પર્યાવરણના સંવર્ધનની સાથે આરોગ્યનું પણ જતન
વિશેષ – નિધિ ભટ્ટ
ડો. નેપરલા પ્રવીણ, 35 વર્ષીય ડોક્ટર જે ચિત્તૂરના ગ્રામીણ વિસ્તારોમાં મફત આરોગ્ય શિબિરો યોજી લોકોને એનિમિયા જેવા રોગો વિશે વાકેફ કરી રહ્યા છે. માત્ર આટલું જ નહીં 50,000 વૃક્ષો વાવી પર્યાવરણીય ચળવળનું નેતૃત્વ પણ કરી રહ્યા છે. આમ આરોગ્યની સાથે સ્વસ્થ પર્યાવરણને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે.
ચિત્તૂર જિલ્લાના પુંગાનુરના યુવા અને કુશળ ડોક્ટર, ડો નેપરલા પ્રવીણ, માત્ર તેમની તબીબી નિપુણતા દ્વારા જ નહીં, પરંતુ ગરીબ લોકોના જીવનને સુધારવા માટેના અવિરત સમર્પણ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. ઉપરાંત સમાજ સેવા પ્રત્યે 20 વર્ષથી વધુની અતૂટ પ્રતિબદ્ધતા સાથે, નિ:સ્વાર્થ સમર્પણ અને દ્રઢતાનું પ્રતીક બની ગયાં છે. તેમની યાત્રા આપણને સમાજની સેવા કરવાનો ખરેખર અર્થ શું છે તેના પર પુનર્વિચાર કરવા પડકારે છે. મેડિકલ પ્રેક્ટિસ કરવા ઉપરાંત, પ્રવીણ એક જાણીતા લેખક, કવિ, તેલુગુ સાહિત્યના ઉત્સાહી, સામાજિક કાર્યકર્તા અને પર્યાવરણવાદી પણ છે. ડો. પ્રવીણ તેમના પિતા, ડો. આનંદ રાવ, એક નિવૃત્ત સરકારી ડોક્ટર અને ગાયનેકોલોજિસ્ટના અથાક સમર્પણથી બાળપણથી જ ખૂબ પ્રભાવિત હતા.
જેઓ હંમેશાં માનતા હતા કે આરોગ્યસંભાળ એક વ્યકિતનો અધિકાર હોવો જોઈએ. 1994 માં, ડો. આનંદ રાવ અને તેમની પત્ની, શ્રીમતી સોભાગ્યવતી ગાએ એક એનજીઓ, રૂરલ હેલ્થ એજ્યુકેશનલ સોસાયટીની સ્થાપના કરી, જેનું મિશન હતું ગ્રામીણ સમુદાયોને મફત આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવી. “હું નાનો હતો ત્યારથી મેં મારા પિતાને દૂરનાં ગામડાઓમાં દર્દીઓની મફતમાં સારવાર કરવા જતા જોયા હતા, જ્યાં અન્ય કોઈ જતું નહોતું” ડો. પ્રવીણ કહે છે. તેમની પ્રતિબદ્ધતા શબ્દોની બહાર હતી. તેમણે બદલામાં ક્યારેય કંઈપણની અપેક્ષા રાખી ન હતી. તેમની માતા, શ્રીમતી સૌભાગ્યવતી ગાએ પણ આ વિઝનને પોષવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે સામાજિક કલ્યાણ માટે તેમના પરિવારના પ્રયત્નોને વિસ્તૃત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
તેમના પિતાના કાર્યથી પ્રેરિત થઈને, ડો. પ્રવીણે મેડિકલ પ્રોફેશન પસંદ કર્યો, પરંતુ પરંપરાગત પ્રેક્ટિસમાં સ્થાયી થવાના હેતુથી નહીં. તેના બદલે, તે દવાને સમાજ સેવા સાથે મિશ્રિત કરવાના વિચાર તરફ આકર્ષાયા. જોકે, તેમણે ચીનમાં એમબીબીએસ પૂર્ણ કર્યું હતું, પરંતુ તેઓ જાણતા હતા કે તેમનું અંતિમ મિશન ગ્રામીણ ભારતમાં છે, જ્યાં તેમનાં માતાપિતાએ દાયકાઓ સુધી સેવા આપી હતી.
