વીક એન્ડ

સુંદરતા ને ઝળહળાટની બાબતમાં અસલી હીરાને પાછળ પાડી દેતા નકલી હીરા

કવર સ્ટોરી -એન. કે. અરોરા

શું નકલી હીરા પણ હવે અસલી હીરાની સ્પર્ધા કરી રહ્યા છે? જી હા, નકલી હીરા, અસલી હીરા કરતાં વધુ ઝળહળે છે અને કોઈ જણાવે તો જ આપણને ખબર પડે કે આપણા હાથમાં છે તે હીરો અસલી નહીં પણ નકલી છે. આ બાબતનો અહીં ઉલ્લેખ કરવાનો આશય માત્ર એટલો જ છે કે આજની તારીખમાં નકલી હીરા એટલી હદે અસલી જેવા દેખાઈ રહ્યા છે કે આ હીરા જોઈને ઝવેરીને બાદ કરતા ભાગ્યે જ કોઈ પારખી શકે કે આ હીરા અસલી છે કે નકલી. ગયા વરસે એટલે કે વર્ષ ૨૦૨૩માં અમેરિકા યાત્રા દરમિયાન જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલો એક હીરો અમેરિકાના પ્રમુખ જૉ બાઈડનની પત્ની જિલ બાઈડનને આપ્યો હતો તે સાડાસાત કેરેટના આ હીરાને જિલ બાઈડન પણ જાણી નહોતી શકી કે આ હીરો અસલી છે કે નકલી. હકીકતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઈકો ફ્રેન્ડલી નકલી હીરો આપ્યો હતો. જિલ બાઈડનને ભેટમાં મળેલો આ ગ્રીન ડાયમંડ સૌથી વધુ પસંદ પડ્યો હતો જે ખરેખર તો પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યો હતો.

પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યો હોવાનો મતલબ એ નથી કે તેની કિંમત ઓછી છે. હકીકતમાં તે અણમોલ હીરો હતો અને અત્યાધુનિક ટૅકનિકથી તે બનાવવામાં આવ્યો હતો.

કહેવાનો મતલબ એ છે કે આધુનિક ટૅકનિકની મદદથી બિલકુલ અસલી જેવા જ નકલી હીરા બનાવવામાં આવે છે. આ પ્રકારના હીરા બનાવવા માટે અક્ષત ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. ભલે આ હીરા નકલી હોય, પરંતુ તેની અંદર પણ ચળકાટ અને રાસાયણિક ગુણ અસલી હીરામાં હોય એવા જ હોય છે અને જે રીતે અસલી હીરામાંથી પસાર થઈને પ્રકાશ સપ્તરંગોમાં બદલાઈ જાય છે તે જ રીતે નકલી હીરામાં પણ એવું જ જોવા મળે છે. મતલબ અસલી હીરાના તમામ ગુણ નકલી હીરામાં પણ જોવા મળે છે. એવામાં સ્વાભાવિક રીતે જ કોઈ પૂછી શકે છે કે તો પછી આ નકલી હીરા નકલી કેમ છે?

અસલી હીરા કરતા પણ વધુ સારા બનતા આ નકલી હીરા એ માટે બનાવવામાં આવે છે અને ભવિષ્યમાં પણ બનાવવામાં આવશે કેમ કે ધરતીમાંથી મળી આવતા પ્રાકૃતિક હીરાની પોતાની એક મર્યાદા છે. ધરતીના પેટાળમાં જેટલા હીરા છે તે બહાર કાઢી લેવામાં આવ્યા છે કે જલદી જ તે બહાર કાઢી લેવામાં આવશે, પરંતુ હીરા માટેનો લોકોનો પ્રેમ જરા પણ ઓછો નથી થયો અને આવનારાં ભવિષ્યમાં પણ તે ઓછો થવાનો નથી. આ કારણે જ વૈજ્ઞાનિકોએ અથાક પ્રયાસ કરીને લોકોની આ દુખતી નસને પંપાળવા માટે બિલકુલ અસલી હીરા જેવા જ નકલી હીરા બનાવ્યા છે અને ભવિષ્યમાં પણ બનાવતા રહેશે કેમ કે લોકોમાં હીરા પરત્વેનો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય.

