વીક એન્ડ

મોત સામે ઊભું હોય ત્યારના સંવાદો કેવા હોઈ શકે?

અનેક જહાજોએ ડૂબતા પહેલા જે સંદેશવ્યવહાર કર્યો, એની વાત

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

વડોદરામાં જે કરુણાંતિકા સર્જાઈ, એણે સહુને કારમો આઘાત આપ્યો છે. એક હોડી અચાનક ઊંધી વળી જાય, અને સંખ્યાબંધ માસૂમ બાળકોએ જળસમાધિ લેવી પડે, એ ઘટના પાષાણ હૃદયોને ય પીગળાવી મૂકે! માતા-પિતાના હૈયાફાટ આક્રંદ વિષે, બેદરકારી અને જવાબદારીઓ વિષે કે પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટની આપણી અણઆવડત વિષે પાનાઓ ભરી ભરીને વાતો થયા કરશે. પણ ક્યારેક એવો ય વિચાર આવી જાય, કે પેલા માસૂમ બાળકોને અંતિમ ક્ષણોમાં શું વિચાર આવ્યો હશે? બચવા માટે એમણે કેવા તરફડિયા માર્યા હશે! મૃત્યુ જેની સામે ઊભું હોય એવી વ્યક્તિને જો સંવાદની તક મળે, તો એ સામેવાળાને કેવો મેસેજ પહોંચાડે? આપણી સંવેદનાઓને હચમચાવી મૂકે એવા પ્રશ્ર્નો છે આ. જળાશયોમાં કે સમુદ્રોમાં નાની નૌકાઓથી માંડીને મોટાં જહાજો ડૂબી જવાની અનેક ઘટનાઓ ઇતિહાસના ચોપડે નોંધાતી રહે છે. ટાઈટેનિક અને હાજી કાસમની વીજળી જેવી ઘટનાઓ તો દંતકથાની કક્ષાએ પહોંચી છે. પણ આવા બીજા ઘણા બનાવો છે, જેમાં ડૂબતા જહાજમાં મુસાફરી કરી રહેલા લોકોના મેસેજીસ રેકોર્ડ થયા હોય! ખાસ કરીને કોસ્ટગાર્ડના રેકોર્ડ્સમાં આવી – છેલ્લી ક્ષણોની વાતચીતના સંવાદો જડતા હોય છે.

સૌથી જાણીતી ઘટના ગણાય, એવા ટાઈટેનિકથી જ શરૂઆત કરીએ. એ તો જાણીતી વાત છે કે ૧૪ એપ્રિલ, ૧૯૧૨નાં રોજ ટાઈટેનિક આઈસબર્ગ સાથે અથડાઈ, એ સમયે એની નજીકના સમુદ્રિય વિસ્તારોમાં બીજી ત્રણ શિપ્સ પણ સર ખેડી રહી હતી. આ ત્રણ શિપ્સ હતી કાર્પેથિયા, ફ્રેન્કફર્ટ અને ઓલિમ્પિક. ટાઈટેનિક બનાવનાર કંપની વ્હાઈટ સ્ટારલાઈન દ્વારા જ ટાઈટેનિકની જોડિયા બહેન જેવી ઓલિમ્પિક પણ બનાવવામાં આવેલી, અને આ બંને શિપ્સને જોડતી કથાઓ વિષે આપણે આ કટારમાં અગાઉ વિગતવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. આઈસબર્ગ સાથે ટાઈટેનિકની અથડામણ બાદ જ્યારે કેપ્ટન સહિતના ક્રૂ મેમ્બર્સને લાગ્યું કે તોતિંગ સ્ટીમરને ગજા બહારનું નુકસાન થઇ ગયું છે, ત્યારે ટાઈટેનિક દ્વારા બાકીની ત્રણ સ્ટીમર્સને ટેલિગ્રાફ મેસેજીસ મોકલવામાં આવ્યા.
આ પૈકી કાર્પેથિયા ૧૯૦૩થી સર્વિસમાં હતી. એટલે પોતાની પ્રથમ સફર ખેડી રહેલી ટાઈટેનિકની સાપેક્ષે કાર્પેથિયા ખાસ્સી ‘સિનિયર’ ગણાય. ટાઈટેનિકના ચીફ ટેલિગ્રાફિસ્ટ જેક ફિલીપ અને એના આસિસ્ટન્ટ હેરોલ્ડ બ્રાઈડ દ્વારા કાર્પેથિયાને જે ટેલિગ્રાફિક મેસેજ મોકલાયો, એ આ મુજબ હતો:
“”Come at once. We have struck a berg. It’s a CQD, old man”. અર્થાત, બને એટલી ઝડપથી આવો. અમે આઈસબર્ગ સાથે અથડાઈ પડ્યા છીએ અને તમારી તાત્કાલિક મદદની જરૂર છે. અહીં CQD એ ટેકનિકલ ટર્મ તરીકે વપરાય છે, જે ‘સીક યુ (CQ), ડીસ્ટ્રેસ (D)’ નાં ટૂંકા સ્વરૂપ તરીકે વપરાય છે.

