ભાત ભાત કે લોગ : ધૂરંધરોએ કરેલી આગાહીઓ, જે ઐતિહાસિક ઢબે ધરાર ખોટી પડી!

- જ્વલંત નાયક
પ્રિડિકશન’ મજાનો શબ્દ છે. પ્રિડિકશન એટલે કોઈક બાબતનું પૂર્વાનુમાન. સંજોગો કે કોઈક પ્રકારની ગણતરીને આધારે આવાં પૂર્વાનુમાન થતા હોય છે. સાદા શબ્દોમાં એને આગાહી કહી શકાય. શૅરબજારને બાદ કરીએ ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની આગાહીમાં પ્રજાને ભારે રસ પડે. એક તો વરસાદની અને બીજી ચૂંટણીના પરિણામોની આગાહી. મજાની વાત એ કે આ બંને આગાહી છાસવારે ખોટી પડ્યા કરે છે. એથી ય વધારે મજાની વાત એ કે લોકોને સાચી આગાહીઓની સાપેક્ષે ખોટી પડેલી આગાહીઓ વિષે ચર્ચા કરવામાં વધુ રસ પડે છે! આજે એવી જ બે આગાહીની વાત કરવી છે, જે ઐતિહાસિક દ્રષ્ટિએ ખોટી સાબિત થઇ. IBM કંપની ટેકનોલોજી ક્ષેત્રે બિગ જાયન્ટ ગણાય.
આઇબીએમબિગ બ્લ્યુ’ના હુલામણા નામે જાણીતી છે. ડાઉજોન્સ દ્વારા જાહેર કરાયેલ 30 જાયન્ટ કંપનીઝના લિસ્ટમાં બિગ બ્લ્યુનો પણ સમાવેશ થાય છે. એમ તો કંપની ઠેઠ1911માં સ્થપાયેલી. એ વખતે એનું નામ હતું કોમ્પ્યુટિગ ટેબ્યુલેટિગ રેકોર્ડિંગ કંપની CTRC’. કંપની એ વખતે રેકોર્ડ કીપિંગ સિસ્ટમ્સ બનાવતી. એ પછી બીજા કાર્યક્ષેત્રમાં પણ કામ શરૂ થયું એટલે કંપનીનું નામ બદલીનેઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ કોર્પોરેશન’ કરવામાં આવ્યું, જે આજે IBM તરીકે ઓળખાય છે. એ વખતે વિવિધ કોર્પોરેટ કંપનીઝના કર્મચારીઓ માટે પંચકાર્ડ સિસ્ટમ્સ બનાવવામાં IBM પોતાની પ્રતિસ્પર્ધી કંપનીઝ કરતા ખાસ્સી આગળ નીકળી ગયેલી.
કંપનીની આ પ્રગતિમાં એક માણસનો ફાળો બહુ મોટો હતો. એનું નામ થોમસ જે. વોટસન. ઇસ 1914થી માંડીને છેક 1956 સુધી થોમસ વોટસન IBMના ચેરમેનપદે રહ્યા. એને આધુનિક જમાના સાથે તાલ મિલાવતી કરવાનું કામ વોટસને કર્યું. IBMમાં વિકસેલું કોર્પોરેટ કલ્ચર પણ વોટસનની દૂરંદેશી અને કુનેહને આભારી હતું. એ ચેરમેન બન્યા એના ચાર જ વર્ષમાં એટલે કે 1918 સુધીમાં તો કંપનીનું ટર્ન ઓવર વધીને ડબલ થઇ ગયેલું. 1956માં થોમસ વોટસન ગુજરી ગયા ત્યારે વિશ્વના ટોચના ધનાઢ્યોની યાદીમાં એમનો સમાવેશ થતો હતો.
