વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

ભાત ભાત કે લોગ: ગુરુ ઘંટાલો’ ને સ્ત્રીસશક્તીકરણ…

  • જ્વલંત નાયક

ફેક પ્રોફાઈલ અને ફેક લાઈફ સ્ટાઈલને જોરે ગુરુપ્રસાદે સંખ્યાબંધ છોકરીઓને છેતરી, એમાં વાંક કોનો?

આજે ત્રીજું નોરતું છે. નવરાત્રિ એટલે માતાનું પૂજન કરવાનો અવસર. સનાતન સંસ્કૃતિમાં સ્ત્રીને સાક્ષાત શક્તિ સ્વરૂપ ગણવામાં આવે છે. પહેલાના સમયની સરખામણીએ આજની આધુનિક ક્ધયાઓ શૈક્ષણિક, સામાજિક અને શારીરિક કેળવણી બહુ આસાનીથી મેળવી શકે છે. આ પરિસ્થિતિ સર્વથા ઇચ્છનીય ગણાય, પણ કમનસીબે એની વિધાયક અસર સમાજમાં જોવા નથી મળતી. ક્ધયાઓ ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ વારંવાર એવા લોકોની ચુંગાલમાં ફસાઈ જાય છે કે….

સુરતમાં તાજેતરમાં એક કેસ નોંધાયો, જે માત્ર મહિલાઓ માટે જ નહિ, પણ આખા સમાજ માટે આંખ ઉઘાડનારો છે. પોતાનાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપનારા માતા-પિતા એક વાતે નિશ્ર્ચિંત થઇ જાય છે, કે અમારું સંતાન હવે પોતાની કેળવણીના બળે દુનિયામાં ટકી જશે. સારી પ્રોફેશનલ તકો ઉપલબ્ધ થવાને કારણે એ ગુનાખોરી તરફ નહિ વળે અને પોતે મેળવેલ કેળવણીને કારણે સંતાનમાં એટલી અક્કલ પણ આવી જશે કે બીજું કોઈ એનો ગેરફાયદો ન ઉઠાવી શકે!
જોકે, માતા-પિતાની આ બંને માન્યતા સર્વથા ખોટી સાબિત થાય એવા કિસ્સાઓનો આપણા સમાજમાં તોટો નથી.

તાજેતરમાં સુરત સાયબર ક્રાઈમ સેલમાં એક ફરિયાદ નોંધાઈ. મૂળ સુરતની એક તબીબ યુવતી અમેરિકામાં વસવાટ કરે. ૨૭ વર્ષની આ ડોક્ટરને અમેરિકામાં તગડો પગાર આપતી નોકરી ય ખરી. હવે થયું એવું કે આ યુવતી સોશિયલ મીડિયાની કોઈ એપ થકી એના જેવા જ ઉચ્ચ શિક્ષિત – ડોક્ટર થયેલા યુવાનના સંપર્કમાં આવી. પહેલા તો દોસ્તીનો નાતો બંધાયો, પણ પછી વાત આગળ વધી. એમાં ભાવનાઓમાં તણાઈ ગયેલી ઉચ્ચ શિક્ષિત યુવતી એવી ભૂલ કરી બેઠી, જે આજકાલ તરુણવયની અર્ધ શિક્ષિત ક્ધયાઓ કરતી રહે છે… તબીબ યુવતીએ પેલા યુવાન મિત્રની વારંવારની માગણીઓને વશ થઈને પોતાના ન્યૂડ ફોટોઝ શેર કર્યા! ફિર વહી હુઆ, જો અક્સર હોતા હૈ…. પેલા કહેવાતા ડોક્ટર યુવાને બ્લેકમેલિંગ શરૂ કર્યું. શરૂઆતમાં તો યુવતી મોં માગ્યા રૂપિયા ચુકવતી રહી, પણ બ્લેકમેલરની ડિમાંડ વધતી જ ચાલી.

