વીક એન્ડ

હેડ-કોચ એક, કૅપ્ટન અનેક: પેસ બોલર બે, સ્પિનર અનેક

ગૌતમ ગંભીરે પોતાની ગાદી સાચવવાની સાથે અલગ-અલગ કૅપ્ટન સાથે કામ પાર પાડવું પડ્યું છે. ભારત પાસે હાલમાં છથી સાત વર્લ્ડ-ક્લાસ સ્પિનર છે!

સ્પોર્ટ્સ મૅન – અજય મોતીવાલા

(ડાબેથી) ગૌતમ ગંભીર, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા (ડાબેથી) વરુણ ચક્રવર્તી તેમ જ રવીન્દ્ર જાડેજા

ગૌતમ ગંભીરે હેડ-કોચ તરીકેની ગાદી સાચવવાની સાથે બદલાતા કૅપ્ટન સાથે કામ પાર પાડવું પડી રહ્યું છે એટલે તે અત્યારે ગંભીર કસોટીમાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરના ભૂતકાળની જ વાત કરીએ તો ઑસ્ટે્રલિયા ખાતે બોર્ડર-ગાવસકર ટ્રોફીની ટેસ્ટ-શ્રેણી માટે રોહિત શર્મા મુખ્ય કૅપ્ટન તરીકે નિયુક્ત થયો હતો. જોકે પર્થની પ્રથમ ટેસ્ટમાં તે નહોતો રમ્યો એટલે ગંભીરે કાર્યવાહક સુકાની જસપ્રીત બુમરાહ સાથે યોજનાઓ ઘડવી પડી હતી. બીજી ટેસ્ટથી રોહિતે કમબૅક કર્યું એટલે ગંભીરે તેની સાથે બેસીને વ્યૂહ રચવો પડ્યો હતો. ભારત 1-0થી આગળ રહ્યા પછી એક બાદ એક ટેસ્ટ હારતું ગયું અને છેલ્લી ટેસ્ટમાં રોહિતે પોતાને જ `પડતો’ મૂક્યો એટલે ફરી ગંભીરે બુમરાહ સાથે પ્લાન ઘડવા પડ્યા હતા. જોકે બુમરાહને એ મૅચમાં છેલ્લે છેલ્લે પીઠની ઈજા નડી એટલે વિરાટ કોહલીએ નેતૃત્વની જવાબદારી સંભાળી લીધી હતી એટલે ગંભીરે તેની સાથે પણ સતત સંપર્કમાં રહેવું પડ્યું હતું.

ચાલો, એ ટેસ્ટ-શ્રેણી તો 1-3થી હારી ગયા એટલે વધુ યાદ નથી કરવી, પરંતુ ત્યાર પછી ફરી કૅપ્ટન્સીની મથામણ શરૂ થઈ. ઇંગ્લૅન્ડ સામેની ટી-20 શ્રેણી આવી એટલે સૂર્યકુમાર યાદવ ફરી એકવાર કૅપ્ટનપદે જોવા મળ્યો અને ગંભીરની તેની સાથે મેદાન પર અને ડે્રસિંગ-રૂમમાં મીટિંગો થવા લાગી. સૂર્યકુમાર કૅપ્ટન્સીની જવાબદારી સંભાળવાની સાથે બૅટિંગમાં ફૉર્મ ગુમાવી બેઠો છે એ ગંભીરની બીજી મોટી ચિંતા છે એ વાત અલગ છે, પણ એ ટી-20 સિરીઝ પૂરી થયા પછી ફરી રોહિત શર્મા અને ગંભીરની જોડી ટીમ ઇન્ડિયાને જિતાડવા મેદાને પડી છે. ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્ત થઈ ચૂકેલો રોહિત શર્મા ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ આવી એટલે પાછો પ્રકાશમાં આવી ગયો અને હાલમાં તેના સુકાનમાં ટીમ ઇન્ડિયાની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. આ શ્રેણીમાં અને પછી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં જો રોહિતની કૅપ્ટન્સી ફ્લૉપ રહેશે તો ભારતની વન-ડે ટીમને નવો કૅપ્ટન (શુભમન ગિલ કે હાર્દિક પંડ્યા કે બીજું કોઈ) મળશે અને ગંભીરે તેની સાથે કામ પાર પાડવાનો પડકાર ઉપાડી લેવો પડશે.

