પુરવઠા માટે તો સોલર પેનલ કે ડીઝલ પંપ ઉપરાંત સ્થાનિક સ્તરે પણ વ્યવસ્થા થઈ શકે. પાણીનો પુરવઠો પણ મળી રહે. ગંદકી અને ખાસ કરીને ટોઈલેટ માટે પણ વિવિધ પ્રકારનાં ઉપકરણો મળી રહે છે. તક્નિકી વિજ્ઞાને લગભગ આવા બધા જ પ્રશ્ર્નો માટે ઉકેલ આપી દીધો છે. અને તેથી જ પૈડાં પરનું ઘર પ્રચલિત થતું જાય છે. આવું ઘર ક્યાં હંગામી ધોરણે ગોઠવાય છે તેના પરથી કેટલાક સલામતીના પ્રશ્ર્નો ઊભા થાય. પણ આ પ્રશ્ર્ન સ્થાપત્યનો નથી, તે ઘર માટે પસંદ કરાયેલા સ્થાનનો છે. તેનું નિરાકરણ આવી શકે.
પૈડાં પરના ઘરની એક મજા તો છે જ. ઈચ્છા થાય ત્યારે સ્થાન બદલી શકીએ છીએ, નોકરીનું સ્થાન પણ બદલી શકાય, ઘરની રચના ક્યારેય એટલી બોજારૂપ ન લાગે, વ્યક્તિ ન્યૂનતમવાદી થતો જાય, ઓછામાં ઓછી સવલતો સાથે જિંદગી કેવી રીતના પસાર થઈ શકે તેની સમજ પડે. ભલે કુટુંબ નાનું હોય તો પણ કુટુંબના સભ્યો વચ્ચેનો સંબંધ આપમેળે ઉદ્ભવતા સામીપ્યથી વધુ ઘનિષ્ઠ બને, નાની જગ્યાના અસરકારક ઉપયોગ માટે વ્યક્તિએ વધારે સર્જનાત્મક અભિગમ ધારણ કરવો પડે, અને આ બધા સાથે જીવનમાં એક ધારાપણું નાબૂદ થાય અને કુદરતની વિવિધ પરિસ્થિતિ સાથે તાલમેલ મેળવતા વ્યક્તિ શીખે. આ બધાથી વ્યક્તિની વિવિધતાઓને સ્વીકૃત કરવાની ભાવના ઊભરે તથા દ્રઢ થાય.