વીક એન્ડ

‘થ્રિલ’ અને ‘કિલ’ વચ્ચેના તંગ દોરડા પર ચાલવાની મજા!

જિંદગી હોય કે સ્પોર્ટસ બન્નેમાં ડગલે ને પગલે જોખમ તો રહેવાનું..એમાંથી કોઈક ધારેલાં હોય છે તો કેટલાંક અણધાર્યા અને એ બન્નેનો રોમાંચ કંઈક ઔર જ છે.!

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સ્પોર્ટ્સ તમારા એવા હોર્મોન્સને બુસ્ટ કરે છે, જે તમને ચુસ્ત-દુરસ્ત તો રાખે, પણ સાથે થતી ઈજાઓને કારણે ઘણા તરવરિયા યુવાનોએ જીવ ગુમાવ્યાના દાખલા પણ ઢગલામોઢે જડી આવે છે.

આ વર્ષની શરૂઆતમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો એક ફોટો ઘણા સંવેદનશીલ ક્રિકેટ ચાહકોની આંખો ભીની કરી ગયો. ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નરે પોતાની અંતિમ ટેસ્ટ મેચમાં બેટિંગ માટે ઊતરતા પહેલાં એક તકતીને સ્પર્શ કર્યો. અને એ પછી બેટિંગ માટે મેદાને ઊતર્યો. આ તકતી ઓસ્ટ્રેલિયાના જ એક બીજા ખેલાડી ફિલિપ હ્યુજની સ્મૃતિમાં ત્યાં-સ્ટેડિયમમાં ગોઠવવામાં આવી છે. ડેવિડ વોર્નર પોતાનો આખરી દાવ રમતાં પહેલાં ભૂતકાળમાં પોતાના સાથી રહી
ચૂકેલા ફિલિપની તકતી પાસે ગયો, ભાવપૂર્વક એનો સ્પર્શ કર્યો. ડેવિડ દાયકા અગાઉ અલવિદા કહી ગયેલા સાથીને જાણે એ કહેવા માગતો હતો : ‘દોસ્ત, હું પણ આજે ક્રિકેટને અલવિદા કહી રહ્યો છું!’ કોઈકે આ ભાવનાત્મક ક્ષણને કેમેરામાં ઝડપી લીધી એ તસ્વીર ખૂબ વાઈરલ થઇ.

ફિલિપ હ્યુજ માત્ર ૨૫ વર્ષનો ધૂંઆધાર બેટ્સમેન હતો. ક્રિકેટચાહકોને એનામાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટનું ઉજ્જવળ ભાવિ દેખાતું હતું. ૨૦૧૪માં ભારત સામે રમાનારી સિરીઝમાં ફિલિપ ઓસ્ટ્રેલિયન ટીમની કપ્તાની કરે એવી શક્યતા હતી, પણ એ પહેલા એક ડોમેસ્ટિક મેચમાં બેટિંગ કરી રહેલા ફિલિપની ગરદન પર એ ફાસ્ટ બોલ વીંઝાયો ને ફિલિપ ત્યાં જ ઢળી ગયો… તાબડતોબ હેલિકૉપ્ટર દ્વારા એને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તો ખરો,પણ ટૂંકી સારવાર બાદ એનું મૃત્યુ થયું. ઓસ્ટ્રેલિયાએ એક આશાસ્પદ યુવા ક્રિકેટર ગુમાવ્યો, પણ એનું દર્દ આખી દુનિયાના ક્રિકેટ ચાહકોએ અનુભવ્યું. એ પછી ખાસ્સી ચર્ચાઓ ચાલી. ફિલિપની હેલ્મેટ ખામીયુક્ત ડિઝાઈન ધરાવતી હોવાનું જણાયું. ક્રિકેટ ઇક્વિપમેન્ટની ડિઝાઈન્સ પહેલાં કરતાં બહેતર બનાવવા માટે પણ ઘણા પ્રયાસ થયા,પણ એનાથી ફિલિપ કદી પાછો ન ફર્યો…

સ્પોર્ટસના મેદાન પર મૃત્યુ આંબી જાય, એવી આ કોઈ પહેલી કે છેલ્લી ઘટના નથી. ઇસ ૧૯૫૯માં અબ્દુલ અઝીઝ નામનો પાકિસ્તાની ક્રિકેટર કરાચી-ક્વેટા મેચ દરમિયાન છાતી પર બોલ વાગવાથી માર્યો ગયો.વધુ તપાસમાં જાણવા મળ્યું કે બોલ એના હૃદય પર સીધો જ વાગ્યો હતો, જેના કારણે મેદાન પર જ એનો તાત્કાલિક ઈન્તેકાલ થયો. પાકિસ્તાનનો જ એક બીજો ખેલાડી હતો ઝુલ્ફિકાર ભટ્ટી. ક્રિકેટ ક્ષિતિજે ઝડપથી ઊભરી રહેલો આ પાકિસ્તાની સ્ટાર ખેલાડી પણ ડોમેસ્ટિક ક્રિકેટ વખતે ઘવાયો. ડિસેમ્બર ૨૦૧૩માં પાકિસ્તાનની એક ડોમેસ્ટિક મેચ દરમિયાન એક ફાસ્ટ બોલ સીધો ઝુલ્ફિકારની છાતી સાથે અથડાયો ને એ મોતના મુખમાં ધકેલાઈ ગયો.

