સંધ્યાના રંગો
ટૂંકી વાર્તા -અજય સોની
વૃંદા ઘરમાંથી બહાર આવી. ભાદરવાનો તડકો શેરીમાં પથરાયેલો હતો. હવાની લહેરખીઓ વૃંદાના વાળ આમતેમ ફંગોળીને એના ચહેરા પર ઉદાસીના ઉઝરડા પાડી રહી હતી. વૃંદાને જોવું ન હતું છતાંય થોડે દૂર કુંડાળું કરીને બેઠેલી સ્ત્રીઓ તરફ જોવાઈ ગયું. એમાંથી અમુક સ્ત્રીઓ એની તરફ જોઈ રહી હતી. વૃંદાને લાગ્યું જાણે અંદરથી તીખારો ઝર્યો. અનાયાસે નજર નીચે ઢળી ગઈ. ચહેરા પર તિરાડો પડવા લાગી. થોડીવાર પહેલાં જાગેલા રોમાંચનો ઊભરો શમવા લાગ્યો. અંદર ધીમી ફર્યા કરતી સારણીએ અચાનક જ ગતિ પકડી લીધી. કશુંક ખૂંચ્યા કરતું હતું, જે વૃંદાને બહાર આવતા રોકતું હતું. જિવાઈ ચૂકેલી નિષ્ફળ ક્ષણોનો ભાર એટલો વધી ગયો હતો કે વર્તમાનનું જાણે કશું મહત્ત્વ જ ન હોય. જ્યારે અતુલે એમ કહ્યું કે, તમે સલવાર, કુર્તામાં સારા લાગો છો, દરરોજ આવું જ પહેરતા હો તો…!
ત્યારે પહેલી વાર એમ લાગ્યું કે છૂટેલી ક્ષણો ફરી આવી રહી છે. આસપાસ કશુંક નવું રચાઈ રહ્યું છે. એ શું હતું એના વિશે વૃંદા જાણતી ન હતી, પરંતુ ત્યાર પછી દરરોજ સવારે કપડાં પહેરતી વખતે વોર્ડરોબમાં પહેલી નજર સલવાર કુર્તા પર જતી. ક્ષણિક હાથ રોકાતો. ક્યારેક મન સાથે ઝઘડીને પણ બીજો ડ્રેસ પસંદ કરતી, પરંતુ નહાઈને આવ્યા પછી વિચાર બદલી જતો. પછી તો અલગ રંગોના પ્રિન્ટેડ, ખત્રીના અને બીજા અલગ અલગ કુર્તા આવી ગયા. ખાલી રંગોના બધા ખાના ભરાઈ ગયાં.
અચાનક જ પવન પડી ગયો એવું લીગ્યું. વૃંદા હવામાં ઊડીને ઝાડ પર બેઠેલી કાબરોને જોઈ રહી. કૂથલી વર્તુળમાંથી ખિખિયાટાં સંભળાતા હતા. એ સાંભળવા વૃંદાના કાન સરવા થયા, પરંતુ બીજી જ ક્ષણે નવો વિચાર આવ્યો. આ લોકોને આટલી બધી વાતો હોય. ખિખિયાટા કાઢી શકે. એકબીજાને તાળીઓ આપી હસી શકે, પરંતુ મને કેમ કાંઈ નહીં?
જાગેલા સવાલોને અવગણવાની શક્તિ વૃંદામાં ન હતી. પ્રશ્ર્નનો જવાબ તો તરત જ મળી ગયો, પરંતુ પાછળ એક ચક્ર શરૂ થઈ ગયું. જેમાં વૃંદા રહેંસાવા લાગી. આટલો સમય થઈ ગયો છતાંય એ ક્ષણો જાણે આંખ સામે જ હોય એમ પજવ્યા કરે છે. બહાર આવવાનો દરેક પ્રયત્ન પાછો ત્યાં જ લઈ આવે છે, જ્યાં પેલા બિહામણાં સંવેદનો ઊભાં છે.
