એલા, સિમેન્ટ વાપરજો સાયબ ઉદ્દઘાટન કરવાના છે
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
‘એલા, આપણા છાપામાં છાપવા માટે બીજા કોઈ સમાચાર છે કે નહીં?આખું પાનું ફલાણું પડી ગયું, ઢીકણું તૂટી ગયું,અહીંયા તિરાડ પડી,ઓલી જગ્યાએ ભૂવો પડ્યો, રોડ,રસ્તા,પુલ,… ધરાસાઈ થયા. આવા સમાચારથી મારું છાપું ભરવાનું છે? ’ એક તંત્રી પોતાના સ્ટાફ અને ખખડાવતા હતા.
સ્ટાફ નીચી મૂંડી કરી અને સાંભળતો હતો. રિટાયરમેન્ટના ભારે ઊભેલા એક કર્મચારીએ નોકરી ન જવાની બીક થી મોઢું ખોલ્યું ‘સાહેબ, હજી તો અડધા સમાચાર જ લઈએ છીએ સ્પેશિયલ પૂર્તિ કાઢવી પડે તેવી પરિસ્થિતિ છે.’
સાહેબે તરત જ કહ્યું : ‘મને નહીં ખબર હોય? પરંતુ બધા સમાચાર છાપવા માટે ના હોય, ન છાપવા માટેના પણ સમાચાર હોય જેનાથી છાપું ચાલે.’
બીજી બાજુ સો કિલો ઉપરના મંત્રીઓ પેટ પર હાથ ફેરવતા અને ઓડકાર ખાવાનો પ્રયત્ન કરતા મીટિંગ કરી રહ્યા હતા. સૌથી ભ્રષ્ટ નેતાએ સંબોધવાનું શરૂ કર્યું :
‘મારા સાથીદાર (?)નેતાઓ, છેલ્લા ઘણા સમયથી છાપામાં આવતા અને ન આવતા સમાચાર મુજબ આપણા વિકાસના સમાચારો મારા સુધી પહોંચે છે તો થોડો સમય જનતાનો પણ વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા માટે આજની આ ડ્રિંક એન્ડ ડિનરની મીટિંગ રાખવામાં આવી છે. સર્વપ્રથમ આપણે એ ચર્ચા કરીશું કે સરકારી કોન્ટ્રાક્ટરોને શું ધ્યાન રાખવા કહેવું?’
તરત જ એક સિનિયર ભ્રષ્ટ નેતાએ હાથ ઊંચો કરી અને કહ્યું : ‘છે હાજર જ છે એ કાંઈ કહેવું હોય તે તમે જ કહી દો.’
મુખ્ય નેતા :
‘એ શા માટે હાજર રહ્યા છે? ’
એટલે બે ત્રણ જણાએ કહ્યું કે આજનો ખર્ચો હોટલથી માંડી અને ખાવા પીવાનો એણે જ ઉપાડ્યો છે એટલે એને હાજર રાખવા જરૂરી હતા. તમે ત્યારે ખખડાવો.
મુખ્ય નેતાએ હસીને કોન્ટ્રાક્ટરનો અભિવાદન કર્યું અને મૃદુ સ્વરે નિવેદન કર્યું કે ’આગામી પુલ તથા રસ્તાઓ બનાવવામાં આવે તેમાં યોગ્ય માત્રામાં સિમેન્ટ અને ડામરનો ઉપયોગ કરવા આપને નમ્ર વિનંતી છે’.
કોન્ટ્રાક્ટરે પૂછયું :‘તો આજની મીટિંગનો ખર્ચો મારી પર નહીં ને? તમે લોકો ખર્ચો વહેંચી લેતા હોય તો મને વાંધો નથી’.
તરત જ ચાર- પાંચ નેતાના ઉગ્ર સ્વર સંભળાયા કે ‘એના માટે તને જુદો રસ્તો મંજૂર કરી આપીશું બાકી આપેલા વચન માંથી ફરતો નહીં’.
કોન્ટ્રાક્ટર એ પણ મોકા નો ફાયદો ઉઠાવીને તરત જ કહ્યું કે ‘તો તેમાંથી હું કોઈને કશું આપવાનો નથી’.
કોઈ ગરાસ લુંટાઈ જતો હોય એમ નેતાઓ કોન્ટ્રાક્ટર પર તૂટી પડ્યા અને જણાવ્યું કે’ જે ટકાવારી નક્કી થઈ હોય તેમાં કોઈ ફેરફાર નહીં થાય’.
કોન્ટ્રાક્ટર : ‘તો એક રસ્તાથી નહીં કામ પતે એકાદ પુલ પણ મંજુર કરો’.
સર્વાનુંમતે તાળીઓના ગડગડાટથી એક રસ્તો અને એક પુલ મંજુર થયા.ઘી ના ઠામમાં ઘી પડતું જોઈ અને મુખ્ય નેતાએ કોન્ટ્રાક્ટર સામે ખંધુ હસીને કહ્યું કે આ વખતે ઉપરથી સાહેબ આવીને ખાતમુહૂર્ત કરવાના છે તો એકાદ બે વર્ષ પૂલ ટકી રહે તે રીતે સિમેન્ટ વાપરવાની રહેશે’.
