આઝાદીના જંગમાં જ્યારે આગ્રા જેલમાં થયા હતા ઐતિહાસિક મુશાયરા
પ્રાસંગિક – શાહિદ એ. ચૌધરી
અસહકાર આંદોલન મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ ચલાવવામાં આવેલું પહેલું જનઆંદોલન હતું. તેનો એક વ્યાપક આધાર હતો અને તેની એક વિશેષ વાત એ પણ હતી કે તેમાં દેશના શાયરો એ પણ આગળ પડતો ભાગ લીધો હતો અને પોતાની રચનાઓથી બ્રિટિશ સરકારના પાયા હચમચાવી દીધા હતા. આ શાયરોથી અંગ્રેજી હકુમત એટલી પરેશાન થઇ ગઇ હતી કે જેમના મુખેથી વિરોધી સ્વર ઉઠતાં તેમને સળિયા પાછળ ધકેલી દેતી.
ક્રાંતિકારી શહેર મેરઠમાં જ્યારે નજીર અહમદ જે મૌલાના ખુજંદીના નામથી પ્રખ્યાત હતા તેમણે એક જન વિરોધ સભામાં પોતાની આ પંક્તિઓ વાંચી હતી- ‘ શહીદો કે ખૂન કા અસર દેખ લેના,
મિટાયેંગે જાલિમ કે ઘર દેખ લેના,
કિસી કે ઇશારે કે મુંતજિર હૈ,
બહા દેંગે ખૂન કી નહર દેખ લેના!
બીજા જ દિવસે તેમને આગ્રાની જેલમાં બંધ કરી દેવાયા હતા, જ્યાં પહેલેથી જ પોતાની ઇન્કલાબી કલમને લઇને રઘુપતિ સહાય ‘ફિરાક ગોરખપુરી’, કૃષ્ણકાન્ત માલવીય, ચૌધરી મહમ્મદ‘અતહર’ મહાવીર ત્યાગી, અજિજ અહમદ‘જુબેરી’, રામપ્રસાદ મિશ્ર ‘તાલિબ’, જેવા ૩૨ શાયરો પહેલેથી જ મૌજૂદ હતાં. મૌલાના ખુજંદીના જેલમાં આનતાં જ મુહમ્મદ મુસ્તફાખાન ‘અહમક’ તેમના સ્વાગતમાં બોલી ઉઠ્યા હતા કે, ‘ જબ કફ્સમેં નૌ અસીરે દોસ્તાં દાખિલ હુએ,
ગુલ મચાયા હમ અસીરોને મુબારકબાદક!
(કફ્સ-કેદખાના), નૌ અસીર- નવો બંદી, હમ અસીરો- સાથી કેદી.
આ શાયરોને જેલમાં નાખવાનો ઉદ્દેશ તો એમના અવાજ પર તાળા લગાવવાનો હતો, પણ અંગ્રેજોની મોટી ભૂલ એ થઇ કે બધા જ ઇન્કલાબી શાયરોને એક જ જગ્યાએ આગ્રા જેલમાં બંધ કરી દીધાં. એનું પરિણામ એ આવ્યું કે જેમને રોકવા જેલમાં નાખવામાં આવ્યા હતાં એ લોકો સળિયા પાછળ આ જ પ્રવૃત્તિ કરવા લાગ્યા.
મૌલાના ખુજંદીના નેતૃત્વમાં આગ્રા જેલમાં ૨૨ જાન્યુઆરીથી ૨૯ માર્ચ, ૧૯૨૨ સુધીમાં ૧૧ મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશ્ર્વનો પહેલો અને છેલ્લો અવસર એવો હતો જ્યારે જેલમાં સરમુખત્યાર સરકારનો વિરોધ કરવા માટે મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય. શાયરોનો અવાજ જેલની દિવાલોને ચીરીને જાલિમ અંગ્રેજોના કાન સુધી ગુંજ્યો હતો.અંગ્રેજો હિન્દુ-મુસ્લિમની એકતાની આ મહેફિલને તોડવા ઉતાવળા થઇ ગયા અને એક એક કરીને બધા શાયરોને અલગ અલગ જેલોની કાલ-કોટડીમાં મોકલી દેવામાં આવ્યા.