ક્રિકેટ મેચ દરમિયાન થયેલી ઈજાની વાત નીકળે તો આપણા ભારતીય ખેલાડી રમણ લાંબાને કઈ રીતે ભૂલી શકાય? આજની પેઢી માટે આ નામ નવું છે, પણ નેવુંના દાયકામાં રમણ લાંબા એક આશાસ્પદ ક્રિકેટર તરીકે ઊભરી આવ્યો હતો. ૧૯૯૮માં બાંગ્લાદેશની એક ક્લબ મેચ દરમિયાન રમણ લાંબા વધુ પડતી હિંમત દેખાડવા ગયો અને હેલ્મેટ વગર શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરવાની ભૂલ કરી. શોર્ટ લેગ એટલે બેટ્સમેનની સાવ નજીકની પોઝિશન, જેમાં બેટ સાથે જોશભેર ફટકારવામાં આવેલો દડો સીધો ફિલ્ડરને પણ અથડાય એવી પૂરેપૂરી શક્યતા અને એ દિવસે એવું જ થયું… બેટ્સમેનનો એક શક્તિશાળી શોટ શોર્ટ લેગ પર વિના હેલ્મેટે ઊભેલા રમણ લાંબાના માથા સાથે અથડાયો, જે ઘાતક નીકળ્યો. લગભગ ત્રણ દિવસ સુધી કોમામાં રહ્યા બાદ ભારતના એ આશાસ્પદ ક્રિકેટરનો અકાળે અંત આવ્યો!

વાત માત્ર ક્રિકેટની નથી. બીજી અનેક રમત એવી છે, જેમાં ખેલાડીઓ દમ તોડતા રહ્યા છે. કેટલીક ગેમ્સ તો ખરેખર એવી ઘાતક છે કે એને રીતસાર ‘હિંસક’ની કેટેગરીમાં મુકવી પડે..
આનું સૌથી જાણીતું ઉદાહરણ છે ‘બોક્સિંગ’. આ રમત જ એવી છે જેમાં તમારે હરીફના માથા – છાતી સહિતનાં અંગો પર મુષ્ટિપ્રહારો કરવાના હોય. એમાં જીવલેણ ઇજા ન થાય તો જ નવાઈ. એમાંય વળી હેવીવેઇટ કોમ્પિટિશનમાં તો ખેલાડીઓ હેલ્મેટ પણ નથી પહેરતા.. ઓસ્ટ્રેલિયાના એક સર્વે મુજબ ઇસ ૧૮૩૨ થી માંડીને ૨૦૨૦ સુધીના ૧૮૮ વર્ષ દરમિયાન એકલા ઓસ્ટ્રેલિયાના જ ૧૬૩ બોક્સર્સ રીંગમાં થયેલી ઈજાઓને કારણે મોતને ભેટી ચૂક્યા છે! યાદ રહે, આ માત્ર ઓસ્ટ્રેલિયાના આંકડા છે. અમેરિકા,યુકે, ક્યુબા, મેક્સિકો, ફિલિપાઈન્સ જેવા બોક્સિંગ ક્રેઝી ક્ધટ્રીઝના આંકડા આમાં સામેલ નથી!

ફૂલ બોડી કોન્ટેક્ટ થતો હોય, એવી રમતો સ્વાભાવિક રીતે જ વધુ જોખમી ગણાય. હાલની યુવા પેઢીને આવી જ એક રમતનું આકર્ષણ છે. આ રમત એટલે
ખખઅના ટૂંકાક્ષરી નામે ઓળખાતી ‘મિક્સ્ડ માર્શલ આર્ટ’ નામ પ્રમાણે જ એમાં એક કરતાં વધુ માર્શલ આર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક્શન ફિલ્મોમાં જોવા મળતી સ્ટ્રીટ ફાઈટ્સ મોટે ભાગે મિક્સ્ડ માર્શલ આર્ટ આધારિત હોય છે,

પરંતુ આશ્ર્ચર્યજનક રીતે આ રમતમાં ઇન્જરી રેટ અને ડેથ રેટ બીજી જોખમી રમતોની સરખામણીએ ઓછો છે! એક અંદાજ મુજબ ખખઅના એક હજાર ખેલાડી દીઠ ૨૨૯ જેટલા ખેલાડીઓ જ ગંભીર ઈજાનો ભોગ બને છે! આ રમતનું જોખમી સ્વરૂપ જોતા આ રેટ પ્રમાણમાં ઘણો ઓછો ગણાય.

