અર્થતંત્ર – મંદી ને ‘બેક ટુ બેઝિક’નો આદર્શવાદ!
વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપ- અમેરિકાએ વેઠેલી ભયંકર આર્થિક મંદીએ ડાઈનિંગ ટેબલનું સ્વરૂપ બદલી નાખેલું
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
માણસને ખોરાક વિના ચાલતું નથી. કાળક્રમે મનુષ્ય પોતાનો ખોરાક બદલતો રહે છે. આદિમાનવ ભૌગોલિક પરિસ્થિતિને આધીન ખોરાકમાં બદલાવ કરતો તો આધુનિક માનવ આર્થિક પરિસ્થિતિઓને આધીન બદલાવ સ્વીકારે છે. આનું શ્રેષ્ઠ અને પ્રમાણમાં ઘણું તાજું કહેવાય એવું ઉદાહરણ એટલે કોરોના કાળ.
કોરોનામાં લગભગ બધાના ધંધા-રોજગાર બંધ હતા. એ સમયે એક સુખી-સંપન્ન વર્ગ હતો, જે રોજ નવી નવી રેસિપી ટ્રાય કરીને સોશિયલ મીડિયા પર સમય પસાર કરતો. બીજી તરફ એક મોટો વર્ગ હતો, જે રોજ ઊઠીને પરિવારના પેટનો ખાડો શાનાથી ભરવો એની વિમાસણમાં રહેતો. ઘરમાં જે કંઈ રાશન હતું અને સ્વૈચ્છિક-સરકારી સંસ્થાઓમાંથી જે કંઈ સામગ્રી ઉપલબ્ધ થતી એમાંથી ઘણાએ પોતાનું ગાડું ગબડાવ્યું.
ઘણા એવાય હશે, જેણે વખાના માર્યા પોતાના ભોજનમાં કેટલાક ‘યુનિક કોમ્બિનેશન્સ’ ટ્રાય કર્યા હોય. આજે આવા જ વખાના માર્યા યુનિક ફૂડ કોમ્બિનેશન્સની વાત કરવી છે.
‘ગ્રેટ ડિપ્રેશન ’ તરીકે ઓળખાતી ઐતિહાસિક મંદીના દિવસોમાં અડધા ઉપરનું યુરોપ-અમેરિકા ભૂખે મરતું હતું. આ વિશ્ર્વવ્યાપી આર્થિક મંદી ૧૯૨૯માં શરૂ થઈ ને લગભગ ૧૯૩૯ સુધી ચાલી. પશ્ર્ચિમી વિશ્ર્વએ અનુભવેલી આ સૌથી લાંબી અને સૌથી ગંભીર મંદી હતી, જેણે આર્થિક સંસ્થાઓ, આર્થિક નીતિઓ અને આર્થિક સિદ્ધાંતોને ધરમૂળથી બદલવામાં મોટો ભાગ ભજવ્યો.
અમેરિકામાં એની ઘેરી અસર જોવા મળી. કહે છે કે વિશ્ર્વને બીજા વિશ્ર્વયુદ્ધ તરફ ધકેલતા કારણોમાં એક મુખ્ય કારણ આ મહાન આર્થિક મંદીનું પણ હતું. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે મોટા ભાગની પ્રજા માટે રોજ ઊઠીને પેટનો ખાડો કેમ પૂરવો, એ જ સૌથી મોટી સમસ્યા હતી.
પ્રજા પોતપોતાની રીતે રસ્તો શોધતી રહી. આવો જ એક રસ્તો હતો ‘વિનેગર પાઈ’ આરોગવાનો. પ્રજાને લીંબુ મોંઘા પડતા હતા. શાકભાજી કે પછી
અમેરિકન-યુરોપિયન્સ પ્રજાનો મુખ્ય ખોરાક ગણાતા મીટ એટલે કે માંસની કિંમત સામાન્ય માણસના ગજા બહારની ગણાતી. શબ્દશ: લોટ ફાકીને દિવસ કાઢવા પડે એવી હાલત હતી. જો કે, આ લોટને લુખ્ખો ફાકાવાને બદલે એમાં થોડો રસો ઉમેરવામાં આવે અને સાથે જ થોડી મીઠાશ-તીખાશ વગેરે ઉમેરવામાં આવે તો ‘જલસો’ થઇ જાય કે નહિ?! કદાચ આવું જ કંઈક વિચારીને કોઈ ભેજાબાજે ‘વિનેગર પાઈ ’ નામની વાનગી બનાવવાનું ચાલુ કર્યું, જેને ઘણા પરિવારે અપનાવી લીધી.