બીજી સ્ટીમર ફ્રેન્કફર્ટને મોકલાયેલા મેસેજમાં કહેવાયું હતું કે, અમે આઈસબર્ગ સાથે અથડાઈને ડૂબી રહ્યા છીએ (sinking by the head).
આ સિવાય ટાઈટેનિક દ્વારા બીજા પણ મેસેજીસ તરતા મૂકવામાં આવેલા, જેમાં કહેવાયું હતું કે, “અમે સ્ત્રીઓ અને બાળકો સહિત બને એટલા મુસાફરોને નાની બોટ્સમાં બેસાડીને ઉતારી રહ્યા છીએ. અમારાથી હવે વધુ ટકી શકાય એમ નથી. (Cannot last much longer. Losing power.)
બીજો એક મેસેજ હતો, “આ મેસેજ ટાઈટેનિક પરથી
વહેતો કરવામાં આવ્યો છે. CQD. એન્જિન રૂમમાં પાણી ભરાવા માંડ્યું છે.

આ બધાના પ્રત્યુત્તર તરીકે ઓલિમ્પિક તરફથી જવાબ વાળવામાં આવ્યો કે અમે ફૂલ સ્પીડ પકડી લીધી છે, બને એટલી ઝડપથી પહોંચી રહ્યા છીએ.

…અને, ટાઈટેનિક ડૂબ્યું, એની થોડી મિનિટ્સ પહેલા લાસ્ટ મેસેજ રિલીઝ કરવામાં આવ્યો, “”Come quick. Engine room nearly full.” એન્ડ રેસ્ટ ઇન હિસ્ટ્રી.
જ્યાં ટાઈટેનિક ડૂબેલું, ત્યાં જ…
૧૯૯૧ના પાનખરમાં એક નાની ફિશિંગ ટ્રોલર એન્ડ્રીયા ગેઇલ એક ખતરનાક તોફાનમાં ફસાઈ! એન્ડ્રીયા ગેઈલ કોઈ મોટી શિપ નહોતી, અને એનો મુકાબલો જેની સામે થવાનો હતો, એ દરિયાઈ તોફાન ખરા અર્થમાં ‘રાક્ષસી’ હતું. આ તોફાનને “ધ પરફેક્ટ સ્ટોર્મ નામ અપાયેલું, અને પછીથી આ તોફાન ઉપરથી એ જ નામની મૂવી પણ બનેલી. ફ્લોરિડાથી નોવા સ્કોટીયા સુધીનો દરિયાકિનારો ધ પરફેક્ટ સ્ટોર્મની અસર હેઠળ હતો. ખેદજનક બાબત એ હતી કે એન્ડ્રીયા ગેઇલ ગ્લોસેસ્ટરથી એક મહિના લાંબી માછીમારીની સફર માટે ન્યુફાઉન્ડલેન્ડના દરિયાકાંઠે રવાના થઈ, ત્યારે ભયાનક તોફાનનો કોઈ અંદાજો જ નહોતો! વાવાઝોડું કેટલું ઘાતક હતું એ સમજવા માટે એક જ વાત પૂરતી છે. રેકોર્ડ્સ મુજબ એ સમયે સમુદ્રના મોજા ૧૦૦ ફીટ (૩૦.૫-મીટર) જેટલા ઊંચે સુધી ઉછળતા હતા! આ વાવાઝોડાએ માત્ર સમુદ્રમાં જ નહિ પણ જમીની વિસ્તારોમાં પણ તબાહી વેરેલી.

