પતંગિયાં, ફૂદાં અને ચંદ્રની દેવી …

નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી
આપણે એક વાર વાત કરેલી કે જનતાને પ્રાણી સૃષ્ટિમાં માત્ર આહા-ઓહો-ઓ માય ગોડ જેવા એક્સ્પ્રેસન્સ આપવા જેટલો જ રસ હોય છે. ફ્રોગ અને ટોડ, લેપર્ડ, ચિત્તા, જગુઆર, માઉન્ટેઈન લાયન અને પુમામાં દેખિતા અને ન દેખાતા તફાવત હોય છે તેની આપણને કયા પરવા છે ? સમાંતરે આપણી આસપાસમાં વસતી કીટક સૃષ્ટિમાં પણ નાનું જીવડું, મોટું જીવડું એટલી જ ખબર હોય છે ને ? આજે આપણે મૂળભૂત રીતે તો એક એવા જીવની વાત કરવી છે કે જે હકીકતે તો ફૂદું છે, પરંતુ તેને જોઈને ભલભલા માર ખાઈ જાય કે આ તો પતંગિયું છે. સામાન્ય રીતે આ બે જીવો વચ્ચેનો તફાવત સમજાવો હોય તો પતંગિયાની પાંખો કાયમ ખુલ્લી જ રહે અને આકર્ષક રંગો ધરાવતી હોય છે, જ્યારે ફૂદાં ભલે પતંગિયાના નજીકના સગા હોય, પરંતુ તેઓની પાંખો તેમની પીઠ પર બીડીને રાખી શકે છે. આ તો થયો દેખીતો તફાવત, પરંતુ આપણે જે ફૂદાની વાત કરવી છે તેની પાંખો તો પતંગિયાની માફક ફેલાયેલી જ રહેતી હોવાથી કીટકશાસ્ત્રીઓ સિવાય મોટાભાગે લોકો તેને પતંગિયું જ ધારી બેસે.
તેનું નામ છે ફલેના પ્લુમેટ કૌડાટા . . . હા તમે હવે તો સમજી જ ગયા હશો કે આ તેનું વૈજ્ઞાનિક નામ છે, પરંતુ તેનું એક રોમન દેવી પરથી પાડેલું નામ પણ છે એક્ટિયાસ લ્યુના . . . અલ્યા આ નામ પણ કેટલું અઘરું છે હેં? હા મિત્રો તેનું પોપ્યુલર નામ છે લૂના મોથ મતલબ કે લૂના નામનું ફૂદું. સન. ૧૭૦૦ની સાલમાં તેને શોધીને તેનું નામ પાડનારી ફોઈબા જેમ્સ પેટીવરનામના કીટકશાસ્ત્રી તેનું અટપટું નામ રોમન માઈથોલોજીની ચંદ્રની દેવી પરથી પાડેલું, કારણ કે આ ફૂદું દેખાવે એટલું રૂડું રૂપાળું છે કે વાત જવા દો. તમે ફોટો જોશો એટલે સમજાઈ જશે કે હા યાર છે તો રૂપાળું હો.
લૂના મોથ આમ તો વિશ્ર્વના મોટા ભાગના દેશોમાં જોવા મળે છે અને તેની નયનરમ્ય પાંખોનો ફેલાવો સાડા ચાર ઈંચનો હોય છે, પરંતુ નોર્થ અમેરિકામાં સાત ઈંચની પાંખો વાળું લૂના મોથ નોંધાયું છે. આપણે કદાચ જાણતા જ હોઈએ છીએ કે મોટા ભાગના કિટકો અલ્પજીવી હોય છે, મતલબ કે તેમના નાના નાના હાથોની હથેળીમાં દેખાતી આયુષ્ય રેખા સાવ ટૂંકી હોય છે. હે ભગવાન, આવો રૂપાળો જીવ અને તેનું આયુષ્ય પણ સાવ ટૂંકું ? તો પછી બિચારા લૂના મોથ પાસે બની-ઠનીને સેલ્ફી લેવાની અને પોસ્ટ કરવાની તક જ ના હોય? તો જોવા જેવી વાત એ છે કે જેનું આયુષ્ય જ માત્ર એક જ અઠવાડિયાનું હોય, એને ક્યાં આવી બધી જફામાં પડવાની ફુરસદ હોય ? સાવ એક અઠવાડિયું ? હા ભાઈ, આપણું લૂના મોથ જન્મે ત્યારે એક ઈયળ હોય છે, જએને વૈજ્ઞાનિકો લાર્વા કહે છે તેમાંથી એક જ અઠવાડિયામાં તેને મોટા થવાનું હોય છે, યુવાન બનીને નર હોય તો બાવડેબાજ બનવાનું અને રૂપાળી રૂપાળી ‘લૂની’ઓને પટાવવાની હોય છે ! અને જો માદા હોય તો ઈયળમાંથી લટકમટક ચાલતી રૂપરૂપની અંબાર યુવતી બનીને પફ-પાવડર કરીને બ્રાન્ડેડ કપડામાં સજી-ધજીને વરણાગી જુવાન લુનીઆઓને લચાવવાના હોય છે! મતલબ કે જન્મ થયા બાદ તેણે એક અઠવાડિયાના સમયમાંજ બધા ખેલ પાડી દેવાના હોય છે.
