મૉન્સૂનમાં મોહક કેરળની સર્પ નૌકાદોડ..!!
વિશેષ -ધીરજ બસાખ
ભગવાનના દેશ ગણાતા કેરળમાં ચોમાસાના આગમન સાથે જ મનમોહક સર્પ નૌકાદોડ (સ્નૅક બોટ રેસ)ની શરૂઆત થઈ જાય છે, જેનો આરંભ ૨૨ જૂન, ૨૦૨૪થી થઈ ગયો છે. આ દોડનું સમાપન આખા કેરળમાં અનેક સ્થળે સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં રોમહર્ષક ભવ્યતા સાથે થશે. તેને જોવા દેશ-વિદેશથી લાખો સહેલાણીઓ આવે છે. ‘ચુંડનવલ્લમ’ અથવા ‘સ્નૅક બોટ’ ખરેખર તો ફૂંફાડા મારતા સર્પ જેવી દેખાતી લાંબી પારંપરિક ડોંગી શૈલીની નૌકા હોય છે, જે અંદાજે ૧૦૦થી ૧૨૦ ફૂટ લાંબી હોય છે અને તેમાં ચાર નાવિક, ૨૫ ગાયકથી માંડીને ૧૦૦ નાવિક, ૧૨૫ ગાયક હોઈ શકે છે. નૌકામાં સવાર ગાયકો નદી અથવા બૅક વૉટરમાં તેજ ગતિથી નૌકા ચલાવી કેરળનાં પારંપરિક વાદ્યો સાથે ‘વંચિપટ્ટુ’ એટલે કે સામૂહિક લય સાથેનું નૌકા ગાન ગાય છે.
આ ગાયન નાવિકોનો ઉત્સાહ વધારવા માટે હોય છે અને ગાયક અથવા નાવિક મોટા ભાગે એક જ હોય છે. એટલે કોઈ નાવિકને નૌકા ચલાવતાં ચલાવતાં એવું લાગે કે તેની તરફનું સંગીત નબળું પડી રહ્યું છે તો એ કોઈ વાજિંત્ર વગાડવા માંડે છે અથવા તે ગીત ગાવાનું કે વાજિંત્ર વગાડવાનું છોડીને હલેસું પકડી લે છે, જેથી સ્પર્ધકની નૌકાથી તેની નૌકા પાછળ ન રહી જાય.
આમ તો જુલાઈની શરૂઆતથી સપ્ટેમ્બર સુધી આખા કેરળમાં અલગ અલગ સ્થળે સ્નૅક બોટ રેસનું આયોજન થાય છે, પરંતુ સહેલાણીઓને જેનું સૌથી વધુ ઘેલું હોય એવી કેરળમાં ચાર રેસ થાય છે. આ નૌકાદોડ અંગે વિસ્તારથી જાણીએ તે પહેલાં સદીઓ જૂની પરંપરા વિશે થોડું જાણી લઈએ.
મૉન્સૂનના આગમન સાથે કેરળનાં દરેક ગામ પોતાની તાકાત અને પરંપરા પર મજબૂત પકડ સાબિત કરવા માટે પોતપોતાની નૌકા સાથે આ સર્પ નૌકાદોડમાં સામેલ થાય છે અને તેનાથી ખૂબ ગર્વ અનુભવે છે. ચોમાસું બેસતાં જ કેરળમાં સ્નૅક બોટ રેસની મોજ અને ધૂમ મચી જાય છે. છેલ્લા કેટલાક દસકાથી આ ઉત્સવમાં ભાગ લેવા માટે દેશના વિવિધ રાજ્યો સહિત વિદેશથી લાખો પર્યટકો કેરળ પહોંચે છે.