ટૂંકમાં, વાત એ છે કે નવા-નવા કૅપ્ટન સાથે મળીને ટીમ ઇન્ડિયાને વિજય અપાવવો એ હેડ-કોચ ગૌતમ ગંભીર માટે થોડું હેડેક તો છે જ. કોઈ ખેલાડીની કૅપ્ટન્સી સારી હોય તો તેની બૅટિંગ નબળી પડી જાય છે જે સૂર્યકુમાર યાદવના કિસ્સામાં જોવા મળ્યું છે. હવે જો બૅટિંગ સારી હોય તો તેને નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવે અને ન કરે નારાયણ તે ફૉર્મ ગુમાવી બેસે તો પાછું ટીમને જ નુકસાન થાય. સૂર્યકુમારને ફરી સારા ફૉર્મમાં લાવવો હોય તો તેના પરથી કૅપ્ટન્સીની જવાબદારીનો બોજ હટાવવો પડે એવું ક્રિકેટપ્રેમીઓનું માનવું છે. જો એવું થશે તો કોને સુકાન સોંપાશે? હમણાં તો હાર્દિક પંડ્યાનું નામ બોલાય છે એટલે ગંભીરે નજીકના ભવિષ્યમાં તેની સાથે તાલમેલ રાખવો પડશે. ટેસ્ટની વાત કરીએ તો જૂનમાં જો રોહિત શર્માને ફરી ટેસ્ટ કૅપ્ટન્સી નહીં સોંપવામાં આવે તો એ માટે બુમરાહ સૌથી મજબૂત દાવેદાર છે, પણ સમસ્યા એ છે કે બુમરાહ ઇન્જરી-પ્રોન ખેલાડી છે. એટલે કે તે બોલિંગમાં બોજમાં વર્લ્ડ-ક્લાસ પર્ફોર્મ કરી જાણે છે, પણ વારંવાર ઈજા થતી હોવાથી તે કૅપ્ટનપદે સતતપણે ચાલુ રહી શકે એમ નથી એટલે ગંભીરે બીજા કોઈ સુકાની સાથે મથામણ કરવાની તૈયારી રાખવી પડશે.

ખરું કહીએ તો વિરાટ કોહલીએ 2019ની સાલમાં કૅપ્ટન્સીની જવાબદારી છોડી ત્યાર પછી ટીમ ઇન્ડિયાએ વારંવાર સુકાની બદલવા પડ્યા છે. વિરાટની ગેરહાજરીમાં કે તેણે સુકાન છોડ્યા પછી ભારતની ટેસ્ટ-ટીમને જે કૅપ્ટનો મળ્યા છે એમાં અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ છે.

વન-ડેમાં વિરાટ કોહલી બાદ અજિંક્ય રહાણે, રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળી ચૂક્યા છે. ટી-20માં તો ગજબ થયું છે. વિરાટે ટી-20માં કૅપ્ટન્સીને ગુડ-બાય કરી (કે કરવી પડી) ત્યાર બાદ રોહિત શર્મા, શિખર ધવન, રિષભ પંત, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ તથા સૂર્યકુમાર યાદવ નેતૃત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