ફોન કોલ્સ અને ઈ-મેલ્સ મારફતે એ વારંવાર લાંબી-ટૂંકી રકમ માગતો. એના ન્યૂડ ફોટોગ્રાફ વાઈરલ કરી દેવાની ધમકીઓની પેલી તબીબ યુવતી ઉપર એવી ઊંડી અસર થઇ કે એણે પોતાની સમગ્ર કમાણી બ્લેક મેલરને હવાલે કરી. તેમ છતાં પેલાની માગ સતત ચાલુ જ હતી એટલે યુવતીએ પોતાના સગા-સંબંધીઓ પાસે ઉછીના રૂપિયા માગવાનું શરૂ કર્યું.

આટલી ભણેલી-ગણેલી અને કારકિર્દીમાં તગડો પગાર મેળવતી યુવતીને પૈસા માટે કેમ હાથ લાંબો કરવો પડે છે, એ લઈને સગાઓને ચિંતા થઇ. તપાસ કરતા આખું ‘પ્રકરણ’ બહાર આવ્યું. પછી તો યુવતી અમેરિકાથી બધું છોડીને સુરત પાછી ફરી. પરિવારે તાત્કાલિક સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી. પોલીસે તપાસ શરૂ કરી, અને પેલા બ્લેકમેલરને પકડી પાડ્યો. અહીં સુધીની કથા સામાન્ય છે. આ પ્રકારના અનેક કિસ્સાઓ આપણી આજુબાજુ બનતા રહે છે, પણ પોલીસની તપાસમાં જે સત્ય બહાર આવ્યું, એ ખરેખર ચોંકાવનારું છે.

જે યુવક પેલી તબીબ યુવતીને ન્યૂડ ફોટોગ્રાફ્સને આધારે બ્લેકમેલ કરતો હતો એ પોતે હાઈલી એજ્યુકેટેડ છે. એણે યુવતી આગળ પોતે ડોક્ટર હોવાનું જુઠાણું ચલાવેલું, પણ હકીકતે એ એમબીએ થયો છે. એનું નામ ગુરુપ્રસાદ નાયડુ. મૂળે દક્ષિણ ભારતના નેલ્લુરુનો એ વતની. જો ધાર્યું હોત તો ગુરુપ્રસાદ પોતે પણ કોઈ કોર્પોરેટ કંપનીમાં જોડાઈને તગડો પગાર કમાતો હોત, પણ ભયંકર ટેક્નોસેવી એવો ગુરુપ્રસાદ કદાચ હાર્ડવર્કને બદલે ‘સ્માર્ટ વર્ક’માં માનતો હશે એટલે એણે સારી જોબ કરવાને બદલે જુદી જુદી યુવતીઓને બ્લેકમેલ કરવાનો શોર્ટકટ અખત્યાર કર્યો. પોલીસે એના લેપટોપની તપાસ કરી તો એમાંથી ઢગલેબંધ છોકરીઓ સાથેની અશ્ર્લીલ ચેટ, ફોટોઝ, વીડિયોઝ મળી આવ્યા! પેલી ડોક્ટર યુવતી પાસેથી ગુરુએ ટુકડે ટુકડે કુલ ૧.૮૯ કરોડ રૂપિયાની તોતિંગ રકમ પડાવી લીધેલી! કોઈ યુવતીને બ્લેકમેલ કરી ઉઘરાવામાં આવેલી આ ખંડણીનો આંક ઐતિહાસિક હશે!

આ જ ગુરુપ્રસાદે બીજી નવેક જેટલી યુવતીઓ પાસેથી બીજા અડધો કરોડ ઉપરાંતની રકમ ઓકાવેલી!

ગુરુપ્રસાદની મોડસ ઓપરેન્ડી જોતા એવું લાગે છે કે માત્ર ૨૯ વર્ષનો આ યુવાન કુંવારી યુવતીઓની સાઈકોલોજીનો પાકો અભ્યાસુ છે. એણે યુવતીઓને ફસાવવા માટે સોશિયલ મીડિયા એપ્સ ઉપર એક ડઝન જેટલા ફેક પ્રોફાઇલ્સ બનાવી રાખેલા. યુવતીઓ આગળ એ પોતે ઓસ્ટ્રેલિયા રહેતો હોવાના ગપગોળા હાંકતો. પારકી યુવતીઓની વાત છોડો, ગુરુપ્રસાદનો ખુદનો પરિવાર પણ એમ જ માનતો કે એમનો કુળદીપક ઓસ્ટ્રેલિયામાં રહીને ભારે પગારની નોકરી કરે છે! હકીકતમાં એ આંધ્ર પ્રદેશના પોતાના ઘરેથી નીકળીને ચેન્નાઈની હોટેલ્સ કે ભાડાના રૂમમાં પડી રહેતો.