પરંતુ સવાલ એ છે કે આ પરંપરાની શરૂઆત કઈ રીતે થઈ? લગભગ ૪૦૦ વર્ષથી કેરળમાં સ્નૅક બોટ રેસની પરંપરા છે. આની પાછળ એક પ્રસિદ્ધ દંતકથા છે કે પ્રાચીનકાળમાં અલેપ્પી (અલપ્પુઝા) અને તેની આસપાસના પરિસરના જળમાર્ગોનો ઉપયોગ અહીંનાં વિવિધ રજવાડાંના રાજાઓ યુદ્ધ માટે કરતા હતા. આ જળયુદ્ધો દરમિયાન સામેની સેના પર વર્ચસ જમાવવા ખાસ પ્રકારની વજનમાં હલકી અને પાણી પર સળસળાટ તરી જનારી ડોંગીનુમા નૌકાનો વિકાસ કરવામાં આવ્યો. આ નૌકાનો આગળનો ભાગ ફૂંફાડા મારતા સાપની ફેણ જેવું બનાવવામાં આવતું અને તેને ભયાનક દેખાડવા માટે લાલ, કાળા અને ચોકલેટી રંગથી રંગવામાં આવતું.
ધીરે ધીરે ઈતિહાસનાં જળયુદ્ધ તો ખતમ થઈ ગયાં, પરંતુ આધુનિક સ્નૅક બોટ રેસ વિકાસ પામી. પરિણામ એ આવ્યું કે જળયુદ્ધોની કુશળતા હવે સર્પ નૌકા દોડમાં દેખાવા લાગી. આને કારણે વર્ષો જૂની કુશળતા જળવાઈ રહી અને લોકો હાર-જીતનો રોમાંચ પણ અનુભવવા લાગ્યા. આજે આખા કેરળમાં આ સ્નૅક બોટ રેસનું ચલણ છે અને કેરળે તેને વિશિષ્ટ પર્યટન યુએસપી તરીકે રજૂ કરી છે.
દેશ-વિદેશને આકર્ષિત કરનારી ચાર પ્રસિદ્ધ સર્પ નૌકાદોડમાં ચંપાકુલમ સર્પ નૌકાદોડ, નહેરુ ટ્રૉફી સ્નૅક બોટ રેસ, અરનમુલા સ્નૅક બોટ રેસ અને પયિપ્પડ જલોત્સવમનો સમાવેશ થાય છે. ચંપાકુલમ દોડ સૌપ્રથમ શરૂ થાય છે. આ વર્ષે તેની શરૂઆત ૨૨ જૂન, ૨૦૨૪ના રોજ થઈ. આ સૌથી પ્રાચીન અને લોકપ્રિય સ્નૅક બોટ રેસ છે. આ રેસમાં અંબલપ્પુષાના શ્રીકૃષ્ણ મંદિરમાં ભગવાનની મૂર્તિની સ્થાપનાનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન પચીસ કિલોમીટરની આ સર્પ નૌકાદોડ પણ થાય છે, જે અલેપ્પીથી શરૂ થઈને ચંપક્કુલમ નદીમાં ચંગનાસ્સેરી સુધી હોય છે. આની સૌથી મોટી ખૂબી એ છે કે મોટી સંખ્યામાં વિદેશી સહેલાણીઓ, રંગબેરંગી છત્રીઓ સાથે રેસમાં ઊમટી પડે છે.
એ સિવાય નહેરુ ટ્રૉફી સ્નૅક બોટ રેસનું ચલણ ૧૯૫૨માં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પુન્નમદા ઝીલમાં આયોજિત રેસ જોવા આવ્યા પછી વધ્યું. ત્યારથી તેને નહેરુ ટ્રૉફી સ્નૅક બોટ રેસ કહેવાય છે.
ત્રીજી પ્રસિદ્ધ સ્નૅક બોટ રેસ અરનમુલાની છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણની બે દિવસની ધાર્મિક ઉત્સવની પરંપરા સામેલ છે. તેનું આયોજન ત્રિવેન્દ્રમથી ૧૧૬ કિલોમીટરના અંતરે થાય છે. અંતિમ અને ચોથી સ્નૅક બોટ રેસ પયિપ્પડ જલોત્સવ છે. આ રેસનું આયોજન પણ અલેપ્પીથી ૩૫ કિલોમીટરના અંતરે થાય છે. આ રીતે મૉન્સૂનમાં કેરળમાં સ્નૅક બોટ રેસથી રોમાંચ ફેલાયેલો હોય છે.