હેં ખરેખર આ આદમી પ્રેગ્નન્ટ છે?
વાત એક ‘પ્રેગ્નન્ટમેન’ની.. શું ખરેખર આવું થાય ?
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
નામ એનું સંજુ ભગત. ભગત તો એની અટક માત્ર હતી. બાકી એનું કામ તો ખેતમજૂરીનું. કાળી મજૂરી કરીને રોટલા રળવાનું કામ આમે ય દુષ્કર. એમાં વળી સંજુ ભગત એક ‘વિશિષ્ટ શારીરિક’ સમસ્યાનો ભોગ બની ગયો અને આ સમસ્યા વળી એવી કે ન કોઈને કહેવાય ન કોઈ રીતે સહેવાય..
૧૯૬૩માં મહારાષ્ટ્રના નાગપુર પાસેના એક ગામમાં સંજુનો જન્મ. પરિવારની પરિસ્થિતિ અતિશય નબળી એટલે બાળપણથી જ સંજુએ ખેતમજૂરીનું કામ શરુ કરી દીધેલું. તરુણાવસ્થાએ પહોંચેલો સંજુ આખો દિવસ તનતોડ મજૂરી કરે ત્યારે પરિવારને માંડ બે ટંકનો રોટલો મળતો. આમ જુઓ તો ગામના મોટાભાગના લોકો ગરીબ જ હતા.
એટલે સહુએ ફરજીયાત મજૂરી જ કરવી પડતી, પણ સંજુનાં પર એક એવી આફત ત્રાટકી પડીકે એનો રોટલો તો છીનવાઇ ગયો , ઉપરથી એ હાસ્યાસ્પદ પણ બની ગયો …
થયું એવું કે વીસીમાં પ્રવેશેલા સંજુનું પેટ ફૂલવા માંડ્યું. કોઈ પણ પ્રકારના દેખીતા કારણ વિના સંજુના પેટનો ઘેરાવો વધતો ચાલ્યો. ગરીબીને લીધે પૂરતું પોષણ મળ્યું ન હોવાથી સ્વાભાવિક રીતે જ શરીર એ સુકલકડી હતો એમાં વળી પેટ ગાગર જેવું થતું જાય ગામલોકોને ય સંજુના વધતા જતા
પેટનું ભારે કુતુહલ. મજૂરી કામ કરતા સંજુને બિચારાને વાંકા વળીને કંઈક કામ કરવું હોય તો ય પેટ નડવા માંડ્યું! સાથી મજૂરોએ મજાકમાં કીધું પણ હશે કે અલ્યા, ખાવાનું ઓછું કર, નહીંતર પેટ ફાટી જશે!’ જો કે સંજુ પાસે એવી કોઈ ટકોર સાંભળવાનો કે એની પ્રતિક્રિયા આપવાનો સમય જ ક્યાં હતો? શરીર થાકી જાય એ પહેલા દાડિયું રળી લેવું હોય, જેથી ફૂલતા જતા પેટનો ખાડો પૂરી શકાય.
વીતતા જતા સમય સાથે પરિસ્થિતિ વણસતી ગઈ. કોઈ સગર્ભા સ્ત્રીની જેમ સંજુનું પેટ એટલું બધું ફૂલી ગયું કે જોનારને એવું લાગે કે સંજુ ‘ગર્ભવતો’ થયો છે! ગામના અભણ લોકો કશું સમજ્યા વગર સંજુને ‘ગર્ભવતો’ ગણીને મજાક ઊડાડવા માંડ્યા.
ક્યારેક મજાકમાં હલકી વાતો ય થતી. તો કોઈ કોઈ સંજુના પુરુષાતન પર પણ પ્રશ્ર્નો ઉઠાવતા. જો કે એવી બધી વાતો તરફ ધ્યાન આપ્યા સિવાય સંજુ પોતાના કામમાં ડૂબેલો રહેતો.
પછી તો સંજુનો પરિવાર પણ કહેવા માંડ્યો, કે એક વાર ડોક્ટર પાસે તપાસ કરાવી લે. ખબર તો પડે કે તારા પેટમાં આ શું ગરબડ છે?!’
પરિવારની વાત તો સાચી. પણ ડોક્ટરની ફીની પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરવી?
