ફલક કે પાર હોતી હૈ, કલેજે મેં ઉતરતી હૈ,હમારી એક-એક ફરિયાદ દો-દો કામ કરતી હૈ
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
ઉર્દૂ ગઝલના ઈતિહાસમાં ઓગણીસમી સદીના અંતિમ ભાગને મિરઝા ‘દાગ’ (ઈ.સ. ૧૮૩૧-૧૯૦૫)ના યુગ તરીકે ઓળખવામાં આવે છે. ‘નૂહ’નારવી ‘દાગ’ના ખાસ શિષ્ય હતા. ‘નૂહ’ પોતે વર્ષો સુધી હૈદરાબાદમાં રહ્યા હતા અને તેમના ગુરુ ‘દાગ’ની સેવાચાકરી કરી હતી. આથી ‘દાગ’ની શાયરીમાં રંગીની અને ચંચળતાનાં જે તત્ત્વો છે તે ‘નૂહ’ની શાયરીમાં પણ જોવા મળે છે. કદાચ તેથી જ ‘નૂહ’ પોતાને ‘દાગ’ના જાનશીન એટલે કે ઉત્તરાધિકારી તરીકે ઓળખાવતા હતા. ‘નૂહ’ના ૪૦૦ શિષ્યો હતા. આ શાયર-શિષ્યો તેમની રચનાઓ ‘નૂહ’ને મઠારવા માટે આપતા. આ શિષ્યોમાંથી શ્રી સુખદેવપ્રસાદ ‘બિસ્મિલ’ ઈલાહાબાદી તેમના માનીતા શિષ્ય ગણાય છે. ઈલાહાબાદ જિલ્લાના નારા નામના ગામમાં ૧૮ સપ્ટેમ્બર૧૮૭૬ના રોજ ‘નૂહ’નો જન્મ થયો હતો. આથી તેમણે તેમનું તખલ્લુસ ‘નૂહ’નારવી રાખ્યું હતું. ઈ.સ. ૧૮૫૭ની ક્રાંતિમાં અંગ્રેજ સરકારને મદદ કરવા બદલ આ ગામ ‘નૂહ’ના પિતાને ભેટમાં મળ્યું હતું. તે જમાનામાં ‘નૂહ’ના પિતાની વાર્ષિક આવક આશરે દસ હજાર રૂપિયા હતી. ‘નૂહે’ તેમનું પ્રાથમિક શિક્ષણ આ ગામમાં જ લીધું હતું. તેમણે અરબી-ફારસી ઉપરાંત અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. તેમના ‘સફીનએ-નૂહ’ અને ‘તૂફાને-નૂહ’ નામના ગઝલ-સંગ્રહો પ્રકાશિત થયા છે.
‘નૂહ’ની ગઝલો તગઝ્ઝુલ (પ્રણયરંગ-રસ)થી ભરપૂર છે. તેમાં માધુર્ય અને ઊર્મિશીલતાનો સમન્વય છે. માશૂકા, સનમ, સજનીની પ્રશંસા કરતા તેમજ તેની સાથે ફરિયાદ કરતા કેટલાયે શે’ર તેમની પાસેથી મળ્યા છે. ભાષાનું સૌષ્ઠવ, ધારદાર રજૂઆત અને વ્યંજના તેમની શાયરીની આગવી લાક્ષણિકતાઓ છે.
તેમની વિવિધરંગી શાયરીનો હવે રસાસ્વાદ કરીએ.
જબ તબીઅત કિસી પે આતી હૈ,
મૌત કે દિન કરીબ હોતે હૈ.
જ્યારે કોઈ (સનમ)ના પર દિલ લાગી જાય ત્યારે સમજી લેવું (જરૂરી) છે કે હવે મૃત્યુનો દિવસ નજીક આવી ગયો છે.
ક્યૂં કર બસર હુઈ શબે-ફુરકત ન પૂછિયે,
સબ મુઝ સે પૂછિયે, યે હકીકત ન પૂછિયે,
વિરહની રાત્રિ કેવી રીતે પસાર થઈ એ વિશે મને પૂછશો નહીં. તમે મને બીજું કોઈ પણ પૂછી શકો છો, પણ આ ઘટના વિશે મને કોઈ સવાલ કરશો નહીં.
