અષ્ટપાદવાળો જીવ વીંછુડો
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
નવરાત્રીની ધૂમ મચાવીને માંડ શાંત પડેલાઓના પગનું કળતર હજુ ઓછું થયું નહીં હોય. નવરાત્રી મહોત્સવોના ધમધમાટ વચ્ચે એક ગીત દરરોજ ઓછામાં ઓછા એક વાર તો વાગતું જ હોય છે. એ ગીત છે “હંબો હંબો વીંછુડો, કાળો ભમ્મર વીંછુડો. આ ગીત વાગે અને ગરબે ઘૂમનારાઓના તન અને મન ડોલવા માંડે. વીંછુડો અને પાછો એ પણ કાળો ભમ્મર, આ શબ્દ જ વીંછીની ભયાનકતા ચીતરી આપે છે. આ ગીતના તાલે ખેલનારાનો આમનોસામનો જો સાચુકલા વીંછીડા સાથે થઈ જાય તો ભલભલા ચીસ પાડી ઊઠે. કારણ કે એ લોકગીતની બીજી કડી છે “અરરર માડી રે! મેઘલી રાતે કરડયો મા! વીંછુડો. મતલબ કે વીંછીડો કરડે તો કાળા બોકાહા નીકળી જાય! મજાની વાત એ છે કે નિર્દોષથી લઈને ભયાનક જીવ-જંતુઓ અને પ્રાણીઓ ન માત્ર આપણાં જીવનનો ભાગ છે, પરંતુ લોકગીતો, ઊર્મિ કાવ્યો, ગીતો, વાર્તા, નિબંધો અને ગઝલો સહિતના માનવ સંવેદનની કળાત્મક અભિવ્યક્તિઓ દ્વારા આપણે વિવિધ ભાવો દર્શાવવા માટે પ્રાણીઓનો પ્રતીકાત્મક સન્નીવેશ કર્યો છે.
આજે વીંછીની વાત કરવાની થઈ ત્યારે મને બાળપણમાં સાંભળેલી એક બાળકથા યાદ આવી ગઈ. મા મોચી સામે વેર લેવા નીકળેલા બહાદુર ચકાભાઈની વાર્તા માંડે. ગુસ્સામાં જોડુ મારીને ચકીને મારનાર મોચીને સજા આપવા કટિબદ્ધ ચકો, એને સહયોગ આપતા દેડકો, વીંછી તો ઠીક, પણ પોદળા અને કૂવાની રોમાંચક કહાનીમાં ચકીનો કાતિલ મોચી અંતે વીંછીના ડંખથી ઘાંઘો થઈને કૂવામાં પડીને મૃત્યુ પામે છે અને રાજાએ ખાધું પીધું અને રાજ કર્યું! બાળપણમાં ગામડામાં વીંછી બહુ જોયેલા. ડુંગરા અને વગડામાં રખડવા જતો ત્યારે પથ્થરા ઊંચકીને વીંછી શોધતા, મળી આવે એટલે એક દોરાનો ગાળિયો બનાવી તેની ડંખીલી પૂંછડીમાં ભરાવીને તેને કબજે કરી, બાકસના ખોખામાં ભરી દેતાં. એક દિવસ બપોરના એકાંતમાં હાથ પર વીંછીની સવારી કાઢતા મા જોઈ ગયેલી, પછી તો તમે સૌ જાણો જ છો કે શું થયું હશે? ના રે ના, માએ માર્યો નહોતો, એ તો બિચારી મને ખાલી જોર જોરથી અડી હતી! હા હા હા…
તો ચાલો વીંછીડા વિશે થોડું અવનવું જાણીએ. આપણે સામાન્ય રીતે વીંછીની એક બે જાતો જોઈ હોય છે, અને આપણને એ વાતની પ્રતીતિ પણ નથી હોતી કે આપણે જોયેલા બે વીંછી અલગ અલગ જાતિના વીંછી હોઈ શકે છે. આપણે મન તો વીંછી એટલે વીંછી, અને કરડે તો વીંછી ઉતારનારા પાસે જવાનું હોય. પરંતુ આ પૃથ્વીની માલિપા એન્ટાર્કટિકા નામના ખંડને મેલીને આપણો વીંછુડો તમામ ખંડમાં જોવા મળે છે. પૃથ્વીના ઉષ્ણકટિબંધીય તમામ વિસ્તારોમાં તેના કુળ અને તેની જાતિઓની સંખ્યા વધારે છે અને જેમ જેમ નીચેની તરફ ઉતારો તેમ તેમ તેની વિવિધતા ઓછી થતી જાય છે. વીંછી આજે પણ જીવતો હોય તેવો સૌથી જૂના જીવોમાંનો એક જીવ છે. અશ્મિના રેકોર્ડ પરથી સાબિત થયું છે કે જે દરિયાઈ પ્રાણીઓ લગભગ ૪૨૦ મિલિયન વર્ષો પહેલા જમીન પર આવ્યા તેમાંનું એક પ્રાણી પ્રાચીન વીંછી પણ હતો. એટલે એક રીતે જોઈએ તો ડાયનાસોર લગભગ ૨૪૦ મિલિયન વર્ષો પહેલા જન્મ્યા હતા. અને આધુનિક માનવીઓ ફક્ત ૨૦૦,૦૦૦ વર્ષ જૂના છે. આનો અર્થ એ થાય કે પૃથ્વી પરની આપણી ઉંમરમાં આપણે વીંછી કરતાં લગભગ ૨,૧૦૦ ગણા નાના છીએ.