ભારતીય સ્વતંત્રતા આંદોલનની આ એક એવી ઘટના છે જે સોનેરી શબ્દોમાં લખાવી જોઇએ. વિશેષ કરીને એ માટે કે તેનું સાહિત્યિક મહત્ત્વ પણ છે. આ ઘટનાની આપણને કદાચ ખબર પણ ન પડત અગક ડૉ. રાજવંતી માનને ઇંડિયા ઓફિસ, લંડનના જપ્ત કરેલા સાહિત્યના વિભાગમાંથી તરાના-એ કફ્સ (કેદખાનાના ગીતો)નામની પુસ્તિકા ન મળી હોત જેને કૃષ્ણકાન્ત માલવીયે અલાહાબાદ સ્થિત અભ્યુદય પ્રેસ દ્વારા ૧૯૨૨માં પ્રકાશિત કરી હતી. કૃષ્ણકાન્ત છુપ્પે છુપ્પે દરેક મુશાયરાનો સારાંશ પ્રેસના માલિક રામભરોસેને મોકલી દેતા હતા. આ પુસ્તિકાની ૧૫૦૦ નકલો છાપવામાં આવી હતી, જે કૃષ્ણકાન્તના એક શૅર -એક તોહફા હૈ અસીરો કા, જો કિ ખિદમતમેં પેશ હોતા હૈ-ની સાથે મફતમાં વિતરણ કરવાની હતી જેથી જનતામાં દેશપ્રમની અહાલેક જગાડી શકાય, પણ પુસ્તકોની બધી જ પ્રત જપ્ત કરીને લંડન સ્થિત ઇન્ડિયા ઓફિસમાં જમા કરાવી દેવામાં આવી હતી. સંજોગાવશાત ડૉ. રાજવંતી માનને આ પુસ્તિકાની એક નકલ ઇન્ડિયા હાઉસ, લંડનમાં જોવા મળી ગઇ. જેની તસવીરો તેમણે પોતાના મોબાઇલમાં લઇ લીધી અને શાયરોના જીવન તેમ જ કાર્યો સંબંધિત વધારાની માહિતી જોડીને નવુ પુસ્તક તૈયાર કર્યું, જેને નામ આપ્યું ‘આગ્રા જેલમાં બંદી કવિઓના મુશાયરા, ૧૯૨૨’આ પુસ્તકને ન્યૂ વર્લ્ડ પબ્લિશર્સ, નવી દિલ્હી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં આગ્રા જેલમાં યોજાયેલા મુશાયરાઓનું વિસ્તૃત વર્ણન છે જે ન ફક્ત આપણા શાયરોનો ઇન્ક્લાબી અરીસો છે, પણ ભારતીય સાહિત્યના ઇતિહાસમાં જે એક ખોટ રહી ગઇ હતી (મતલબ જપ્ત થયેલું સાહિત્ય) એ પણ પૂરી થઇ ગઇ.
અહીં બધા મુશાયરાઓનું વિવરણ આપવું શક્ય નથી, પણ ૨૦ જાન્યુઆરી,૧૯૨૨ના દિવસે આગ્રા જેલમાં આયોજિત પહેલા મુશાયરાને સંક્ષિપ્તમાં માણશો તો પણ ખબર પડશે કે એ મુશાયરાના તેવર કેવા હતાં.
આ મુશાયરામાં રજૂ થયેલા હસરત મોહાનીની પંક્તિઓ ( હૈ યે દર્દ જો શર્મિંદા-એ- દર્મા ન હુઆ) હતી. અબ્દુલ મજીદ ખ્વાજા ‘શૈદા’એ પોતાની ગઝલમાં કહ્યું હતું કે હું એટલા માટે દુ:ખી નથી, કારણ કે મારી કુરબાની વતન માટે છે- ‘મૈં વો જર્રા હૂં કિ પોશીદા હૈ સહરા જિસમેં, કૈદ હૈકર ભી અસીરે-ગમે-જિન્દા ન હુઆ. ફિરોકે પોતાની ગઝલમાં શાયરોના જેલમાં જે હાલ-હવાલ હતાં એને વ્યક્ત કરતા કહ્યું હતું કે ‘અહલે -જિન્દા કી યે મહફિલ હૈ સુબૂત ઇસકા ‘ફિરાક’, કિ બિખર કર ભી યે શીરાજા પરીશાં ન હુઆ.’ મૌલાના ખુજંદીએ કહ્યું કે ‘વતન પરસ્તો કો તોડને કે લિયે જેલ તો ક્યા કોઇ ભી જુલ્મ પર્યાપ્ત નહીં હૈ. ‘ઔર ઇર્જાદ કરો જુલ્મો -સિતમ કે અંદાજ, પૂરા મતલબ ન હુઆ આપકા હાં હાં ન હુઆ.’ મુહમ્મદ મુસ્તફા ખાન ‘અહમક’ હાસ્યવ્યંગ ના શાયર હતા. તેમણે તેમના આ મિજાજને જેલમાં પણ જાળવી રાખ્યો. કહ્યું કે -‘જેલખાને કે ચને જિસને કભી ચાબ લિયે, ફિર વો સાહબ સે મટન ચાપ કા ખ્વાહાં ન હુઆ.’
હફીઝુર્હમાને દેશપ્રેમને આ રીતે વર્ણવ્યો-‘ દિલ વો દિલ હી નહી જિસ દિલમેં ન હો દર્દે વતન, સર વો સર નહીં જો કૌમ પે કુરબાં ન હુઆ’ કૃષ્ણકાન્ત માલવીયે કહ્યું હતું કે ‘જિંદગી મૌત સે બદતર હૈ હમારે હક મેં, મુલ્ક કા અપને ગર ઇકબાલ દરખ્શાં ન હુઆ. ’
આ પંકિતઓથી તમને ખ્યાલ આવી ગયો હશે કે તે સમયે આગ્રા જેલમાં જે અગિયાર મુશાયરા યોજાયા હતાં તેમનું સાહિત્યિક અને ઐતિહાસિક દૃષ્ટિએ કેટલું અધિક મહત્ત્વ હતું જેને ભારતની નવી પેઢી સામે લાવવું કેટલું જરૂરી છે.