ફલક કે પાર હોતી હૈ, કલેજે મેં ઉતરતી હૈ,
હમારી એક-એક ફરિયાદ દો-દો કામ કરતી હૈ.
અમારી બધી જ રાવ-ફરિયાદ બબ્બે વખત કામ કરે છે. તે આકાશ વિંધીને તેની પેલે પાર પ્હોંચી જાય છે તો વળી તે (તમારા) કાળજામાં પણ ખૂંપી જાય છે.
અદા આઈ, જફા આઈ, ગરૂર આયા, હિજાબ આયા,
હઝારો આફતે લે કર હસીનો કા શબાબ આયા.
હાવભાવ-નખરા આવ્યા, અત્યાચાર આવ્યો, અહંકાર આવ્યો, તો સંકોચ પણ આવ્યો. આવા પ્રકારની હજારો આફતોને સાથે લઈને રૂપસુંદરીઓની જુવાની પણ આવી ચડી.
આપ હૈં, હમ હૈં, મય હૈં, સાકી હૈં,
યહ ભી ઈક અમ્ર ઈતિફાકી હૈ.
તમે છો, હું છું, સુરા છે અને વળી (અધૂરામાં પૂરું) સાકી (પીવડાવનારી) પણ છે. આવો સુઅવસર પણ એક યોગાનુયોગ છે!
ઈશ્ક ને દિલ કો પુકારા ઈસ તરહ,
મૈં યે સમઝા આપ કી આવાઝ હૈ.
આ મોહબ્બતે દિલને એવી રીતે સાદ આપ્યો કે હું તો તેને તમારો અવાજ (પ્રતિસાદ) સમજી બેઠો.
ઉન સે મિલ કર મૈં ઉન્હીં મેં ખો ગયા,
ઔર જો કુછ હૈ, વો આગે રાઝ હૈ.
હું એમને મળ્યો અને એમનામાં (પૂરેપૂરો) ખોવાઈ ગયો. તે પછી જે કંઈ બન્યું તે વિશેનું રહસ્ય હવે પછી પ્રગટ થશે.
અરે ચૌંક યે ખ્વાબે-ગફલત કહાં તક?
સહર હો ગઈ ઔર તૂ સો રહા હૈ?
તું સાવધાન થઈ જા અને જાગી (ઊડી) જા. તું ક્યાં સુધી ગફલત (બેદરકારી-નાદાની)નાં સ્વપ્નાં સેવ્યાં કરીશ? સવાર થઈ ગઈ છે અને હજુ તું સૂતો રહ્યો છે?
ઔર તો ઉલ્ફત ન નિભને કા સબબ કોઈ નહીં,
યા બુરાઈ આપ મેં હૈ, યા બુરાઈ હમ મેં હૈ.
પ્રેમને ન નભવાનું અન્ય કોઈ કારણ દેખાતું નથી. માટે જો ખરાબી-બુરાઈ હોય તો તે કાં તો તમારામાં છે યા તો મારામાં છે.
બાદ મરને કે ભી દિલ લાખોં તરહ કે ગમ મેં હૈ,
હમ નહીં દુનિયા મેં લેકિન એક દુનિયા હમ મેં હૈ.
મૃત્યુ પછી પણ શાંતિ ક્યાં છે? મૃત્યુ પછી યે આ દિલ લાખો પ્રકારનાં દુ:ખોમાં સંડોવાયેલું રહે છે. હું ભલે આ દુનિયામાં રહ્યો નથી પણ બીજી એક દુનિયા મારામાં વસેલી છે.
મયકદે મેં કભી તૌબા કો જો આતે દેખા,
એક દીવાર ખડી હો ગઈ પૈમાનોં કી.
સુરાપાન કરનાર મયકશ જ્યારે સુરા ન પીવાની કસમ (સોગંદ) ખાય છે તેને “તૌબા કહેવામાં આવે છે. આ સંદર્ભ લઈને શાયરે સરસ વાત કરી છે. એક વખત એમોએ આ તૌબાને સુરાલય તરફ આવતી જોઈ! એ પછી તો પ્યાલીઓની એક (આખી) ભીંત ચણાઈ ગઈ!
‘તૂહ’ કી આંખો સે નિકલે સૈકડો તૂફાને-અશ્ક,
ઉન કા રોના ભી હૈં તો દરિયા દિલી કે સાથે હૈ.
