વીક એન્ડ

દેડકાનો જીવ જાય અને કાગડાને રમત થાય

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

કોઈ પણ ભાષાની સમૃદ્ધિ તેની કહેવતોમાં ઝળકે છે. સંસ્કૃતથી લઈને આપણી ગુજરાતી ભાષામાં સાનમાં કહેવાય માટે કહેવતોનો ઉપયોગ બહુધા થાય જ છે. મજાની વાત એ છે કે કહેવતોમાં માનવ મૂલ્યો સ્થાપિત કરવા માટે પ્રાણી-પંખીઓનો પણ ઘણો ઉપયોગ થયો છે. કોઈને ગધેડો કહેવામાં આવે ત્યારે એક પક્ષે જીત અને બીજા પક્ષે મરચાં લાગવાની પ્રક્રિયા થાય છે. સાપ, કાગડો, ઉંદર, ઊંટ, શિયાળ અને દેડકાભાઈના નામે ઘણી કહેવતો ચડેલી છે, જેમાંની ઘણી આપણે હોઠે રમતી હોય છે . . . દેડકાનો જીવ જાય ને કાગડાને રમત થાય, કૂવામાંનો દેડકો. શોધીશું તો અનેક કહેવતો મળી આવશે. એકબાળ વાર્તામાં તો ચકાના મોતનો બદલો લેવા જતી ઝાંસીની રાણી જેવી ચકલીની ગાડીને દેડકા ખેંચી જાય છે ! પણ . . . અપુન કો તો બસ ખીખી કરને કા ને ?

તમને દેડકાના બીજા નામ પૂછીએ તો કહેશો દેડકો, મેઢક અને બીજો દેડકો, ત્રીજો દેડકો, ચોથો દેડકો . . . હવે કોન મોડીને હોભરો . . . અંગ્રેજીમાં દેડકાંનાં બે નોમ સે . . . એક તો ફ્રોગ અને બીજું ટોડ. લ્યા અંગ્રેજો તો આપણાં કરતાં આગળ નેકળ્યા. ના ભાઉ, હાવ એવું નથી. અંગ્રેજોના બે નામ બે પ્રકારના દેડકાઓના છે, પરંતુ સંસ્કૃતમાંથી ગબડતી, પડતી, અથડાતી આપણી ગુજરાતીમાંય દેડકાના વિવિધ નામો છે જ. યાહ બડ્ડી . . . હોભળો તાણ . . . દેડકો, મંડૂક, હરિ, મેડક, દાદુર, દેડકું, મેંડક, દર્દુર ! ઉઈમાં . . . અંગ્રેજોની ભાષા જેટલી જ, અરે તેનાથી પણ સમૃદ્ધ આપણી ગુજરાતી પણ છે જ, પણ આજે આપણે વાત ભાષા સમૃદ્ધિની નથી કરવાની. વાત કરવાની છે તે દેડકાં માટે વપરાતા બંને અંગ્રેજી શબ્દો શા માટે તેની વાત કરવાની છે. હું નાનો હતો ત્યારે શાળાથી ઘર જતાં રસ્તામાં આવતી રેલવે લાઈન પર કરેલા કારતૂતો જાણવા જેવા ખરા.

ચોમાસું બેસે, બે ત્રણ વરસાદ થઈ જાય એટલે રેલવે ટ્રેક પર ઘાસ ઊગી નીકળે. અને આ ઘાસમાં અસંખ્ય દેડકીઓ પણ જોવા મળે. બચ્ચાંને અમે દેડકીઓ કહેતા. અમે ઘરેથી પાણી ભરેલી પારદર્શક કાચની એક બોટલ રાખતા અને આ દેડકીઓને તેમાં કેદ કરી લેતા. એકવાર મા જોઈ ગઈ એટલે સ્મૃતિમાં ચાંઠા પડી જાય એટલો માર પડેલો. ત્યાર બાદ રેલવે ટ્રેક પરની દેડકીઓએ રાહતના દમ લીધેલા. શાળાના પગથિયાં રીપેર કરવાના થતાં એકવાર શિયાળે એક પથ્થર ઉખાડ્યો તો એક મડદા જેવો વિચિત્ર દેખાતો દેડકો જોયેલો. એના પર પાણી નાખતા તે સજીવન થઈ ગયેલો. એ વખતે અમારા ધ્યાનમાં આવેલું કે એ દેડકો બીજા નદી-તળાવના દેડકાઓ કરતાં અલગ હતો. તો ચાલો આપણે આપણાં અંગ્રેજી ફ્રોગભાઈ અને ટોડભાઈને ઓળખીએ કે એમાં ફરક શું છે.

