સ્થાપત્યની ઉપયોગિતા નિર્ધારિત કરતું રાચરચીલું
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
સાંપ્રત સમયમાં એમ જણાય છે કે સમાજની માટે મકાન તો એક ખોખું છે. માત્ર દીવાલ, બારી, બારણા, ફરસ અને છતથી તેની ઉપયોગિતા સ્થાપિત નથી થતી. હા કેટલાક સંજોગોમાં તેવી પરિસ્થિતિમાં પણ મકાનનો ઉપયોગ કરવા માનવી લાચાર બની રહે, પણ આ તેની પસંદગી નથી હોતી. પણ જો મકાનની રચનામાં જ ઉપયોગિતા તથા સંવેદનાઓની દૃષ્ટિએ જરૂરી સ્થાપત્યકીય બાબતોનો સમાવેશ થઈ જાય તો ચોક્કસ મકાનની ઉપયોગિતા વધુ અસરકારક
બની રહે.
જો ઓરડાની ચોક્કસ ખાસિયત ન હોય તો તમે પથારી પાથરો તો તે શયનકક્ષ બની રહે અને જો ત્યાં સોફા મૂકો તો તે દીવાનખંડ બની જાય. પણ આમ ન થવું જોઈએ. દીવાનખંડ માટે ઔપચારિકતા જોઈએ, સામાજિક સમીકરણ અહીં વ્યક્ત થવું જોઈએ, અહીંનો સંપર્ક બહારના સ્થાન સાથે વધુ દ્રઢ હોવો જોઈએ, અહીં સામાજિક ગોપનિયતાનું પ્રભુત્વ હોય, અમુક પ્રમાણમાં અહીં દંભ હોય તો પણ ચાલી જાય. શયનખંડની જરૂરિયાત આનાથી સાવ વિપરીત છે તેમ કહેવાય. આવી વિપરીત જરૂરિયાત મકાનની રચનામાં જ નિર્ધારિત થવી જોઈએ. માત્ર પથારી પાથરી દેવાથી કે સોફા મૂકી દેવાથી જો ઓરડાને અર્થ મળતો હોય તો મૂળભૂત કંઈક ખોટું છે. આવાસની રચનામાં થોડી સંવેદનશીલતા જોવા મળે છે, પરંતુ અન્ય મકાનોમાં તો મુખ્યત્વે રાચરચીલા દ્વારા જ ઓરડાને અર્થ મળે છે.
આજકાલ મકાનની રચનામાં આ બાબત ખાસ જોવા મળે છે. સ્થપતિ લંબચોરસ ખોખા ઉભા કરી દે અને પછી તેમાં રાચરચીલું મૂકી તેને અર્થ આપવામાં આવે. કોલેજના મકાનમાં હારબંધ ઓરડાઓ ગોઠવી દેવામાં આવે અને પછી કોઈ ઓરડામાં ચોપડીઓના કબાટ ગોઠવી તેને લાઇબ્રેરી કહેવામાં આવે અથવા તો ક્યાંક બ્લેકબોર્ડ ગોઠવી દઈ તેને ક્લાસરૂમ બનાવી દેવાય. તે ઓરડામાં જો ટેબલ-ખુરશી મૂકી દેવામાં આવે તો તે સ્ટાફ રૂમ બની જાય. કયા ઓરડાની બહાર કઈ તકતી ગોઠવવી તે અંદર મુકાયેલ ફર્નિચરને આધારે નક્કી થાય. ઓરડાની રચનામાં એવું કંઈ ખાસ વિશેષ જોવા ન મળે. સાંપ્રત સ્થાપત્યની આ હકીકત છે.
લાઇબ્રેરીમાં જે પ્રકારે અભ્યાસ માટેની સવલતો હોવી જોઈએ, સ્ટાફ રૂમમાં જે પ્રકારની ગોપનીયતા જળવાવી જોઈએ કે ક્લાસ રૂમમાં જે પ્રકારનો આંતરિક દૃશ્ય સંપર્ક સ્થપાવવો જોઈએ, તે સ્થાપત્યની રચનામાં જ સ્થાપિત થવું જોઈએ. પણ આમ ભાગ્યે જ થાય છે. દરેક કાર્ય સ્થાન માટે ચોક્કસ ભૌતિક માપદંડ હોય છે, કેટલાક ઉપકરણો જરૂરી હોય છે, ચોક્કસ પ્રકારની સંવેદનશીલતા ઇચ્છનીય હોય છે, એ બધા સાથે કેટલાક સામાજિક સમીકરણો પણ મહત્ત્વના રહે છે – આ અને આવી બાબતો જે તે સ્થાનના, અને એકંદરે સમગ્ર મકાનનાં નિર્ધારણમાં સ્પષ્ટ થવી જોઈએ. માત્ર રાચરચીલું ગોઠવી દેવાથી જગ્યા ઉપયોગમાં તો લેવાય પણ તેનાથી આંતરિક સંતોષ ન મળે. સ્થાપત્ય એ માત્ર ઉપયોગિતા માટેનું સાધન નથી, તેની સાથે લાગણીઓ વણાયેલી હોય છે, તેની સાથે સંવેદનાઓ જોડાયેલી હોય છે, તેની પાસેથી સંતોષની અનુભૂતિ થાય તે પણ જરૂરી હોય છે.