આટલું વોટસન પુરાણ કરવાનું તાત્પર્ય એટલું જ કે ઇન્ડસ્ટ્રીમાં વોટસનના શબ્દોનું મહત્ત્વ કેટલું હશે એ સમજાય. અત્યંત બાહોશ અને દૂરંદેશ વ્યક્તિની છાપ ધરાવતો વોટસન કોઈ પણ આગાહી કરે, તો એને ઇન્ડસ્ટ્રી માટે ભવિષ્યનું રુખ ગણી લઈ શકાય. 1943માં વોટસને એક એવી આગાહી કરી જેને લોકોએ એ સમયે બહુ ગંભીરતાથી લીધી. હકીકતે ઇન્ડસ્ટ્રીનું રુખ એવું બદલાયું કે વોટસનની એ વાત-આગાહી આજે ટેકનોલોજી જગતની સૌથી હાસ્યાસ્પદ આગાહી ગણાય છે!
એ વખતે થોમસે જાહેર કર્યું કે આખી દુનિયાને વધુમાં વધુ પાંચ જ કોમ્પ્યુટર્સની જરૂર છે! આજે કોઈ ટેકનોક્રેટ સામે થોમસદાદા આવું બોલે તો પેલાની રીતસર કમાન છટકે, પણ એ વખતે મિસ્ટર થોમસની વાતમાં દમ હતો.
IBM કંપનીએ ચાલીસના દાયકાથી કોમ્પ્યુટર્સ બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. એ વખતે કોમ્પ્યુટર્સ બહુ વિશાળ કદના આવતા. કોમ્પ્યુટર્સને ગોઠવવા માટે પણ મોટી સાઈઝના એક કરતા વધુ રૂમ્સની જરૂર પડતી. એટલું જ નહિ, એક કોમ્પ્યુટરને ઓપરેટ કરવા માટે એકથી વધુ સ્કીલ્ડ ઓપરેટર્સ કામે લગાડવા પડતા. આ બધાં કારણોસર વૈજ્ઞાનિક સંશોધનો દરમિયાન જટિલ ગણતરીઓ કરવા માટે તેમજ લશ્કરી હેતુઓ જેવા અતિવિશિષ્ટ કાર્યો માટે જ કોમ્પ્યુટર્સનો
ઉપયોગ થતો. એ દિવસોમાં પોતાના ઘરે પર્સનલ કોમ્પ્યુટર વસાવવાનો વિચાર તો કોઈ ભેજાગેપ માણસને ય નહોતો આવતો…એ સંજોગોમાં IBMનો ચેરમેન માત્ર પાંચ જ કોમ્પ્યુટર્સ બનાવવાની વાત કરતો હોય, તો એમાં ખોટું શું હતું ?!
હવે થયું એવું કે આ આગાહી થઇ એનાં થોડાં જ વર્ષોમાં ટ્રાન્ઝીસ્ટર તરીકે ઓળખાતા મિનીએચર (સૂક્ષ્મ કદના) સેમીક્નડકટરની શોધ થઇ. ટ્રાન્ઝીસ્ટર્સની શોધે કોમ્પ્યુટરની સાઈઝ ઘટાડવામાં સિંહફાળો આપ્યો. કોમ્પ્યુટર રાખવા જ્યાં અનેક ઓરડાઓની જરૂર પડતી હતી, એના બદલે એક ટેબલ પર મૂકીને વાપરી શકાય એવડાં કોમ્પ્યુટર્સ બનવા માંડ્યાં.
60નો દાયકો આવતા સુધીમાં તો ટેકનોલોજીમાં મોટા પાયે બદલાવ આવી ગયો. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી! આજે તો દુનિયાભરમાં કરોડોની સંખ્યામાં પર્સનલ કોમ્પ્યુટર્સ છે. હવે આ આખા ઘટનાક્રમમાં થોમસ વોટસન પોતાની રીતે સાચા જ હતા, પણ ટેકનોલોજીકલ અપગ્રેડેશનને કારણે એમની વાત બહુ ખરાબ રીતે ખોટી પડી.