વૃંદાએ ગેટને આગળિયો માર્યો. હિંચકા પર બેઠી. અંદરથી મમ્મીનો ભજન ગાવાનો અવાજ આવી રહ્યો હતો. એના સ્વરમાં ભળેલો ભાવ અલગ જ તરી આવતો હતો. સવારે ઊંઘમાં પણ મમ્મીના એ ભજન જ વૃંદાને ઢંઢોળીને જગાડતા. ક્યારેક વૃંદાને વિચાર આવતો કે પપ્પાના અવસાનને આટલાં વરસ થઈ ગયાં. છતાંય મમ્મીના સ્વભાવમાં કે વર્તમાન કશોય ફેર નથી પડ્યો. મમ્મીને એકલું નહિ લાગતું હોય. રાતના પડખા નહિ ઘસતી હોય. ઓશિકા નહીં ભીંજાતા હોય. મમ્મીને પપ્પાની સ્મૃતિ નહિ પજવતી હોય. મમ્મીનાં ભજનોએ એને સઘળું ભુલાવી દીધું હતું. પપ્પા તો નથી રહ્યા, પરંતુ આર્યન છે. ભલે એના નામનું સિંદૂર મારા માથે ન હોય, પરંતુ આજે આર્યનની જેમ એની સ્મૃતિ પણ મને પજવવામાં પાછળ નથી રહી. કોઈ લાંબી સજા ભોગવી રહી હોઉં એવી પીડા થાય છે.
મંદ ગતિએ ચાલતો હિંચકો વૃંદાએ ઊભો રાખી દીધો. પોતાની જાતથી દૂર નીકળી એક વિચાર આવ્યો કે આર્યન સાથેનો સંબંધ તો ક્યારનોય પૂરો થઈ ગયો છે. એણે બીજા લગ્ન પણ કરી લીધા હશે. બાળકો પણ હશે, પરંતુ પોતે જાણે હજી પણ ત્યાં જ ઊભી છે. જ્યાંથી આર્યન પસાર થઈ ગયો હતો. એના શુષ્ક ચહેરા પર હાથ ફેરવતો ચાલ્યો ગયો. એના બન્ને હાથ હવામાં ફેલાયેલા છે, પરંતુ સામે કશું નથી. દૂર દૂર સુધી નજર કરતાંય આર્યન નથી દેખાતો. આજુબાજુનાં દૃશ્યો બદલાઈ ગયાં છે, પરંતુ કશાકથી છંછેડાયેલી ત્યાં જ બળ્યા કરે છે. રાખ પણ નથી ઊડતી અને ધુમાડો પણ નથી નીકળતો. ભીતરથી બળ્યા કરે છે.
આર્યન સાથેની જિંદગી એટલી સભર હતી કે ક્યારેય એવો વિચાર જ નથી આવ્યો. આજે પણ છૂટા પડ્યાની એ ક્ષણો વિશે વિચારું છું તો લાગે છે કે જાણે બધું બનાવટી છે. આવું થઈ જ ન શકે, પરંતુ એ બની ચૂક્યું છે. આર્યન હવે પોતાની લાઈફમાં ગોઠવાઈ ગયો હશે. એને કોઈ માટે વિચારવાનો સમય નહિ હોય. જ્યારે વૃંદા ત્યાં જ ખૂંપેલી છે. કોઈએ એનું ઉથાપન નથી કર્યું.
લગ્ન બાદ એકાદ વર્ષ તો એવું વીત્યું જાણે આ જ સ્વર્ગ છે. ત્યારે એવો વિચાર પણ ક્યાંથી આવે કે આર્યન જેવો દેખાય છે એવો નથી. એના ચહેરા પાછળ કોઈ દંભી છે, જે ખંધુ હસે છે. કોઈપણ ઝઘડા વિના આર્યને સીધું જ કહી દીધેલું કે એને લીયા પસંદ છે. લગ્ન ફક્ત ઘરવાળાના દબાણના કારણે કર્યા છે ત્યારે વૃંદાની સામે કેટકેટલું આવ્યું હશે. આવનારા દિવસોનો વિચાર જ ડરાવી ગયો હતો. કારણ કે એના ઘરમાં પણ આર્યન વિશે મતભેદ હતો. મમ્મીને પણ ઓછું ગમેલું, પરંતુ વૃંદાની ખુશી માટે કોઈએ વિરોધ કર્યો ન હતો. ભાઈ, ભાભીને પણ લગ્નમાં બહુ ઉત્સાહ ન હતો અને આર્યન જ્યારે એવું કહે કે બીજી જ કોઈ ગમે છે ત્યારે પહેલો વિચાર એ આવેલો કે બીજી જ પસંદ હતી ત્યારે મને શા માટે રમાડી. આટલાં સ્વપ્નો બતાવ્યાં.