વિનેગર એટલે સરકો. એમાં લોટ, ખાંડ અને ઈંડા ઠાલવી દો એટલે ‘સ્વાદિષ્ટ’ વાનગી તૈયાર! બજારમાંથી કશું ખરીદવાની ત્રેવડ ન હોય ત્યારે પ્રજાએ ‘આવા ભોજન’થી જ ઓડકાર ખાઈ લેવો પડે. અન્ય એક રસપ્રદ ડિશ હતી : ‘ગાર્બેજ પ્લેટ’. જો કે લોકો કચરાપટ્ટી ફેંદીને ભેગો કરેલો કચરો નહોતા આરોગતા.
શ્રમજીવી વર્ગના લોકોને શારીરિક શ્રમને કારણે દર પાંચ-છ કલાકે કંઈક પેટમાં નાખવા જોઈતું. આ ખાધને પૂરવા માટે ‘ગાર્બેજ પ્લેટ’ નામની ડિશ ‘ડિઝાઈન’ કરવામાં આવેલી. એમાં રેસિપીના કોઈ નિયમો નહોતા, બલકે જે કંઈ ખાદ્ય પદાર્થો હાથવગા હોય એનો ઢગલો પ્લેટમાં ઠાલવી દેવાતો. દાખલા તરીકે મેક્રોની તરીકે ઓળખાતા ઇટાલિયન પાસ્તા હોય, એના પર શેકેલા કઠોળ પાથરી દેવાતા. જો બટાકાનો મેળ પડે, તો બટાકાના તળેલા ટુકડા ય પથરાતા. વળી સૌથી ઉપર સમારેલો કાંદો, કેચ-અપ અને મરચાના ટુકડાનો ‘શણગાર’ કરવામાં આવતો. બ્રેડનો મેળ પડી જાય તો આ બધું બે બ્રેડની વચ્ચે દબાવીને ‘સેન્ડવિચ’ તરીકે આરોગવામાં આવતું, નહીંતર આખો ઢગલો જૈસે થે પ્લેટમાં પીરસાઈ જતો પરિણામે પ્લેટનો દેખાવ એવો રહેતો કે જાણે જુદા જુદા ઘરેથી ભેગી કરેલી સામગ્રી ઠાલવી હોય! એટલા માટે જ પ્લેટનું નામ પડ્યું ‘ગાર્બેજ પ્લેટ’. બાકી નામમેં ક્યા રખ્ખા હૈ બોસ, પેટનો ખાડો પુરાય એટલે ઘણું.
એ જ્માનામાં (૧૯૩૩ થી ૧૯૪૫) ફ્રેન્કલિન ડી. રુઝવેલ્ટ અમેરિકાના પ્રમુખ હતા. ફર્સ્ટ લેડી એલિનોર રુઝવેલ્ટ પોતે પણ રાજકારણમાં રસ લેતા. એમનું એક ક્વોટ ઘણું પ્રખ્યાત છે : The future belongs to those who believe in the beauty of their dreams.’ અર્થાત, ‘ભવિષ્ય એ લોકોનું છે જેમને પોતાના સપનાની સુંદરતામાં વિશ્ર્વાસ છે…
જો કે, સપનાં જોવા માટે પહેલાં પેટનો ખાડો તો ભરવો પડે ને?! એલિનોર રુઝવેલ્ટ એ સમયે હોમ ઇકોનોમિક્સ મૂવમેન્ટના હિમાયતી’ તરીકે જાણીતાં. ‘હોમ ઇકોનોમિક્સ’ એટલે ઘર ચલાવવા અંગેનું શિક્ષણ, જેને આપણે ત્યાં ‘હોમ સાયન્સ’ તરીકે ઓળખવામાં આવે છે.
મહામંદીને પ્રતાપે જ્યારે આખો દેશ ભૂખમરાથી પીડિત હતો, ત્યારે ફર્સ્ટ લેડી એલિનોરે પણ એક ડિશની રેસિપી રજૂ કરી. આ ડિશ એટલે પ્રૂન પુડિંગ (Prune Pudding). પ્રૂન એટલે આપણે જેને આલુ (અથવા જરદાલુ) તરીકે ઓળખીએ છીએ એનું સૂકાયેલું સ્વરૂપ.
પુડિંગ એટલે સામાન્ય રીતે ભોજન બાદ પીરસવામાં આવતું મીઠું પકવાન. મહામંદીના સમયમાં ફળો મોંઘાદાટ હતા એટલે અમેરિકન ફર્સ્ટ લેડીએ પુડિંગમાં ફળોની કોઈ આઇટમ પીરસવાને બદલે સીધાસાદા સસ્તા જરદાલુની વાનગી બનાવી કાઢી. જરદાલુની સાથે સાથે બેકિંગ પાઉડર, મિલ્ક, બટર અને વેનિલા જેવી સામગ્રીમાંથી પ્રૂન પુડિંગ બનાવવામાં આવતા.
