ઘર કે દરો-દીવાર ભી હો જાયેંગે રોશન,ઈક વક્ત તો સુલતાન કી દરગાહ કો દેખો!
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
થોડી સી રોશની કે વો આસાર ક્યા હુવે?
રખે થે જો દીયે સરે-દીવાર ક્યા હુવે?
યહ ક્યા હુવા કિ રૌનકે – હર – શહર લુંટ ગયી,
બાઝાર પૂછતે હૈ ખરીદાર ક્યા હુવે?
તન્હા ખડા હૂં મેં ભી સરે-કરબલા-એ-અસ્ર,
ઔર સોચતા હૂં મેરે તરફદાર ક્યા હુવે?
-એહસાન મુહસિન
અરબી ભાષાના શબ્દ એહસાનનો અર્થ ઉપકાર, ભલાઈ કરનાર, કૃતજ્ઞ એવો થાય છે. એહસાનનો શાયર તરીકે જન્મ થયો ત્યારે તેમણે તેમનું ઉપનામ ‘મુહસિન’ રાખ્યું. મુહસિનનો અર્થ પણ ઉપકાર-ભલાઈ કરનાર એવો થાય છે. આ શાયરે તેમના નામ તથા ઉપનામ મુજબ એહસાન દાખવીને ઉર્દૂ શાયરીમાં નોંધપાત્ર પ્રદાન કર્યું.
તેમનો જન્મ ઑકટોબર ૧૯૩૩ના રોજ પેશાવરમાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ પેશાવરમાં પૂરું કર્યું હતું. તેમણે સંજોગવશાત વચ્ચે વચ્ચે અનેક વખત અભ્યાસ છોડી દીધો હતો, છતાં છેવટે તેમણે અંગ્રેજી વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી અને પેશાવરની ઈસ્લામિયા કોલેજમાં અંગ્રેજી વિષયનું અધ્યાપન-કાર્ય કર્યું હતું.
શાયરી લેખનના શરૂઆતના તબક્કામાં આ શાયર તેમના ઉસ્તાદ રોશનલાલ, મઝહર અલી ખાન અને એક અંગ્રેજી ભાષામાં લખાતાં સાહિત્યથી આ શાયર ખૂબ જ નિરાશ થયા હતા. તેમનો એક માત્ર કાવ્યસંગ્રહ ‘ના-તમામ’ ઈ.સ. ૧૯૮૧માં પેશાવરથી પ્રકાશિત થયો હતો. ઈસ્લામના મહાન પયગંબર ઉપર તેમના દ્વારા લખાયેલી પ્રાર્થના કવિતા (નાત) આ પુસ્તકમાં સામેલ કરાયેલી છે.
સૌ પ્રથમ આ શાયરની ‘ન કરું’ રદીફ પરની ગઝલના ત્રણેક શે’ર અને ત્યાર પછી તેમના નોંધપાત્ર કેટલાંક શે’રનું રસદર્શન કરીશું.
- કિસી કે સામને ઈઝહારે-દર્દો-જા’ન કરું,
ઈધર-ઉધર કી કરું, હાલે-દિલબયાં ન કરું.
મારા જીવનની વ્યથા વિશેનું હું બીજા કોઈને કશી જ વાત નહીં કરું. હું આડી-અવળી વાત કરીશ, પણ તારા હૃદયની સ્થિતિનું વર્ણન હું અન્યોને શા માટે કરું?
- લગા કે આગ બદન મેં વહ મુઝ સે ચાહતા હૈ,
કિ સાંસ લું તો ફઝા કો ધુઆં-ધુઆં ન કરું.
પ્રથમ તે મારા દેહને આગ ચાંપે છે, પછી એવું ઈચ્છે છે કે હું શ્ર્વાસ લઉં, પરંતુ વાતાવરણમાં તેનો ધુમાડો ન થાય, તેનો ય હું ખયાલ કરું, પરંતુ આવું ક્યાં શક્ય છે? - મૈં ઉસ કો પઢતા હૂં ઈજીલે-આરઝૂ કી તરહ,
સમઝ મેં આયે તો માની હર એક બયાં ન કરું.
હું તેને અભિલાષાના બાઈબલની જેમ વાંચું છું. મને તેના અર્થો સમજાઈ જાય તો પણ તેનું વર્ણન નહીં કરું. (તેને હું મારા સુધી સીમિત રાખીશ.)
તેમની ‘ભી તો નહીં’ રદીફ પરની ગઝલના ચાર શે’રની પ્રવાહિતા આસ્વાદ્ય છે. - જુદા નહીં હૈ, પે મિલને કી આસ ભી તો નહીં,
વહ મુઝ સે દૂર નહીં, મેરે પાસ ભી તો નહીં.