આર્યનને પસંદ જ ન હતી તો પછી એને શું કહેવું. જે મારી સાથે ભલે હોય, પરંતુ એનું મન બીજે હોય એવી વ્યક્તિ સાથે રહેવાનો શું મતલબ. ત્યાર પછી એ ઘરમાં રહેવાનું કોઈ કારણ ન હતું. જ્યાં એ ફક્ત નિર્જીવ લાકડા સમાન હતી, જેની કોઈ કિંમત ન હતી. આર્યન એની રીતે રહેતો હતો. વૃંદાએ ઘણું સહન કર્યું, પરંતુ પછી લાગ્યું હવે નહિ જીવાય અને એ ઘર છોડતાં જીવ તો ઘણોય બળ્યો, પરંતુ એને કોઈએ ન રોકી.
મમ્મીના ઘરે જતાં પગ પાછા પડતા હતા. સતત વિચારો પજવતા હતા. એ જાણતી હતી કે એના પાછા જવાથી શું થવાનું છે, પરંતુ બીજો કોઈ રસ્તો ન હતો. મમ્મીને વળગીને ખૂબ રડી ત્યારે જ મમ્મી અને ભાભી સમજી ગયા હતા. બોલવાની જરૂર જ ન હતી. મારી આંસુભીની લાલ આંખો બધું બયાન કરતી હતી. ભાભીને આ ન ગમ્યું અને ભાઈ-ભાભી બીજે રહેવા ચાલ્યા ગયા. મમ્મીએ ઘણા સમજાવ્યા,પરંતુ ન માન્યા. હંમેશાં દીકરાની ચિંતા કરતી મમ્મી ભાઈને જતો જોઈ રડી પડેલી ત્યારે થયેલું કે ભાઈ- ભાભી ને રોકી લે અને પોતે ચાલી જાય. કેમ કે હવે પોતે જીવે કે મરે કોઈ ફરક પડવાનો ન હતો. જિંદગી જાણે ખતમ થઈ ગઈ હોય એવું લાગતું હતું ત્યારે મમ્મી અને પોતાની સ્થિતિ એક જેવી જ લાગતી હતી. પપ્પા ન હતા અને આર્યન હતો, પરંતુ વાસ્તવમાં બધું સરખું હતું.
શરૂઆતમાં માએ ઘણી સમજાવી, પરંતુ કશું અસર ન કરતું. જાણે અંદરથી લોહી ચુસાઈ ગયું હોય એવું લાગતું હતું. એકવાર કંટાળીને બોલી જવાયું હતું.
- મમ્મી, હું અહીં છું એ તને નથી ગમતું? ત્યારે વૃંદાની આંખમાં ભરોભાર પીડા હતી.
- બેટા, એવું કેમ બોલશ. મમ્મીનો અવાજ પણ ગળગળો થઈ ગયેલો.
-મારાથી ભૂલ થઈ ગઈ છે એ હું જાણું છું, પરંતુ મારો ઈરાદો ખોટો ન હતો. વ્યક્તિને ઓળખવામાં થાપ ખાઈ ગઈ એ પણ મારી ભૂલ. આર્યન પર વિશ્ર્વાસ કર્યો ત્યારે લગીરે ખબર ન હતી કે આવું થશે, પરંતુ મારી કિસ્મતમાં આવું અધૂરું વૈધવ્ય લખાયું હશે મમ્મી. હું તને જોઈને રાજી થાઉં છું એક જ નામ કે પપ્પા નથી. જ્યારે આર્યન તો છે અને નથી.