અહીં ડ્રામેટિક આયરની એવી છે કે જે રીતે પોતાની મેઇડન વોયેજ પર નીકળેલું ટાઈટેનિક સમુદ્રની સાચી પરિસ્થિતિનો અંદાજ મેળવવામાં થાપ ખાઈ ગયું, એ જ રીતે એન્ડ્રીયા ગેઇલ પણ આવનારા તોફાનને નજર અંદાજ કરી ગયું. અને બીજી ખાસ વાત તો એ, કે ટાઈટેનિક જ્યાં ડૂબ્યું, એ જ વિસ્તારમાં એન્ડ્રીયા ગેઇલ પણ જઈ પહોંચ્યું! એન્ડ્રીયા ગેઇલના કેપ્ટન બિલી ટાઇન છેલ્લી મિનિટ્સમાં જે બોલતો હતો, એ મેસેજ કોસ્ટ ગાર્ડ સુધી પહોંચ્યો ખરો, પણ તેઓ કશું કરી શકે એમ નહોતા.
છેલ્લે રેકોર્ડ થયેલા સંવાદ મુજબ કેપ્ટન ટાઈન પોતાના ખલાસીઓને ઉદ્દેશીને કહી રહ્યો હતો, “જવય’ત “”She’s coming on, boys, and she’s coming on strong!” (બોયઝ, તોફાન નજીક આવી રહ્યું છે, અને આ તોફાન બહુ ભયાનક જણાય છે!) આ છેલ્લો મેસેજ કોસ્ટ ગાર્ડને મળ્યા બાદ સંપર્ક કપાયો, પછી ખબર પડી કે એન્ડ્રીયા ગેઇલ ડૂબી અને કોઈ બચ્યું નહોતું. તોફાન વિશેની કેપ્ટન બિલી ટાઇનની વાત બહુ ખરાબ રીતે સાચી
પડી હતી.

મને જીવવાનો હક નથી…!
આવી જ એક ફિશિંગ ટ્રોલર ઓર્યોન્ગ ૫૦૧ અને એના કેપ્ટન કિમ ગ્યે-હવાન (Kim Gye-hwan)ની વાત કોઈ વાર્તા જેવી હૃદયસ્પર્શી છે. કિમ અને યાન્ગ વુ ખાસ મિત્રો હતા. બંનેએ ક્રૂ મેમ્બર્સ તરીકે સાથે કામ કરેલું. ૧ ડિસેમ્બર, ૨૦૧૪ને દિવસે રશિયા નજીક બેરીંગ સમુદ્રમાં ઓર્યોન્ગ ડૂબી, ત્યારે એના કેપ્ટન તરીકે કિમ ગ્યે-હવાન ડ્યૂટી પર હતો. એણે પોતાના ખાસ મિત્ર યાન્ગ વુ સાથે સામાન્ય વાતચીત દરમિયાન કહ્યું કે બોટ પર બધું ઓલરાઈટ છે. પણ આ વાત થઇ એની દસ જ મિનિટ્સમાં બોટ ડાબી બાજુએ ઢળવા માંડી, અને લગભગ ૪૫ ડિગ્રી જેટલું ઢળી ગઈ. કેપ્ટનને આદેશ આપવામાં આવ્યો કે બોટને ત્યજીને ક્રૂ મેમ્બર્સ સાથે પાણીમાં ઝંપલાવી દેવું. બોટ ભલે ડૂબે, પણ પોતાનો જીવ બચાવી લેવો. પણ કિમે એવું કરવાને બદલે પોતાના મિત્ર યાન્ગને મેસેજ કર્યો, હું તને આખરી અલવિદા કહેવા માંગું છું દોસ્ત.

