કવર સ્ટોરી -નરેન્દ્ર કુમાર
દેશનાં ૮૦ શહેરોમાં ૧૬ જૂન, ૨૦૨૫ ના રોજ, યુપીએસસી પ્રિલિમ્સની પરીક્ષા યોજાશે. સામાન્ય રીતે ૯ લાખથી ૧૦ લાખ ઉમેદવારો પ્રિલિમ્સ માટે અરજી કરે છે, પરંતુ લગભગ ૫.૫ લાખ ઉમેદવારો જ આ પરીક્ષા આપે છે અને પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦ થી ૧૫ હજારની વચ્ચે હોય છે, જેમાંથી આખરે ૧૦૦૦ થી ૧૧૦૦ સિવિલ સર્વન્ટની પસંદગી થાય છે. આ આંકડા દર્શાવે છે કે આ દેશની સૌથી અઘરી પરીક્ષા છે. પરંતુ એક નહીં ઘણા નિષ્ણાતો કહે છે, ‘યુપીએસસી’ પરીક્ષા આપતા ૮૦ ટકાથી વધુ ઉમેદવારો ગંભીર નથી હોતા. ભાગ્યે જ ૧૫ થી ૨૦ ટકા ઉમેદવારો ગંભીર હોય છે અને જો એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટરની વાત માનીએ તો ગંભીર વિદ્યાર્થીઓમાંથી ૫૦ ટકાથી વધુ પ્રિલિમ્સ સરળતાથી ક્રેક કરે છે અને આ ગંભીરતા જાળવી રાખનારાઓમાં ૫૦ ટકા કરતાં વધુ લોકો મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુના અવરોધને પણ પાર કરી લે છે.
કહેવાનો ભાવાર્થ એ જ છે કે ‘જે નક્કી કરી લે, એ ક્યારે પણ હારતો નથી’. ચાલો હવે આ પ્રોત્સાહક ડેટા પછી, થોડી પ્રેક્ટિકલ બાબતો જાણીએ. જો તમે છેલ્લા નવ-દસ મહિનાથી સતત ૮ થી ૧૦ કલાક અભ્યાસ કરી રહ્યા છો, તો તમે હવે આ સમય ઘટાડી શકો છો પરંતુ અભ્યાસના રિવિઝનની ગુણવત્તા જાળવી રાખો. અત્યાર સુધીમાં તમે દેખીતી રીતે પ્રીલિમ્સનો અભ્યાસક્રમ વાંચી લીધો હશે. જોકે આ પરીક્ષાની સૌથી મોટી સમસ્યા એ છે કે તેનો અભ્યાસક્રમ ખૂબ જ વિશાળ છે. તેથી, માત્ર વાંચીને કે યાદ કરીને પાસ થવાનું વિચારશો નહીં, શક્ય તેટલી બધી બાબતોને સમજીને જ તમે દેશની આ સૌથી મહત્ત્વપૂર્ણ પરીક્ષા પાર કરી શકશો.
યુપીએસસીના અભ્યાસક્રમમાં ભૂગોળ, અર્થશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ, એન્વાર્યમેન્ટલ સ્ટડીઝ, સાયન્સ એન્ડ અને ટેકનોલોજી અને કરંટ અફેર જેવા વિષયોનો સમાવેશ થાય છે. તેથી પ્રિલિમ્સની તૈયારી કરવાની એક સ્માર્ટ રીત એ છે કે પ્રથમ ચાર મહિના નિયમિતપણે આ તમામ વિષયોનો અભ્યાસ કરો અને પછીના ચાર મહિના સુધી શક્ય તેટલા પ્રિલિમ્સના ટેસ્ટ પેપર્સની પ્રેક્ટિસ કરો. આના પરથી એક તરફ એ જાણી શકાશે કે આ પરીક્ષામાં પ્રશ્ર્નોનો સ્પેક્ટ્રમ કેટલો પહોળો છે, તો બીજી તરફ એ પણ જાણવા મળશે કે ૬૦ થી ૬૫ ટકા સુધી ચોક્કસ એ જ પ્રશ્ર્નો નહીં હોય તો કદાચ સમાન વિષયોમાંથી અને એજ સંદર્ભોમાંથી પ્રશ્ર્નો પૂછવામાં આવે છે, જે છેલ્લા પાંચ વર્ષથી પૂછવામાં આવી રહ્યા છે. કહેવાનો મતલબ એ છે કે જો કેટલાક મહિનાઓ સુધી પ્રિલિમ્સ પરીક્ષાઓના મોક ટેસ્ટ આપવામાં આવે તો એ સ્પષ્ટ થઈ જાય છે કે અહીં પ્રશ્ર્નો પૂછવાની વ્યૂહરચના શું છે અને પુછાયેલા પ્રશ્ર્નોની શ્રેણી કેટલી વિશાળ છે.