અભ્યાસ પૂર્ણ કર્યા પછી, ડો. પ્રવીણ ભારત પાછા ફર્યા, જ્યાં એનજીઓ સાથે તેમનું જોડાણ વધુ ગાઢ બન્યું. એક યુવાન તબીબી વિદ્યાર્થી તરીકે પણ, તેણે ગ્રામીણ આરોગ્ય શૈક્ષણિક સોસાયટી દ્વારા આયોજિત આરોગ્ય શિબિરોમાં સ્વૈચ્છિક સેવા આપી અને આમ તે ઝડપથી એનજીઓનો અભિન્ન હિસ્સો બની ગયા. એનજીઓ સાથેનું ડો. પ્રવીણનું જોડાણ માત્ર સારવાર પૂરતું જ ન હતું, તે ગ્રામીણ સમુદાયોમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનાં મૂળ કારણોને સંબોધવા માટે સંકલ્પબદ્ધ હતા. ઉદાહરણ તરીકે, એનિમિયા, તેમની પ્રાથમિક ચિંતાઓમાંની એક હતી, ખાસ કરીને વ્યક્તિગત દુર્ઘટના પછી. “જ્યારે હું કોલેજમાં હતો, ત્યારે મારા એક મિત્રની માતા એનિમિયાને કારણે ગુજરી ગઈ. તે ક્ષણે માં જીવન બદલી નાખ્યું. હું જાણતો હતો કે આ સાયલન્ટ કિલરને રોકવા માટે મારે કંઈક કરવું પડશે.” ડો. પ્રવીણ કહે છે. તેમણે એનિમિયા વિશે જાગકતા લાવવા ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને યુવતીઓમાં, અનેક ઝુંબેશ ચલાવી. રૂરલ હેલ્થ એજ્યુકેશનલ સોસાયટી દ્વારા, તેમણે આયર્નની ગોળીઓનું વિતરણ, રક્ત પરીક્ષણ કરાવવાનું અને સ્વચ્છતા વિશે શીખવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે મૃત્યુમાં ઘટાડો કર્યો અને આ પ્રદેશના હજારો લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કર્યો.
તેમની માતા શ્રીમતી સૌભાગ્યવતી ગા હંમેશાં એવું માનતા કે આરોગ્ય એ પર્યાવરણ સાથે આંતરિક રીતે જોડાયેલું છે. આમ તેણે તેના પુત્રને શહેરી વિસ્તારોમાં તેની દ્રષ્ટિ વિસ્તારવા માટે પ્રોત્સાહિત કર્યા, જ્યાં પ્રદૂષણ અને પર્યાવરણીય અધોગતિ મુખ્ય મુદ્દાઓ બની રહી હતી. 2008 માં, પર્યાવરણ સંરક્ષણ માટે તેમની માતાના જુસ્સાથી પ્રેરિત, ડો. પ્રવીણે ભાગ્યાનંદ બોટનિકલ સોસાયટીની સ્થાપના કરી, જે પર્યાવરણીય જાગૃતિ, ટકાઉ પ્રથાઓ અને પ્રકૃતિના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મારી માતાએ મને હંમેશાં શીખવ્યું કે “સારા સ્વાસ્થ્યની શરૂઆત સ્વચ્છ હવા, વૃક્ષો અને સ્વસ્થ વાતાવરણથી થાય છે. આપણે સ્વાસ્થ્યને પર્યાવરણથી અલગ કરી શકતા નથી.” ભાગ્યાનંદ બોટનિકલ સોસાયટી દ્વારા, ડો. પ્રવીણે અનેક પહેલને ચેમ્પિયન કરી છે. તેમની ટીમે 50,000 થી વધુ રોપાનું વાવેતર કર્યું છે, પ્રદૂષણ જાગૃતિ ઝુંબેશનું આયોજન કર્યું છે અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ જેવી ઇકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસની હિમાયત કરી છે. એનજીઓ સામુદાયિક કાર્યક્રમો દ્વારા શહેરી રહેવાસીઓને, સ્વચ્છ ઊર્જા અને ગ્રીન સ્પેસ વિશે શીખવે છે.