તે મારાથી અલગ-ભિન્ન નથી છતાં તેમને મળવાની મને ઈચ્છા નથી. તે મારાથી દૂર નથી તો તે મારી નજીક પણ નથી. (માટે શું મને આ પ્રકારની લાગણી થતી હશે?)
- હદીસે-દર્દો-તલબ કિસ કે સામને કહિયે,
સરાયે-દહર મેં ઈક ગમ-શનાસ ભી તો નહીં.
દુ:ખના ઈચ્છુકની વાત હું હવે કોને જઈને કહું? આ સંસારની વસ્તીમાં મારી વ્યથાને ઓળખવાવાળું એક જણ પણ ક્યાં છે?
- યહ જાનતા હૂં કિ વો બેવફા નહીં લેકિન,
હવા-એ-શહરે-વફા સબકો રાસ ભી તો નહીં
તે બેવફા નથી તે વાત હું જાણું છું. પણ આ પ્રમાણિક નગરની હવા કાંઈ બધાને માફક આવતી નથી. - તેરે વિસાલ કી કયા આરઝૂ હો દિલ મેં કિ અબ,
તેરે બગૈર તબીઅત ઉદાસ ભી તો નહીં
તારી ગેરહાજરીથી મારી તબિયત ઉદાસ રહેતી નથી. તેથી કરીને હવે તારા મિલન માટેની આશા પણ મારા દિલમાં રહી નથી. - મેં એક ઉમ્ર કે બાદ આજ ખુદ કો સમઝા હૂં,
અગર રુકૂં તો કિનારા, ચલું તો દરિયા હૂં.
ઘણા વખત પછી હવે હું મને સમજી શક્યો છું કે હું કોણ છું?
હું જો થંભી જાઉં તો કાંઠો છું અને ચાલવા માડું તો દરિયો છું
- જો લબશા હૂં તો હંગામા-એ-બહાર હૂં મૈ,
અગર ખમોશ રહૂં તો સુકૂ તે – સહારા હૂં
હું જો કશુંક બોલું તો વસંતનો શોર-બકોર છું અને જો મૌન પાળું તો હું જંગલની નીરવ શાંતિ પણ છું. - મૈં અપને પાંવ કા કાંટા, મૈં અપને ગમ કા અસીર,
મિસાલે -સંગે – ગરાં રાસ્તે મેં બેઠા હૂં.
હું મારા પગનો કાંટો છું તો હું મારા દર્દનો કેદી પણ છું. હું ત વજનદાર પથ્થરની જેમ સરિયામ રસ્તે બેઠો છું. - બુલંદિયો સે મેરી સમ્ત દેખને વાલે,
મેરે કરીબ તો આ, મેં ભી એક દુનિયા હૂં.
અરે ઓ ઊંચાઈ પર બેસીને મારી તરફ નજર કરવાવાળા! તું મારી નજીક આવ. કારણ કે હું પણ એક (નિરાળુ) વિશ્ર્વ છું. ‘ન થી’ રદીફ પરની તેમની ગઝલમાંથી ચાર શે’ર જોઈએ.
- મૌત સે યારી ન થી, હસ્તી સે બેઝારી ન થી,
ઉસ સફર સે ચલ દિયે હમ, જિસ કી તૈયારી ન થી.
મૃત્યુ સાથે (અમને) દોસ્તી ન્હોતી અને જિંદગી પ્રત્યે અમને નફરત ન્હોતી. કોઈ તૈયારી ન્હોતી છતાં અમોએ (લાંબી) યાત્રા આરંભી દીધી.
- હમ ઉસી કી ખાક સે ઉઠે હૈ. કુંદન બન કે આજ,
દોસ્તો, જિસ શહર મેં રસ્મે-વફાદારી ન થી.
જે નગરમાં સાથ નિભાવવાની પરંપરા ન્હોતી તે નગરની ધૂળમાંથી અમે કુંદન (સોનું) બનીને ઊભરાઈ આવ્યા છીએ. - હમ ને ખૂને-આરઝૂ દે કર મુનક્કશ કર દિયા,
વર્ના દીવારે-તલબ પર ઐસી ગુલકારી ન થી.
પ્રેમની ભીંત પર કાંઈ આવા વેલ-બુટ્ટા ન્હોતા. પરંતુ ઈચ્છાનું ખૂન આપીને અમે આ ભીંતને ચિત્રિત કરી દીધી.
- જલ રહા હૈ હર નફસ અબ અપને ગમ કી આંચ સે,
સાંસ લેને મેં કભી ‘મુહસિન’ યહ દુશ્વારી ન થી.
