વીક એન્ડ

હસદેવનું જંગલ: રાજકારણના રંગ ઔર જાને ભી દો યારોં

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

૨૧ ડિસેમ્બર, ૨૦૨૩
છત્તીસગઢના હસદેવ અરણ્યના એક હિસ્સામાં કેટલાક સરકારી માણસો પૂરા શસ્ત્ર-સરંજામ, લાવલશ્કર સાથે ઊતરી આવે છે. ગામ લોકો કશું સમજે એ પહેલા આસપાસના જંગલ વિસ્તારોમાં વૃક્ષો કપાવા માંડ્યાં. ભારી બંદોબસ્તને કારણે સ્થિતિ એવી હતી કે જાણે ગ્રામવાસીઓને એમના પોતાના જ ઘરમાં ગોંધી દેવામાં આવ્યા હોય ! આમ છતાં જે સામે થયા, એ તમામને પોલીસે અટકાયતમાં લીધા. ગામના સરપંચને પણ પોલીસ કસ્ટ્ડીમાં લેવામાં આવ્યા. લગભગ એકાદ અઠવાડિયા સુધી ચાલેલા આ ઘટનાક્રમમાં ૧૫,૦૦૦ વૃક્ષોનો ખુરદો કાઢી નાખવામાં આવ્યો.


આ જે ઉપરોકત વર્ણવ્યું છે એની સાથે આપણને શું લેવાદેવા?
દુનિયામાં જ્યાં જ્યાં કુદરતી સંપદાઓથી ભરપૂર આવાં જંગલો છે, ત્યાં આ પ્રકારના સંઘર્ષો અવિરત ચાલતા જ રહે છે. અહીં વાત માત્ર જંગલો, આદિવાસીઓ વગેરે પૂરતી જ સીમિત નથી. બલકે સરકાર, રાજકારણીઓ અને પ્રજા વચ્ચેના આંતર સંબંધો વિશે પણ છે. દુનિયાના કોઈ પણ દેશમાં રાજકારણીઓની છાપ કંઈ બહુ સજજન તરીકેની નથી. તેમ છતાં આપણે ન્યાત-જાત, ધર્મ, બંધારણ, રોજગારી, મફત સેવાઓ, કહેવાતો વિકાસ કે પછી ખાતામાં ખટાખટ જમા થતા રૂપિયા મુદ્દે છેતરાતા રહીએ છીએ. હસદેવ જંગલ સાથે સંકળાયેલી પ્રજા પણ આમ જ છેતરાતી રહી છે.

છત્તીસગઢના ઉત્તરીય પ્રદેશોમાં આવેલું હસદેવનું જંગલ કોરબા, સરગુજા અને સૂરજપુર જિલ્લાઓના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. હાથી સહિતનાં અનેક પ્રાણીઓના જેવી વૈવિધ્યવાળી ઇકોસિસ્ટમ અહીં જોવા મળશે. અહીં નદી, ડેમ અને ડેમના કેચમેન્ટ એરિયાને કારણે જમીન ખાસ્સી ફળદ્રુપ છે. જો કે આ બધા પર ભારી પડી રહી છે અહીં આવેલી કોલ માઈન્સ એટલે કે કોલસાની સંખ્યાબંધ ખાણ. દેશનો ૨ ટકા અને છત્તીસગઢનો ૮ ટકા જેટલો કોલસો એકલા હસદેવ અરણ્ય વિસ્તારની કોલ માઈન્સમાંથી નીકળે છે. ૨૦૧૦ થી અહીંની કોલ માઈન્સ ખોલવાનું શરૂ થયું એ સાથે જ શરૂ થયો રાજકારણનો વરવો ખેલ.