હવે તમને થશે કે ગરીબના ઘરમાં બટર અને વેનિલા રોજ ક્યાંથી હોય? અરે, એ તો જવા દો, મુખ્ય ભોજનના જ વાંધા હોય ત્યાં મુખવાસ જેવા પુડિંગની ચિંતા કોણ કરે? ટીકાકારો માને છે કે પ્રૂન પુડિંગ એ એલિનોરનું પોલિટિકલ સ્ટંટ માત્ર હતું. પોતાની આ વાનગીનો પ્રચાર કરવા માટે એલિનોર પોતાના પતિ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને પણ પ્રૂન પુડિંગ જ પીરસતા, ખાસ કરીને વ્હાઈટ હાઉસમાં મહેમાનો જમવા આવ્યા હોય ત્યારે!
તમને કદાચ ફ્રાંસની રાણી યાદ આવતી હશે, જેણે પાઉં ન મળતા રોષે ભરાયેલા ગરીબ પ્રજાજનોને ડબલરોટી ખાવાનો વિકલ્પ સૂચવેલો! જો તમને વાંચવાનો અને ઇતિહાસનો શોખ હશે તો આપણા ઘરઆંગણે પડેલા છપ્પનિયા દુકાળ વિષે ખબર જ હશે. કહે છે કે એ કપરા કાળમાં કાળા માથાનો માનવી પેટનો ખાડો પૂરવા ન ખાવાનું ય ખાઈ લેતો! ગ્રેટ ડિપ્રેશન સમયે અમેરિકન-યુરોપિયન પ્રજાની હાલત પણ કંઈક આવી જ હતી. આ લોકો ‘રોડ કિલ્સ’, એટલે કે રસ્તા ઉપર કોઈ વાહનની અડફટે આવીને મરી ગયેલાં પશુઓના મૃતદેહોય ઘરે ઉપાડી લાવતા અને જો મૃતદેહ તાજો જણાય તો એનું માંસ રાંધીને હોંશે હોંશે ખવાતું! મરતા ક્યા ન કરતા! તમને યાદ હશે કે કોરોના સમયે આપણે બધા એકદમ પ્રકૃતિ પ્રેમી થઇ ગયેલા.
દરેક વ્યક્તિ પોતાના ઘરના કુંડામાં કંઈક ઉગાડવાનાં સપનાં જોતો. કેટલાકે તો ઘરે જ ગાય-ભેંસ પાળવા સુધીનું પ્લાનિંગ કરી નાખેલું! ગ્રેટ ડિપ્રેશન સમયે ત્યાં પણ એવું જ થયું. અનેક લોકો સસ્તું શાકભાજી અને ફળો મેળવવા માટે ઘરની પાછળ પડેલી ફાજલ જમીનોમાં નાની-મોટી ચીજો ઉગાડવાના પ્રયત્નો કરવા લાગેલા. બધા જાણે ‘બેક ટુ નેચર’ની વાતો કરતા થઇ ગયેલા.
તમે મોકળે મને વિચારશો તો સમજાશે કે તકલીફ મોટું સ્વરૂપ ધારણ કરે અને પેટ ભરવાના ય ફાંફા થઇ જાય ત્યારે માણસ બધું બાજુએ મૂકીને ભોજનના પ્રાથમિક સ્વરૂપ તરફ પાછો વળે છે. બધાને ખેતી અને પશુપાલન યાદ આવવા માંડે છે, પણ જેવી જરા સરખી સમૃદ્ધિ આવે કે તરત હતા ત્યાં ના ત્યાં! આજની અમેરિકન-યુરોપિયન ટીનએજર પેઢી ખોરાકનો કેટલો વેડફાટ કરે છે એના આંકડા ચોંકાવનારા છે. આપણે ત્યાંય કોરોના સમયે પ્રાથમિક જરૂરિયાત સંતોષતા ‘કુદરતી જીવન’ની વાતો કરનારા પૈકી કેટલા પોતાની વાતમાં ટકી રહ્યા છે એ સર્વેનો વિષય છે.
ખેર, ભારતીય સંસ્કૃતિ અન્નને બ્રહ્મસ્વરૂપ ગણાવે છે. ખોટા નખરા કરવાને બદલે આજે જે ખોરાક મળે છે એની કદર કરતા શીખવું જોઈએ, નહીંતર કુદરતને તમારો કાન આમળતા આવડે છે. અને રહી વાત અર્થતંત્ર અને મંદીની, તો કુદરતે વિશ્ર્વના સઘળા તંત્ર બનાવ્યા છે, પણ અર્થતંત્ર માણસે બનાવ્યું છે અને આ અર્થતંત્રે કુદરતના તંત્રમાં ઘણો ભાંગરો વાટ્યો છે. જો વધુ પડતા રૂપિયા કમાવાની લાલચ છોડીને માણસ ખેતી અને જંગલોના સંવર્ધન ઉપર પૂરતું ધ્યાન આપે, ‘બેક ટુ બેઝિક્સ’ (પ્રાથમિક જરૂરીયાતો) પર ફોકસ કરે તો વિશ્ર્વમાં કોઈ ભૂખ્યું ન સૂવે, પણ…