અવરોધોનો સામનો કરી, સફળતા પ્રાપ્ત કરી ડો. પ્રવીણનું કાર્ય તેમને ચિત્તૂર, કુર્નૂલ અને નેલ્લોરના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં લઈ ગયું છે, જ્યાં આરોગ્યસંભાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લગભગ ના બરાબર છે. જોકે સંસાધનોની અછત તેને ક્યારેય અટકાવી શકી નથી, તેના બદલે, તેણે તેને નવીનતા માટે પ્રોત્સાહિત કર્યા. “આપણે સાધનસંપન્ન બનવું પડશે,” તે કહે છે. “અહીં ગામડાઓમાં, અમારી પાસે ફેન્સી સાધનો નથી, પરંતુ અમારી પાસે અમારા હાથ, જ્ઞાન અને મદદ કરવાની ઇચ્છા છે.” ગ્રામીણ સમુદાયોમાં, ડો. પ્રવીણ સામાન્ય ચેપથી લઈને જટિલ ક્રોનિક રોગો સુધીની વ્યાપક શ્રેણીની બીમારીઓની સારવાર કરે છે. તે આરોગ્ય પરિણામોને સુધારવા માટે જાહેર આરોગ્ય પહેલનું પણ નેતૃત્વ કરે છે. ખાસ કરીને, એનિમિયા નિવારણમાં તેમના કાર્યએ અસંખ્ય જીવન બચાવ્યા છે. બટ્ટમદોદ્દી ગામના એક 40 વર્ષીય દર્દી, સરોજમા યાદ કહે છે, હું એક વર્ષથી મારા સ્વાસ્થ્ય માટે પરેશાન હતી. કોઈને ખબર જ ન હતી કે મને શું થઈ રહ્યું છે. ડો. પ્રવીણ એકવાર અમારા ગામની મુલાકાતે આવ્યા અને મને એનિમિયા હોવાનું નિદાન કર્યું. મેં તેની સારવારને અનુસરી, અને થોડા અઠવાડિયામાં, હું સ્વસ્થ થવા લાગી. માં હિમોગ્લોબિન લેવલ શરૂઆતમાં 8 ની આસપાસ હતું, જે હવે વધીને 10.5 થઈ ગયું છે. જોકે જીવનમાં દરેક વ્યક્તિએ પડકારનો સામનો કરવો પડે છે, તેમાં ડોક્ટરો પણ બાધ નથી. સૌથી નોંધપાત્ર પડકાર, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, ભાષા અવરોધો અને સાંસ્કૃતિક તફાવતો છે. “કેટલીકવાર, વાતચીત કરવામાં મુશ્કેલી થાય છે. ઘણી વાર લોકો અમારા પર વિશ્વાસ કરતા નથી કારણ કે તેઓ પરંપરાગત પ્રથાઓ માટે ટેવાયેલા છે. પરંતુ અમે ધીરજ, આદર અને પરિણામો બતાવીને આ અવરોધોને તોડીએ છીએ,” તે શેર કરે છે.