- બેટા, હું તારી મા છું. બધું સમજું છું. સ્ત્રી તરીકે જન્મવું એ કેટલી પીડાદાયક વાત છે એ જાણું છું, પરંતુ આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં આવા બધા પ્રશ્ર્નો થવાના છે. આપણી ભૂલ જ આપણને સજારૂપે મળે છે. તને જોઈને હું કેટલી દુ:ખી થતી હોઈશ એનો તને અંદાજ નથી. નહીંતર તું આવું ન બોલત. મમ્મી રડી પડેલી.
-મમ્મી, તને રડાવાનો મારો ઈરાદો નથી. અકળામણમાં હું વધુ બોલી હોઉં તો મને માફ કરજે.
બન્ને મા-દીકરી રડી પડેલાં. ત્યાર પછી વૃંદાનો સ્વભાવ ઘણો બદલાઈ ગયો. એ ખરા અર્થમાં સ્ત્રી તરીકે જીવવા લાગી. પાડોશીઓ અને સંબંધીઓ હજીયે વૃંદાને અલગ નજરે જોતા, પરંતુ વૃંદાને હવે કશો ફરક પડતો ન હતો અને એ પોતાની રીતે જીવવા લાગી હતી, પરંતુ ક્યારેક થઈ આવતું કે દુનિયામાં આટલા બધા લોકો રહે છે. બધા આનંદથી રહે છે, પરંતુ મને કેમ એકેય સુખ નથી મળ્યાં. આ વિચાર વૃંદાને ક્યાંય દૂર લઈ જતો અને જ્યારે એ પાછી વળતી ત્યારે બીજી જ વૃંદા બની જતી.
માની ના હોવા છતાંય વૃંદાએ પોસ્ટ એફિસમાં જોબ કરવાની શરૂઆત કરી. એકલી સ્ત્રીને જોબ કરવી કેટલી મુશ્કેલ છે એ વૃંદાને પછી સમજાયું. જોબ દરમ્યાન વૃંદા ભાગ્યે જ કોઈ સાથે વાતો કરતી. પોતાના કામથી કામ રાખતી. સ્ટાફના અન્ય લોકો અંદર અંદર વૃંદા વિશે વાતો કરતાં. કોઈ વળી આડકતરી રીતે પૂછી પણ લેતું, પરંતુ વૃંદાને કશીયે અસર ન થતી. એ હંમેશા પોતાની ધૂનમાં જ રહેતી. એમાં વળી અતુલ બહુ બોલકો. આપણને ન બોલવું હોય તોય બોલાઈ જાય. એ વૃંદાની વારંવાર મજાક કરતો. વૃંદા ખાસ ધ્યાન ન આપતી. સામે જવાબ પણ ન વાળતી, પરંતુ એમ પાછળ હટી જાય તો અતુલ શાનો! એ પોતાના સ્વભાવ મજબ વૃંદાની ટીખળ કરતો. અંદરખાને વૃંદાને આ ગમતું હતું, પરંતુ એણે પોતાની જાતને એક વર્તુળમાં બંધ કરી દીધી હતી. જેમાંથી બહાર આવતા ડર લાગતો હતો, પરંતુ સમય જતાં અતુલ સાથે બોલવા લાગી હતી. સ્ટાફના અન્ય લોકોને થોડી નવાઈ સાથે ઈર્ષ્યા પણ આવી, પરંતુ વૃંદાને અંદરથી સારું લાગતું હતું. અતુલ સાથે થોડી વાતો થતી ત્યારે એ હળવીફૂલ થઈ જતી. અતુલ ક્યારેક એની અંગત જિંદગી વિશે ન પૂછતો. છતાંય વૃંદાને ક્યારેક ઈચ્છા થતી કે અતુલને વાત કરું, પરંતુ મન ન માનતું. વિશ્ર્વાસ ડગમગી જતો. ફક્ત સહાનભૂતિ ઉઘરાવવા ખાતર શા માટે સ્વમાન ફેંદવું..!
