વીક એન્ડ

પંખી જગતના હેલિકૉપ્ટર્સ

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

ટ્રેનમાં પ્રવાસ દરમિયાન રેલવે સ્ટેશનના સિગ્નલની બહાર ટ્રેન ઊભી હતી. રેલવે ટ્રેકની બાજુમાં આવેલા ખેતરમાં એકાએક મારું ધ્યાન ગયું કે એક પંખીડું ઊડતું હોવા છતાં હવામાં એક જ જગ્યા પર સ્થિર ઊભું છે. એ વખતે મારું બાલ દિમાગ તાજજુબ થઈ ગયું કારણ કે એ ઉંમરે મને જે વૈજ્ઞાનિક માહિતીઓ મળેલી એમાં હવામાં ઊડતા પ્લેન અને પક્ષીઓ હવામાં ઊડી શકે, પરંતુ કોઈ પક્ષી હવામાં હેલિકૉપ્ટરની માફક એક જ જગ્યા પર સ્થિર રહીને ઊડે એ વાત થી અજાણ જ હતો. એ પક્ષીને જોઈને તાજજુબ થઈ ગયેલું મારું ચિત્ત એવું અનુભવતું હતું કે જાણે મેં આ દુનિયાનો એવો કોઈ નજારો જોઈ નાખ્યો છે જેનાથી દુનિયા અજાણ છે અને હું આ દુનિયાનો સૌથી જ્ઞાની વ્યક્તિ છું ! ઘરે પહોંચીને મેં આજુબાજુના સૌને પકડી પકડીને તે પંખીના કરતબના વર્ણનો કર્યા, તો પણ રહેવાયું નહીં એટલે અમારા નાનકડા ગામની મોટકડી નેચર કલબના જાણકાર પક્ષી નિરીક્ષકને ત્યાં પહોંચી ગયો અને એમને પકડીને આ વાત કહી ત્યારે તેઓ હસીને એટલું જ બોલ્યા કે એમાં શું નવાઈ છે ? એવા તો ઘણા પંખીડા છે જી હવામાં એક જગ્યાએ સ્થિર રહીન ઊડી શકે છે…’ એમનું આ વિધાન મને નિરાશ કરી ગયું અને મને લાગેલું કે જાણે મારો મોટો ખજાનો લૂંટાઈ ગયો છે.

ત્યાર બાદ બહુ નાની ઉંમરે પંખીડાઓની દુનિયામાં રસ પડ્યો અને પક્ષી નિરીક્ષણ જીવનનું મહત્ત્વનું પાસું બની ગયું. અને પક્ષીનિરીક્ષણના પાગલપનના એ સમયગાળામાં ઘણું જાણ્યું, માણ્યું. આપણે જાણીએ છીએ કે માનવે બનાવેલા ઘણા મશીન પ્રાણીઓ અને પંખીઓ પરથી શોધાયા છે. પંખીઓની હવામાં ઉડાનથી પ્રેરાઈને માનવે પક્ષીઓની શરીર રચનાનો અભ્યાસ કરીને તેઓ કેવી રીતે ઊડી શકે છે તેનું રહસ્ય શોધી કાઢ્યું અને તેના પરથી એરોપ્લેનની શોધ થઈ. એ જ રીતે ઊડતા ઊડતા હવામાં એક જ જગ્યા પર સ્થિર રહી શકતા પંખીડાઓને જોઈને જ હેલિકૉપ્ટરનો વિચાર જન્મ્યો હોવો જોઈએ. આમ એક રીતે જોઈએ તો માનવની મહત્ત્વની તમામ શોધની પાછળ પ્રકૃતિ જ પ્રેરક બની છે.

મારા પક્ષીઓના અભ્યાસ પરથી સામાન્ય રીતે ત્રણેક પક્ષીઓ છે જેઓ હવામાં ઊડતા ઊડતા એક જ જગ્યા પર સ્થિર રહી શકે છે. સૌથી પહેલું છે ફૂલસૂંઘણી એટલે કે પર્પલ સનબર્ડ. બીજું છે શિકારી પંખી શકરો બાજ અને ત્રીજું પંખી છે કલકલિયો. મે રેલવે ટ્રેકની બાજુમાં ખેતરમાં હવામાં સ્થિર રહીને ઊડતું જોયેલું પંખી હતું શકરો બાજ. આ ત્રણે પંખીઓમાંથી બે શિકારી છે, જ્યારે ફૂલસૂંઘણી તેના નામ મુજબ શાકાહારી અથવા ફૂલનો રસ ચૂસીને પેટા ભરનાર મુખ્યત્વે રસાહારી છે. આજે આપણે આ ત્રણે પંખીઓ અને તેમની હેલિકોપ્ટર જેવી ઉડાનના રહસ્ય વિશે વાત કરીશું, પરંતુ તે પહેલા આપણે એરોપ્લેન અને હેલિકૉપ્ટરની ઉડાનને સમજી લઈએ. પ્લેનને ઊડવા માટે જમીન પર દોડવું પડે, ગતિ પકડવા માટે જૂના વખતમાં પંખાથી એરોપ્લેન્સને ફોરવર્ડ થ્રસ્ટ મળતો અને હવે જેટ એન્જિનથી મળે છે. પ્લેન ગતિના કારણે પાંખોમાં હવા ભરાવાથી હવામાં ઊંચકાય છે. હેલિકૉપ્ટર એ જ સિધ્ધાંતનો ઉપયોગ ઉપર લાગેલા પાંખિયાની મદદથી અપવર્ડ થ્રસ્ટ જનરેટ કરે છે અને હેલિકૉપ્ટરને ગુરુત્વાકર્ષણથી મુક્તિ મળે છે. એક જગ્યા પર રહીને ઊડી શકતા આપણા આજના નાયક પંખીડાઓ હેલિકૉપ્ટરના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જ આ કરતબ કરે છે. ફૂલસૂંઘણી, શકરો અને કલકલિયો પોતાની પાંખોને પ્લેનની જેમ આગળ ગતિ માટે ઉપર નીચે ફફડાવે છે, પરંતુ એક જગ્યા પર સ્થિર રહેવા માટે પોતાની પાંખોને હેલિકૉપ્ટરના પાંખિયાની માફક હોરિઝોન્ટલ ફફડાવ્યા કરતા હોય છે.