હવે પેસ બોલર અને સ્પિનરની વાત કરીએ તો ભારત પાસે ટેસ્ટ, વન-ડે અને ટી-20 માટે વિકલ્પો ઘણા છે, પરંતુ સવાલ એ છે કે ફૉર્મ કે ફિટનેસને ધ્યાનમાં લેતાં પેસ બોલિંગમાં કયો બોલર સતતપણે ટીમમાં સ્થાન ટકાવી શક્યો છે? જસપ્રીત બુમરાહ ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર છે, પણ તે હાલમાં પીઠની ઈજાને કારણે ઇંગ્લૅન્ડ સામે નથી રમી રહ્યો અને ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પણ ડાઉટફુલ છે. મોહમ્મદ શમીએ હજી થોડા દિવસ પહેલાં જ ટીમ ઇન્ડિયામાં કમબૅક કર્યું છે અને તેની ફિટનેસ પર સિલેક્ટરો તથા ટીમ-મૅનેજમેન્ટની સતત નજર છે. મોહમ્મદ સિરાજ ત્રણેય ફૉર્મેટ માટે ફિટ બેસે એવો પેસ બોલર નથી. અર્શદીપ સિંહ હાલમાં વન-ડે ટીમમાં છે, પરંતુ તેને ખાસ તો ટી-20 સ્પેશિયાલિસ્ટ ગણવામાં આવી રહ્યો છે. હર્ષિત રાણાએ હજી હમણાં જ ડેબ્યૂ કર્યું છે. આકાશ દીપ થોડા દિવસથી ભુલાઈ ગયો છે. શિવમ દુબે, હાર્દિક પંડ્યા અને નીતીશ કુમાર રેડ્ડી ઑલરાઉન્ડર છે અને તેમની બોલિંગ પર 100 ટકા સફળતાનો ભરોસો રાખી ન શકાય. આ ઉપરાંત, પ્રસિદ્ધ ક્રિષ્ના સહિત બીજા પેસ બોલર પણ ટીમમાં એકધારી રીતે સ્થાન નથી જાળવી શકતા. ટૂંકમાં, સરેરાશ માંડ બે પેસ બોલર એવા હોય છે જેઓ ટીમ ઇન્ડિયામાં વારંવાર જોવા મળી રહ્યા છે.
સ્પિનરોની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા પાસે અત્યારે સિલેક્શનની બાબતમાં સુખદ સ્થિતિ છે. જુઓને, વરુણ ચક્રવર્તીએ ઇંગ્લૅન્ડ સામે ટી-20 સિરીઝમાં હાઇએસ્ટ 14 વિકેટ એટલે તેને વન-ડે સિરીઝની ટીમમાં પણ સમાવી લેવામાં આવ્યો છે. રવીન્દ્ર જાડેજા જબરદસ્ત ફૉર્મમાં છે, જ્યારે અક્ષર પટેલ પણ વિકેટ અપાવતો રહે છે. કુલદીપ યાદવે કમબૅક કર્યું ત્યાર પછી બ્રિટિશ બૅટર્સે હજી તેનો પૂરો સામનો નથી કર્યો. કુલદીપ તેના બેસ્ટ ફૉર્મમાં આવશે એટલે મૅચમાં ત્રણ-ચાર વિકેટ તો અપાવી જ દેશે. વૉશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈ પણ ટીમને ઉપયોગી થઈ શકે એવા ઘાતક સ્પિનર છે. મુંબઈનો ઑફ-સ્પિન ઑલરાઉન્ડર તનુષ કોટિયન પણ ગમે ત્યારે ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કરી શકે એમ છે.

ટૂંકમાં, કોઈ પણ ભારતીય ક્રિકેટપ્રેમી એટલું તો ઇચ્છશે જ કે ઇલેવનમાં કોઈ પણ બૅટર, કોઈ પણ પેસ બોલર, કોઈ પણ સ્પિનર કે પછી કોઈ પણ ઑલરાઉન્ડર હોય, રવિવાર 23મી ફેબ્રુઆરીએ દુબઈમાં બપોરે 2.30 વાગ્યાથી પાકિસ્તાન સામે વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં જે હાઈ-વૉલ્ટેજ મુકાબલો થવાનો છે એ જીતવાનો છે, બસ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button