વીક એન્ડ

સદાબહાર કિશોર કુમારની આજીવન આપદા: ‘પીછે પડ ગયા ઇન્કમ ટેક્સમ !’

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

ભારતમાં બજેટ રજૂ થાય, એટલે ગલીએ ગલીએ ‘તજજ્ઞો’નો રાફડો ફાટે. કોઈક વાર તો શંકા જાય કે દુનિયાના સહુથી મોટા અર્થશાસ્ત્રીઓ ક્યાંક ભારતમાં આવેલા પાનના ગલ્લા પર વેડફાઈ તો નથી રહ્યા ને!

ખેર, બજેટ વસ્તુ જ એવી છે. જો કે , પ્રજાને એમાં સહુથી વધુ રસ પડે છે એ છે ઇન્કમ ટેક્સ. મોંઘવારીને તો એક વાર પહોંચી ય વળીએ, પણ ઇન્કમ ટેક્સથી કેમ બચવું એ ઘણી વાર પ્રાણપ્રશ્ર્ન બની રહે છે. જેમને બોર્ન જીનિયસ ગણવા પડે એવા સુપર સ્ટાર સિંગર કિશોર કુમાર તો આખા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને જ આજીવન ‘પ્રાણપ્રશ્ર્ન’ માનતા રહ્યા! હમણાં થોડા દિવસો પહેલા જ બજેટ રજૂ થયું અને થોડા દિવસો બાદ, ૪ ઓગસ્ટે જીનિયસ કિશોર’દાનો બર્થ- ડે છે એટલે ‘ઇન્કમ ટેક્સમ એન્ડ કિશોર કુમારમ’ વિષય પર કુછ તો બનતા હૈ!
કિશોર કુમાર એટલે ભારતીય ફિલ્મી સંગીત જેના ઉલ્લેખ વિના અધૂરું છે એવો આ જણ જીનિયસ તો હતો જ, પણ એક ગજબના ભેજાગેપ તરીકેની છાપ પણ ખરી. કિશોર’દા આમ બહુ ભોળા, પણ એ ક્યારે શું કરશે એ કહેવાય નહીં આમેય જીનિયસ માણસો બાકીની દુનિયા માટે કેટલેક અંશે ભેજાગેપ હોય છે. આ વાતને સાચી સાબિત કરતા એટલા બધા ઉદાહરણ વિશ્ર્વના ઇતિહાસમાં જડી આવશે કે જીનિયસ થવા માટેની એક શરત એટલે જ ભેજાગેપ હોવું એવું સત્ય પ્રસ્થાપિત છે! આ થિયરી માટે આપણા કિશોર’દા સચોટ ઉદાહરણ. એમાંય ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથેના ‘વિશિષ્ટ સંબંધો’ અને ટેક્સથી બચવા કિશોર ‘દાએ અપનાવેલા ‘નુસખા’ વિષે તો ખાસ જાણવા જેવું છે.

ઠેઠ ૬૦ના દાયકામાં કિશોર કુમાર ગાયક અને અભિનેતા તરીકે લોકપ્રિયતા મેળવી ચૂક્યા હતા અને કમાણી પણ સારી એવી થઇ રહી હતી. કહેવાય છે કે એ સમયે કિશોર દા’ને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી એટલી બધી નોટિસ આવ્યા કરતી કે ટેક્સ ભરવામાંથી બચવું કેમ, એ ચિંતા એમને સતત કોરી ખાતી. પાછું જેટલી વાર ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ આવે એટલી વાર કિશોર’દા સખ્ખત ચીડવાઈ જાય. સામાન્ય વ્યક્તિ હોય તો કોઈ સારા ઇન્કમ ટેક્સ વકીલની સલાહ મુજબ ટેક્સનું કાયદેસર સેટલમેન્ટ કરી મામલો પૂરો કરે, પણ આ તો રહ્યા જીનિયસ એટલે સીધા રસ્તા તો એમને સૂઝે જ નહિ !

એ તો આઈટી રિટર્ન ફાઈલ કરવાને બદલે પોતાની કારકિર્દી સહિતનું બધું પડતું મૂકીને વતન ખંડવા ગામ (મધ્ય પ્રદેશ) જતા રહેવા તૈયાર થઇ ગયેલા! પછી બધાએ સમજાવ્યા એટલે ખંડવા જવાનું માંડી વાળ્યું નહીંતર આપણને કેટલા ય સદાબહાર ગીતો સાંભળવા ન મળ્યા હોત. આપણું છોડો, કિશોરના કંઠ વિના બિચારા રાજેશ ખન્ના, દેવ આનંદ, જીતેન્દ્ર અને અમિતાભ જેવા સુપર સ્ટાર ભાઈલોગનું શું થાત!

કિશોર’દા આજીવન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને – એક્કેય મોકો છોડ્યા વગર – કોસતા રહ્યા. ઇન્કમ ટેક્સ પ્રત્યેના કિશોર કુમારના વિચારોનો સાક્ષાત્કાર અનેક પત્રકારો, લેખકોને પણ થયેલો, જેના વિષે એમણે પોતાના લેખોમાં ઉલ્લેખ કર્યો છે. જાણીતા પત્રકાર પ્રીતીશ નંદી ‘ઈલસ્ટ્રેટેડ વિકલી’ના એડિટર હતા ત્યારે કિશોર’દાને મળવા ગયા. દાએ કેટલીક જૂની-પુરાણી ફાટેલી ફાઈલ્સ પ્રીતીશને બતાવીને કહ્યું, આ જો, મારા ઇન્કમ ટેક્સના રેકોર્ડ્સ! આ જોઈને ઇન્ટરવ્યુ માટે આવેલા પ્રીતીશને તો કદાચ ઝાટકો જ લાગ્યો હશે. કોઈ વ્યક્તિ પોતાની ટેક્સેશનની ફાઈલ્સને જાણીજોઈને આવી જર્જરિત હાલતમાં કઈ રીતે રાખી શકે? કિશોર કુમારે ચોખવટ કરતા કહ્યું, : મારા ઘરના ઉંદરોને આ ફાઈલ બહુ ભાવે છે. એટલે હું આ ફાઈલ્સને ‘જંતુનાશક તરીકે વાપરું છું!’