શરૂઆતમાં, આદિવાસી ગામડાઓમાં સૌથી મોટો પડકાર લોકો સુધી પહોંચવાનો હતો. ધીરે ધીરે, મેં સ્થાનિક નેતાઓ, ગામના પ્રમુખો અને અધિકારીઓ સાથે જોડાવાનું શરૂ કર્યું. મેં તેમને તેમના સમુદાયોમાં જાગૃતિ અભિયાનોને સમર્થન આપવા માટે સહમત કર્યા. અમે કિશોરવયની છોકરીઓ અને સગર્ભા સ્ત્રીઓને એનિમિયા વિશે શિક્ષિત કરવા માટે, ફોટા અને વીડિયોનો ઉપયોગ કર્યો, જેથી તેઓ સમસ્યાને વધુ સારી રીતે સમજી શકે ડોક્ટર કહે છે. અમે સ્વચ્છતા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. અમારા એનજીઓ દ્વારા બનાવવામાં આવેલા વીડિયો દ્વારા અમે લોકોને હાથ ધોવાનું અને સ્વચ્છ રહેવાનું મહત્ત્વ શીખવ્યું. આ બધું આરોગ્ય શિક્ષણને સુલભ અને રસપ્રદ બનાવવા વિશે હતું અને અમે આ કાર્યક્રમો સફળતાપૂર્વક અમલમાં મૂકી શક્યા, ડો પ્રવીણ સમજાવે છે. ડોક્ટર પ્રવીણનું તેમના દર્દીઓ સાથેનું બંધન અંગત અને ગહન છે. લડીગામ ગામના એક યુવાન વિજય તેનો સૌથી યાદગાર અનુભવ વિશે વાત કરતા કહે છે કે “મારા પિતા એક વર્ષથી ક્ષય રોગથી પીડાતા હતા. તેમની શું સારવાર કરવી એ વિશે અમને કંઈ જાણ ન હતી. ડો પ્રવીણ અમારા ગામમાં આવ્યા, તેમનું નિદાન કર્યું અને સારવાર શરૂ કરી. હવે મારા પિતા સ્વસ્થ છે અને સામાન્ય જીવન જીવે છે.”
ડોક્ટર માટે, આ સફળતાની ગાથાઓ જ તેમને આગળ ધપાવે છે. અમે જે કામ કરીએ છીએ તે રોગોની સારવાર કરતાં ઘણું વધારે છે. આ એવું વાતાવરણ બનાવવા વિશે છે જ્યાં લોકો વિકાસ કરી શકે. સ્વસ્થ શરીરને સ્વસ્થ વાતાવરણની જરૂર હોય છે. આરોગ્યસંભાળ અને સામાજિક કલ્યાણ પ્રત્યે ડો. પ્રવીણની પ્રતિબદ્ધતાએ ઘણાનું ધ્યાન ખેંચ્યું છે. 2016 માં તેમને ગ્રામીણ સ્વાસ્થ્યમાં તેમના યોગદાન માટે નવી દિલ્હીમાં આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં, 2024 માં, આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણમાં તેમના કાર્ય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પ્રશંસા પત્ર મળ્યો હતો.
તેમના તબીબી કાર્ય અને એનજીઓ ઉપરાંત, ડો પ્રવીણ એક કુશળ લેખક પણ છે. તેમનાં પુસ્તકો, ખાસ કરીને `મહા સ્વાથત્ર્યમે’, સાહિત્ય જગતમાં પ્રભાવ પાડ્યો છે, તેમની ઘણી રચનાઓ પર્યાવરણીય મુદ્દાઓ પર કેન્દ્રિત છે. “મને લાગે છે કે લેખન મને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચવામાં મદદ કરશે અને મોટા પાયે પરિવર્તનને પ્રેરણા આપશે,” તે કહે છે. “હું નાનાં પગલાઓની શક્તિમાં વિશ્વાસ કં છું, પછી ભલે તે દર્દીની સારવાર હોય, વૃક્ષ રોપવું હોય અથવા પુસ્તક લખવું હોય. હું જાણું છું કે આ નાની ક્રિયાઓ સાથે મળીને, એક સારી દુનિયા બનાવી શકે છે.” જેમ જેમ ડો. પ્રવીણ આગળ જશે, રસ્તો કદાચ પડકારજનક હશે, પરંતુ તેમના સંકલ્પ પહેલા કરતાં વધુ મજબૂત હશે અને જેમના જીવનને તેણે સ્પર્શ કર્યા છે, તેમના માટે તેમનો સેવાનો વારસો આવનારી પેઢીઓ માટે પ્રેરણા આપતો રહેશે.