શાયરની આંખોમાંથી સેંકડો આંસુઓનાં તોફાન વહી ગયાં. તેમનું આમ રડવું પણ દરિયાની ઉદારતા જેવું છે.
ન ખટકા ઉસ કો દોજખ સે, ન ખ્વાહિશ ઉસ કો જન્નત કી,
ખુદા રખ્ખે અલગ દુનિયા સે, હૈ દુનિયા મોહબ્બત કી.
તેને નરક (જહન્નમ)ની ચિંતા નથી કે તેને સ્વર્ગની પણ કોઈ ઈચ્છા નથી તેનું જગત તો પ્રેમનું છે. ખુદા આ આ પ્રેમીને દુનિયાદારીથી સાવ અલગ રાખે તે જ ઈચ્છનીય છે.
ખુદા કે ડર સે તુમ કો હમ ખુદા તો કેહ નહીં સકતે,
મગર લુત્ફે-ખુદા, કહરે-ખુદા, શાને-ખુદા તુમ હો.
ખુદાના ભયને લીધે અમે તમને ખુદા કહી શકીએ તેમ નથી પણ ખુદાની કૃપા (મજા-આનંદ) તમે જ છો, ખુદાનો ક્રોધ પણ તમે જ છો અને ખુદાની શાન (વૈભવ) પણ તમે જ છો. આટલું કહીને શાયરે માશૂકાની અને ખુદાની-બંનેની કેવી અને કેટલી પ્રશંસા કરી છે તે જોઈ શકાય છે. ગઝલનો જન્મ પ્રિયતમા સાથેની ગુફતગૂમાંથી થયો છે તે વાતનો નક્કર પુરાવો આ શે’ર આપી દે છે.
ખારે-સહરા ખુદ કફે-પા સે અલગ હો જાયેંગે,
આપ વો કાંટા નિકાલે જો હમારે દિલ મેં હૈ.
રણના કંટકો તો આપમેળે જ પગના તળિયામાંથી નીકળી જશે, પરંતુ અમારા દિલમાં જે ભોંકાયેલો છે તે કાંટો તો તમે કાઢી આપો. (જેથી અમને થોડી રાહત થાય.)
અસીરાને-કફસ કો વાસ્તા કયા ઈન ઝમેલોં સે?
ચમન મેં કબ ખિઝાં આઈ, ચમન મેં કબ બહાર આઈ?
જે પિંજરામાં કેદ છે તેને બગીચામાં ક્યારે પાનખર આવી અને ક્યારે વસંત બેઠી તેવી વાતો સાથે ક્યાં કશો સંબંધ હોય છે?
વફા-ઓ-મેહર કે બાદ આપ કા મગરૂર હો જાના,
યે ઐસા હૈ કિ જૈસે પાસ હો કર દૂર હો જાના.
તમારી વફાદારી અને કૃપા (મેળવ્યા) પછી તમારું આમ ઘમંડી થઈ જવું એ એવું લાગી રહ્યું છે કે તમે મારી નજીક હોવા છતાં ય તમે જાણે મારાથી દૂર થઈ ગયા છો!
વો નાદિમ હુવે કત્લ કરને કે બાદ,
મિલી ઝિન્દગી મુઝકો મરને કે બાદ.
મને કતલ કર્યા પછી તેઓ જે રીતે શરમ અનુભવતાં હતાં તે પરથી મને લાગ્યું કે મરણ પછી મને જાણે ફરીથી નવું જીવન મળી ગયું.
હમ ઉન કો ક્યૂં કહેં આઝારે-દુનિયા મુલ્તવી કર દો,
તબીઅત રફતા રફતા ખૂગરે-ગમ હોતી જાતી હૈ.
મને દુનિયાનાં દુ:ખો આપવાનું મોકૂફ રાખો એમ હું એમને શા માટે કહું? કારણ કે ધીમે ધીમે મારી પ્રકૃતિ આ દુ:ખોથી ટેવાતી જાય છે.
કબ્રોં કે મનાઝિર ને કરવટ ન કભી બદલી,
અન્દર વહી આબાદી, બાહર વહી વીરાના.
કબરોનાં દૃશ્યોએ ક્યારેય પણ પડખું બદલ્યેું નહીં. કબરની અંદર તો એ જ વસ્તી છે અને કબરની બહાર તો એ જ પ્રકારની વેરાની છે!