આવો જ કિસ્સો જાણીતા બંગાળી મ્યુઝિક કમ્પોઝર અજય દાસ સાથેનો ય છે. કિશોર કુમારને પોતાના ઘરમાં કૂતરા પાળવાનો બહુ શોખ! ‘ગૌરી કુંજ’ નામના એમના ઘરમાં બોક્સર, બ્લડ હાઉન્ડ, ગ્રેટ ડેન જેવી વિઈવિધ પ્રજાતિને ત્રીસેક જેટલા શ્ર્વાન પાળેલા. એક વાર અજય દાસ એમને મળવા ગયા, ત્યારે મોટી સાઈઝના ચારેક કૂતરાઓને એકસાથે ‘આવકાર’ માટે ઉભેલા જોઈને ગભરાઈ ગયા. કિશોર ‘દાએ સધિયારો આપતા કહ્યું, ચિંતા ન કર. આ કૂતરાઓ માત્ર ઇન્કમ ટેક્સ ઓફિસર્સને જ કરડે છે!’

જો કે આ બધા કિસ્સા ઝાંખા પડી જાય, એવા ઉપાય’ કિશોર કુમારે ટેક્સ બચાવવા માટે અજમાવેલા.

એમના એક સેક્રેટરી હતા અનુપ શર્મા. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વારંવાર આવતી નોટિસથી કિશોર’દા જબરા ત્રાસી ગયા હતા. એ સમયે આ અનુપ શર્માએ એક ધાંસુ આઈડિયા આપ્યો કે કંઈક એવો ખર્ચો કરી નાખવો, જેનાથી મોટી ખોટ ગઈ હોય એવું સાબિત થાય અને ટેક્સ ન ભરવો પડે! આ માટેનો સૌથી સરળ રસ્તો હતો એકાદ મોટ્ટી ફ્લોપ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો! બોલો, છે ને કમાલનો જુગાડ!

કિશોર કુમારને આઈડીયા પસંદ પડી ગયો. એમણે અનુપ શર્મા સાથે જ પાર્ટનરશિપમાં કિશોર-શર્મા’ એટલે કે ‘કેએસ પ્રોડક્શન’ નામની કંપની બનાવી. આ કંપનીએ ‘લુકોચૂરી’ (એટલે કે સંતાકૂકડી) નામની બંગાળી ફિલ્મ બનાવી. હિરોઈન તરીકે હતી માલા સિંહા. કિશોર કુમારે પોતે એમાં ડબલ રોલમાં કામ કર્યું. પ્લાન મુજબ કિશોર કુમારની ઈચ્છા એવી હતી કે લુકોચૂરી એક બકવાસ ફિલ્મ બની રહે અને બોક્સ ઓફિસ પર ભયંકર રીતે પછડાય, પણ થયું સાવ એનાથી ઊંધું ધુ! બંગાળી દર્શકોએ આ ફિલ્મને વધાવી લીધી. લોકોને કિશોર કુમારનો ડબલ રોલ બહુ પસંદ પડ્યો અને ફિલ્મ સુપરહિટ જાહેર થઇ. હવે કરવું શું? આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવો ઘાટ હતો, પણ એમ થોડી હિમ્મત હારી જવાય? તરત જ પ્લાન ‘બી’ અમલમાં મૂકવામાં આવ્યો. આ વખતે ‘કેએસ પ્રોડક્શ’ને એક ‘સુપર ફ્લોપ’ હિન્દી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું . કિશોર’દાએ પોતાના જ ભાઈઓ અશોક કુમાર (દાદામુનિ) અને અનુપ કુમાર પાસે પણ એ ફિલ્મમાં એક્ટિંગ કરાવડાવી. હિરોઈન તરીકે રૂપસુંદરી મધુબાલાને લેવામાં આવી. કિશોરને પાકી શ્રદ્ધા હતી કે આ ફિલ્મ તો ફ્લોપ થઈને જ રહેશે! લેકિન, ફિલ્મ સુપર ડુપર હીટ જાહેર થઇ આ ફિલ્મ એટલે ૧૯૫૮માં આવેલી ‘ચલતી કા નામ ગાડી ’ ! આ ફિલ્મ પછી જ કિશોર-મધુબાલાની જોડીનો રોમાંસ પણ શરૂ થયો હોવાનું કહે છે!

આમ ઇન્કમ ટેક્સની ચુંગલમાંથી બચવા કિશોર કુમારે બે-બે ફિલ્મ બનાવી, પણ બંને સુપર હીટ થઇ! એમ કંઈ આસાનીથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ચુંગાલમાંથી છૂટાય કે?!

…અને, એ પછી કિશોર કુમાર ઈન્કમ ટેક્સ ચૂકવવા પબ્લિક શો કરતાં થયા,જે એ જમાનામાં એક નવી જાતની રજૂઆત હતી. પોતાના આ પબ્લિક શો માટે કિશોર’દાએ એક ખાસ ગીત તૈયાર કરાવ્યું, જે ઈન્કમ ટેક્સવાળાને ટોણો મારવા એ પોતાની નખરાળી અદામાં પેશ કરતાં. આ ગીત પણ સુપર હીટ સાબિત થયું આ ગીત હતું :

‘પીછે પડ ગયા ઇન્કમ ટેક્સમ’!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button