સ્થાપત્યનું મૂલ્યાંકન
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
આમ તો પીઝાનો ઢળતો મિનારો પણ સ્થાપત્યની નિષ્ફળતાનો નમૂનો છે, પણ તે જે રીતે ટકી ગયો છે તેનાથી તે સીમાચિહ્ન બની ગયો. જિંદગીનું અને સ્થાપત્યનું આ એક કડવું
સત્ય છે.
સ્થાપત્યની સફળતા અને નિષ્ફળતાનો માત્ર એક માપદંડ છે. સ્થાપત્યની રચના પૂર્ણ નિર્ધારિત હેતુ અનુસાર કરાય છે. આ હેતુ પાછળ કેટલીક પૂર્વધારણાઓ હોય છે, જેને આધારે અગ્રતાક્રમ નક્કી થાય છે. કોઈપણ મકાનની રચનામાં સૌથી વધારે શેનું ધ્યાન રાખવાનું, તેના પછી કઈ બાબત અગત્યની છે, ત્યારબાદ શેને પ્રાધાન્ય આપવાનું છે અને અંતે કઈ કઈ બાબતોની ગણના ગૌણ બની રહેશે – આ બધાને આધારે સ્થાપત્યનું મૂલ્યાંકન થાય.
બની શકે કે કેટલાક મકાનમાં કિંમતનું નિયંત્રણ સૌથી વધારે મહત્વનું હોય તો અન્ય કોઈક પરિસ્થિતિમાં પ્રતિકાત્મક દેખાવને મહત્ત્વ આપવાનું હોય. મકાનની રચનામાં ક્યારેક કાર્યક્ષમતા સૌથી મહત્ત્વની બાબત બની રહે તો ક્યારેક મકાનના વિવિધ ભાગો સાથેની સંભવિત તાદાત્મ્યતાને વધુ મહત્ત્વ આપવું પડે. કેટલાક મકાનોમાં અનૌપચારિક બાબતો તો કેટલાક મકાનમાં ઔપચારિકતા વધારે ઇચ્છનીય હોય. મકાનની રચના નિર્ધારિત કરતા પહેલા એક અગ્રતાક્રમ નક્કી કરવો પડે. આવી ઇચ્છિત અગ્રતાવાળી બાબતોની અગ્રતા ચોક્કસ ક્રમમાં ગોઠવી તેના મહત્ત્વ પ્રમાણે તેના ગુણાંક નક્કી કરવા પડે. પછી આ ગુણાંક સાથે મકાન ઉપયોગીતામાં આવ્યા પછીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું પડે. અંતે નક્કી થાય કે મકાન કેટલું સફળ રહ્યું કે કેટલું નિષ્ફળ.
આવી ગણતરી એટલી સહજતાથી શક્ય નથી. આ કંઈ ગણિતનો દાખલો નથી કે જેમાં પાંચ અને પાંચનો સરવાળો દશ થાય. સ્થાપત્યના મૂલ્યાંકનની આવી ગણતરી મહદઅંશે બિન-યથાર્થ ગણાય છે. પણ સંભાવનાઓ છે. મૂલ્યાંકન માટે ઉપયોગકર્તા વ્યક્તિસમૂહનો વૈજ્ઞાનિક ઢબે અભિપ્રાય લઈ શકાય. પરોક્ષ તથા પ્રત્યક્ષ અવલોકનથી પણ ચોક્કસ પ્રકારની માહિતી ભેગી કરી તેના આધારે નિર્ણય લઈ શકાય. માનસિક મેપિંગ – આલેખનથી પણ અમુક માહિતી એકત્રિત થઈ શકે. જુદી જુદી વ્યક્તિઓને જુદા જુદા પ્રકારના કાર્યમાં સંમિલિત કરી તેમના પ્રતિભાવ તથા પ્રતિક્રિયાઓ સમજી તેને આધારે પણ કેટલાક નિર્ણયો લઈ શકાય. અને આ બધું વૈજ્ઞાનિક ધોરણે થાય તે પણ શક્ય છે.
પ્રશ્ન એ છે કે સ્થપતિઓ પોતાના મકાનના આવા મૂલ્યાંકન માટે તૈયાર થાય? સ્થાપત્યની તકલીફ એ છે કે સમય પ્રમાણે તેને કળામાં તો ક્યારેક વિજ્ઞાનમાં પ્રસ્થાપિત કરી દેવાય છે. કળાની બાબત જ્યાં ટૂંકી પડે ત્યાં વિજ્ઞાનની વાતો થાય અને વિજ્ઞાનમાં જ્યાં ખોટ વર્તાય ત્યાં કળાના ગુણગાન ગવાય. આમ પણ સ્થાપત્યને અસર કરતા પરિબળોની સૂચિ એટલી લાંબી છે કે ક્યાંક ને ક્યાંક તો કોઈક ને કોઈક બાબતે તો હકારાત્મકતા દેખાઈ જ આવે. આવા સંજોગોમાં તટસ્થતાથી મૂલ્યાંકન કરવું અઘરું બની રહે. પણ સ્થાપત્યને અસર કરતાં પરિબળોને પણ એક ચોક્કસ અગ્રતાક્રમમાં સૂચિત કરી શકાય. આ અગ્રતાક્રમને અનુલક્ષીને જુદી જુદી બાબતને વધુ કે ઓછા ગુણાંક આપી શકાય અને તે પ્રમાણે મકાનનું મૂલ્યાંકન પણ થઈ શકે. આની માટે એક વ્યવસ્થિત માળખું બનાવવું પડે.