એ વખતે રાજ્યમાં ભાજપની અને કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી. કેન્દ્રિય મંત્રાલય દ્વારા હસદેવ ફોરેસ્ટના આખા વિસ્તારને ‘નો- ગો એરિયા ઘોષિત કરવામાં આવેલો. નો-ગો એરિયા’ એટલે એવો વિસ્તાર, જેને કુદરતી સ્વરૂપે યથાતથ જાળવી રાખવાનો હોય. આવા વિસ્તારમાં કોઈ પણ પ્રકારના માનવીય ચંચૂપાતને કોઈ અવકાશ નથી હોતો, પણ પછી એ જ વર્ષે એક ‘ચમત્કાર’ થયો. રાજ્યની (ભાજપ) સરકારે કેન્દ્રની (કૉંગ્રેસ) સરકાર પાસે કોલસાની ખાણો ખોલવાની પરમિશન માંગી અને પેલી ‘નો-ગો ’ વાળી ચેતવણીને તડકે મૂકીને કેન્દ્રની (કૉંગ્રેસ) સરકાર દ્વારા પરમિશન આપી દેવામાં આવી ! કોઈકનું ધ્યાન ગયું હશે એટલે ૨૦૧૪માં વળી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ – NGT એ આ પરવાનગી રદ કરી. થેંક ગોડ!

હવે માનવ જાત એવા કમબખ્ત તબક્કે આવીને ઊભી છે કે સતત ભૌતિક વિકાસ ન કરે તો એ ટકી જ ન શકે. પરિણામે વધતી વસતિ અને વિકાસની સાથે સાથે ઊર્જાની જરૂરિયાતો પણ વધતી જાય છે.આજની તારીખે ય વિશ્ર્વમાં પરમ્પરાગત ઉર્જાનો સૌથી મોટો સ્રોત જો કોઈ હોય તો એ છે કોલસો. ટૂંકમાં માનવજાતને કોલસા વિના ચાલે એમ જ નથી એટલે પર્યાવરણના ભોગે ય નિયંત્રિત માત્રામાં કોલસો ખોદી કાઢવાની પરમિશન વિશ્ર્વની દરેક સરકારે આપવી જ પડે છે. અહીં ‘નિયંત્રણ’ શબ્દ બહુ મહત્ત્વનો છે. હસદેવ ફોરેસ્ટમાં પણ ચારેક સ્થળે નિયંત્રિત પ્રમાણમાં કોલસો ખોદી કાઢવાની પરમિશન હતી, જેમાં ‘પરસા ઈસ્ટ કેતે ‘વાસન’ નામક કોલ બ્લોક મુખ્ય છે. અહીંથી કોલસો કાઢતી વખતે બાકીના અરણ્ય વિસ્તારને જરા પણ ખલેલ પહોંચાડવાની નહોતી. જો જંગલની ઇકો સિસ્ટમમાં જરા સરખું ડિસ્ટર્બન્સ-ખલીલ ઊભી થાય તો અનેક વન્ય જીવોનું અસ્તિત્વ ખતરામાં આવી પડે. એટલું જ નહિ, માનવ અને હાથીઓ વચ્ચેનો સંઘર્ષ કાબૂ બહાર જતો રહે!

હવે મજા જુઓ. (આમ તો હવે પછીના દરેક ફકરે રાજકારણના રંગ જોઈને તમારી ‘મજા’ બેવડાતી જ જવાની છે!) પરસા ઈસ્ટમાંથી કોલસો વહન કરવાનો કોન્ટ્રેક્ટ – વાયા રાજસ્થાન સરકાર – અદાણી જૂથને ફાળવવામાં આવ્યો. અદાણીએ કોલસાનું વહન શરૂ કર્યું, એ વખતે કેન્દ્રમાં કૉંગ્રેસ-યુપીએની મનમોહન સરકાર અને છત્તીસગઢમાં ભાજપના રમણસિંહ સરકાર હતી. રાહુલ ગાંધીએ વાયદો કર્યો કે…
આ બધા ઘટનાક્રમ વચ્ચે સ્થાનિકોનો વિરોધ ચાલતો રહ્યો એટલે ખુદ રાહુલ ગાંધી મેદાનમાં આવ્યા. મોહનપુર અને કુદમુરામાં સ્થાનિકોની જંગી સભાને સંબોધતા મોટા વાયદાઓ કર્યા. તત્કાલીન પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ રા.ગા.ની પાછળ જ ઊભેલા. પોતાના ઈમોશનલ પ્રવચનમાં રાહુલે કહ્યું કે જો આ જંગલો ખત્મ થઇ જશે તો તમારી આવનારી પેઢીઓ પણ ખત્મ થઇ જશે! કૉંગ્રેસ પક્ષ ખેડૂતો અને આદિવાસીઓની પડખે કાયમ ઊભો રહ્યો છે અને સદાય ઊભો રહેશે.

