જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા
સંસ્કૃતિ - આસ્થા - કલાકૃતિથી સમૃદ્ધ સ્વર્ણિમ ભારત
વિશેષ – શાહિદ એ. ચૌધરી
દેશના 76મા ગણતંત્ર દિવસ (26મી જાન્યુઆરી, 2025)ની થીમ છે `સ્વર્ણિમ ભારત: વારસો અને વિકાસ’ ભારત સરકારે મંત્રાલયો અને રાજ્ય સરકારોને દેશનો વારસો અને વિકાસની ઝાંખી પ્રદર્શિત કરવાનું કહ્યું છે. આ ઝાંખીઓ પ્રજાસત્તાક દિનની પરેડમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઈન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબ્રિયાંતો હાજર રહેવાના છે. 1950માં 26મી જાન્યુઆરીએ બંધારણે ભારતના પ્રશાસનીય દસ્તાવેજના રૂપમાં ગવર્નમેન્ટ ઓફિ ઈન્ડિયા એકટ, 1935ની જગ્યા લીધી હતી. ત્યારથી ભારતમાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે. તેમ છતાં ભારતની બંધારણ સભાએ 26મી નવેમ્બર 1949ના જ સંવિધાનનો સ્વીકાર કરી લીધો હતો, પરંતુ તેને અમલમાં 26મી જાન્યુઆરી, 1950માં મુકાયું હતું. ગણતંત્ર માટે 26મી જાન્યુઆરીની તારીખ એટલે પણ પસંદ કરવામાં આવી હતી, કે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ 26મી જાન્યુઆરી, 1930ના બ્રિટિશ શાસનથી સંપૂર્ણ સ્વરાજની જાહેરાત કરી હતી.
ભારતને એક સમયે `સોને કી ચીડિયા’ (સમૃદ્ધ દેશ) કહેવામાં આવતો હતો. હવે તેને વિકસિત દેશ બનાવવા માટે આપણા વારસાને સમજવાની તથા આધુનિકતાના આધારે તેનો વિકાસ કરવાની જરૂર છે. ભારત સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ દેશ છે જે અંદાજે 5000 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ છે. પ્રાચીન સિંધુ સભ્યતાથી લઈને આજ સુધીની જ્વલંત સંસ્કૃતિ દેશની પરંપરાઓ, આસ્થા તથા કલાને ઉજાગર કરે છે જેના દ્વારા દેશમાં અનેક ભાષાઓ-ધર્મને આકાર મળ્યો, પરંતુ ભારતની સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવાનો હાલમાં એક મોટો પડકાર છે.
આ પડકારો છતાં એ વાતથી ઈનકાર ન કરી શકાય કે ભારતનો સાંસ્કૃતિક વારસો દેશની એકતા તથા અખંડતાનું સ્ત્રોત છે. યુનેસ્કો અનુસાર સાંસ્કૃતિક વારસો બન્ને પ્રોડક્ટ અને પ્રોસેસ છે જે સમાજને બંધારણની દૌલત પ્રદાન કરે છે. સાંસ્કૃતિક વારસો બે પ્રકારનો હોય છે, જેમાં એક ઈમારતો, પ્રાચીન મંદિરો, કિલ્લાઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે તાજમહેલ, રાજસ્થાનના મહેલો-કિલ્લાઓ વગેરે. બીજા વારસામાં પ્રથાઓ, જ્ઞાન, સાહિત્ય વગેરેનો સમાવેશ થાય છે. કલાકૃતિઓ, લોકનૃત્ય, જેમ કે રામલીલા, કુંભમેળો વગેરે.
ભારત અજાયબી અને વિવિધતાનો દેશ કહેવાય છે, જયાં આપણને યોગ, આયુર્વેદ મળ્યા છે. ભારત લોકસંસ્કૃતિ, પરંપરાઓ, કલાઓ તથા રીત-રિવાજોનો અદ્ભુત સંગમ છે. સાહિત્ય અને કવિતા ક્ષેત્રમાં પ્રાચીન યુગથી અત્યાર સુધી નિરંતર વિકાસ થઈ રહ્યો છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી વગેરે ધર્મની વિવિધતા છે અહીં 1,600થી વધુ ભાષાઓ બોલાય છે. વિવાહ, જન્મ તથા મૃત્યુ માટે એટલી વિધિઓ છે કે ઘણા ગ્રંથો સંકલિત કરી શકાય. દેશના વારસાને સમજીને જ્યારે વિકાસ કરવામાં આવે છે ત્યારે રાષ્ટ્ર મજબૂત બને છે, દેશનો વિકાસ થાય છે.