યાન્ગને પણ કટોકટી વિષે ખબર પડી ગઈ, એણે વળતો મેસેજ કર્યો, જેનો ભાવાર્થ કંઈક આવો હતો, તું તારી જાતને બચાવી લે દોસ્ત! બધું થાળે પડશે. તું મરવાની વાત ન કર. આપણે સાંજે બુસાન (એક સ્થળ) ખાતે સાથે ડ્રિંક લઈશું.

પણ કિમ ગ્યે-હવાન મક્કમ હતો. એણે કહ્યું, પાણી ભરાઈ જવાથી શિપની બધી લાઈટ્સ બંધ થઇ ગઈ છે. મેં મારા ક્રૂ મેમ્બર્સ સાથે જે કર્યું, એ પછી મને જીવતા રહેવાનો કોઈ હક મળે એમ નથી!
આ કિમ ગ્યે-હવાનનો છેલ્લો મેસેજ હતો. એ દુર્ઘટનામાં માત્ર સાત ક્રૂ મેમ્બર્સ બચી શક્યા, ૧૨ના શબ મળ્યા, અને ૪૧ વ્યક્તિઓ સમુદ્રના પેટાળમાં ગરકાવ થઇ ગયા!
બધાને કહેજો કે…!
૨૩ જાન્યુઆરી, ૧૮૫૬ને દિવસે ‘ધી પેસિફિક’ નામની શિપ લીવરપુલથી નીકળીને ન્યૂયોર્ક તરફ જવા રવાના થઇ. એના પર ૪૫ મુસાફરો અને ૧૪૧ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. શિપનો કેપ્ટન હતો અસા એલ્ડ્રિજ.

આ શિપ ક્યારેય ન્યૂયોર્ક પહોંચ્યું નહિ, માર્ગમાં જ ક્યાંક ખોવાઈ ગયું! શું બન્યું એ વિષે કોઈને કશી માહિતી નહોતી. લગભગ છ વર્ષ પછી એક સ્કોટિશ આઈલેન્ડ પર તણાઈ આવેલી બોટલ કોઈકને જડી. આ બોટલમાં મુકાયેલા પત્ર પર હાથથી લખાયેલ સંદેશ હતો. આ સંદેશ બીજા કોઈએ નહિ, પણ ખુદ કેપ્ટન એલ્ડ્રિજ દ્વારા લખાયેલો હતો, જેનો ભાવાર્થ આ મુજબ છે:
લીવરપુલથી ન્યૂયોર્ક જવા નીકળેલા પેસિફિક શિપ ઉપરથી આ સંદેશ લખાઈ રહ્યો છે. શિપ ડૂબી રહ્યું છે અને શું કરવું એની સમજ નથી પડી રહી. અમારી ચારે તરફ આઈસબર્ગ્સ દેખાઈ રહ્યા છે. હું સમજી ગયો છું કે આ બધા આઈસ બર્ગ વચ્ચેથી બચીને બહાર નીકળવું અશક્ય છે. હું આ સંદેશ એટલા માટે જ વહેતો કરું છું, જેથી મિત્રો અમારા ગુમ થવા વિષે ચિંતા ન કરે! હું નથી ઇચ્છતો કે અમારા ગુમ થવા પાછળ રહસ્ય ઘેરાયેલું રહે. આ બોટલ જેને મળે, એ મહેરબાની કરીને આ સંદેશો જાહેર જનતા સુધી પહોંચાડજો. (જેથી અમે ક્યાં ખોવાઈ ગયા અને કઈ રીતે મર્યા, એનું સાચું કારણ લોકો જાણી શકે)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button