દરેક ઉપયોગિતા માટે ગોપનિયતાનું સ્તર ભિન્ન હોય. જુદા જુદા કાર્ય માટે જરૂરી પ્રકાશ વ્યવસ્થા પણ એક સમાન ન હોય. જે તે સ્થાન માટેનો આવનજાવનનો માર્ગ પણ ચોક્કસ પ્રકારની વિશેષતા માંગી લે. ઉપયોગિતા પ્રમાણે ઓરડાનું માપ પણ બદલાય અને માનવીય પ્રમાણમાપ સાથે તેનું સમીકરણ પણ ભિન્ન હોય. જુદા જુદા કાર્ય હેતુ માટે માનવી જુદી જુદી માનસિકતામાં હોય, એવા સંજોગોમાં રંગ વ્યવસ્થા પણ વધુ સંવેદનશીલ અને ચોક્કસ હોવી જોઈએ. સ્થાપત્યની ગુણવત્તા નિર્ધારિત કરતી બાબતો ઘણી છે, અને આ દરેક માટે એક વિશાળ રેન્જ મળતી હોય છે. જે તે સ્થાનની ઉપયોગિતા પ્રમાણે આ ગુણવત્તાનું આલેખન થવું જોઈએ. બધી જ વસ્તુઓ બધી જગ્યાએ એકધારી સમાન રીતે લાગુ ન પાડી શકાય. સ્થાપત્યના નિર્ધારણમાં દરેક સ્થાનની ઉપયોગિતા મકાનની રચનામાં જ સ્પષ્ટ થવી જોઈએ. એક પ્રકારનો સ્થાપત્યકીય માહોલ ઊભો થવો જોઈએ.
જેમાં આમ ન થતું હોય તે ફેસલેસ – ચહેરા વિનાનું સ્થાપત્ય કહેવાય. આ પ્રકારના સ્થાપત્ય અસ્તિત્વમાં આવવા પાછળના કારણો પણ છે. આજે મકાનની જે ઉપયોગિતા છે તે કાલે બદલાઈ પણ જાય. વ્યાપારી મકાનોમાં તેના વેચાણ પછી નક્કી થાય કે કઈ વસ્તુ ક્યાં ગોઠવવાની છે. શૈક્ષણિક કે સંસ્થાકીય મકાનોમાં પણ આજે શિલ્પ શિક્ષણ અપાતું હોય અને કાલે ત્યાં કપડાં સીવવાનાં સંચા પણ ગોઠવાઈ જાય. જ્યાં શોપિંગ સેન્ટરમાં શાળા ઊભી થઈ જતી હોય ત્યાં સ્થાપત્યના સૂક્ષ્મ અને સંવેદનશીલ નિર્ધારણમાં ઉપયોગિતાનો અસરકારક અને અર્થપૂર્ણ સમાવેશ કેવી રીતે થઈ શકે. ક્યારેક મકાન બની જાય એ માટે જે ઉતાવળ કરવામાં આવે છે તેને કારણે પણ મકાનની રચનામાં ઉપયોગિતા પ્રમાણેનું ફાઈન ટ્યુનિંગ શક્ય ન બને. આ અને આવા સંજોગોમાં મકાન ચહેરા વિનાનું બને તે સ્વાભાવિક છે. અને એટલે જ પછી પાછળથી એક ભપકાદાર પડદી ગોઠવી દેવામાં આવે.
મકાન એક યંત્ર નથી કે જેનું સર્જન ચોક્કસ પ્રકારના પરિણામલક્ષી કાર્ય માટે જ થતું હોય. મકાન એક સાધન નથી કે જેની ઉપયોગિતા જ મહત્ત્વની ગણાય. મકાન એ નિર્જીવ ઘટના નથી, તે તો માનવીના જીવનને પ્રતિભાવ આપતું અસ્તિત્વ છે. મકાનનો એક હેતુ એક ચોક્કસ પ્રકારનો વ્યક્તિગત તેમજ સામાજિક માહોલ ઊભો કરવાનો પણ છે. મકાન એ માત્ર ખોખું નથી, તેની અંદર પણ ભાવના વણાયેલી હોય છે. રાચરચીલાની ગોઠવણથી પણ આ બધું સિદ્ધ થઈ શકે, પણ તેમાં સ્થાપત્યની નિષ્ફળતા ગણાય. જો સ્થાપત્યમાં આ બધી બાબતોનો સમાવેશ થયો હોય, તો રાચરચીલું તે બાબતોને વધુ સમૃદ્ધ, અનુભવ યુક્ત તથા સાર્થક બનાવી શકે.