આમાં ને આમાં સંજુ પોતાની પીડા વેંઢારતો રહ્યો. આપણને કદાચ આ વધુ પડતું લાગે, પણ માણસ પાસે પૂરતું ખાવાના જ પૈસા ન હો તો ગમે એવી શારીરિક સમસ્યા પણ વેંઢાર્યે જ છૂટકો થાય! આમ ને આમ મસમોટા પેટ સાથે સંજુએ લગભગ આખો દશકો ખેંચી નાખ્યો. પણ આખરે ત્રીસીમાં પ્રવેશેલા સંજુની સહનશક્તિની ય હદ આવી ગઈ. થયું એવું કે પેટના વધતા જતા ગોળાર્ધને કારણે સંજુના શ્વસનતંત્ર પર દબાણ પેદા થવા લાગ્યું. પરિણામે સામાન્ય શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં પણ તકલીફ થવા લાગી. હવે સંજુ પાસે કોઈ રસ્તો નહોતો બચ્યો.
ગમે એ રીતે પૈસાની સગવડ કરીને એ ડોક્ટર પાસે તપાસ માટે પહોંચેલા સંજુના પગ નીચેથી જમીન ખસકી ગઈ. કેમકે ડોક્ટરે કેસ પોતાના ગજા બહારનો હોવાનું કહીને સીધો મુંબઈનો રસ્તો દેખાડી દીધો!
આખરે સંજુની તકલીફ શું હતી? ગર્ભવતી મહિલાની માફક સતત ફૂલતા જતા એના પેટનું રહસ્ય શું હતું? શું જે લોકો મજાકમાં સંજુને ‘પ્રેગ્નન્ટ મેન’ કહીને ચીડવતા હતા, એ સાચા હતા?
જેમ તેમ કરીને મુંબઈની મોટી હોસ્પિટલમાં પહોંચેલો સંજુ ભગત એ સમયે ડ્યુટી પર હાજર ડો અજય મહેતાને મળ્યો. ચેક અપ કર્યા બાદ ડો મહેતાને લાગ્યું કે સંજુનું પેટ ગમે ત્યારે ફાટી પડે, એવું પ્રચંડ દબાણ વેઠી રહ્યું છે! સંજુના
પેટમાં મોટી ગાંઠ હોવી જોઈએ. જો ઝડપથી ઓપરેશન નહિ થાય, તો આ ગાંઠ ફાટવાની પૂરી શક્યતા હોય એમ જણાતું હતું.
એ વર્ષ હતું ઇસ ૧૯૯૯નું. આજના જેટલી લેટેસ્ટ ટેકનોલોજી કે ડાયાગ્નોસ સિસ્ટમ્સ એ સમયે નહોતા એટલે ત્યારના ડોક્ટર્સ ઘણા નિર્ણયો પોતાની આવડત અને કોઠાસૂઝ મુજબ લેતા હશે. ઘણી બાબતો શરીર ઓપન’ કર્યા પછી જ જાણી શકાતી હશે. ડો મહેતાએ પણ સંજુનું પેટ ચીરીને ખોલવાનું નક્કી કર્યું. અને પછી જે થયું એ તબીબી ઈતિહાસની
ઐતિહાસિક ઘટના સાબિત થઇ.
ડોકટરે જેવો સંજુના પેટ પર ચીરો મૂક્યો, કે તરત પેટની અંદર ભરાયેલું પ્રવાહી બહુ મોટા જથ્થામાં બહાર ધસી આવ્યું. ડોક્ટર માટે કદાચ આ અપેક્ષિત હતું. વર્ષોથી પેટમાં ગાંઠ-ટ્યુમર હોય, તો સાથે પ્રવાહીનો ભરાવો થયો હોય એમ બને!. પણ સંજુના પેટમાંથી બધું પ્રવાહીબહાર ઠલવાઈ ગયા બાદ જે દ્રશ્ય જોવા મળ્યું એનાથી ડો. મહેતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ!
સંજુના પેટમાં મનુષ્ય શરીરના કેટાલાંક અવયવો જોવા મળ્યા! હકીકતમાં આ ભાગ-અવયવો એક સંપૂર્ણપણે વિકસી નહી શકેલા ભ્રૂણના હતા!
ડોકટરે સંજુના ખૂલેલા પેટમાં હાથ નાખીને ચેક કર્યું તો અવિકસિત બાળકના હાથ, જનનેન્દ્રિય વગેરે
અવયવો સ્પષ્ટ કળાય એવી કન્ડિશનમાં હતા. અરે, કેટલાક હાડકાઓ પણ હતા!