સ્થાપત્યમાં પોસ્ટ ઓક્યુપન્સી ઈવેલ્યુએશનની વાતો થતી હોય છે. આમાં મકાન ઉપયોગમાં આવ્યા પછી ચોક્કસ સમયગાળામાં તેના પ્રત્યેના પ્રતિભાવો તથા મંતવ્યોની સૂચિ તૈયાર કરી તેને આધારે મૂલ્યાંકન કરાય છે. આ બધી પ્રક્રિયામાં ક્યાંક વૈજ્ઞાનિક અભિગમ જરૂરી છે.
સ્થાપત્યમાં શું સારું, શું સ્વીકારવા જેવું, શું આગળ વધારવા જેવું તથા શું આદર્શ તરીકે સ્થાપવા જેવું છે – તે બાબતે આજે પણ ઘણી અસમંજસતા પ્રવર્તે છે. સ્થાપત્યનો ઇતિહાસ જોતાં જણાશે કે એવી ઘણી બાબતો વધારે પડતી ચગાવાઈ ગઈ છે કે જેની માટે ઘણા પ્રશ્ર્નો શરૂઆતથી જ પૂછાતા રહ્યા છે – જેનો જવાબ આજની તારીખ સુધી નથી મળ્યો. સ્થાપત્યમાં વિચિત્ર બાબતોને સર્જનાત્મકતાની સ્વતંત્રતાના નામે ચલાવી લેવાય છે. અહીં અસાંદર્ભિક બાબતોને પણ વધારાનું સ્થાન મળી રહે છે. માત્ર દેખાડા માટે પ્રયોજાતો દંભ પણ એક નવીનતા તરીકે ચાલી જાય છે. જે બે બાબતો વચ્ચે કોઈપણ પ્રકારનું સમીકરણ શક્ય ન હોય ત્યાં પણ જાતજાતના તર્ક ઊભા કરાય છે. ચીલાચાલુ રચનાને પણ નવીનતાના નામે બજારમાં મૂકવામાં આવે છે. બીબાઢાળ રચનાને પણ વૈવિધ્યસભર સર્જન તરીકે સ્થાપિત કરવામાં આવે છે. મૂલ્યાંકન જરૂરી છે અને આવા મૂલ્યાંકન માટે સર્વ સ્વીકૃત પદ્ધતિ અસ્તિત્વમાં આવે તે ઇચ્છનીય છે.
આજના ઝડપી યુગમાં જે ઝડપે સ્થાપત્યના વિવિધ પરિમાણો બદલાય છે તે જોતાં એમ ચોક્કસ કહી શકાય કે ક્યાંક ન્યૂનતમ ગુણવત્તા જળવાઈ રહે તે જરૂરી છે. આવી ગુણવત્તા ત્યારે જ જળવાઈ રહે જ્યારે સમાજને ગુણવત્તા સભર સ્થાપત્ય કેવું હોય તેની પ્રતીતિ થાય. જ્યારે સમાજને ખબર પડે કે શું ઇચ્છનીય છે અને શેની માટે પ્રશ્ર્નો પૂછવા જરૂરી છે ત્યારે ગુણવત્તાની ખાતરી થતી જાય. આ માટે એક સભાનતાપૂર્વકનો પ્રયત્ન જરૂરી છે અને જેમાં બધી જ વ્યવસાયિક સંસ્થાઓ સંમિલિત થાય તે ઇચ્છનીય છે.
શક્ય તો છે જ, સમાજ અને સ્થાપત્તિઓએ તૈયાર રહેવું પડે. સારા મકાનની વ્યાખ્યા તો બાંધી જ શકાય, તે માટે શૈક્ષણિક માર્ગદર્શન પણ જરૂરી છે. સ્થાપત્યના ક્ષેત્રમાં આમ પણ તટસ્થ વિવેચન ભાગ્યે જ જોવા મળે છે. આંકડાકીય દૃષ્ટિએ નહીં તો ગુણાત્મકતાને આધારે પણ જો તટસ્થ મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ થાય તો સ્થાપત્ય નવી ઊંચાઈઓને પામશે. નહીંતર માત્ર મકાનો ઊંચા થશે પણ માનવ જીવનની ગુણવત્તાને અસર કરતી સ્થાપત્યની બાબતો ત્યાંની ત્યાં જ રહી જશે.