‘કેટલા ટકા કોને મળે છે તેની પારદર્શક રીતે ચર્ચા થવી જોઈએ. લોકશાહીમાં કોઈ નેતાઓને અંધારામાં રાખી અને નીતિ વિરુદ્ધનું કોઈ કાર્ય કરવા હું નથી માગતો’.
કોન્ટ્રાક્ટર એ પણ નીતિ અનુસાર ૫૦ ટકા કાર્ય સંદર્ભે અને ૪૦% નેતાઓને દેવાનું વચન જાહેર મીટગ માં આપી દીધું. શોરબકોર વચ્ચે વધેલા દસ ટકા વિશે નેતાઓએ ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો.
કોન્ટ્રાક્ટરે કહ્યું કે તમારા એકના જ ઘર છે એવું નથી.જે અધિકારીઓ આ કોન્ટ્રાક્ટમાં સામેલ હોય એમને પણ મારે પ્રસાદ કરવો પડે.તેના ૧૦% તો રાખુંને? ફરી બધા નેતાઓને અંદરો અંદર વિચાર વિમર્શ કરી અને મણ મણની મુંડી હકારમાં હલાવવા લાગ્યા :
‘સાચી વાત છે તમારી પ્રમાણિકતા ઉપર અમને માન છે. તમામ લોકોનો ખ્યાલ રાખો છો તે જાણી અને હર્ષની લાગણી અનુભવીએ છીએ’.
પીવાનું અને ખાવાનું શરૂ થયું કોન્ટ્રાક્ટર અડધો અડધો થતો નેતાઓની આસપાસ પ્રદક્ષિણા ફરવા લાગ્યો.
આ ઉપરોક્ત કહાની એ આજની વાસ્તવિકતા છે. લોકોને પણ રાજકીય પક્ષોના હાથા બની અને ઝંડા લઈ નીકળી જવું છે.
કોઈનો વાહન ખાડામાં પડે,વાહનને નુકસાન થાય કે વ્યક્તિ જિંદગી ગુમાવે, પરંતુ જ્યાં સુધી પોતાના કુટુંબ સુધી વાત નથી આવતી ત્યાં સુધી પક્ષ વિપક્ષના ઝંડા તેમના મગજમાંથી નીકળતા નથી.
અમારા ચુનિયાનું વર્ષો જૂનું ખખડધજ સ્કૂટર જે ભંગારવાળા એ ઉપાડી જવાના ૨૦૦૦ રૂપિયા માગ્યા હતા તેને ઢસડી અને એક ભૂવા પડેલા રસ્તા પર લઈ જઈ અને ખાડામાં ઘા કર્યો. કોર્પોરેશન પર કેસ કરી અને ઓળખીતા ડોક્ટર પાસે ૫૦ ૫૦% મંજુર થતી રકમનું સેટિંગ કરી દાખલ થઈ ગયો. બે દિવસમાં સ્કૂટર પેટે ૫૦૦૦ અને સારવાર પેટે દસ હજાર રૂપિયા મળ્યા. હિસાબ કિતાબ પતાવી અને ૧૦૦૦૦ રૂપિયા ખિસ્સામાં નાખી એક મહિનો ટૂંકો કરશે.
વાત હસવા જેવી છે, પરંતુ તેની પાછળનું દર્દ એ છે કે લોકોએ બે છેડા ભેગા કરવા માટે ખોટું કરવું પડે છે.
આટલા ભંગાર રોડ, રસ્તા, પુલ, સરકારી મિલકતો ચણાય છે,બને છે, તૂટે છે પરંતુ આજ સુધીમાં કોઈ અધિકારી પદાધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કાયદાનો કોરડો વીંજાયો નથી.
હાસ્ય લેખ લખતા લખતા ક્યારે આક્રોશની ભાષા આવી ગઈ તે ખબર ન રહી, પરંતુ શું કરવું? હું પણ આ અદભુત દેશનો સામાન્ય નાગરિક છું- માત્ર બળાપો કાઢી જાણું. કહેવાય છે કે ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો પરંતુ આજકાલ ઈશ્ર્વર પણ ગાંધીજીના માર્ગે ચાલતો હોય તેમ કોઈને લાકડી ફટકારતો નથી.
સામાન્ય નાગરિક તરીકે સલાહ આપી શકું કે રસ્તા પર પાણી ભરાયા હોય તો વાહનો લઇ અને બને ત્યાં સુધી, કામ ન હોય તો ન નીકળવું. આપણા સગા વહાલાઓ જશે પરંતુ નીંભર, ભ્રષ્ટાચારીઓના પેટનું પાણી પણ નહીં હલે.
વિચારવાયુ:
નેતા પુત્ર: ડેડ , આખા ઘરના તમામ સભ્યોને આ છેલ્લા ૧૫ દિવસથી હેડકી આવે છે.
ભ્રષ્ટ નેતા: લોકો પણ નવરા છે રસ્તા પર વાહન લઇ અને નીકળવું ન જોઈએ ને? એટલો બધો શું ગુસ્સો કરવાનો? મારો પરિવાર હેરાન થાય છે.