મોટા ભાગના દેશોમાં રહેતા હોવાથી આપણને એમ થાય કે સાલું આપણને કેમ જોવામાં આવતું નહીં હોય આ મોથડું ? પણ બીજાં પ્રાણી-પક્ષી અને કીટકોની જેમ તેની દિનચર્યા નથી હોતી, પરંતુ આપણી દંતકથાઓમાં સાંભળેલા લોકાભિમુખ રાજવીની જેમ તે રાત્રિચર્યા કરતું નિશાચર છે. તો આ લૂના મોથ નિશાચર હોવાથી અને કદમાં મોટું હોવાથી તેનો શિકારી કોણ હશે ? મુખ્યત્વે લૂના મોથનો શિકારી છે રાત્રે જીવડાઓનો શિકાર કરતાં ચામાચીડિયા. રાત્રે સામાન્ય દેખતા ચામાચીડિયાઓ પોતાની સોનાર પ્રણાલીનો ઉપયોગ કરીને શિકાર કરતાં હોય છે. લૂનાને ખબર છે કે પોતાનો શિકારી સોનારનો ઉપયોગ કરે છે એટલે બચાવ કરવા માટે ચામાચીડિયાના સોનારને છેતરવા માટે તેની પાંખના છેડા પાતળા અને લાંબા હોય છે. લૂના રાત્રે મેટિંગ પાર્ટનર શોધતું હોય ત્યારે તેની ઉડાનમાં આ છેડા આડા અવળા હવામાં ફંગોળાયાં કરે. તેના કારણે ચામાચીડિયાની સોનાર સિસ્ટમમાં ગડબડ દૃશ્ય સર્જાય અને આમ લૂના મોથ પોતાનો બચાવ કરી લે છે ! કુદરતની કરામત તો જુઓ . . .
અમેરિકનોને પતંગિયાઓનું ઘેલું લાગ્યું છે, યાર અમેરિકનોને જ શા માટે, વિશ્ર્વના કોઈ પણ ખૂણે કોઈ પણ માણસ, ભલેને તે સાવ જડસા જેવો હોય, પરંતુ પતંગિયું જોઈને તે તેના રૂપનો દીવાનો થઈ જ જાય . . . હવે અમેરિકાની વાત કરીએ તો, અમેરિકનોએ પોતાના દેશના લગભગ પતંગિયાઓની આશરે ચોવીસેક મનમોહક જાતિઓને પોતાની ટપાલ ટિકિટમાં સ્થાન આપ્યું છે, પરંતુ આપણું આ લૂના મોથ એટલું તો મનમોહક છે કે તે પતંગિયું ના હોવા છતાં પણ અમેરિકનોએ તેને પોતાની પોસ્ટલ ટિકિટ્સમાં સ્થાન આપ્યું છે બોલો . . . હવે આવે છે સૌથી અચરજભરી વાત . . .
દરેક પ્રાણી પ્રાણીસહજ વૃત્તિઓના આધારે જીવન વિતાવે છે મતલબ એને આપણે એનિમલ ઇનસ્ટીન્ક્ટ કહી છીએ તે . . . આ સહજવૃત્તિઓમાં જન્મ લેવો, ખોરાક દ્વારા પોષણ મેળવીને મોટા થવું, લાઈફ પાર્ટનર શોધવો, મૈથુન કરવું, બચ્ચા પેદા કરવા અને જીવાય એટલું લાંબું જીવીને કોઈનો શિકાર થઈને અથવા સ્વબચાવ કરતાં કરતાં વૃદ્ધ થઈને પંચતત્ત્વોમાં ભળી જવું. પરંતુ આપણું લૂના મોથ કંઇક અલગ પ્રકૃતિનું હોવાથી આગળ દર્શાવેલી તમામ વૃત્તિઓમાંની એકને છોડીને બધી જ લીલા લારી લે છે. અને આશ્ર્ચર્યની વાત એ છે કે લૂના મોથ ઈયળથી માંડીને મરે ત્યાં સુધી ખોરાક લેતું જ નથી! ઉઈ મા . . . ભૂખ્યા તો કેમ રહેવું અને શા માટે રહેવું ? કીટકશાસ્ત્રીઓના માનવા મુજબ લૂના મોથ પાસે જન્મથી લઈને મૃત્યુ સુધી માત્ર સાત દિવસની જ જિંદગી હોવાથી તે માત્ર પોતાનો બચાવ અને જીવનસાથી શોધીને પુનરસર્જન પાછળ જ ધ્યાન આપે છે. હકીકતે કોશેટામાંથી જુવાનજોધ લૂના ફૂદું બનવાના તેના પરિવર્તનકાળ દરમિયાન તેનું મોં નાનું અને નાનું જ થતું જાય છે. મતલબ કે લૂના મોથ જીવનમાં કદી ભોજન કરતું જ નથી . . .
મને લાગે છે કે આપણે જો કોઈ લૂના મોથને પકડીને પૂછીએ કે ખાના ખાયેગા? તો એ ગુસ્સે ભરાઈને મનોમન બે ચાર ગાળો બોલશે, પરંતુ મોઢેથી તો ખાલી એટલું જ કહેશે કે છોડ યાર, તારી સાથે મગજમારીમાં ક્યાંક મારી રૂપાળી લૂની છટકી ન જાય …