યુવતીઓને આકર્ષિત કરવા માટે ટેક્નોસેવી ગુરુપ્રસાદે ફેક જીપીએસનો પણ ભરપૂર ઉપયોગ કરતો, જેથી એની સાથે ચેટ કરનાર યુવતી ટેક્નિકલી સ્માર્ટ હોય તો પણ એને ગુરુપ્રસાદનું લોકેશન ઓસ્ટ્રેલિયામાં જ દેખાય!

ગુરુપ્રસાદના લેપટોપમાંથી પોલીસને જે નવ યુવતીના અશ્ર્લીલ ફોટોઝ-વીડિયોઝ મળ્યા એ તમામ કોઈક સમયે એના પ્રેમમાં પાગલ હતી. ગુરુઘંટાલ એવા ગુરુપ્રસાદે કોઈક છોકરી આગળ પોતે ડોક્ટર હોવાની વાત કરેલી તો કોઈક આગળ પોતે જીમ ટ્રેનર હોવાનો દેખાડો કરેલો. બધામાં એક વાત કોમન હતી. તમામ ક્ધયા શ્રીમંત પારિવારિક બેકગ્રાઉન્ડ ધરાવતી હતી અને તમામ ક્ધયા માનતી હતી કે ગુરુપ્રસાદ પોતે પણ અત્યંત ધનાઢ્ય છે. ગુરુપ્રસાદ પણ લક્ઝરી યોટ ઉપરના પોતાના ફોટો કે પછી બીજી લક્ઝરી લાઈફસ્ટાઈલ દર્શાવતા ફોટોઝ પોસ્ટ કરી કરીને યુવતીઓને ભરમાવીને આ માન્યતાને દ્રઢ બનાવતો રહેતો

હવે અહીં જે પ્રશ્ર્ન ઊભા થાય છે એની વાત. ગુરુપ્રસાદનું તો જે થવાનું હશે એ થશે, પણ મૂળ વાત એ છે કે ઉચ્ચ ભણતર મેળવેલી શ્રીમંત પરિવારની યુવતીઓની કોમન સેન્સ ખરે ટાંકણે જ દગો કેમ દેતી હશે? એવી માન્યતા છે કે સ્ત્રીની સિક્સ્થ સેન્સ પુરુષની સરખામણીએ ખાસ્સી સતેજ હોય છે. પુરુષ કશુંક છુપાવવાનો ગમે એટલો પ્રયત્ન કરે, તો પણ સ્ત્રીને સાચી વાતનો અંદાજ આવ્યા વિના રહેતો નથી. માનસશાસ્ત્ર પણ આ વાતમાં હકાર પુરાવે છે તો પછી ગુરુપ્રસાદ જેવા ગુરુઘંટાલો કયા હિસાબે સંખ્યાબંધ છોકરીઓને છેતરી જતા હશે?

એવી સાદી સમજ છે કે અભાવો વચ્ચે ઉછરેલી અર્ધશિક્ષિત યુવતીઓ શ્રીમંતાઈની છોળો ઊડતી જોઈને આસાનીથી ભોળવાઈ જાય છે, પણ અહીં તો તમામ યુવતી શ્રીમંત-અતિ શ્રીમંત પરિવારની, ભણેલી-ગણેલી હતી તેમ છતાં, કોણ જાણે કેમ…

આપણે સોશિયલ મીડિયા પર આધુનિકાઓને વખાણવામાં પાછું વળીને જોતા નથી. નવરાત્રિ કે મહિલા દિન જેવા અવસરે પણ સ્ત્રીશક્તિ વિષે બહુ વાતો થાય છે. એમાં કશું ખોટું ય નથી, પણ સોશિયલ મીડિયા કે છાપાનાં પાનાઓ પર થતી આ બધી વાહવાહી ને વખાણબાજી ઉપરછલ્લી જ હોય છે. મૂળ સુધી ઊતરતા સમજાય છે કે હજી કશુંક ખૂટે છે ના, બહુ મોટા પાયે ખૂટે છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button