વાસ્તવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડીને જે કૃત્રિમ હીરો આપ્યો હતો એ ગુજરાતના સુરત શહેરની એક જાણીતી કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો. સુરત માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સંપૂર્ણ વિશ્ર્વ માટે હીરા ઉદ્યોગનું કેન્દ્ર છે. જો દિવસમાં વિશ્ર્વમાં ૧૧ હીરાનું કટિંગ કરવામાં આવે તો તેમાંથી નવ હીરાનું કટિંગ અને પૉલિશ સુરતમાં થાય છે. આ કંપનીએ બિલકુલ પ્રાકૃતિક ઊર્જાથી હીરા બનાવવા માટે ૯૦ એકરમાં ફેલાયેલા ફાર્મ હાઉસમાં પચીસ મૅગાવૉટનો પ્લાન્ટ લગાડ્યો છે જેથી કરીને જે કૃત્રિમ હીરા બને તેમાં જરા પણ અપ્રકૃતિક લાઈટ કે પરંપરાગત ઊર્જાનો ઉપયોગ ન થાય. સુરતની આ કંપનીમાં હજારો લોકો કામ કરે છે અને આ કંપનીએ અત્યાર સુધીમાં એક લાખ પચીસ હજાર કેરેટ કરતાં વધુ હીરા તૈયાર કર્યા છે.

અસલી હીરા પૃથ્વીના પેટાળમાંથી નીકળે છે જ્યાં અતિ દબાણ અને તાપમાન કાર્બનનાં અન્ય સ્વરૂપોને હીરામાં બદલી નાખે છે. પરંપરાગત રીતે બનતા હીરાઓને જોઈને એક રશિયન વૈજ્ઞાનિકે પહેલો આવો નકલી હીરો તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો જે બિલકુલ અસલી જેવો જ હતો. તેણે માત્ર એટલું જ કર્યું હતું કે મશીનમાં ધાતુ અને ગ્રેફાઈટના મિશ્રણને એક બૉક્સમાં રાખી તેને અતિ દબાણ અને તાપમાનમાં રાખી તેને હીરામાં પરિવર્તિત કરવાની કલ્પના કરી હતી અને તેને તેમાં એક હદ સુધી સફળતા પણ મળી હતી. આ નકલી હીરામાં અસલી હીરાનો એક કણ કે બીજ હોય છે અને પછી તેની આજુબાજુ જ હીરો તૈયાર થવા લાગે છે. અંતે એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતો હીરો તૈયાર થઈ જાય છે. આ ટૅકનિકની મદદથી સૌપ્રથમવાર જે હીરો તૈયાર કરવામાં આવ્યો હતો તે બિલકુલ અસલી હીરા જેવો જ હતો અને હવે તેમાં સુધારો કરવામાં આવ્યા બાદ તો એવા હીરા તૈયાર થવા લાગ્યા છે જે અસલી કરતાં પણ વધુ સારા હોય. જોકે તેને વધુ સારા એટલા માટે પણ ન કહી શકાય કેમ કે એમ કહેવું એ અસલી હીરાનું અપમાન કરવા બરાબર હશે. કોઈ નકલી વસ્તુ ભલે ગમે તેટલી અસલી જેવી જ હોય, પરંતુ અંતે તેને નકલી જ માનવામાં આવશે.

અમેરિકાની એક કંપની આવા હીરા બનાવે છે જે ખરેખર પ્રકૃતિક હીરા કરતાં પણ શ્રેષ્ઠ હોય છે. હીરા ખરેખર તો રાસાયણિક પ્રક્રિયા, બાફ અને એક ખાસ પરાવર્તિત વસ્તુ એકત્ર થવાથી તૈયાર થાય છે જેને સીબીડી ટૅકનિક કહે છે જેમાં એક અસલી હીરાની પાતળી પરત કે કણ પર હીરાની ઈંટ ઉગાડવામાં આવે છે અને આ ઈંટને એક ખૂબ જ ઓછા દબાણવાળા એક એવા પાત્રમાં રાખવામાં આવે છે જેની ઉપરથી મિથેન અને હાઈડ્રોજન ગૅસને પ્રવાહિત કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી માઈક્રોવેવની મદદથી ઉચ્ચ તાપમાને એક ડાયમંડ પ્લાઝમા તૈયાર કરવામાં આવે છે. જેમાંથી નીકળેલા કાર્બનના કણ હીરાની પાતળી પરત કે કણ પર જમા થઈ એક મોટી ઈંટ જેવા બની જાય છે. ત્યાર બાદ આ ઈંટને કલાત્મક રીતે અલગ અલગ ઍન્ગલથી કાપવામાં આવે છે અને આ રીતે તૈયાર થયેલા નકલી હીરા અસલી હીરાને પડકાર આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button