એ વખતે પ્રદેશમાં ભાજપના મુખ્યમંત્રી રમણસિંહ દોઢેક દાયકાથી સત્તાસ્થાને હતા. એ પછી ૨૦૧૮માં છત્તીસગઢમાં કૉંગ્રેસ સત્તા પર આવી. આમ તો રાહુલ ગાંધીએ સ્થાનિકોને આપેલા વચનની વાત હતી, પણ પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર બન્યા બાદ સપ્ટેમ્બર, ૨૦૨૨ માં હસદેવ ફોરેસ્ટના ૩ હેકટરમાં ફેલાયેલા ૮,૦૦૦ વૃક્ષોને – સ્થાનિક પ્રજાના વિરોધની પરવા કર્યા વિના – ‘બળપૂર્વક’ કાપી નાખવામાં આવ્યા!
આ અગાઉ રાજ્ય અને કેન્દ્ર સરકારોએ પરમિશન-‘પરમિશન’ રમીને કુલડીમાં ગોળ ભાંગ્યા કરેલો, પણ વૃક્ષો કપાવા સુધીની નોબત નહોતી આવી., પણ કૉંગ્રેસ સરકાર બનતાની સાથે પહેલી વખત મોટા પાયે વૃક્ષછેદન હાથ ધરવામાં આવ્યું. રાહુલ ગાંધીના પેલા ઈમોશનલ લેકચરને હવે આપણે ભૂલી જવાનું છે. આ વખતે વિપક્ષમાં બેઠેલા ભાજપના નેતાઓ ‘જંગલ બચાવવા’ માટે થઈને સરકારી તંત્રના કૃત્યનો વિરોધ કરતા રસ્તે ઊતરી આવ્યા. પ્રદર્શનકારીઓ દ્વારા તત્કાલીન નાયબ મુખ્ય મંત્રીના નિવાસને ઘેરી લેવામાં આવ્યું. એ પછી રાજ્ય સરકારે વૃક્ષછેદન અટકાવવું પડ્યું.

ઓકે ફાઈન. ઓવર ટુ નવેમ્બર, ૨૦૨૩.
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી, અને વિષ્ણુદેવ સાય પ્રદેશના નવા મુખ્ય મંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા. અને વિષ્ણુદેવનો શપથગ્રહણ સમારોહ યોજાયો, એના બરાબર સાતમા જ દિવસે પેલો ઘટનાક્રમ ઘટ્યો, જેનો ઉલ્લેખ લેખના પહેલા જ ફકરામાં છે!

હવે બોલો, આમાં કયા પક્ષનો પક્ષ લેવો? કોઈ આદર્શવાદી હશે કે ત્રીજી કોઈક પાર્ટીનો સમર્થક હશે, એને મુદ્દો જડી જશે કે આના કરતાં ફલાણી-ઢીકણી પાર્ટી શું ખોટી? એ તમામ બુદ્ધિવંતોને જણાવવાનું કે રાજકારણના અખાડામાં ઉતર્યા પછી… છોડો યાર, લખીને કાગળ શું બગાડવો! સહુને પોતપોતાની ‘મજબૂરીઓ’ હોય જ છે! અને હા, આ લેખ તો માત્ર કેસ સ્ટડી પૂરતો છે, અહીં કોઈની ટીકા કરવા કે કોઈને કદ મુજબ વેંતરી નાખવાની સહેજે વેતરણ નથી વાત એટલી જ છે કે અમુક મુદ્દે સહુ… ખેર, જાને ભી દો યારોં!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી