વીક એન્ડ

પોતાના જ ઈંડા ખાઈ જનારી ઝેબ્રા માછલી

ફોકસ – કે. પી. સિંહ

ઝેબ્રા માછલી એક તાજા પાણીની એક્વેરિયમ માટેની સૌથી લોકપ્રિય માછલી છે. પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળની અનેક નદીઓ અને તળાવમાં મળી આવે છે, જ્યાં પાણીના છોડ (જલોદભિદ વનસ્પતિ) આવેલા હોય છે. દિવસના સમય દરમિયાન છોડની આસપાસ ટોળું બનાવીને તરતા રહે છે અને રાતના સમયે ભોજન કરે છે. ઝેબ્રા માછલીનું શરીર પાતળું અને ચપટું હોય છે. મોંઢા પાસે મુછની બે જોડી હોય છે. તેની લંબાઈ ત્રણ સેન્ટિમીટરથી લઈને પાંચ સેન્ટિમીટર સુધી હોય છે. કેટલાક કિસ્સામાં છ ઈંચ લાંબી ઝેબ્રા માછલી પણ જોવા મળી જાય છે. ઝેબ્રા માછલીના શરીર પર ચૂઈથી લઈને પુંછડીના મૂળ સુધી ચાર સોનેરી રેખા હોય છે. આ જ સોનેરી રેખાને કારણે તેને ઝેબ્રા માછલી કહેવામાં આવે છે. ઝેબ્રા માછલીની પીઠની મીન પાંખનો રંગ આસમાની હોય છે. તેનો આધાર પીળો હોય છે અને છેડો સફેદ હોય છે.
ઝેબ્રા માછલી સંપૂર્ણ રીતે માંસાહારી માછલી છે. તે સામાન્ય માછલીઓની સરખામણીએ વધુ ભોજન ગ્રહણ કરે છે. માછલી જીવને ગળી જાય છે અને તેને પોતાનો આહાર બનાવે છે. તે પોતાની જાતીની નાની માછલીઓને તો ખાતી નથી, પરંતુ પોતાના ઈંડાને પોતાનો આહાર બનાવી નાખે છે. આને કારણે જ એકવેરિયમમાં તેના પ્રજનનના સમયે વિશેષ રૂપે ધ્યાન રાખવું પડે છે.
ઝેબ્રા માછલીમાં બાહ્ય સમાગમ અને બાહ્ય ગર્ભાધાન જોવા મળે છે. નર અને માદા બંને બહારથી એકસમાન દેખાય છે. પ્રજનન કાળમાં માદા ઝેબ્રા માછલી પહેલાં કરતાં થોડી જાડી, ફૂલેલી અને માંસલ દેખાય છે. આનાથી જ તેને ઓળખી શકાય છે. નર સમાગમને માટે માદાની તપાસમાં ફરતો રહે છે. સમાગમ ઈચ્છુક માદા મળી ગયા બાદ બંને મળીને પાણીમાં તરે છે અને પાણીના છોડની વચ્ચે જઈને વિશેષ અવસ્થામાં આવે છે. તેઓ આસપાસથી એકબીજાને ચિપકેલા જોવા મળે છે. આ જ સમયે માદા ઝેબ્રા માછલી ઈંડા મૂકે છે અને નર તેના પર પોતાના શુક્રાણુ છોડીને તેનું ફલીકરણ કરતા હોય છે. માછલીના ઈંડામાં તેલનાં ટીપાં હોતા નથી તેથી તે પાણી કરતાં ભારે હોય છે અને તે પાણીના તળિયે પહોંચી જાય છે. જેવા ઈંડા તળિયે જઈ રહ્યા હોય છે કે તરત જ નર અને માદા બંને તેના પર તૂટી પડે છે અને તેને ખાવાનો પ્રયાસ કરે છે. જે ઈંડા આવા સમયે તળિયા સુધી પહોંચી જાય છે તે બચી જાય છે અન્યથા જન્મ દેનારા નર અને માદા જ તેને પોતાનો આહાર બનાવી નાખે છે.
એક્વેરિયમમાં ઝેબ્રા માછલીના ઈંડાને બચાવી લેવા માટે એવા એક્વેરિયમમાં રાખવામાં આવે છે જેનું તળિયું ઘણું છીછરું હોય. તેમ જ તળેટીમાં પથ્થર અને કાંકરા રાખવામાં આવે છે. ઈંડા મૂકવાની સાથે જ તે ઝડપથી નીચે પહોંચી જાય છે અને બચી જાય છે. કાંકરા અને પથ્થર પણ એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેની વચ્ચે જઈને જો નર કે માદા પોતાના ઈંડા ખાવાનો પ્રયાસ કરે તો તેઓ ફસાઈ જાય છે. ઈંડાની સુરક્ષા માટે નાયલોનની દોરીઓ તેમ જ ધાતુની જાળનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેથી ઈંડા સુરક્ષિત રીતે તળિયે પહોંચી જાય છે અને નર કે માદા તેને ખાઈ શકતા નથી.
માદા ઝેબ્રા એક સમયે અંદાજે 200 ઈંડા મૂકતી હોય છે અને નૈસર્ગિક સ્થિતિમાં તે આમાંથી અડધા ઈંડા ભક્ષ્ય કરી જાય છે. એક્વેરિયમમાં ઘણા ઈંડા સુરક્ષિત બચી જાય છે. ઝેબ્રા માછલીના ઈંડા બે દિવસ સુધી તળિયે પડ્યા રહે છે. ત્રીજા દિવસે તે પરિપક્વ થઈને ફૂટે છે અને તેમાંથી નાના બચ્ચાં બહાર આવે છે. ઝેબ્રા માછલીના નવજાત બચ્ચા ઘણા અસહાય હોય છે અને બીજા બે દિવસ સુધી તેઓ સુસ્ત પડ્યા રહે છે. બે દિવસ બાદ તેઓ તરવાનું ચાલુ કરે છે. તેમ જ પ્લેન્ક્ટેનના અતિ સુક્ષ્મ જીવ ખાવા લાગે છે. તેમનો વિકાસ ઘણો ઝડપથી થાય છે તેમ જ એક વર્ષમાં જ તેઓ વયસ્ક અર્થાત પ્રજનનને યોગ્ય થઈ જાય છે. ઝેબ્રા માછલીનું આયુષ્ય ઘણું ઓછું હોય છે. તે બે વર્ષમાં તો વૃદ્ધ થઈ જાય છે. તેમ જ ત્રણ વર્ષ સુધીમાં તો મૃત પાય થઈને મરી જાય છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button