બીજી તરફ, જેમાં સહેજ પણ મારધાડ નથી થતી, એવી અમુક ગેમ સૌથી વધુ જોખમી ગણાય છે! ઉદાહરણ તરીકે, માઉન્ટેન કલાઈમ્બિંગ એટલે કે પર્વતારોહણ આવી જ એક રમત છે. સાહસિક ખેલાડીઓમાં માઉન્ટ એવરેસ્ટ સહિતના દુર્ગમ પર્વત પર ચડવાની રમત ખાસ્સી લોકપ્રિય છે. ભારતમાં પણ ‘ફ્રી માઉન્ટેન કલાઈમ્બિંગ સ્પોર્ટ્સ’નો ચસ્કો વધુને વધુ યુવાનોને લાગી રહ્યો છે. આ રમત તમારી શારીરિક મર્યાદાઓની આકરી પરીક્ષા સમાન હોય છે. ખાસ કરીને પહાડો પર અનુભવાતું તાપમાન મેદાની પ્રદેશની સરખામણીએ અત્યંત ઠંડું (માઉન્ટ એવરેસ્ટ) કે અત્યંત ગરમ (યોઝેમાઈટ અને જોશુઆ ટ્રી પાર્ક) હોય છે. એક અંદાજ મુજબ, દુનિયાભરમાં યોજાતી ફ્રી માઉન્ટેન કલાઈમ્બિંગ સ્પોર્ટ્સમાં દર વર્ષે આશરે ૩૦ જેટલા સાહસિક હોમાઈ જાય છે!
માત્ર ૨૦૨૩ના એક જ વર્ષમાં માઉન્ટ એવરેસ્ટ સર કરવાના ચક્કરમાં ૧૭ લોકોએ પ્રાણ ગુમાવ્યા!

હવે વિરોધાભાસ જુઓ. ઊંચે ચડવામાં, એટલે કે માઉન્ટેન કલાઈમ્બિંગમાં ઘણું જોખમ છે, પણ ઊંચાઈથી કૂદકો મારવામાં જોખમ ઘણું ઓછું છે!
વાત સ્કાય ડાઈવિંગની થઇ રહી છે. એક સમયે આ રમત અત્યંત જોખમી ગણાતી, પણ મોડર્ન ઇક્વિપમેન્ટ અને ટ્રેનિંગ મેથડ્સને પરિણામે હવે આ રમત ખાસ્સી સેફ ગણાય છે. ‘યુનાઈટેડ સ્ટેટ્સ પેરેશૂટ એસોસિયેશન’ (ઞજઙઅ) દ્વારા પ્રગટ આંકડાઓ મુજબ આ સ્પોર્ટ્સમાં મૃત્યુદર બે લાખ સ્કાય ડાઈવમામ માંડ ૧ નો છે ! ૧૯૬૧ આ આંકડો હતો ૨૨! અર્થાત મૃત્યુદરમાં થયેલો આ ઘટાડો આવકારદાયક છે ને ઉત્સાહપ્રેરક પણ છે.

કમનસીબે સ્કાય ડાઈવિંગની માફક જ પેરેશૂટ વડે થતા બેઇઝ (બન્ઝિ જમ્પિંગના આંકડા સાતા આપે એવા નથી. આ બેઇઝ જમ્પિંગમાં ખેલાડી પર્વત અથવા કોઈ ગગનચુંબી ઈમારતની ટોચેથી ભૂસકો મારે છે અને હવામાં અમુક અંતર ફ્રી ફોલ દ્વારા કાપ્યા બાદ પેરેશૂટ ખોલીને જમીન પર સેફ લેન્ડિંગ કરે છે. આમ બેઝ જમ્પિંગ બહુ ડેન્જરસ સ્પોર્ટ ગણાય. કોઈક ઓબ્જેક્ટ પેરેશૂટ સાથે અથડાઈ પડે, કે પછી હવામાન અને પવનની દિશા જેવા પરિબળ સાથ ન આપે તો યોગ્ય લેન્ડિંગ ન થાય તો જીવ ગુમાવવાનો વારો આવે…. ઇઅજઊ અમમશભનિીં વેબસાઈટ જણાવે છે કે ગયા વર્ષે વિશ્ર્વભરમાંથી ૧૯ જેટલા ખેલાડીએ જીવ ગુમાવી ચૂક્યા છે!

આમ સ્પોર્ટ્સ-આવા રમત-ગમત તમને એક ગજબની થ્રીલ-રોમાંચ આપે છે, પણ એની સાથે તમારે યાદ પણ રાખવું પડે છે કે ઝવશિહહ ળફુ ઊંશહહ !’

આધુનિક સાધન અને મોડર્ન ટ્રેનિંગને કારણે લગભગ દરેક સ્પોર્ટમાંથી જોખમનું તત્ત્વ ઓછું થઇ રહ્યું છે, છતાં થોડું રિસ્ક તો રહેવાનું જ…અને એમ તો રસ્તો ક્રોસ કરવામાં ય ક્યાં ઓછું જોખમ છે?!

આફ્ટર ઓલ, ‘થ્રિલ’ અને ‘કિલ’ વચ્ચેના તંગ દોરડા પર ચાલવાની થ્રીલ -રોમાંચ- મજા પણ કંઈક ઔર છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button