પ્રીલિમ્સ ક્રેક કરવા માટે, તમારે ફોર્મ ભરવાના ૮-૯ મહિના પહેલા અભ્યાસ કરવાનું શરૂ કરવું જોઈએ અને અરજી કર્યાના પ્રથમ થોડા મહિના પછી, તમારે આગામી કેટલાક મહિનાઓ સુધી સતત મોક ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેનાથી એ અંદાજો આવશે કે, પૂછવામાં આવેલા પ્રશ્ર્નોની કેટેગરી શું છે અને પરીક્ષા પાસ કરવા માટે ટાઇમ મેનેજમેન્ટને કેવી રીતે નિયંત્રિત કરવું. આનો અર્થ એ છે કે મોક ટેસ્ટ દ્વારા, તમે ફક્ત તમારા વિષય વિશે જ સ્પષ્ટ નથી થતા પરંતુ સમયસર પેપર સમાપ્ત કરવાની પ્રેક્ટિસ પણ મેળવો છો. યુપીએસસી પ્રિલિમ્સની પરીક્ષામાં માટે આપણે કેટલી પણ સારી તૈયારીઓ કરી હોય, પણ જો આપણે વધુ પડતા નર્વસ હોઈએ તો સારું પેપર આપી શકતા નથી. તેથી, એ મહત્ત્વનું છે કે જ્યારે પરીક્ષાઓ માટે માત્ર પખવાડિયાનો સમય બાકી છે, ત્યારે આપણે આપણી અભ્યાસની રણનીતિને બદલવી જોઈએ નહીં અને દિવસ-રાત અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ નહીં. હવે તમારે પરીક્ષા પાસ કરવા માટે તમારી જાતને માનસિક રીતે તૈયાર કરવી પડશે. જો તમે પરીક્ષા આપતી વખતે તમારો આત્મવિશ્ર્વાસ મજબૂત રાખશો, તો તમારા પાસ થવાની શક્યતા ૫૦ ટકા વધી
જાય છે.
આ વાત થોડી વિચિત્ર લાગી શકે છે, જો પરીક્ષાના સમયે તમારું સ્વાસ્થ્ય સારું ન હોય તો તે સમસ્યા સર્જી શકે છે અને કેટલીકવાર આ સમસ્યાઓ પરીક્ષા પાસ કરવામાં પણ અવરોધ બની જાય છે. તેથી, જ્યારે પ્રિલિમ્સ માટે માત્ર પખવાડિયું બાકી છે, ત્યારે તમારા સ્વાસ્થ્યનું
ધ્યાન રાખો. એવું કંઈપણ ખાવાનું ટાળો, જેથી તમારુ પેટ ખરાબ થઈ શકે, તમને ફૂડ પોઈઝનિંગ થાય, કે તમે બીમાર થાઓ. ધ્યાનમાં
રાખો કે આ એક-બે દિવસની ખરાબ તબિયત તમારી પરીક્ષામાં પાસ થવાની તકો પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન મૂકી શકે છે. તેથી, આ દિવસોમાં ખૂબ જ ગરમી હોવાથી, પરીક્ષા સુધી બપોરે ઘરની બહાર ન નીકળો. જેથી કરીને તમે હીટસ્ટ્રોકથી બચી શકો. વધુ તળેલો, શેકેલો અને વાસી ખોરાક ન ખાવો, જેનાથી તબિયત બગડવાનો ડર રહે છે અને જો તમે નિયમિત કસરત કરો છો તો તે કરતા રહો. પરીક્ષાઓની તૈયારીના દબાણને કારણે કસરત કરવાનું બંધ ન કરો. એક દિવસ પહેલા જ્યાં તમારું સેન્ટર આવેલું છે તે શહેરમાં પહોંચો, આ ઉપરાંત જ્યાં તમારી પરીક્ષા યોજાવાની છે તે સેન્ટરની મુલાકાત લો જેથી તમે જ્યાં રહેવાના છો ત્યાંથી પરીક્ષા કેન્દ્ર પર સરળતાથી અને સમયસર પહોંચવા માટે વ્યવહારુ સગવડ મળી રહે.
તમારા બધા દસ્તાવેજો યાદ કરીને તમારી પાસે રાખો, તેને અલગથી યાદ કરાવવાની જરૂર નથી અને આ સમય દરમિયાન, સમયસર ખોરાક ખાવાની અને સમયસર સૂવાની નિયમિત દિનચર્યા જાળવો જેથી તમે દરરોજ સવારે ફ્રેશ થઈને જાગી શકો. એકંદરે, હવે જ્યારે માત્ર એક પખવાડિયું બાકી છે, તમારી તૈયારી ગુણવત્તા સાથે કરો અને પરીક્ષાના દિવસે, જ્યારે તમે પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપી રહ્યા હોવ, ત્યારે વધારે ઉત્સાહિત કે ડરવાની જરૂર નથી.