હવે તો દરેક શ્ર્વાસ દુ:ખની આંચથી બળી રહ્યા છે, પરંતુ આ પહેલા શ્ર્વાસ લેવામાં આટલી મુશ્કેલી ક્યારેય પડતી ન્હોતી.
- શાખે-મઝગાને-મુહબ્બત પે સજા લે મુઝ કો,
બર્ગે – આવારા હૂં, સરસર સે બચા લે મુઝ કો.
પ્રેમની પલકો પર તું મારી સજાવટ કરી લે. હું તો ગરમ હવાની થપાટ છું તું મને નરકથી બચાવી લે.
- રાત ભર ચાંદ કી ઠંડક મેં સુલગતા હૈ બદન,
કોઈ તન્હાઈ કે દોઝખ સે નિકાલે મુઝ કો.
ચંદ્રમાની ઠંડકમાં આખી રાત મારું શરીર બળી રહ્યું છે. આ એકલતાના નર્કાગારમાંથી કોઈ મને બહાર કાઢે તો સારું!
- દૂર રહ કે ભી હૈ હર સાસ મેં ખુશ્બૂ તેરી,
મૈં મહક જાઉં તો તૂ પાસ બુલાલે મુઝ કો
તારાથી દૂર હોવા છતાં ય દરેક શ્ર્વાસમાં તારી ખુશ્બૂનો અનુભવ મને થયા કરે છે. જો હું મ્હેકી ઉઠું તો તું મને તારી નજીક બોલાવી લેજે. - મૈં તેરી આંખ સે છલકા હુવા ઈક આંસુ હું,
તૂ અગર ચાહે, બિખરને સે બચા લે મુઝ કો
હું તો તારી આંખથી ઢોળાઈ ગયેલું એક આંસુ માત્ર છું. હું આમ વિખરાઈ જાઉ તે પૂર્વે તું ઈચ્છે તો મને બચાવી લેજે. - શબ ગનીમત થી કિ યહ ઝખ્મે-નઝઝારા તો ન થા,
ડસ ગયે સુબહે-તમન્ના કે ઉજાલે મુઝ કો.
તે રાત્રિ (મારા માટે) ઉમદા વસ્તુ હતી, તે કેવળ કાંઈ દશ્યોનાં જખ્મો ન્હોતાં, પરંતુ સવારની આશાઓનું અજવાળું મને ડસી ગયું.
- સહર સે એક કિરન કી ફક્ત તલબથી મુઝે,
તમામ રાત મગર બેકસી ગજબ થી મુઝે.
સવાર પાસેથી મારે ફક્ત એક કિરણની જરૂર હતી, પરંતુ એ માટે તારે સમગ્ર રાત્રિ વિવશતામાં ગાળવી પડી.
- મૈં અપનાં ઝાત કે અંદર કભી ન ઝાંક સકા,
યહ ઔર બાત કિ યહ આરઝૂ ભી કબ થી મુઝે.
હું મારી પોતાની ભીતર (માંહ્યલામાં) ક્યારેય ડોકિયું કરી શક્યો નહીં. જો કે મને આ પ્રકારની ઈચ્છા ક્યારેય થઇ નહોતી તે જુદી વાત છે.
- જિસે જલાયા લહૂ દે કે રોશની કે લિયે,
અબ ઉસ ચરાગ કી ઝદ મેં ખુદ અપના ઘર દેખૂં.
અજવાળું કરવા માટે મેં જે લોહી બાળ્યું હતું તે દીપકની જ્વાળામાં હું મારું ઘર જોઈ રહ્યો છું.
- કિતની ખામોશી હે બામો-દરો-દીવાર પે આજ,
દિલ જો ધડકા તો યહ સન્નાટા બિખર જાયેગા.
બારી દરવાજા અને ભીંતમાં આજે કેટલી બધી શાંતિ પથરાયેલી છે. જો મારું હૃદય ધડકશે તો આ નીરવ શાંતિ ડહોળાઈ જશે.
- પુકારતા નહીં કોઈ ભી આશના કી તરહ,
ખફા છું અપની હી દહલીઝ પર ગદા કી તરહ.
હું પરિચિત હોઉં તે રીતે મને કોઈ બોલાવતું નથી. હું તો આજે મારા ઉંબર પર કોઈ ભિક્ષુકની જેમ ઊભો છું.
- અબ કે ઊઠે દરો-દીવાર સે શોલા ઐસા,
દહર ને દેખા ન હો શહર કા જલના ઐસા
આ દુનિયાએ કોઈ નગરને ક્યારેય બળતું જોયું ન હોય તેવી અગ્નિજ્વાળા એ બારી-બારણામાંથી પ્રગટશે તો?