વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ : એડિનબરામાં ફેસ્ટિવલ ટાઇમે ટૂરિસ્ટ ઓવરફલો…

  • પ્રતીક્ષા થાનકી

સ્કોટલેન્ડના આરગાયલ રિજનમાં ‘ગેલી ઓફ લોર્ન’ ઇનથી સવારે નીકળ્યાં ત્યારે અંદાજ ન હતો કે આ સ્થળ સાથે આટલું અટેચ થઈ જવાશે. અહીંની નાનકડી જુનવાણી કરિયાણાની દુકાનથી દૂધની બોટલ લીધી, રસ્તા માટે થોડાં સ્કોન્સ અને ચિપ્સ તો સાથે હોય જ. અહીંથી એડિનબરા તરફ જવામાં મિક્સ્ડ ફીલિંગ્સ હતી.

એક તરફ ફ્રિન્જ ફેસ્ટિવલમાં જઈને આ ટ્રિપની હાઇલાઇટમાં ડૂબી જવાનું હતું. છતાંય એમ લાગવા માંડેલું કે જાણે અમે હાઇલાઇટ ઓલરેડી અનુભવી ચૂક્યાં હતાં. આરગાયલની પોતાની ઇકોસિસ્ટમ છે. ઓબાન સિવાય અહીંનાં સ્થળો મેઇનસ્ટ્રીમ ટૂરિસ્ટ સ્પોટ લિસ્ટમાં ન હોવાની નવાઈ લાગS છે. આરગાયલથી નીકળ્યા પછીના ચાર કલાક એક મજેદાર રોડ ટ્રિપમાં પલટાઈ ગયા હતા.

લોખ ક્રેગનિશ અને લોખ લોન્ગ વચ્ચે સતત વરસાદ હતો. વાદળો પણ સાવ પહાડો અને ટેકરીઓથી સાવ નીચે આવીને અલગ જ માહોલ ઊભો કરતાં હતાં. રેન્ટલ કાર એડિનબરામાં પાછી આપવાની હતી. તેમાં આરગાયલના ટાપુઓ પર ઘણા જલસા થયા હતા. હજી છેલ્લા કલાકોમાં અમે વરસાદી વાતાવરણમાં જૂનાં ૧૯૫૦ દશકનાં હિંદી ફિલ્મનાં ગીતો સાથે કોર મેમરી બનાવી રહૃાાં હતાં.

રસ્તામાં ક્યાંય રોકાવાનું ન બન્યું. હવે શક્ય એટલું જલદી એડિનબરા પહોંચવું હતું. છતાંય ટ્રાફિકના કારણે ફાસ્ટ જવાનું પણ શક્ય ન હતું. તેનો અમે જરાય અફસોસ કર્યો નહીં. રસ્તા ખાલી હોત તો ધીમે ચલાવવું ખરેખર અઘરું બની ગયું હોત. સમર વેકેશનરના ટૂરિસ્ટ અને લોકલ ટ્રાફિકમાં અમે ધીમે ધીમે સરકતાં ગ્લાસગોવ બાયપાસ કર્યું. ત્યારે વાત થઈ કે હજી અઠવાડિયું પણ નથી થયું અને અહીંના રસ્તાઓ એકદમ જાણીતા થઈ ગયા હોય તેવું લાગતું હતું.


Also read: મસ્તરામની મસ્તી : આ ઠંડી ઓપિનિયન પોલ જેવી છે…


એડિનબરાનું સેન્ટર અત્યંત જુનવાણી ઇમારતોથી લદાયેલું ગીચ ઓલ્ડ સિટી છે. જેણે પણ ત્યાંનો ફોટો પણ જોયો હોય તે એમ કહી શકે કે ત્યાં કાર ચલાવવાનું સરળ નહીં રહેતું હોય. અમે પણ લાસ્ટ વિઝિટમાં થોડા દૂર સબર્બમાં રહેલાં અને રોજ સવારમાં બસ લઈને એડિનબરા પહોંચતાં.
આ વખતે પણ અમને શહેરમાં કારની કોઈ જરૂર ન હતી, પણ તેને પાછી આપવા માટે સેન્ટરમાં રેન્ટલ કાર કંપની જવું પડે તેમ હતું. તેના માટે ઓલ્ડ સિટી તરફનો બ્રિજ ક્રોસ કર્યો અને જાણે દુનિયા સાંકડી થઈ ગઈ. સાધારણ દિવસે જરા પણ ટ્રાફિક વિના રોયલ માઇલ નજીક કાર લઈને જવા માટે એકદમ એલર્ટ રહેવું પડે.

તે સમયે બપોરના લંચ ટાઇમે રવિવારે ઉનાળાના વેકેશનમાં આવેલાં ટૂરિસ્ટ, ફ્રિન્જ માટે આવેલી ઓડિયન્સ, ઓપેરા ફેસ્ટિવલનાં ફેન્સ, સ્થાનિક લોકો અને ફલોયરિંગ કરવા નીકળેલાં વોલન્ટિયર વચ્ચે માહોલ એડિનબરાનો હતો, પણ ભીડ મુંબઈ કે કોલકોતાની. રોયલ માઇલની પેરેલલ ગલી પણ સરકવામાં અચાનક જ ભીડનું મોજું જોઈ શકાતું હતું.