આપણે વીંછીઓ વિશે ઘણું ખોટું જ્ઞાન ધરાવીએ છીએ. આપણે માનીએ છીએ કે વીંછી જંતુ છે, પરંતુ ના, વીંછી અર્કનીડ એટલે કે આર્થ્રોપોડ યાને અષ્ટપાદ સમુદાયનું પ્રાણી છે. શબ્દાર્થ મુજબ આઠ પગવાળો જીવ. કહે છે કે લગભગ ૪૫૦ મિલિયન વર્ષો પૂર્વે વીંછીડાનું કદ ત્રણેક ફૂટ જેટલું હતું, અને આજે વિશ્ર્વમાં સૌથી મોટો વીંછી ૯ ઈંચનો છે. વીંછીની પ્રણય પદ્ધતિ રસપ્રદ હોય છે. કોઈ વીંછી ભાયડો વીંછણને પ્રપોઝ કઈ રીતે કરે એ જાણવા જેવું છે. ‘ફૂલ તુમ્હે ભેજા હૈ ખાતા મી, ફૂલ નહીં મેરા દિલ હૈ !’ ગીત વાગે અને વીંછણને જો જણામાં રસ પડે તો બંને એકબીજાના આંકડા પકડીને ગીતના તાલે ઝૂમતા હોય એમ આગળ પાછળ લયબદ્ધ નૃત્ય કરે છે અને અંતે હિન્દી ફિલ્મોની જેમ બાજુ બાજુમાં ઊભેલા બે ગુલાબના ફૂલ હવાની લહેરખીથી એકબીજાને લીપટી જાય છે. અને પછી જન્મે છે સૂંડલો ભરીને નાના નાના વીંછીડા. એ પણ કેટલા કલ્પના કરો… માદા વીંછણ સો એક જેટલા બચ્ચાંઓને જન્મ આપે છે. આટલા નાના જીવને સો બચ્ચાં એટલે સૂંડલો ભરીને જ કહેવાયને દોસ્ત…
આ બચ્ચાં જન્મે કે તરત જ કુદરતી સૂઝ-સમજણને અનુસરીને પોતાની માની પીઠ પર ચડી જાય છે. વૈજ્ઞાનિકોના મત મુજબ માદા વીંછી પીઠ પરના બચ્ચાંના ખોરાક માટે ચોક્કસ પ્રકારનું દ્રવ્ય કાઢે છે જે ખાઈને બચ્ચાં તાજામાજા થાય છે. અમુક જાતિઓના બચ્ચાં તો માની પીઠ પર બબ્બે વરહ સુધી ઘોડોઘોડો રમતા જોવા મળે છે. મજાની એક વાત એ છે કે તમામ વીંછીના શરીરમાં કોઈ એવું રસાયણ હોય છે જેના કારણે રાત્રે જો વીંછી પર અલ્ટ્રા વાયોલેટ લાઈટ નાખવામાં આવે તો તેઓ વાદળી રંગે ઝગમગી ઊઠે છે! અમુક વીંછીની જાતો તો એવી છે જેનું મોટાબોલીઝમ મંદ હોવાના કારણે તેમને એકાદ વર્ષ સુધી ભોજન ન મળે તો પણ જીવતા રહી શકે છે. પૃથ્વી પર હયાત અને ઓળખાયેલી ૧૫૦૦ જાતિઓમાંથી માત્ર ૨૫ જાતિઓ જ એટલી ઝેરી છે જેના ડંખથી માણવાનું મૃત્યુ નીપજી શકે છે. આ જાતિઓમાં નોર્થ આફ્રિકા અને મિડલ ઈસ્ટમાં જોવા મળતો ‘ડેથ સ્ટોકર’ અને ‘ઇન્ડિયન રેડ સકોરપિયન’ અને અરબસ્તાનનો ‘ફેટ-ટેઈલ્ડ સ્કોરપિયન’નો સમાવેશ થાય છે.
પરંતુ આપણાં વીંછી ભાઈના ડંખથી માત્ર મૃત્યુ જ થાય છે એવું નથી, પરંતુ તેનામાં જીવન રક્ષક ગુણો પણ રહેલા છે. વૈજ્ઞાનિકોના મતે વીંછીના વિષમાં અનેક પ્રકારના ટોક્સિન્સ હોય છે જેમાં ન્યૂરોટોક્સિન, કાર્ડિયોટોક્સિન, નેફ્રોટોક્સિન અને હિમોલિટીક ટોક્સિનનો સમાવેશ થાય છે. આ સિવાય હિસ્ટામાઈન, સેરોટોનીન અને ટ્રાય્પ્ટોફાન જેવા રસાયણો પણ તેના ઝેરમાં જોવા મળે છે. આજના વૈજ્ઞાનિકોએ વીંછીના વિષમાંથી માનવ કલ્યાણ માટેના ઉપાયો અને ઉપયોગ શોધી કાઢ્યા છે. વીંછીડાના વિષમાંથી કેન્સર, બેક્ટેરિયલ અને ફન્ગલ ઇન્ફેક્શન, અને સંધિવા સામે લડવા માટેની દવાઓ પણ બની રહી છે.