દેડકાભાઈ એટલે કે ફ્રોગ નદી તળાવના કિનારે જ વસે છે, જ્યારે ટોડભાઈ નદી-નાળાથી દૂર ગમે ત્યાં વસવાની ક્ષમતા ધરાવે છે. દેડકા ઊભયજીવી હોવાથી તેમની ચામડી લીસી અને ચીકણી હોય છે જેના કારણે તેમને પોતાની ચામડીને ભીની રાખવી પડે છે. તેનાથી ઊલટું ટોડની ચામડી ખરબચડી અને રૂક્ષ હોવાથી પાણીની નજીક રહેવાની ફરજ પડતી નથી. ફ્રોગ પોતાના ઈંડા એક મોટા ઝૂમખામાં મૂકે છે, જ્યારે ટોડના ઈંડા એક સળંગ લાઈનમાં મૂકે છે. ફ્રોગના ઈંડામાંથી નીકળતા ટેડપોલિયા સોનેરી રંગના અને પાતળા હોય છે, જ્યારે ટોડના ટેડપોલિયા જાડા અને કાળા ધબ્બ હોય છે. ફ્રોગ્સ કૂદાકૂદ કરીને ચાલતા હોય છે, જ્યારે ટોડ ચાર પેજ ચાલીને અવરજવર કરે છે. આ બંનેમાં સૌથી વધુ ઊડીને આંખે વળગે એવો જે ભેદ છે એ છે તેમના પગમાં આવેલા આંગળામાં. ફ્રોગ્સના આંગળા પાણીમાં તરવાનું હોવાથી ચામડીથી પાતળી જોડાયેલા હોય છે, જ્યારે ટોડના આંગળા પંખીઓ અને માણવાની જેમ અલગ અલગ હોય છે. ફ્રોગ્સના પાછળના પગ લાંબા હોય છે જેનાથી તે ખૂબ ઊંચું અને લાંબુ કૂદી શકે છે, જ્યારે ટોડના પાછળના અને આગળના પગ ટૂંકા અને એકસમાન હોય છે.

હવે જાણીએ આપણાં ફ્રોગભાઈની થોડી આચરજભરી વાતો. ગ્લાસ ફ્રોગના નામે જાણીતું દેડકું હુમલો થાય ત્યારે સંતાવાને બદલે પોતાના લોહીમાં રહેલા રક્તકણોને પોતાના લિવરમાં છુપાવીને મિસ્ટર ઈન્ડિયા બની જાય છે. શિયાળામાં થીજીને મડદું થઈ જતાં ફ્રોગ ગરમી આવતા જ પુનર્જીર્વિત થઈ જાય છે. ગોલાયથ નામના ભીમકાય દેડકાનું વજન નવજાત શિશુ જેટલું એટલે કે અઢી કે ત્રણ કિલોગ્રામ હોય છે. વિશ્ર્વમાંથી નાશ પામેલો એક કીહાન્સી નામનો એક દેડકો હવે માત્ર ટાન્ઝાનિયાના પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળે છે. ગોલ્ડન પોઈઝન ડાર્ટ ફ્રોગનું એક મિલિગ્રામ ઝેર લગભગ ૧૦,૦૦૦ ઉંદરોને મારવા જેટલું કાતિલ હોય છે.

ટોડની ચામડી મોટેભાગે ઝેરી હોય છે. ટોડભાઈના માથાની પાછળ ડોક પાસે પેરોટોઈડ નામની બે ગ્રંથિ હોય છે. તોડભાઈ પર હુમલો થાય ત્યારે તે આ ગ્રંથિમાંથી શિકારીને મારી નાખે અથવા ભયાનક પીડા આપે એવું ઝેર કાઢે છે. ઝેરી ટોડની બધી પ્રજાતિઓમાં કેન ટોડ અને બીજી થોડી જાતિઓ અત્યંત ઝેરી હોય છે. ટોડની પીઠ પર ઉપસેલા મસા હોય છે અને એવી માન્યતા છે કે ટોડને અડવાથી આપણને પણ મસા થાય છે, પરંતુ એ માત્ર માન્યતા જ છે. ટોડ પર હુમલો થાય ત્યારે બચાવમાં જેને આપણે ફૂલણશી દેડકો કહી છીએ તેમ પહેલા તો ફુલાઈને મોટો થાય છે અને એ યુકરી કામ ના આવે ત્યારે તે ઝેરનો આશરો લે છે. અમૂઆક નાટકીયા ટોટડા બચવા માટે પોતે મરી ગયા છે એવું નાટક પણ કરી લે છે !

આસામમાં વરસાદ મોડો પડે અથવા વર્ષમાં સારો વરસાદ થાય એ માટે એક અનોખો રિવાજ છે. અસમિયા લોકો ચોમાસા ઈન્દ્રદેવને રાજી કરવા દેડકા-દેડકીના લગ્ન ધામધૂમથી કરાવે છે. આ મુદ્દે દેડકાના નજરિયાથી વિચારીએ તો પરાણે કરાવાતા આ લગ્નથી નારાજ દેડકા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ જ નોંધાવે કે ‘હું ને મારી દેડકી એય’ને મજાથી લિવ-ઈનમાં જલસા કરતાં’તા અને આ સાલું ટોળું અમને ઉઠાવી ગયું અને અમારી જબરિયા શાદી કરાવી દીધી . . . નોંધો ગુનો આ અજાણ્યા ઈસમોના ટોળાં હામી . . .!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button