માર્કેટ સ્ટ્રીટ પર હોટલની નજીક જ કાર પાછી આપવાની હતી. થોડી મિનિટોમાં ભારે ભીડ વચ્ચેથી નીકળવામાં જાણે દિવસે તારા દેખાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને ટેક્સી ડ્રાઇવરો સિવાય અહીં આવવાનું જોખમ લોકો ખાસ લેતા નહીં. એક વાર કારનો ભાર અમારા ખભા પરથી ઊંચકાયો પછી ખરી મજા શરૂ થઈ. રોયલ માઇલમાં દરેક લેયરનાં ટૂરિસ્ટ હતાં. સ્કૂલ વેકેશનમાં પરિવારો અહીં હેરી પોટર લોકેશન્સ હન્ટ કરી રહૃાાં હતાં.

ઘણાં એમ જ સમરમાં એડિનબરાનો કિલ્લો ચઢવા આવેલાં. સૌથી મોટી સંખ્યામાં ત્યાં ફ્રિન્જ કોમેડી ફેસ્ટિવલનાં સ્ટ્રીટ પરફોર્મન્સ જોવા માટે રોકાયેલાં લોકોની ભીડ હતી. ફ્રિન્જની આ શહેર પર એવી અસર હતી કે દરેક હોટલ, બીએન્ડબીના ભાવ ત્રણ ગણા કે વધુ થઈ ગયા હતા. આજકાલ આ ઇફેક્ટ કોઈ પણ કોન્સર્ટ, સ્પોર્ટ ઇવેન્ટ, કલ્ચરલ ફેસ્ટ, જે પણ શહેરમાં કંઈ લોકપ્રિય બને ત્યાં હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને ખાસ કમાણી થાય છે. તેમાંય આ વર્ષે તો ખાસ પોસ્ટ-કોવિડ ડેસ્પરેટ થઈ મજા કરવા નીકળી પડેલી ભીડ જોવા મળી છે. અમે પણ એ જ ભીડનો હિસ્સો હતાં.

તે દિવસે હજી એડિનબરા ફ્રિન્જનો બીજો જ દિવસ હતો. આગલા દિવસે ફ્રિન્જની પરેડ પણ થઈ હતી. જો આજે આવો માહોલ હતો, તો પરેડમાં તો લોકો એકબીજાને ભટકાતાં જ હશે. રોયલ માઇલ પર અમને પણ લોકો ભટકાઈ રહૃાાં હતાં. અહીં પહોંચતા પહેલાં ઘણા કલાકોની હાઇક પ્રેક્ટિસ થઈ ચૂકી હતી એટલે સારું હતું.

ખાસ તો એટલા માટે કે એડિનબરા ઢોળાવોનું શહેર છે. એટલું જ નહીં, એડિનબરા ચાલવાનું શહેર પણ છે જ. જે શહેરના મધ્યમાં એક ભવ્ય પહાડ બધાંને હાઇક કરવા બોલાવતો હોય ત્યાં બીજી શું અપેક્ષા રાખી શકાય. પહેલો કલાક તો લોકોના સમુદ્રને પાર કરીન્ો એક પોપ્યુલર ઇન્ડિયન રેસ્ટોરાં પહોંચવાનો હતો. અમે આ વખતે એક દેસી પેક્ટ કરેલી. એડિનબરામાં રોજ અલગ ઇન્ડિયન રેસ્ટોરાં ટ્રાય કરીશું. લંચ માટે પહેલું રેસ્ટોરાં પહોંચ્યાં, ત્યાં તરત જ ફ્રિન્જનાં ફલાયર જોવા મળી ગયેલાં. અમે ફ્રિન્જ માટે તો પૂરતી તૈયારી કરીને આવેલાં. તે દિવસે બપોરથી અમારા બાકીના દિવસો મોટાભાગે સ્ટેન્ડ અપ કોમેડી ઓડિયન્સ બનવામાં નીકળવાના હતા.


Also read: શરદ જોશી સ્પીકિંગ : કૉમ્પ્રોમાઇઝની કળા: લગ્નથી લડાઈઓ સુધી….


યુકેમાં ભારતની બહારનું બેસ્ટ દેસી ફૂડ મળે છે તે અવારનવાર અનુભવવા મળતું રહ્યું છે. આ વખતે જરા નવો ટ્રેન્ડ જોવા મળ્યો. મોટાભાગનાં રેસ્ટોરાં ઇન્ડિયન વાનગીઓને સ્પેનિશ ટાપાસ સ્ટાઇલમાં પ્રેઝન્ટ કરી રહૃાાં છે. ખાસ કરીને વેસ્ટર્ન લોકોને તે પણ સમજાવી રહૃાાં છે કે બે લોકો વચ્ચે ત્રણ-ચાર વાનગીઓ ઓર્ડર કરીને શેર કરો.

વેસ્ટર્ન ઇટિંગ આઉટ કોન્સેપ્ટ એ છે કે જેણે જે ઓર્ડર કર્યું હોય તે એક જ ડિશ ખાવી, શેરિંગ થાય તો પણ ખાલી ચાખવા પૂરતું જ. તેના બદલે બધાંને એ બધી કરીઝ શેર કરીને માણવાનું જરા સમજાવવું પડી રહ્યું છે. ભારતીય ભાણું હવે અલગ અલગ સ્વરૂપમાં દુનિયામાં મેઇનસ્ટ્રીમ બની ગયું છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં સાવ ઘર જેવું તો નહીં, પણ ઘરથી નજીકનું જમવાનું તો મળી જ જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button