તો ચાલો કુદરતના ત્રણેય હેલિકૉપ્ટર્સને આજે ઓળખીએ.

ફૂલસૂંઘણી ઉર્ફ પર્પલ સનબર્ડ

લોકોએ બાળપણમાં ઓછામાં ઓછા એક વખત ફૂલસૂંઘણીને જોઈ જ હશે. આંગણાની ફૂલક્યારીના કોઈ સુંદર ફૂલની સામે સ્થિર રહીને ઊડતા ઊડતા પોતાની લાંબી ચાંચથી એ ફૂલનો રસ ચૂસતું દેખાયું જ હોય. તદ્દન ડાર્ક બ્લ્યુ અથવા પર્પલ અથવા ચમકતું કાળું ભમ્મર આ પંખી પોતાના ખોરાકની આદતના લીધે ફૂલસૂંઘણીનું ઉપનામ પામ્યું છે. તેનું સાચું નામ શક્કરખોરો છે. એશિયાના દેશોનું વતની આ અંગૂઠા જેટલું ટચૂકડું પંખી એક સેકંડમાં બાર વખત પોતાની પાંખ ફફડાવી લે છે. આપણે એવું માની લઈએ છીએ કે આ પંખી માત્ર ફૂલોના રસ પર જીવન ગુજારે છે તો દિલ થામ કે બૈઠો… આ પંખીડું જીવડા, કારોળિયા અને મળે તો ફળાહાર પણ કરે છે.

કલકલિયો ઉર્ફ કિંગફિશર :

પક્ષીઓની જમાતનું માછીમાર ગણાતું આ પંખી સમગ્ર ભારતભરમાં દેખાય છે. ગ્રામીણ વિસ્તારોમાં ફરવા નીકળ્યા હોઈએ અને તળાવ, નદી અને નાળાની ઉપર તાર પર અથવા કોઈ નાના વૃક્ષ પર બેસીને ધ્યાનીબાબાની જેમ તાકી રહ્યું હોય. પાણીની સપાટીથી નજીક કોઈ માછલી દેખાય તો ઊડીને પાણીમાં ડૂબકી મારીને અથવા માછલી જો થોડી ઊંડે હોય તો હવામાં સ્થિર થઈને નિશાન સાધીને પાણીમાં ડૂબકી મારતો જોવા મળશે. ગુજરાતમાં આ પંખીની ત્રણ જાતિઓ છે, પ્રથમ નાનો કલકલિયો ઉર્ફ કોમન કિંગફિશર, બીજો છે કાબરો કલકલિયો ઉર્ફ પાઈડ કિંગફિશર અને અંતે લગોઠી કલકલિયો ઉર્ફ ઓરીએન્ટલ ડ્વાર્ફ કિંગફિશર. ત્રણેય કલકલિયાઓમાં લગોઠી સૌથી ટચૂકડો હોય છે. આ ત્રણેયનો મુખ્ય આહાર માછલીઓ અને પોતાનાથી આરોગી શકાય તેવા જળચર હોય છે

શકરો બાજ
ગુજરાતીમાં શકરો તરીકે ઓળખાતા આ પક્ષીનું અંગ્રેજી નામ શિકરા છે. શકરો આફ્રિકા અને એશિયામાં સમગ્ર ભારત સહિત બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકામાં જોવા મળે છે. જો કે એના કદ અને રંગ પ્રમાણે ત્રણ પેટાજાતિઓ વસે છે. તેનું કદ કબૂતરથી મોટું લગભગ ૨૬ થી ૩૦ સે.મી જેટલું હોય છે. તે રંગે રાખોડી આસમાની હોય છે, જ્યારે પેટથી સફેદ હોય છે, જેમાં આછા સફેદ રંગની આડી-ઊભી લિટીઓ હોય છે. શકરો મોટે ભાગે ગીચ ગલો કરતા આછાં જંગલોમાં કે ગામડાં-ખેતરોમાં ઊંચા ઘટાદાર વૃક્ષોમાં વસતો અને ફરતો રહે છે. તેની શિકાર કરવાની રીત બહુ જોરદાર હોય છે. પળભરમાં વૃક્ષની ડાળી પરથી તરાપ મારીને શિકાર કરે છે. આકાશમાં પાંખો ફરકાવીને પછી હવામાં પાંખો સ્થિર રાખીને ઊડે છે. જમીનની સપાટીથી લગભગ એક મિટરની ઊંચાઈએ સ્થિર રહીને પણ ઊડ્યા કરતું જોવા મળે છે જે ખરેખર અઘરી કળા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા