વીક એન્ડ

ખાવું, પીવું અને જવું … ટોયલેટ એક પ્રેમ કહાની

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

વર્ષો પહેલા એક ગુજરાતી વાર્તાએ સાહિત્યમાં ખેરખાંઓનું ધ્યાન આકર્ષિત કરેલું. નામ હતું પોલિટેકનિક. આપણને એમ થાય કે પોલિટેકનિકમાં એન્જિનિયરિંગમાં ભણતા છોકરાઓની કે પ્રોફેસરોની વાત હશે, પરંતુ ના . . . વાર્તા તો હતી એક શહેરમાં ગરીબ વસ્તીની સ્ત્રીઓની રાત્રે જાજરૂ જવાની જગ્યા છીનવાઈ જવાની અને એના કારણે એ સ્ત્રીઓની પીડાની. એવી પણ અફવા છે કે આ વાર્તાના આઈડિયાને કોપી પેસ્ટ કરીને અક્ષયકુમારનું ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કહાની બનાવવામાં આવી છે. આ વાર્તાના લેખક સાગરાપેટા મહેન્દ્રસિંહે દીવાની દાવા કરવાનું માંડી વાળેલું અને એના કારણે એ ફિલ્મના નિર્માતા ડિરેક્ટરને આજે પણ પેટ સાફ આવતા હશે!

ખેર . . . એક જ જગ્યા અને એક જ પ્રક્રિયા માટે જાજરૂ, સંડાસ, ટોઇલેટ, લૂ, પાયખાનું જેવા અનેક શબ્દો અસ્તિત્વમાં છે. આપણે માનવ અને સુસંસ્કૃત પ્રાણી હોવાને નાતે એવું માની બેઠા છીએ કે પ્રવર્તમાન તમામ સમાજ વ્યવસ્થાઓના સર્જનહારા આપણે જાતે અને પોતે જ છીએ. સવારે ઉઠો અને પેટમાં વળ ચડે ત્યારે દરેક વ્યક્તિના પગ તેને એક જ દિશામાં લઈ જશે. જેમ આ સ્થળના અનેક નામ છે, તો એ સ્થળમાં થતી પ્રક્રિયાના પણ અનેક નામ છે . . . જાજરૂ જવું, સંડાસ જવું, ડબલે જવું, જાડે જવું, સીમમાં જાવું, ટટ્ટી કરવી, પોટ્ટી કરવી વોશરૂમમાં જવું અને આજકાલના જવાનીયાઓ તો ફ્રેશ થવું જેવા શબ્દો પણ વાપરે છે. પ્રભુ . . . યે કયા વિષય લે કે બઈઠા હૈ યે આદમી . . . પણ બીડુ . . . મારે જે કહેવાનું છે એ માટે મારે ટોઈલેટની હિસ્ટરી પણ ખંગાળવી પડશે .

. . છીઈઈઈ . . .
તો કાન માંડીને સાંભળો, બિફોર ક્રાઇસ્ટ ૨૫૦૦ની સાલમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષોમાં, બિફોર ક્રાઈસ્ટ ૨૧૦૦ વર્ષો પહેલાં ઈજિપ્શીયન સંસ્કૃતિમાં આધુનિક ટોઈલેટનો પાયો નખાયેલો. પણ આ વાત કાઇ કોલર ઊંચા કરવા જેવી નથી, કારણકે જ્યારે માનવ આદિમ અવસ્થામાં હતો ત્યારે પણ પ્રાગ-ઐતિહાસિક સમયમાં આશરે ૨૭૦ મિલિયન વર્ષ પૂર્વે ડાયસિનોડોન્ટ નામનું એક પ્રાણી હતું જે પોતાના આવાસથી થોડે દૂર એક નિયત જગ્યા પર સામૂહિક શૌચ પ્રક્રિયા કરતું હતું. એની તો . . . હા અને આ ડાયસિનોડોન્ટના આ સંડાસને વિશ્ર્વનું સૌથી જૂનું સામૂહિક સંડાસ માનવામાં આવે છે. સુસંસ્કૃત હોવાના આપના ઘમંડને ચકનાચૂર કરી નાખે તેવી પ્રાણીઓના ટોયલેટ સિસ્ટમ અંગે આપણે આજે જોઈશું, અને પછી વિચારીશું કે સાલા સુસંસ્કૃત કોન હૈ?

એવું થોડી છે કે માત્ર માણસે જ સંડાસ બનાવ્યા છે? કીડી તેમના પોતાના આવાસમાં શૌચાલય માટે નક્કી કરેલા ચોક્કસ વિસ્તારનો જ ઉપયોગ કરે છે. જાનવરો અને એમાં પણ ખાસ કરીને જંગલી જાનવરો અલગ સામૂહિક ટોઈલેટ્સનો ઉપયોગ કરે છે. આવાં પ્રાણીઓમાં વિદેશી રેકુન, ઘોરખોદિયા, ઝરખ, હાથી, મૃગ અને હરણાઓની મોટા ભાગની જાતિઓ, ઘણી જાતની ગરોળીઓ અને જંગલી ઘોડા પણ નિયત જગ્યા પર ટોઇલેટ કરે છે. એક મજાની વાત એ છે કે હરણા અને મૃગની જાતિઓ મોટે ભાગે જંગલના સૂકા અને રેતાળ વિસ્તારમાં સંડાસ કરે છે જેથી એ વિસ્તારો પણ ફળદ્રુપ અને સમૃદ્ધ બની જાય.

અમુક પ્રકારના ગીધ ઉનાળાના ભયાનક તાપમાં પોતાના શરીરના તાપમાનને કંટ્રોલ કરવા માટે પોતાના પગ પર જ લિક્વિડ ટટ્ટી કરી દે છે . . . અમુક જાતના કેટરપીલર શિકારી કીડીઓને છેતરવા માટે પોતાની પોટ્ટી એટલા જોરથી કરે છે કે તેની પોટ્ટી તેના શરીરની લંબાઈ કરતાં ચાલીસ ગણી દૂર ફેંકાઈ જાય છે. નોર્ધર્ન કોલર્ડ લેમિંગ નામનું એક પ્રાણીની પોટ્ટી રાત્રે અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં ચમકતી હોવાથી શિકારી પંખીઓ તેમને શોધી કાઢવાનો ભય રહે છે, તેથી આ પ્રાણીઓ ચોક્કસ જગ્યા પર જમીનની નીચે દરોમાં અલગ બનાવેલા પાયખાનાનો ઉપયોગ કરે છે. અમુક પંખીડાઓ પોતાના માળામાં ટટ્ટી કરતાં નથી પણ બહાર કરે છે, અને મજાની વાત એ છે કે માળામાં નાના બચ્ચા જે ટોઇલેટ કરે તેને પણ ઊંચકીને દૂર ફેંકી આવે છે! છે ને જબરું? ઘોરખોદિયા જમીન નીચેના પોતાના રહેઠાણમાં લિવિંગ રૂમ ખૂબ ચોખ્ખો રાખે છે અને ઘરમાં કદી ભોજન લઈને આવતા નથી. તેઓ ખાવાનું ઘરની બહાર અને જાવાનું ઘરથી થોડે દૂર એટલે કે જાવા માટે ખાસ ખોદેલા ખાડામાં જ ટોયલેટ કરે છે.

અંતે ઇન્ડોનેસિયાના બોર્નિયોના વર્ષાવનોમાં વસતી માઉન્ટેઈન ટ્રી શ્રુ મતલબ કે પહાડોમાં વૃક્ષ પર રહેતી છછુંદરીની આપણા આજના વિષય પરની સ્ટોરી અનોખી છે. આ છછુંદરી જે વૃક્ષો પર રહે છે તે જ જંગલોમાં એક પિચર પ્લાન્ટ નામનો શોકારી છોડ થાય છે. મોટે ભાગે જીવડાનો શિકાર કરતા આ છોડનો સબંધ શ્રુ સાથે અજાયબ છે. આ છોડને જીવતા રહેવા અને વિકાસવા માટે મોટે પાયે નાઈટ્રોજન વાયુની જરૂર પડે છે. ઢાંકણા વાળા પાણીના જગ જેવા આકારના પિચર પ્લાન્ટ પોતાના શિકારને આકર્ષવા માટે ઢાંકણ અને ઉપરના ભાગે મીઠો રસ બનાવે છે અને શ્રુબેનને સવારના નાસ્તામાં મીઠું કઈંક જોઈએ. આમ છછુંદરી સવારના પહોરમાં પોતાના વિસ્તારના પિચર પ્લાન્ટમાંથી મીઠો રસ પીએ. પછી શ્રુબેનને આવે પ્રેસર . . . આવા સંજોગોમાં છછુંદરી જે પ્લાન્ટમાંથી મીઠો મધુર રસ પીધો હોય એ જ જગના તળિયે સંડાસ પણ કરી લે . . . જહાં ખાતે હો, વહીં જાતે હો ? શરમ જૈસી કોઈ ચીજ હૈ કી નહીં? અરે પણ મિત્રો, પિચર પ્લાન્ટ અને છછુંદરી વચ્ચે એક એમ.ઓ.યુ. થયો છે કે એક હાથસે નાસ્તા દે, મૈ દૂસરે હાથ(!)સે તુમકો પોટ્ટી દૂંગી. છી છી છી . . . હવે જે રમત સમજવાની છે તે પરસ્પર અવલંબનની છે. સવારે છછુંદરીને પિચર પ્લાન્ટ પાસેથી નાસ્તો મળી રહે છે, અને ઉસ કે બદલે મે . . . શ્રુ જે ટટ્ટી આપે છે એમાંથી પિચર પ્લાન્ટને ઝડપી વિકાસ માટેનો જરૂરી નાઈટ્રોજન વાયુ મળી રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button