IBMની પ્રગતિમાં અને એ રીતે ટેકનોલોજીના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર થોમસ વોટસનને સફળ કાર્યપદ્ધતિને કારણે જેટલી ખ્યાતિ મળી એનાથી અનેકગણી કુખ્યાતિ માત્ર એક ખોટી આગાહીને કારણે મળી ગઈ! કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ વચ્ચે આજે તો જાણે ચોલી-દામન કા સાથ હૈ. આજની તારીખે ઈન્ટરનેટ એટલું સર્વવ્યાપી છે કે એના વગરનું જીવન અકલ્પ્ય લાગે છે, પણ 80-90ના દાયકામાં જીવેલા લોકોએ એક અલગ જમાનો જોયો છે. આ જમાનો એટલે સામાન્ય લોકોના જીવનમાં ઈન્ટરનેટના પ્રવેશનો પ્રથમ તબક્કો. એ વખતે મોટા ભાગના લોકો ઈન્ટરનેટ ટેકનોલોજીથી અજાણ હતા એટલે કોઈ જરાતરા જાણકાર વ્યક્તિ જો ઈ-બુક્સ, ઈ-ન્યૂઝપેપર કે ડિજિટલ ડેટાની વાત કરે તો લોકો એને હસી નાખતા. ઈ-કોમર્સની વાતો શરૂ થયેલી ખરી, પણ ઈ-કોમર્સ એટલે ખરેખર શું એની બહુ ઓછાને ખબર હતી.
આવા સંજોગો દરમિયાન 1995માં `નાસા’ના અવકાશયાત્રી ક્લિફોર્ડ સ્ટોલે છાતી ઠોકીને કહી દીધું કે આ ઈન્ટરનેટ-ફીન્ટરનેટ બધી ઓવરરેટેડ વસ્તુઓ છે. સામાન્ય માનવીઓ માટે એ બહુ કામ આવે એમ નથી. ઈન્ટરનેટનો જેટલો હાઈપ ઊભો કરાયો છે, એવું કશું થવાનું નથી. લોકો હાથમાં પકડીને વાંચી શકાય એવા ન્યૂઝપેપર્સ અને પુસ્તકો છોડીને કોમ્પ્યુટર્સના સ્ક્રીન સામે ડોળા ફાડતા બેસી રહેશે એમ તમે માનો છો? દુકાનમાં જાતે જોઈ તપાસીને વસ્તુઓ ખરીદવાને બદલે શું લોકો ઘરે બેઠા બેઠા અજાણ્યા લોકો પાસેથી ખરીદી કરવાનું પસંદ કરશે ખરો? નો, નેવર! એવું ક્યારેય નહિં બને!
પણ એવું બન્યું-બનીને રહ્યું. એમેઝોન, ગૂગલ જેવી જાયન્ટ્સની એન્ટ્રી સાથે ઈ-કોમર્સથી માંડીને ઈ-રીડિગ ક્ષેત્રે ક્રાંતિ આવી ગઈ. આજે ઊલટું એવી પરિસ્થિતિ છે કે દુકાને જઈને ખરીદી કરનારા કે હાથમાં પકડેલું પુસ્તક કે ન્યૂઝપેપર વાંચનારાની સંખ્યા ઘટતી જાય છે. 1995માં `નાસા’ના અવકાશયાત્રી ક્લિફોર્ડ સ્ટોલે કરેલી આગાહી બહુ બૂરી રીતે ખોટી સાબિત થઇ છે. આ બદલ પાછળથી ખુદ સ્ટોલે પણ પોતે સાવ ખોટા પડ્યા હોવાની વાત ખેલદિલીપૂર્વક સ્વીકારી પણ લીધેલી.
…અને સાચું પૂછો તો આજે દરેક સંવેદનશીલ માણસને ક્લિફોર્ડ સ્ટોલની આગાહી ખોટી પડવાનો રંજ હશે જ. તમારું શું માનવું છે?
આપણ વાંચો : ભાત ભાત કે લોગ : હેલો, હેલો…! શું તમે કોઈને આવો કોલ કરવાની હિમ્મત કરી છે?