આ ઉપરાંત બાળકના વાળ અને નખ પણ હતા. એનો અર્થ એમ થાય કે સંજુના પેટમાં રહેલું ભ્રૂણ ખાસ્સું વિકસિત હતું! પણ પ્રશ્ન એ છે કે એક પુરુષના શરીરમાં આ રીતનું ભ્રૂણ આવ્યું કઈ રીતે? અને ગમે એ રીતે આવ્યું હોય, પણ આટલા વર્ષો સુધી ટક્યું એ મોટી નવાઈની વાત ગણાય!
એ દિવસે ઓપરેશન ટેબલ પર બેહોશ પડેલા સંજુના ઉઘાડા પેટમાંથી એક પછી એક વસ્તુઓ’ બહાર આવી
રહી હતી અને ઓપરેશન થિયેટરમાં કોઈ લાઈવ હોરર – શો ચાલી રહ્યો હોય એવી દહેશત ફેલાઈ ગઈ! જો કે આમાં
બીજાઓએ ડરવાનું કોઈ કારણ નહોતું, પણ આવી વિચિત્ર ઘટનાએ એક વિચિત્ર માહોલ ખડો કરી દીધો હતો…!
એ પછી ડોકટર-ટીમે સંજુના પેટની વ્યવસ્થિત રીતે સફાઈ કરી એને ફરી પાછું સ્ટીચ લઈને પેક કરી દેવામાં આવ્યું.
હવે ફરી એક વાર મૂળ પ્રશ્ન એ કે એક પુરુષના પેટમાં ગર્ભ આવ્યો ક્યાંથી?
Fetus in fetu તરીકે ઓળખાતી અજીબ એવી આ મેડિકલ કન્ડિશન છે, જેમાં માતાના ઉદરમાં એકસાથે વિકસી રહેલા ટ્વિન ભ્રૂણ પૈકીનું એક બીજા ભ્રૂણના શરીરમાં આશરો’ મેળવે છે. અર્થાત માતાના ઉદરમાં રહેલા એક
ભ્રૂણના પેટમાં બીજું ભ્રૂણ હોય!
આ પરિસ્થિતિ બંને ભ્રૂણ વચ્ચે પરોપજીવી સંબંધો parasitic relationship) પેદા કરે છે. જેમાં બીજું ભ્રૂણ પહેલા ભ્રૂણના શરીરમાંથી પોષણ મેળવે છે! આવા સંબંધમાં મોટે ભાગે એવું બને કે યજમાન ભ્રૂણ થોડા સમયમાં પેલા પરોપજીવી ભ્રૂણને ત્યજી દે, પણ સંજુના કેસમાં એવું ન બન્યું અને સંજુ લાંબો સમય સુધી પોતાના પરોપજીવી ભાઈને પોતાનું પેટ’ સમજીને વેંઢારતો રહ્યો!
મેડિકલ સાયન્સ મુજબ આવા કિસ્સા બહુ વિરલ ગણાય. હજી સુધી વિશ્વભરમાં આવા ૧૦૦થી ય ઓછા કિસ્સા નોંધાયા છે. એમાંય સંજુનો કિસ્સો તો અત્યંત વિરલ છે, કેમકે એણે જિંદગીના ત્રણ દાયકાથી વધુ સમય સુધી પોતાના પરોપજીવી સિબલિંગને પોષણ આપ્યે રાખ્યું!
જયારે ઓપરેશન બાદ ભાનમાં આવેલા સંજુને ડોકટરોએ સાચી વાત-હકીકત જણાવી, ત્યારે સંજુએ દાયકાઓ સુધી પોતાના શરીરમાં વિકસી રહેલાં રહેલા બીજાં ભૂર્ણનાં અવશેષ પણ જોવાનો ઇનકાર કરી દીધો એવો એ હેબતાઈ ગયો હતો.
ખેર, ઓપરેશન બાદ સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયેલો સંજુ પોતાના ગામ પાછો ફરીને નોર્મલ જીવન વિતાવી રહ્યો છે. જો કે ગામલોકો હજી કોઈક વાર આ ‘પ્રેગ્નન્ટ મેન’ની મશ્કરી કરી લેવાનું નથી ચૂકતા…!