માને અતુલ વિશે વાત કરી ત્યારે મા એકચોટ તો રાજી થઈ ગઈ. કેટલાય સમયથી ન જોવા મળેલું તેજ એના ચહેરા પર આવી ચડ્યું. વૃંદા જાણીતી હતી કે મા આવું શા માટે કરે છે, પરંતુ વૃંદાએ એ દિશામાં વિચાર્યું ન હતું. હવે મતલબ પણ ન હતો. આર્યન સાથે જોડાયેલા સંવેદનો અંદર સડી ગયા હતા. જેની વાસ કશુંયે નવું પાંગરવા દેતી ન હતી. એવામાં અતુલ સાથેના સંબંધ વિશે વિચારવાનો કોઈ મતલબ ન હતો. વૃંદાને એવી કોઈ ઝંખના જ ન હતી, પરંતુ માની આંખોમાં દેખાયેલી ચમક હંમેશાં માટે રહે એવું એકાદ ક્ષણ માટે થઈ આવેલું.
વૃંદા હિંચકો છોડી ઘરમાં આવી. માના ગળામાંથી ભજનની સેરો વહી રહી હતી. વૃંદાને સારું લાગતું હતું એ ખુરશી પર બેઠી. મા એની ધૂનમાં હતી. વૃંદા અતુલ વિશે વિચારી રહી હતી. બે દિવસ પહેલા અતુલે પોસ્ટ એફિસમાંથી છૂટતી વેળાએ પાણીપૂરી ખાવાની વાત કરી હતી. વૃંદાને કોણ જાણે શું થયું ના ન પાડી શકી અને સંકોચ સાથે અતુલની બાઈક પર પણ બેસી ગઈ. પોસ્ટ ઓફિસના ગેટ સામે જોવાની હિંમત એનામાં ન હતી. કેમ કે સ્ટાફના બધા એને જોઈ રહ્યા હતા. વૃંદાથી નીચું જોવાઈ ગયું. શરમના શેરડા પડતા હતા. એને થતું હતું કે અતુલ અહીંથી જલદી લઈ જાય તો સારું, પરંતુ બોલકા અતુલને કશી જ ખબર ન હતી.
રસ્તામાં બન્નેએ ખૂબ વાતો કરી. વૃંદાએ પણ ખૂલીને ઘણી વાતો કરી. અનાયસે અતુલ વિશે પણ પુછાઈ ગયું, પરંતુ અતુલે જરા પણ છંછેડાયા વિના શાંતિથી જવાબ આપ્યા. તીખી પાણીપૂરી બાદ આઈસક્રીમ ખાવાની વાત પણ વૃંદાએ જ કરી. ત્યારે તો અતુલ પણ સહેજ રોમાંચિત થઈ ગયેલો. છૂટા પડતી વખતે વૃંદા અનાયાસે જ બોલી ગઈ હતી કે ક્યારેક ઘરે તો આવો. બેસીએ. પછી તરત જ પાછું વળી ચાલી ગઈ હતી. વૃંદાને પણ પોતાના વર્તન પર અચરજ આવતું હતું.
ગેટનો આગળિયો ખૂલવાનો અવાજ આવતાં વૃંદાની નજર બહાર ગઈ. માના ગળામાંથી વહેતા ભજન અટક્યાં. વૃંદા ઊભી થઈ બહાર આવી. ચહેરા પર કઈ ઘડીએ જાસૂદ જેવી માદકતા આવી બેઠી એની ખબર ન રહી. ચહેરા પર સહેજ સ્મિત ફેલાઈ ગયું. સાથે આશ્ર્વર્ય પણ હતું જ, પરંતુ અંદર જાણે કશુંક પાંગરી રહ્યું હોય એવું લાગતું હતું. એને બે દિવસ પહેલા છૂટા પડતી વખતે અતુલને કહેલું યાદ આવ્યું.
વૃંદા ઉત્સાહમાં ગેટ બંધ કરતી હતી. ત્યાં એની નજર કૂથલીમંડળ તરફ ગઈ. એ બધી સ્ત્રીઓ વૃંદા તરફ જોઈ રહી હતી. વૃંદાની છાતી ફુલાણી. ગર્વથી ઊંડો શ્ર્વાસ લીધો. ત્રાંસી નજર એ બાજુ નાખતાં એ અંદર ચાલી ગઈ.
બહાર પૂરબહાર સંધ્યા ખીલી ગઈ.